Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો બીત ગઈ સો બાત ગઈ

જો બીત ગઈ સો બાત ગઈ

25 February, 2019 10:52 AM IST |
ફાલ્ગુની જડિયા-ભટ્ટ

જો બીત ગઈ સો બાત ગઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોશ્યલ સાયન્સ

ભૂમિતિનો સિદ્ધાંત છે. આપણે જેને રેખા તરીકે ઓળખીએ છીએ એ વાસ્તવમાં નાનાં- નાનાં બિન્દુઓની હારમાળા છે. જેમ-જેમ આપણે એક બિન્દુ તરફથી બીજા બિન્દુ તરફ આગળ વધીએ છીએ તેમ-તેમ એ રેખા નિર્માણ થતી જાય છે. જીવન પણ આવાં અસંખ્ય બિન્દુઓની હારમાળા જ છે. જેમ-જેમ આપણે એક પડાવ પરથી બીજા પડાવ તરફ આગળ વધીએ છીએ તેમ-તેમ જીવનની દિશા નિર્માણ થતી જાય છે. અલબત્ત, એક પડાવ પરથી બીજા પડાવ તરફ આગળ વધવું એટલે જીવનના એક તબક્કાનો અંત અને બીજા તબક્કાની શરૂઆત. આપણે માનીએ કે ન માનીએ, આપણે જોઈ શકીએ કે ન જોઈ શકીએ, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, દરેક બાબતનો ક્યારેક ને ક્યારેક તો અંત આવતો જ હોય છે.



આપણા સંબંધોને જ લઈ લોને. પ્રત્યેક સંબંધ પોતાની સાથે એની એક્સપાઇરી ડેટ લઈને આવતો હોય છે અને જ્યારે એનો સમય પૂરો થાય છે ત્યારે કુદરતી રીતે કે અકુદરતી રીતે પ્રત્યેક સંબંધનું નિધન થઈ જ જતું હોય છે. સંબંધનો અંત એટલે શારીરિક રીતે એકબીજાથી વિખૂટા પડી જવું એવું જરૂરી નથી. કેટલાક કિસ્સાઓમાં લોકો મનથી છૂટા પડી ગયા બાદ પણ આજીવન સાથે રહી લેતા હોય છે, પરંતુ આવા સંબંધોમાં જીવન હોતું નથી. બીજી બાજુ કેટલાક કિસ્સાઓમાં શારીરિક દૂરી છતાં લોકો વર્ષોનાં વર્ષો એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેતા હોય એવું પણ બને છે.


અલબત્ત, જ્યારે કોઈ સંબંધ એની મૃતશૈયા પર હોય ત્યારે એનાં ચોક્કસ લક્ષણો સાફ જોઈ શકાતાં હોય છે. મનુષ્ય તરીકે આપણા માટે આ લક્ષણોનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે, તેથી કેટલીક વાર એ આપણી આંખોમાં આંખો નાખીને સાક્ષાત સામે ઊભાં હોવા છતાં આપણે એમને અણદેખાં કરી દેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કોઈ સંબંધ સુખ કરતાં દુ:ખ અને માનસિક તાણ વધુ આપે ત્યારે સમજી જવું જોઈએ કે એનો અંત નજીક આવી ગયો છે. જ્યારે તમે બધા જ જૂના પેંતરા વાપરી જુઓ, બધા જ નવા અખતરા અપનાવી જુઓ તેમ છતાં ધાર્યું પરિણામ ન આવે અને એ બાબત સતત તમને અંદરખાને એ હદે વલોવ્યા કરતી હોય કે તમારી માનસિક શાંતિ છીનવાઈ જાય અને તમારું આત્મસન્માન ઘાયલ થઈ જાય તો સમજી જવું જોઈએ કે હવે આ સંબંધ એના પૂર્ણવિરામની નજીક પહોંચી ગયો છે.

ક્યારેક એવું પણ બને છે કે એક વ્યક્તિ સહજતાથી એનો સ્વીકાર કરે છે, પરંતુ બીજી વ્યક્તિ માટે એ જ અનુભવ અત્યંત પીડાદાયક બની જાય છે. જેમ કે પોતાના સંવેદનશીલ સ્વભાવને પગલે મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રી માટે આવા અંતનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે, જ્યારે પોતાના પ્રૅક્ટિકલ સ્વભાવને પગલે પુરુષો એનો સ્વીકાર પ્રમાણમાં સહજતાથી કરી લેતા હોય છે. જોકે એનો અર્થ એ નથી કે તેમને તકલીફ નથી પડતી. તકલીફ તો તેમને પણ એટલી જ પડે છે. બસ, પોતાની પુરુષ પ્રકૃતિથી પ્રેરાઈને તેઓ પોતાનાં આંસુ છુપાવી શકે છે.


જે વાત સંબંધને લાગુ પડે છે એ જ જીવનની અન્ય બાબતોને પણ લાગુ પડે છે. દા. ત. આપણા નોકરીધંધા. જરૂરી નથી કે દરેક વખતે તમારા માલિક તમને નોકરીમાંથી કાઢી જ મૂકે કે પછી સંજોગો એટલા કઠિન બની જાય કે તમને આવી નોકરી કરવા કરતાં ન કરવી વધુ બહેતર લાગવા માંડે છે. ક્યારેક વર્ષો સુધી એક જ સ્થળે નોકરી કર્યા બાદ તમને પોતાને અંદરખાને સમજાઈ જાય કે હવે આ નોકરી તમને જેટલું શીખવાડી શકે એ બધું જ તમે શીખી લીધું છે, આ નોકરીમાંથી જેટલું પામવાનું હતું એ બધું જ તમે પામી લીધું છે, અહીં સફળતાની જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકાય એવું હતું એ ઊંચાઈ સુધી તમે પહોંચી ચૂક્યા છો. તેથી નવા પાઠ શીખવા, નવી ઊંચાઈઓ સર કરવા એ નોકરી છોડી દેવી જ તમને બહેતર લાગવા માંડે છે.

અલબત્ત, પોતાની જૂની પરિચિત વ્યક્તિને છોડતાં, પોતાના બીજા ઘર જેવી બની ગયેલી ઑફિસને છોડતાં કે પછી નોકરીધંધા માટે પોતાના શહેર કે પોતાના દેશને છોડી જતાં દુ:ખ તો થાય જ છે અને એ સ્વાભાવિક પણ છે; પરંતુ જેમ કોઈ પણ સુખ કાયમી હોતું નથી એવી જ રીતે કોઈ દુ:ખ પણ કાયમી હોતું નથી. એનો પણ ક્યારેક ને ક્યારેક અંત તો આવતો જ હોય છે.

એ દૃષ્ટિએ જોતાં સમજાય કે જીવન અનેક પડાવોમાંથી પસાર થતું હોય છે. પ્રત્યેક અંત એક નવી શરૂઆત લઈને આવે છે. આપણને ત્યારે કદાચ સમજાતું નથી, પરંતુ જેમ-જેમ આપણે આ પડાવોને એકબીજા સાથે જોડતા જઈએ છીએ તેમ-તેમ જીવનની દિશા વધુ નિશ્ચિત થતી જાય છે. કેવી રીતે જાણતાં-અજાણતાં પ્રત્યેક અનુભવે, પ્રત્યેક નવા પદાર્થપાઠે આપણને વધુ પરિપક્વ કર્યા એનો ખ્યાલ આવતો જાય છે. આજે આપણે જે કંઈ છીએ એવા બનાવવામાં આ બધી બાબતોએ ક્યાં અને કેટલો ફાળો આપ્યો એનો અંદાજ આવતો જાય છે.

જ્યારે ઍપલ કંપનીના CEO સ્ટીવ જૉબ્સને પોતે જ બનાવેલી કંપનીમાંથી કાઢી નાખવામાં આવ્યા ત્યારે તેમના આઘાતનો પાર રહ્યો નહોતો, પરંતુ વર્ષો પછી તેમણે કબૂલાત કરી હતી કે ઍપલમાંથી તગેડી મુકાવવું મારા જીવનની સવર્શ્રે્ષ્ઠ ઘટના હતી. એકાએક મારા માથેથી સફળ હોવાનો ભાર ઊતરી ગયો અને હું તદ્દન નર્ભિાર બની એક નવોદિતની પેઠે નવી શરૂઆત કરી શક્યો. આગામી પાંચ વર્ષમાં તેમણે બાળકો માટે ઍનિમેશન ફિલ્મ્સ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપનીઓ નેક્સ્ટ તથા પિક્સાર બનાવી અને આગળ શું થયું એ બધા જ જાણે છે.

આ પણ વાંચો : કથા ચાણક્યનીતિની : જો સમાજને સુખમય બનાવવો હોય તો આ જવાબદારી કોઈએ લેવી જોઈએ

કહેવાનું તાત્પર્ય એ છે કે જે બાબતો ક્યારેક આપણને અત્યંત દુ:ખદ અંત જેવી લાગતી હોય છે એ જ મહદ અંશે સુખદ શરૂઆત લઈને આવતી હોય છે. આ માટે જરૂરી છે કે આપણે અંતને અંત તરીકે ન જોતાં નવી શરૂઆત તરીકે જોઈએ. આ દૃષ્ટિકોણથી વિચારતાં જાણે આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. અંતને કારણે આસપાસ વ્યાપેલો અંધકાર એકાએક ઉજાસમાં બદલાઈ જાય છે. વિષાદનો ઘેરો સાગર એકાએક આશાની નવી લહેરમાં પલટાઈ જાય છે. ખાલીખમ બની ગયેલું જીવન એકાએક ભર્યું-ભર્યું લાગવા માંડે છે અને સાવ નિરર્થક લાગતું આપણું અસ્તિત્વ એકાએક સાર્થક બની જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2019 10:52 AM IST | | ફાલ્ગુની જડિયા-ભટ્ટ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK