અમને સૂઝ નથી પડતી કે અમારે શું કરવું જોઈએ? દીકરાની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવા અમેરિકા જવું જોઈએ?
તસવીર સૌજન્ય : એ.આઈ
જ્યારથી ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકાનું પ્રેસિડન્ટપદ ધારણ કર્યું છે ત્યારથી એચ-૧બી વીઝા મેળવવા મુશ્કેલ બન્યા છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણતા પરદેશી વિદ્યાર્થીઓને તેમને અચાનક કંઈ પણ કારણ દર્શાવ્યા સિવાય ‘તમારા સ્ટુડન્ટ વીઝા રદ કરવામાં આવ્યા છે’ એવું જણાવીને સ્વદેશ પાછા જવાનું કહેવામાં આવી રહ્યું છે. બી-૧/બી-૨ વીઝા પર અમેરિકામાં પ્રવેશતા પરદેશીઓને ઍરપોર્ટ પરના ઇમિગ્રેશન ઑફિસરો ખૂબ જ પ્રશ્ન કરીને ઊલટતપાસ લે છે, તેમના મોબાઇલ તપાસે છે. અમને સૂઝ નથી પડતી કે અમારે શું કરવું જોઈએ? દીકરાની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં ભાગ લેવા અમેરિકા જવું જોઈએ?’
આ મુજબની મૂંઝવણ અનેક ભારતીયોને થાય છે.
ADVERTISEMENT
જો તમારા સંતાને અમેરિકામાં ભણવા સિવાય બીજું કંઈ જ કર્યું ન હોય, દારૂ પીને ડ્રાઇવિંગ કર્યું ન હોય, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું ન હોય, શૉપલિફ્ટિંગ કર્યું ન હોય, કૅમ્પસની બહાર નોકરી કરી ન હોય, કૅમ્પસ પર અઠવાડિયાના વીસ કલાક કામ કરવાની જે છૂટ પરદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એ માટે પરવાનગી મેળવીને પછી જ કામ કર્યું હોય, રાજકારણની ચર્ચાઓમાં ભાગ લીધો ન હોય, કોઈ વિરોધ-પ્રદર્શન કે કોઈ ખાસ દેશની વિરુદ્ધના દેખાવોમાં ભાગ લીધો ન હોય, ટ્યુશન-ફી અને અન્ય ખર્ચની રકમ તમે કાયદેસર બૅન્ક-ટ્રાન્સફર વડે મોકલાવી હોય, અમેરિકામાં રહેતા તમારાં સગાંવહાલાં કે હવાલાનાં કાર્યો કરતા એજન્ટો થકી એ પૈસા મોકલાવ્યા ન હોય તો એને ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ (OPT) પિરિયડ માટે કે વધુ અભ્યાસ કરવા માટે તકલીફ નહીં પડે.
અમેરિકામાં પ્રવેશતાં તમને આ બધી બાબતો વિશે પણ સવાલો કરવામાં આવી શકે. તમારું સંતાન ભણી રહ્યા બાદ શું કરવા ઇચ્છે છે? તેનો કે તમારો અમેરિકામાં કાયમ રહેવાનો ઇરાદો નથીને? આ વાત પણ તેઓ જાણવા માગશે. વીઝા મેળવતી વખતે તમે ફૉર્મ ડીએસ-૧૬૦માં બધી જ બાતમી સાચી આપી હશે, ભારતમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ જ ગાઢ હશે, તમારી અમેરિકામાં કાયમ રહેવાની કે ત્યાં ગેરકાયદેસર કામ કરવાની ઇચ્છા નહીં હોય, તમારા લાભ માટે કોઈએ ગ્રીન કાર્ડની પિટિશન દાખલ કરી નહીં હોય તો તમને ગ્રૅજ્યુએશન સેરેમનીમાં હાજરી આપવા માટે જવામાં વાંધો નહીં આવે. જ્યારે તમે આવી મૂંઝવણ અનુભવો છો ત્યારે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટને મળીને બધી જ વિગતો જણાવીને સલાહ મેળવી લેવી જોઈએ.

