દિલ્હીની જીતથી રાજસ્થાન રૉયલ્સ પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ : લખનઉ અને દિલ્હી પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર
IPL 2024
લાસ્ટ હોમમૅચ બાદ કૅપ્ટન રિષભ પંતે ફૅન્સ સાથે પડાવ્યો સેલ્ફી.
મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સને ૧૯ રને હરાવીને દિલ્હી કૅપિટલ્સે પોતાની લીગ સ્ટેજની તમામ મૅચ પૂરી કરી છે. વર્તમાન સીઝનમાં લીગ સ્ટેજની તમામ મૅચ રમનાર એ પ્રથમ ટીમ બની છે. કૅપ્ટન રિષભ પંતની ટીમે પ્રથમ બૅટિંગ કરતાં ૪ વિકેટ ગુમાવીને ૨૦૮ રન ફટકાર્યા હતા જેની સામે કૅપ્ટન કે.એલ. રાહુલની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૮૯ રન બનાવી શકી હતી. હારની હૅટ-ટ્રિકને કારણે લખનઉની ટીમ (૧૨ પૉઇન્ટ) અને માત્ર ૧૪ પૉઇન્ટ અને માઇનસ નેટ રન-રેટને કારણે દિલ્હીની ટીમ પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. દિલ્હીની જીતને કારણે રાજસ્થાન રૉયલ્સની ટીમ પ્લેઑફમાં પહોંચનારી બીજી ટીમ બની હતી.
દિલ્હી અને લખનઉનું પ્લેઑફમાં પહોંચવું હવે અન્ય ટીમની હાર પર નિર્ભર છે. લખનઉ ૧૭ મેએ મુંબઈ ઇન્ડિયન્સ સામેની અંતિમ મૅચ જીતીને ૧૪ પૉઇન્ટ સાથે પ્લેઑફની આશા જીવંત રાખવાનો પ્રયાસ કરશે. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઑફમાં પહોંચવા માત્ર ૧ મૅચ જીતવાની જરૂર છે. જ્યારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ચેન્નઈ સામે ૧૮ મેએ ૧૮ રનથી જીતશે અથવા ૧૮ ઓવર સુધીમાં ટાર્ગેટ ચેઝ કરીને પ્લેઑફમાં ૧૪ પૉઇન્ટ સાથે મૅજિકલ એન્ટ્રી કરવાનો ટાર્ગેટ રાખશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની આ રેકૉર્ડબ્રેક સીઝનમાં વધુ એક રેકૉર્ડ તૂટ્યો છે. ૧૭મી સીઝનમાં ૧૧૨૫ સિક્સર (લખનઉ-દિલ્હીની મૅચ સુધીના આંકડા) સાથે IPL ઇતિહાસની સૌથી વધારે સિક્સરવાળી સીઝન બની છે. આ પહેલાં ૨૦૨૩ની સીઝન ૧૧૨૪ સિક્સર સાથે સૌથી વધારે સિક્સરનો રેકૉર્ડ ધરાવતી સીઝન હતી. આ સાથે જ આ મૅચમાં સૌથી વધારે ૨૦૦ પ્લસ ટીમ સ્કોરના ૨૦૨૩ના રેકૉર્ડની બરાબરી થઈ છે. ૨૦૨૩ અને ૨૦૨૪ની બન્ને સીઝનમાં ૩૭ વખત ૨૦૦ પ્લસનો ટીમ-સ્કોર બની ચૂક્યો છે. વધુ એક ૨૦૦ પ્લસ સ્કોર થશે તો વર્તમાન સીઝન આ લિસ્ટમાં પણ ટૉપ કરશે.
એક IPL સીઝનમાં સૌથી વધારે સિક્સર
સીઝન સિક્સર
૨૦૨૪ ૧૧૨૫
૨૦૨૩ ૧૧૨૪
૨૦૨૨ ૧૦૬૨
૨૦૧૮ ૮૭૨
૨૦૧૯ ૭૮૪
(લખનઉ-દિલ્હીની મૅચ સુધીના આંકડા)