હીરો સાથે આઠ અને હિરોઇન સાથે નવ વ્યક્તિ સેટ પર આવતી હોવા વિશે ફારાહ ખાને કહ્યું...
ફારાહ ખાનની તસવીર
ફારાહ ખાન કુંદરને વર્તમાનમાં બૉલીવુડમાં આવેલો બદલાવ જરાય પસંદ નથી. તેનું કહેવું છે કે હવે સેટ પર ઍક્ટ્રેસિસ પોતાની સાથે ૯ જણને અને ઍક્ટર પોતાની સાથે ૮ જણને લઈને આવે છે. તેમનો ખર્ચ પ્રોડ્યુસરને ઉઠાવવો પડે છે. અગાઉ પણ ફારાહ કહી ચૂકી છે કે ઍક્ટરને જ્યાં સુધી ચાર વૅનિટી વૅન્સ ન મળે ત્યાં સુધી તેઓ શૂટિંગ શરૂ નથી કરતા. ઇન્ડસ્ટ્રીમાં આવેલા પરિવર્તન વિશે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફારાહ કહે છે, ‘હું એક બદલાવ લાવવા માગું છું કે વર્તમાનમાં કલાકારોની ટીમનો ખર્ચ ખૂબ વધી ગયો છે. એક ઍક્ટ્રેસ પોતાની સાથે સેટ પર ૯ લોકોને લઈને આવે છે તો એક ઍક્ટર ૮ જણની સાથે સેટ પર આવે છે. આ પૈસાની બરબાદી છે. ખરેખર તો આ ખર્ચ ફિલ્મમાં દેખાતો પણ નથી. એથી મારું માનવું છે કે એના પર કન્ટ્રોલ આવવો જરૂરી છે. એનાથી પ્રોડ્યુસર્સ પર બોજ વધે છે.’
અગાઉની અને વર્તમાનની ઇન્ડસ્ટ્રીમાં શું તફાવત છે એ વિશે ફારાહ કહે છે, ‘ખરાબ પરિવર્તન એ આવ્યું છે કે પહેલાં તો ઇન્ડસ્ટ્રી સંબંધો પર ટકી હતી. મને કોઈ વસ્તુની જરૂર પડતી તો હું સીધી જ ઍક્ટરને ફોન કરતી હતી. હવે તો પહેલાં મારે તેના મૅનેજરના સબ-મૅનેજરને મળવું પડે છે, પછી મેનેજર મળશે. ત્યાર બાદ તેમની એજન્સી મળશે. એથી એ ઘણું અઘરું બની ગયું છે. એનાથી પરસ્પર સંબંધો પણ ખરાબ થઈ ગયા છે.’