Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું તમારી દીકરી એ ચાર દિવસ માટે તૈયાર છે?

શું તમારી દીકરી એ ચાર દિવસ માટે તૈયાર છે?

28 May, 2019 03:17 PM IST |
સેજલ પટેલ

શું તમારી દીકરી એ ચાર દિવસ માટે તૈયાર છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જીવનનું પહેલું માસિક છોકરીને બાળકીમાંથી સ્ત્રી બન્યાનું ભાન કરાવે છે. દરેક છોકરીને પહેલેથી જ જો આ બાબતની સમજણ આપી હોય તો તે સ્ત્રીત્વ તરફની દિશામાં વધુ સ્વસ્થતા અને સ્વચ્છતા સાથે આગળ વધી શકે છે. આજે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે છે ત્યારે જાણીએ કે મમ્મીઓએ જાતે આ બાબતે શું કાળજી રાખવી અને ડૉટર્સને શું સમજાવવું

કોઈ કિશોરી જ્યારે પહેલી વાર પોતાના અંગમાંથી અચાનક જ રક્તસ્રાવ થતો જુએ અને જો આ બાબતે તેને યોગ્ય જ્ઞાન આપવામાં ન આવ્યું હોય તો માસિક બાબતે તેના મનમાં ચિત્રવિચિત્ર માન્યતાઓ પેદા થાય છે. દર મહિને માસિક આવવું એ માત્ર સ્ત્રીના પ્રજનનતંત્ર માટે જ નહીં, મહિલાના ઓવરઑલ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ જરૂરી છે. સાચી-ખોટી સામાજિક માન્યતાઓને કારણે જો શરૂઆતથી જ આ ઘટનાને વૈજ્ઞાનિક અભિગમથી સમજાવવામાં ન આવી હોય તો તેના મનમાં આ ચાર દિવસ માટે ઘૃણા, અણગમો, છોછ અનુભવાય છે અને માસિક એટલે કંઈક ગંદું એવી માન્યતા મનના ખૂણે રહી જાય છે. આજકાલ ભણેલીગણેલી મમ્મીઓ પણ મૂંઝાય છે કે દીકરીને આ બાબતે જ્ઞાન ક્યારે આપવું અને કેવી રીતે આપવું? એ વિશે જોગેશ્વરીના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘મોટા ભાગે મમ્મીઓ એવું માને છે કે દીકરીને ૧૩-૧૪ વર્ષ પછી પિરિયડ્સ આવવાનું શરૂ થશે, પણ હવે ન્યુટ્રિશન, ડાયટ અને એક્સરસાઇઝને કારણે ઘણી વાર ૯-૧૦ વર્ષે પહેલી વાર સ્પૉટિંગ થવાનું ચાલુ થઈ જાય છે. એવા સમયે કુમળી વય અને સંપૂર્ણ અજ્ઞાન બાળકીને બેચેન અને ગભરાવી મૂકે એવું હોય છે. હું માનું છું કે બાળકીઓને આઠ વર્ષની વયે જ તેના પ્રાઇવેટ પાર્ટ્સ વિશેની સમજણ મમ્મી દ્વારા મળવી શરૂ કરવી જોઈએ. ઇન્ટરનેટ પરથી અવયવોનો આંતરિક ચાર્ટ ડાઉનલોડ કરીને પિક્ચરથી આ બધું સમજાવો તો સારું રહે. તેને ખબર હોવી જોઈએ કે નજીકના ભવિષ્યમાં તેને પિરિયડ્સ શરૂ થઈ શકે છે. જો એમ હશે તો જ તે સૌપ્રથમ વાર જ્યારે માસિક જોશે ત્યારે વિનાસંકોચ મમ્મી પાસે આવીને કહેશે.’



માસિક દરમ્યાન થાય છે શું?


મેન્સ્ટ્રુએશનનો ગાળો ભલે છોકરીઓને મહિનાના ચાર જ દિવસ વર્તાતો હોય, પણ શરીરની અંદર આખા મહિના દરમ્યાન નિયમિતપણે હૉમોર્ન્સમાં બદલાવ થતો રહેવાથી વિવિધ પ્રક્રિયા થતી રહે છે. જો એ પ્રક્રિયા યોગ્ય રીતે થતી રહે તો જ દર મહિને નિયમિત પિરિયડ્સ આવે. આ પ્રક્રિયા શું છે એ સમજીએ. સ્ત્રીના પ્રજનન અવયવ ઓવરી એટલે કે અંડાશયમાં આવેલા અગણિત ફોલિકલ્સમાંથી ઈંડું પેદા થાય છે. ખાસ હૉમોર્ન્સ સ્રવે ત્યારે જ ફોલિકલ્સમાંથી ઈંડું પેદા થાય. ઈંડું પેદા થયાના બારથી પંદર દિવસમાં મૅચ્યોર થઈને ઓવરીની દીવાલથી છૂટું પડે. આ સમયગાળાને ઓવ્યુલેશનનો પિરિયડ કહેવાય છે. ઘણી છોકરીઓને માસિકના લગભગ અધવચ્ચેના ગાળામાં પણ પેઢુમાં દુખાવો, કમરમાં કળતર, અનઈઝીનેસ, બૉડી-ટેમ્પરેચરમાં થોડોક વધારો વગેરે જોવા મળે છે. આ ઓવ્યુલેશનની અસર હોઈ શકે. આ દરમ્યાન ગર્ભાશયમાં ગર્ભધારણની તૈયારીઓ થાય. આંતરિક દીવાલમાં લોહી ભરાય. જો મૅચ્યોર ઈંડાંની સાથે શુક્રાણુનું મિલન થાય એટલે કે જો આ સમયગાળા દરમ્યાન છોકરી જાતીય સંબંધ બાંધે અને અંડબીજનું શુક્રાણુ સાથે મિલન થઈને ફલીકરણ થાય તો એ ભ્રૂણ તૈયાર ગર્ભાશયની દીવાલોમાં સ્થાપિત થાય અને ક્રમશ: વિકાસ પામવા લાગે, પણ જો આ સમયગાળા દરમ્યાન શુક્રાણુનું મિલન ન થાય તો ગર્ભાશયની તૈયારીઓ પડી ભાંગે. હૉર્મોન્સમાં બદલાવ આવે અને ગર્ભાશયમાં એકત્ર થયેલું લોહી અને ટિશ્યુઝ માસિક ચક્ર દરમ્યાન બહાર વહી જાય.

હાઇજીન કેમ મહત્વનું?


માસિક ચક્ર દરમ્યાન લગભગ ત્રણથી પાંચ દિવસ સુધી ગર્ભાશયમાંથી નીકળેલું લોહી વજાઇના વાટે બહાર નીકળ્યા કરે છે. એ વખતે સફાઈનું યોગ્ય ધ્યાન રાખવાની જરૂર કેમ છે એ વિશે સમજાવતાં જોગેશ્વરીના મધરકૅર ફર્ટિલિટી ક્લિનિકના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘યુટ્રસમાંથી વજાઇના વાટે લોહી નીકળવાનો જે ટ્રૅક છે એ ડ્રેનેજ જેવો સીધો નથી. એ અંગ્રેજીના થ્ શેપ જેવો છે. એને કારણે ગર્ભાશયમાંથી નીકળેલું બ્લડ ક્યારેક ખાંચામાં ભરાઈ રહે છે. એ લાંબો સમય ભરાઈ રહે અને નીકળે નહીં તો ત્યાં ઇન્ફેક્શન થવાની શક્યતા વધે છે. યોગ્ય સફાઈના અભાવે ઘણી મહિલાઓને માસિક પછી વાઇટ ડિસ્ચાર્જની તકલીફ થાય છે. એમાંથી ટ્રાઇકોમોનસ, ફંગલ, માઇકોપ્લાઝમા ઇન્ફેક્શન થઈ શકે છે. રીપ્રોડક્ટિવ ટ્રેક્ટના ઇન્ફેક્શનને કારણે સતત એ ભાગમાં ઇરિટેશન રહ્યા કરે છે અને ફર્ટિલિટી જોખમાય છે. ક્યારેક એને કારણે ગર્ભાશયને બદલે ફેલોપિયન ટuુબમાં પ્રેગ્નન્સી રહી જાય એવું પણ બને છે.’

સ્વચ્છતા માટે શું?

બૉલીવુડની ફિલ્મો દ્વારા છેલ્લાં થોડાં વષોર્માં આ બાબતે ઘણી જાગૃતિ આવી છે એટલે સૅનિટરી પૅડ્સ વાપરવાની સમજણ હવે અર્બન વિસ્તારોમાં ઘણી સારી છે એમ છતાં ઑર્થોડોક્સ પરિવારોની વાત કરતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘હજીયે કેટલીક મહિલાઓ કપડાંમાં બ્લીડિંગ ઝીલે છે જે ખૂબ જ અનહાઇજીનિક છે. એનાથી એ ભાગમાંથી ખૂબ વાસ આવે છે અને ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. સ્વચ્છતા માટે મોઘાં અને બ્રૅન્ડેડ સૅનિટરી પૅડ્સ વાપરવાં જરૂરી નથી; પણ સાદાં, સ્વચ્છ અને ભીનાશ ચૂસી લે એવાં પૅડ્સ વાપરવાં મસ્ટ છે. એટલું જ નહીં, જેવું પૅડ ભીનું થઈ જાય એટલે એને બદલી નાખવું જોઈએ. દિવસમાં અમુક-તમુક વાર પૅડ બદલી જ લેવું જોઈએ એવો કોઈ નિયમ નથી. મોટી ઉંમરે ફ્લો ઘટuો હોય તો દિવસમાં બે વાર પૅડ્સ ચેન્જ કરવાથી પણ ચાલી જાય અને યંગ ગર્લ્સમાં ફ્લો વધારે હોય તો ત્રણેક વાર ચેન્જ કરવું જોઈએ. યંગ ગર્લ્સની એ ભાગની ત્વચા ખૂબ જ નાજુક હોય છે એટલે બને ત્યાં સુધી ટૅમ્પન્સ ન વાપરવાં. એનાથી અંત:ત્વચા છોલાય છે અને ઇન્ફેક્શન થવાની સંભાવના વધે છે. બીજું, નાની એજમાં રમતિયાળ છોકરીઓ ભૂલી જાય છે કે પોતે અંદર ટૅમ્પન નાખેલું છે. એને કારણે એક-બે દિવસ સુધી અંદર રહી જાય છે. એવા સમયે ટૅમ્પન એટલું ઊંડે જતું રહે કે દરદીને બેભાન કરીને અંદર સાધનો નાખીને એ કાઢવું પડે છે. આ બધાને કારણે એનો વર્જિનિટી હાઇમેન તૂટી જઈ શકે છે.’

વજાઇનલ વૉશ

વજાઇનામાંથી નીકળતું લોહી પોતે ઍન્ટિ-બૅક્ટેરિયલ હોય છે એટલે જ્યારે બ્લીડિંગનો ફ્લો સારોએવો હોય ત્યારે ઇન્ફેક્શન થવાની કે સ્વચ્છતા ન જાળવવાની તકલીફ ઓછી થાય છે. રક્તસ્રાવ જેવો ઘટે એ પછી વધારે કાળજી રાખવી વધુ જરૂરી છે. માસિક જસ્ટ શરૂ જ થયું હોય એવી નાની ઉંમરની છોકરીઓએ આ દરમ્યાન વિશેષ કાળજી રાખવી જોઈએ એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘એ ભાગની સફાઈ વખતે કદી જેટ સ્પ્રે ન વાપરવો. ઘણી મમ્મીઓ કહેતી હોય છે કે યુરિન પાસ કરો કે સ્ટૂલ, એ ભાગને જેટ સ્પ્રે દ્વારા સાફ કરવો. બાળકીઓમાં આ બાબત જોખમી બની શકે છે. કેમ કે જેટ સ્પ્રેનો ફોર્સ ખૂબ વધારે હોય છે અને યુરેથ્રાની નળી બહુ સાંકડી અને કોમળ ત્વચાવાળી. માત્ર ગરમ પાણીમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ સોપ નાખીને એ ભાગ સાફ કરો એ જરૂરી છે. મેન્સ્ટ્રુઅલ બ્લડની સ્મેલ ન ગમતી હોય તો એ ભાગમાં ઘણી છોકરીઓ ડીઓ છાંટે છે જેનાથી ત્યાંની સ્કિનમાં ઇરિટેટ અને ઇન્ફેક્શન પેદા કરી શકે છે.’

આ કાળજી પણ જરૂરી

૧. પિરિયડ્સના સમયમાં કેટલાંક ઘરોમાં સાવ જ આરામ કરવાનું અને ઘરના એક ખૂણે બેસી રહેવાનું વલણ હોય છે. આ સમયમાં સાવ જ સૂઈ રહેવું કે બેસી રહેવું સફાઈના સંદર્ભે પણ યોગ્ય નથી. ચાલવાથી, હરવા-ફરવાથી અને ઍક્ટિવિટી કરવાથી આપમેળે બ્લડ વજાઇનામાં નીચે ઊતરે છે અને નીકળી જાય છે.

જો કપડું જ વાપરવું હોય તો એ માટે સુતરાઉ અથવા મલમલનું સૉફ્ટ અને સ્વચ્છ કપડું લેવું. એને રોજ ગરમ પાણીમાં બોળીને ધોવું અને તડકે સૂકવવું. બહાર ખુલ્લામાં એમ સૂકવી શકો એમ ન હો તો એનો યુઝ કરતાં પહેલાં ઇસ્રી ફેરવીને પછી જ વાપરવું.

મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે સૌથી અગત્યની વાત એ છે કે બહાર નીકળેલું ફ્લુઇડ પૅડ કે ટૅમ્પૂનમાં લાંબો સમય અંદર રહી ન જવું જોઈએ.

એ સતત બદલાતું રહે એ જરૂરી છે.

પહેલાંના જમાનામાં માસિક દરમ્યાન ઇન્ટરકોર્સ ન કરાય એવી માન્યતા હતી, જે હવે તૂટી રહી છે. એનાથી હાઇજીનમાં કોઈ જોખમ નથી. સમાગમ દરમ્યાન કૉન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તેમ જ એ પછી બન્ને પાર્ટનર્સ છૂટા પાણીએ પ્રાઇવેટ પાર્ટ્સ સ્વચ્છ કરે એ જરૂરી છે.

આ પણ વાંચો : કૉલમ : તમારા આચાર-વિચાર અને લાગણીતંત્ર જ્યારે હાઇજૅક થઈ જાય

વજાઇનાની કુદરતી સ્વચ્છતા જાળવવા માટે ડાયટમાં દહીંનો ઉપયોગ બેસ્ટ છે. ડાયટમાં નિયમિત દહીં ઉમેરવાથી એમાં રહેલા લેક્ટોબેસિલસ બૅક્ટેરિયાને કારણે વજાઇનામાં સતત સારા બૅક્ટેરિયાનો ગ્રોથ રહે છે અને કુદરતી રીતે જ લુબ્રિકેશન દ્વારા એ ભાગમાં સ્વચ્છતા જળવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

28 May, 2019 03:17 PM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK