પોલીસની પરવાનગી વગર આંદોલન કરનાર ૬ વિદ્યાર્થિની સામે ફરિયાદ નોંધાઈ
વિદ્યાર્થિનીઓએ બુરખો પહેરવાની પરવાનગી માગતાં પોસ્ટરો લઈને હડતાળ શરૂ કરી હતી.
ગોરેગામની વિવેક વિદ્યાલય અને જુનિયર કૉલેજમાં મૅનેજમેન્ટે ક્લાસરૂમમાં બુરખો અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતો ડ્રેસકોડ લાગુ કર્યા પછી નવો વિવાદ શરૂ થયો છે. આ નવા નિયમથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો છે, જેને પગલે ગુરુવારે અમુક વિદ્યાર્થિનીઓ ભૂખહડતાળ પર ઊતરી હતી. પોલીસની પરવાનગી વગર આંદોલન કરવા બદલ ૬ વિદ્યાર્થિનીઓ સામે પોલીસ-ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી ૩ વિદ્યાર્થિનીઓ અજાણી હોવાનું જણાયું હતું.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની મહિલા પાંખની વાઇસ-પ્રેસિડન્ટ જહાંઆરા શેખે પણ આંદોલનકારી વિદ્યાર્થિનીઓને સમર્થન આપ્યું હતું અને કૉલેજે આપેલા અન્યાયી અને ભેદભાવપૂર્ણ આદેશને રદ કરવાની વિનંતી કરી હતી. પ્રદર્શનકારીઓએ માગણી કરી હતી કે વર્ષોથી કૅમ્પસમાં બુરખા પહેરવાનો તેમને જે અધિકાર હતો એ મૅનેજમેન્ટે ફરીથી અમલમાં મૂકવો જોઈએ.
ADVERTISEMENT
કૉલેજ મૅનેજમેન્ટે જણાવ્યું હતું કે આ પગલું ધાર્મિક આસ્થાથી પ્રેરિત નથી, પરંતુ તટસ્થ શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવા માટેનો એક પ્રયાસ છે. કૉલેજ ઑથોરિટીએ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ હિજાબ અને હેડસ્કાર્ફ પહેરવાની છૂટ આપી છે તેમ જ આ નિયમ ફક્ત જુનિયર કૉલેજ વિભાગને લાગુ પડે છે, સિનિયર કૉલેજને નહીં એમ ખુલાસો કર્યો હતો.


