ફી માટે પ્રોડ્યુસર સાથે લડવું પડે છે એ વિશે સોનાક્ષી સિંહાએ કહ્યું...
સોનાક્ષી સિંહા
સોનાક્ષી સિંહાને તેની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ના પર્ફોર્મન્સ માટે ખૂબ પ્રશંસા મળી રહી છે. તેણે ફીમેલ-સેન્ટ્રિક ફિલ્મો જેવી કે ‘નૂર’, ‘અકીરા’, ‘હૅપી ફિર ભાગ જાએગી’ અને ‘ખાનદાની શફાખાના’માં કામ કર્યું હતું. આ ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ દેખાડી નહોતી. એ વિશે સોનાક્ષી કહે છે, ‘મને એહસાસ થયો કે કેટલાક રોલમાં પૂરી રીતે સમર્પિત થવા છતાં પણ એ ફિલ્મ સફળ નથી થઈ, પરંતુ એક ઍક્ટર તરીકે મેં એને ખૂબ એન્જૉય કર્યું હતું. સાથે જ જે ફિલ્મો કમર્શિયલી સફળ ન થઈ છતાં એ લોકો સાથે કામ કરવું મને ખૂબ ગમ્યું હતું. એ ફિલ્મ કેમ સફળ ન થઈ એના મને સતત સવાલો થાય છે. જોકે હું એ પણ જાણું છું કે બૉક્સ-ઑફિસ પર ફિલ્મોનું શું ભવિષ્ય રહેશે એ મારા હાથમાં નથી. એક ઍક્ટર તરીકે તમારે બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડે છે. મારા પર્ફોર્મન્સિસની પણ પ્રશંસા થઈ હતી. આવી રીતે હું આગળ વધતી ગઈ અને મારી ઇચ્છા પ્રમાણે કામ કરતી ગઈ. હવે એનું ફળ મને મળ્યું છે.’
આજે પણ તેને તેની ક્ષમતા પ્રમાણે ફી નથી મળી રહી એનું તેને માઠું લાગે છે. એ વિશે સોનાક્ષી કહે છે, ‘આ જર્ની એટલી સરળ નથી. ફિલ્મમેકર્સ તમને અપ્રોચ કરે છે. વાત જ્યારે પૈસાની આવે તો દરેકની ઇચ્છા હોય છે કે ખાસ કરીને ઍક્ટ્રેસિસ જ પોતાની ફી ઘટાડે. મને સમજમાં નથી આવતું કે આવું કેમ થાય છે. મહિલા તરીકે અમારે એ વિશે પ્રોડ્યુસર્સ સાથે ફાઇટ કરવી પડે છે. અમે તો ઘણીબધી લડાઈ લડી રહ્યા છીએ. એમાંથી એક આવકની અસમાનતા વિશેની પણ છે.’