છપ્પનની છાતી ને હીજડાઓની ફોજ : શું આ જ આપણી રાજનીતિ, આ જ આપણા નેતા છે?

મનોજ નવનીત જોષી | Mar 11, 2019, 09:50 IST

જો તમે સ્વસ્થ સમાજની અપેક્ષા રાખતા હો તો તમારે એ સ્વસ્થતાની શરૂઆત એ જ ક્ષેત્રથી કરવી પડશે જે ક્ષેત્રને સૌથી આદરણીય ક્ષેત્ર ગણવામાં આવતું હોય, માનવામાં આવતું હોય.

છપ્પનની છાતી ને હીજડાઓની ફોજ : શું આ જ આપણી રાજનીતિ, આ જ આપણા નેતા છે?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ શબ્દો આમ તો હવે બહુ કૉમન થઈ ગયા છે અને એનો જે પ્રકારે મારો ચાલી રહ્યો છે એ રોકવો પણ હવે તો અઘરો છે. છપ્પનની છાતી, હીજડાઓની ફોજ, કાયરોનો સરદાર, હિન્દુ રાક્ષસ, લોહીનો સૌદાગર અને એવું બીજું ઘણુંબધું. મારું કહેવું એ છે કે આ જ આપણી રાજનીતિ છે, આ જ આપણા નેતાઓ છે? મતની આ દોટમાં જે સતત સભ્યતા ચૂકી રહ્યા છે અને એ ચૂકવામાં આવે એ પછી તેમને રોકનારું પણ કોઈ રહ્યું નથી. રાજકારણમાં જો મર્યાદા ચૂકવામાં આવશે તો સ્વાભાવિક રીતે મર્યાદાનું ઉલ્લંઘન એક પછી એક તમામ પ્રકારનાં ક્ષેત્રોમાં શરૂ થઈ જશે. જો તમે સ્વસ્થ સમાજની અપેક્ષા રાખતા હો તો તમારે એ સ્વસ્થતાની શરૂઆત એ જ ક્ષેત્રથી કરવી પડશે જે ક્ષેત્રને સૌથી આદરણીય ક્ષેત્ર ગણવામાં આવતું હોય, માનવામાં આવતું હોય.

લોકસભા, વિધાનસભા, રાજ્યસભા અને એવાં જે કોઈ સ્થળો છે એ સ્થળોને લોકશાહીનું મંદિર ગણવામાં આવે છે. મંદિરમાં ગયા પછી અપશબ્દ તો શું, વણજોઈતો વિચાર પણ ન કરવાની શીખ શાસ્ત્રો આપે છે અને એ પછી આપણે એનું આચરણ પણ કરીએ છીએ. જો લોકસભા અને અન્ય સભાઓ લોકશાહીનું મંદિર ગણાતા હોય તો રાજનીતિ અને રાજક્ષેત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ આ મંદિરનો પૂજારી છે અને આ પૂજારીઓએ સમજવું પડશે કે તેમણે ભાષામાં શિસ્તતા ઉમેરવી પડશે. ચોકીદાર. આ શબ્દ એક વ્યક્તિ બોલે એટલે બીજા સૌ વિરોધીઓ સાથે મળીને એ ચોકીદાર શબ્દને એ પ્રકારે ઉછાળવાનું શરૂ કરી દે કે જાણે કે તેમને તકિયાકલામ મળી ગયો અને એ વાપરવાની છૂટ જગત આખાએ આપી દીધી.

આ પણ વાંચો : આજે વાત કરવાની છે આપણા જ દેશના રાષ્ટ્રવાદની અને સેનાની, જે હવે શંકાના કેન્દ્રમાં છે

ન કરો આ અસભ્ય વર્તન, ન કરો આ અશિસ્ત ભરેલો વાણીવ્યવહાર અને ન કરો અમર્યાદિત વાણીવિલાસ. જરૂર ન હોય તો ચૂપ રહો અને પહેલાંના રાજકારણને યાદ કરો. જુઓ તો ખરા કે એ સમયમાં આક્ષેપો પણ કેટલા ઔચિત્ય સાથે કરવામાં આવતા. કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો શરૂ થાય એટલે તરત જ એના પર કમેન્ટ કરતી વાતો અને ટિપ્પણીઓ આવવા માંડે. આ ગઠબંધનની સાથે જ શિવસેના અને બીજેપીનું ગઠબંધન જાહેર થાય એટલે તરત જ કૉન્ગ્રેસ અને એના સાથી પક્ષો દ્વારા એ જોડાણ પર આક્ષેપબાજીઓ શરૂ થઈ જાય. નીતિમત્તાનો દુકાળ એ સ્તર પર દેખાવા લાગ્યો છે કે તમને કહેવાની ઇચ્છા થઈ આવે કે પ્લીઝ, હવે આ લવારી બંધ કરો. સોશ્યલ મીડિયાએ આ બધી વાતોમાં પુષ્કળ મદદ કરી છે. સોશ્યલ મીડિયા નહોતું ત્યારે મીડિયા પણ આટલું જાગૃત નહોતું રહી શકતું. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલી લવારીને હવે મીડિયા પણ સ્થાન આપે છે. કોઈના મનમાં ચાલી રહેલા આ ઉકરડાને હવે ટીવી સ્થાન આપવાનું બંધ કરી દેશે તો પણ પ્રજા અને લોકશાહી બન્ને એના આભારી રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK