Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આપણા જ દેશના રાષ્ટ્રવાદની અને સેનાની, જે હવે શંકાના કેન્દ્રમાં છે

આપણા જ દેશના રાષ્ટ્રવાદની અને સેનાની, જે હવે શંકાના કેન્દ્રમાં છે

10 March, 2019 09:37 AM IST |
મનોજ નવનીત જોષી

આપણા જ દેશના રાષ્ટ્રવાદની અને સેનાની, જે હવે શંકાના કેન્દ્રમાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

શંકા, કુશંકા, લઘુશંકાઓ થવી જોઈએ. એમાં કશું ખોટું પણ નથી, પણ એ કયા વિષય પર થવી જોઈએ અને કેવા સંજોગોમાં થવી જોઈએ એની સમજણ આપણામાં હોવી જોઈએ. આપણે ક્યારેય વાઇફ સાથે એક પણ હસબન્ડને લડતો જોયો છે ખરો કે પાંચસો ગ્રામ ખાંડ તેં કેવી રીતે વાપરી એ મને સમજાતું નથી, તું મને એનો હિસાબ આપ અને ચમચી-ચમચાઓ લઈને તે ડાઇનિંગ ટેબલ પર બેસીને લમણાઝીંક કરે? જોયું છે ક્યારેય, આવું બને પણ ખરું ક્યારેય અને ધારો કે એવું બને તો એ રૅરેસ્ટ ઘટના કહેવાય. એટલા માટે કે મોટા ભાગના ઘરમાં આવું નથી જ બનતું. જે ઘરમાં આર્થિક સંકડામણ છે એ ઘરની ગૃહિણી પોતે જ એવો પ્રયાસ કરે છે જેમાં ઓછામાં ઓછો ઘરખર્ચ થાય અને કરકસર સાથે જ તે જીવે. પોતે મોળી ચા પીશે, પણ બચત કરશે. હવે આપણે આવીએ મૂળ વાત પર.



જો ઘરનો પુરુષ પોતાની વાઇફ પર શંકા ન કરતો હોય અને તેના ખર્ચને વાજબી રીતે સમજીને ચાલતો હોય તો તમારે એ પણ સમજવું પડે કે દેશના રાજકારણીઓએ સમજવું જોઈએ કે તેમણે સેના પર શંકાઓ ન કરવી જોઈએ. પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે દેશની સેનાને વાઇફ સાથે સરખાવીને ક્યાંય કોઈ જાતના ઔચિત્યભંગની ભાવના નથી, પણ પ્રોટેક્શનની વાત આવે ત્યારે હંમેશાં પરિવારની મહિલાઓએ જ પરિવારને પોતાના કબજામાં લીધો છે અને જ્યારે પણ તેણે કબજામાં લીધો છે ત્યારે પરિવાર હંમેશાં ક્ષેમકુશળ રહ્યો છે. આ અને માત્ર આ જ હેતુ જેને લીધે આ સરખામણી કરી છે.


આજે તમારી શંકાઓ પછી દેશની સેનાએ સ્પષ્ટતા કરવા માટે બહાર આવવું પડે અને એણે પ્રેસ-કૉન્ફરન્સ કરવી પડે. હદ છે, શરમની ચરમસીમા છે આ તો. અવિશ્વાસને પણ શરમ આવે એ સ્તર પરની શંકા છે આ તો. રાજનીતિ થવી જોઈએ, એમાં કશું ખોટું નથી; પણ રાજનીતિમાં તમે બિનરાજનૈતિક એવી સેનાને વચ્ચે લઈ આવો અને એની સામે શંકાઓ કરશો તો એનું જ મનોબળ ઘટશે. આજે તેઓ કોઈ જાતના રાજકીય ફાયદાઓ જોઈ નથી રહ્યા, આજે તેઓ કોઈ જાતનો તમારી પાસેથી બદલો ઇચ્છતા નથી. એ લોકો તો પોતાનું કામ કરે છે અને એના કામમાં નિષ્ઠા છે તો પછી એ કામને સરળતા સાથે સ્વીકારીને આગળ ચાલશો તો જ દેશની રાષ્ટ્રીયતા અકબંધ રહેશે અને દેશ પ્રત્યેનો તમારો રાષ્ટ્રભાવ પણ ઝળકશે.

આ પણ વાંચો : પાકિસ્તાન આવતા દિવસોમાં શું કરશે અને શું કામ કરશે?


મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમારે જો આરોપો લગાવવા હોય તો લગાવો. સરકારની યોજનાઓ પર આરોપ મૂકો અને સરકારે કરેલાં કામો પર આરોપ મૂકો, પણ આવી વાત પર? ના, જરાય નહીં અને થવું પણ ન જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમારે પ્રતિસ્પર્ધીને પછાડવો છે તો તમારી પાસે એના અનેક રસ્તાઓ છે. તમે એ વાપરો, વિના સંકોચે વાપરો; પણ સેના કે રાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓને સંબંધિત કોઈ વાત હોય તો એમાં તમારી રાજનીતિને સામેલ નહીં જ કરો. ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2019 09:37 AM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK