Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : તમારા આચાર-વિચાર અને લાગણીતંત્ર જ્યારે હાઇજૅક થઈ જાય

કૉલમ : તમારા આચાર-વિચાર અને લાગણીતંત્ર જ્યારે હાઇજૅક થઈ જાય

24 May, 2019 11:01 AM IST |
સેજલ પટેલ

કૉલમ : તમારા આચાર-વિચાર અને લાગણીતંત્ર જ્યારે હાઇજૅક થઈ જાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એ માનસિક ડિસઑર્ડરનું નામ છે સ્કિઝોફ્રેનિયા. એમાં વ્યક્તિ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ નથી સમજી શકતી એને કારણે ઘણી વાર તેને પાગલમાં ખપાવી દેવાય છે. મેડિકલ સાયન્સ હજી આ રોગનાં મૂળિયાં સમજવામાં પૂરેપૂરું સફળ નથી, છતાં રોગની અસર ઘટાડીને દરદી નૉર્મલ જીવન જીવી શકે એવી અક્સીર સારવાર ઉપલબ્ધ છે. આજે વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે નિમિત્તે જાણીએ રોગનાં લક્ષણો-સારવારમાં રાખવાની કાળજી વિશે

જસ્ટ કૉમર્સ ગ્રૅજ્યુએશન કરીને સારા પગારની નોકરીએ લાગેલો એક યુવક અચાનક એકલપેટો થવા લાગ્યો. ઑફિસથી આવીને પોતાની રૂમમાં ભરાઈ જાય. એક વાર બારી ખુલ્લી રહી ગઈ અને જોયું તો કાળો કોટ પહેરીને તે બબડતો હતો, ‘મિલૉર્ડ, મારો અસીલ તદ્દન નિર્દોષ છે એ સાબિત કરવા માટે મને ગવાહ પેશ કરવાની રજા આપો.’ તેને લાગતું હતું કે પોતે વકીલ છે અને નિર્દોષ લોકોને છોડાવવા એ તેના જીવનનું ધ્યેય છે. ઑફિસમાં પણ તેની વકીલગીરી ચાલુ થઈ જતાં નોકરી છૂટી ગઈ.



કૉલેજમાં ભણતી અને ભણવામાં હોશિયાર છોકરીને પ્રેમ થઈ ગયેલો. કોની સાથે? તો કહે માઇકલ જૅક્સન સાથે. તે કૉલેજ બંક કરીને માઇકલ સાથે લંચ લેવા માટે નજીકની રેસ્ટોરાંમાં જતી. સામે કોઈ બેઠું ન હોય, પણ તે મજાથી વાતો કરતી. તેને માઇકલ જૅક્સન દેખાતો. માઇકલ તેના ઘરે આવીને પણ મળતો, પણ તેનાં માતાપિતાને સમજાતું નહીં કે તેમને મળવા આવેલો માઇકલ છે ક્યાં?


યસ, આ કોઈ સ્ટુપિડ ફિલ્મની વાર્તા નથી, પણ સાચા કિસ્સા છે. સામાન્ય રીતે આવા વર્તનને પાગલપણામાં ખપાવી દેવામાં આવે છે, પણ હકીકતે આ લક્ષણ સ્કિઝોફ્રેનિયાનાં છે. આ રોગમાં તમે શું વિચારો છો, શું ફીલ કરો છો અને કેવું વર્તન કરો છો એ બધું જ અસંબદ્ધ અને અવાસ્તવિક થવા લાગે છે. કમનસીબે ભારતમાં હજીયે આ માનસિક સમસ્યા પ્રત્યે અનુકંપા અને વૈજ્ઞાનિક અભિગમનો ઘણો અભાવ દેખાય છે. આ એક રોગ નહીં, પણ કેટલાંક લક્ષણો અને ડિસઑર્ડર્સનું ઝૂમખું છે એમ સમજાવતાં અંધેરીની કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શૌનક આજિંક્ય કહે છે, ‘આ રોગ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં એકસરખો ફેલાયેલો છે. ધરતી પરના ૧ ટકા માણસો એટલે કે દર ૧૦૦માં એક વ્યક્તિને સ્કિઝોફ્રેનિયાનાં હળવાં, મધ્યમથી લઈને તીવ્ર-અતિતીવ્ર લક્ષણો જોવા મળે છે. ભારતમાં એની સારવાર બાબતે પૂરતી જાગૃતિ નથી. હજી સાયન્સ પણ સ્કિઝોફ્રેનિયાનાં મૂળિયાં શોધી શક્યું નથી. એમાં વ્યક્તિની વિચાર કરવાની પૅટર્ન, લાગણીઓ ફીલ કરવાનું તંત્ર અને વર્તન એમ ત્રણેય બાબતોમાં વધતેઓછે અંશે ગરબડ થાય છે. એ થવાનું કારણ હજી શોધાયું નથી. કેટલેક અંશે એ જિનેટિકલ અને વારસાગત ધોરણે આગળ વધે છે. આ સમસ્યામાં વિચારશક્તિ, મેમરી અને કોગ્નેટિવ સિસ્ટમ પર અસર થતી હોવાથી બહુ પહેલાં એને ડિમેન્શિયા પ્રીકૉકલ નામે ઓળખવામાં આવતો હતો.’

રોગનાં લક્ષણો શું?


લગભગ એક દાયકા પહેલાં સ્વિટ્ઝરલૅન્ડના સાઇકિયાટ્રિસ્ટ યુગન બ્લેઉલરે સ્કિઝોફ્રેનિયા નામ પાડ્યું હતું એટલું જ નહીં, એની સાથે નિદાન થઈ શકે એ માટે રોગનાં લક્ષણો પણ તારવ્યાં છે. એવી માન્યતા છે કે આ સ્પ્લિટ કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડર છે, પણ એવું નથી. હકીકતમાં આ વ્યક્તિની આંતરિક પર્સનાલિટીની અંદર જ દ્વંદ્વ ફીલ કરતી હોય છે. આ રોગનાં લક્ષણો વિશે ડૉ. શૌનક આજિંક્ય પાસેથી જાણીએ.

વ્યક્તિને ઇલ્યુઝન એટલે કે ભ્રમ થાય છે કે બધા લોકો મારાથી વિરુદ્ધ છે. ખાસ કરીને નજીકના અને પરિવારના લોકોને તે બહુ શંકાશીલ થઈને જુએ છે. તેને લાગે છે કે બધા તેનું બગાડવા જ બેઠા છે, કોઈ તેને મારી નાખશે. આ માન્યતાનો કોઈ પાયો ન હોવા છતાં તેના મનમાં ફિક્સ બીલિફ ઘર કરી ગઈ હોવાથી તેને સમજાવવાથી કે સ્પષ્ટતા કરવાથી પણ સમજાતું નથી. લૉજિક કોઈ કામ નથી કરતું. 2તેને લાગે છે કે હું જે વિચારું છું એ જ સાચું છે. બીજા લોકો તેને નીચું દેખાડે છે.
તેને ન બોલાતું હોય એવી ચીજો સંભળાય છે. તેને પોતાના વિરુદ્ધ કોઈ ચિલ્લાઈ રહ્યું છે એવું સંભળાય છે. આ માત્ર ભાસ નથી, હકીકતમાં તે શબ્દો સાંભળતો હોય છે. જે વ્યક્તિ હાજર કે હયાત નથી એવી વ્યક્તિઓ તેને દેખાય છે. તેની સાથે તે વાતો કરે છે. આપણને લાગે કે દરદી એકલો-એકલો બબડે છે, પણ હકીકતમાં તેને કોઈકની હાજરી ફીલ થાય છે અને તેની સાથે વાતો કરે છે.

અસંબદ્ધ, અતાર્કિક, અજીબોગરીબ અને સંદર્ભ વિનાની વાતોનો બબડાટ કરવો. જે ગણગણાટમાંથી કોઈ અર્થ ન નીકળતો હોય એવું બોલવું.

ડિપ્રેશન જેવાં લક્ષણો હોય. કોઈની સાથે વાત ન કરે. નાહવા-ધોવાનું અને પર્સનલ હાઇજિનનું જરાય ધ્યાન ન રાખે. ગંદા-ગોબરા થઈને આરામથી ફરે.

મૂડ-સ્વિંગ્સના હુમલા. અચાનક ગુસ્સો આવવો, ચીડિયાપણું રહે, વાતેવાતે હિંસક થઈ જાય. મારપીટ કરી બેસે. તો ક્યારેક અચાનક જ જોરજોરથી રડવા લાગે. જે પણ મૂડ હોય એ બે અંતિમોવાળું હોય. અત્યંત ખુશી, અત્યંત ગુસ્સો, અત્યંત નિરાશા, ખૂબ હતાશા બધું જ આત્યંતિક અને અતાર્કિક. પોતાની હાલત માટે દુનિયાઆખીને જવાબદાર માનીને દયામણી બની જાય. એકલા-એકલા અટ્ટહાસ્ય કરવું કે વગરકારણે રડી પડવું તેના માટે સહજ છે.

તેની પોતાની કાલ્પનિક દુનિયા બનાવીને એમાં જ તે વિહરે છે. તેને લાગે છે કે બીજા લોકો વાસ્તવિકતા નથી સમજતા.

ક્યારેક તે અત્યંત પ્રેમથી નિતરતા હોય એમ વર્તે અને અચાનક જ તેને જાણે આ બધાથી કંઈ લેવાદેવા નથી એમ પોતાની જાતને અળગી કરી દે. તરંગી અને મનમોજી વર્તન હોય.

લાગણીહીનતા આવવા લાગે. પ્રિયજનો પ્રત્યે પ્રેમ નહીં, પણ શંકા થયા કરતી હોવાથી ઓવર સેલ્ફ-ડિફેન્સિવ અથવા તો આક્રમક થઈ જાય.
રોગ લાંબો ચાલે અને જો ટ્રીટ કરવામાં ન આવે તો મગજની કાર્યક્ષમતામાં પણ ઓટ આવવા લાગે છે. રોજિંદી બાબતોમાં બધી જ વાતોનું ભુલક્કડપણું વધવા લાગે છે. તર્કશક્તિ નબળી પડતી હોવાથી કૉમન-સેન્સ કહેવાય એવા પ્રૉબ્લેમ્સનું સૉલ્યુશન લાવવામાં પણ મુશ્કેલી પડે છે. નવું શીખવામાં મુશ્કેલી પડે છે.

ઇલાજ શું?

મોટા ભાગે યંગ એજમાં જોવા મળતો આ રોગ સંપૂર્ણપણે ક્યૉર કરી શકાય એમ નથી. એમ છતાં જો એનાં લક્ષણોનું વહેલું નિદાન કરીને એની યોગ્ય સારવાર શરૂ થઈ જાય તો નૉર્મલ જિંદગી જીવી શકાય એવું સંભવ છે. ઇલાજનાં વિવિધ પાસાં વિશે વાત કરતાં ડૉ. શૌનક કહે છે, ‘મોટા ભાગે યંગ એજમાં સ્કિઝોફ્રેનિયાનાં લક્ષણો દેખા દે છે ત્યારે એ ઍક્યુટ સાઇકોટિક ડિસઑર્ડર કહેવાય છે. જો આ લક્ષણો છ-આઠ મહિનાથી વધુ સમય રહે ત્યારે એને સ્કિઝોફ્રેનિયા કહેવાય. એ વખતે માત્ર બ્રેઇનમાં ડોપામિન કેમિકલમાં ગરબડ થઈ હોય, પરંતુ એનાથી મગજની કાર્યશૈલીમાં ડૅમેજ નથી થયું હોતું. આવા સમયે નિયમિત દવાઓ દ્વારા લક્ષણોને કાબૂમાં લઈ શકાય છે. જો ઍક્યુટ સાઇકોટિક ડિસઑર્ડરનો એપિસોડ એક જ વાર આવ્યો હોય તો બેથી ત્રણ વર્ષની દવા પછી સારું થઈ જાય છે, પણ જો એપિસોડ્સ બે-ચારથી વધુ વાર આવ્યા હોય તો દવા જીવનભર લેવી પડે છે. જેમ તમને ડાયાબિટીઝ થયો હોય તો તમે નિયમિત એની દવા કે ઇન્સ્યુલિન લો જ છોને? એવી જ રીતે આ દવા ચાલુ રાખવી પડે. દરદીઓ ભૂલ એ કરે છે કે જેવું થોડું સારું લાગવા માંડે એટલે દવા બંધ કરી દે છે. તેમને લાગે છે કે સારું છે તો દવાની સાઇડ-ઇફેક્ટ શું કામ ભોગવવી? જોકે દવા બંધ કરવાથી જે નુકસાન થાય છે એ દવાની સાઇડ-ઇફેક્ટ કરતાં અનેકગણું વધારે હોય છે. છેલ્લાં પંદર-વીસ વર્ષમાં એવી સરસ દવાઓ શોધાઈ છે જે અસરકારક પણ વધુ છે અને સાઇડ-ઇફેક્ટ પણ ઓછી કરે છે.’

આ પણ વાંચો : કૉલમ : રોજામાં સાજામાજા કેવી રીતે રહેશો?

ન્યુરોલૉજિકલ કે સાઇકોલૉજિકલ?

આ રોગ સાઇકિયાટ્રિસ્ટો દ્વારા જ ટ્રીટ કરવામાં આવે છે, પરંતુ લેટેસ્ટ સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે સ્કિઝોફ્રેનિયાના દરદીઓના મગજમાં પણ ક્યાંક બદલાવ આવે છે. સાઇકોલૉજીમાં માઇન્ડની સમસ્યાઓની સારવાર થાય છે જ્યારે બ્રેઇનમાં તકલીફ હોય તો એ ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમ ગણાય છે. એ વિશે સમજાવતાં ડૉ. શૌનક કહે છે, ‘સિગ્મન્ડ ફ્રૉઇડે બ્રેઇન અને માઇન્ડ એમ બન્નેને જુદાં ગણાવ્યાં છે. એની થિયરીને આધારે થિન્કિંગ, ફીલિંગ, બિહેવિયરલ બાબતો માઇન્ડ સાથે સંકળાયેલી છે. જોકે આ માઇન્ડને કન્ટ્રોલ કરવાની ચાવી પણ મગજમાં જ છે. મગજમાં ડોપામિન નામના કેમિકલમાં આવતા બદલાવને કારણે માઇન્ડને કન્ટ્રોલ કરતા ભાગોની કાર્યશૈલીમાં બદલાવ આવતો હોવાથી એને ન્યુરોલૉજિકલ રોગ સમજવો કે સાઇકોલૉજિકલ એ હજીયે ડિબેટનો વિષય છે.’

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2019 11:01 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK