પાંચ મહિના અને ૧૨ દિવસમાં ૧૦૦૦ ગામડાંઓમાંથી પસાર થઈને, ૩૬૦૦ કિલોમીટરનું અંતર કાપીને નર્મદા પરિક્રમાનું આકરું તપ કરી આવી છે બોરીવલીની આ ગુજરાતી યુવતી
નર્મદા પરિક્રમા દરમ્યાન દક્ષિણ તટથી ઉત્તર તટ તરફ જતી વખતે એક જ વાર નૌકાનો ઉપયોગ કરવામાં આવે છે.
કી હાઇલાઇટ્સ
- ભિક્ષા કરીને પેટ ભર્યું, ખુલ્લામાં શૌચક્રિયા અને સ્નાન કરવું પડ્યું..
- મગરમચ્છ અને સાપ સાથે પનારો પડ્યો..
- આવા તો અનેક પડકારો આવ્યા આ યાત્રામાં ૨૯ વર્ષની શિવાની વ્યાસને
જંગલો, પહાડો, કાદવવાળા રસ્તા, ક્યારેક માત્ર દાળ-રોટલીનું ભોજન તો ક્યારેક ભૂખમરો... શરીર ધ્રૂજે એવી ઠંડી, અસહ્ય ગરમી, આદિવાસીઓ અને જંગલી પ્રાણીઓનો ભય, જિનેટિક શારીરિક સમસ્યાઓ... તું ઘરેથી ભાગીને આવી છે? તારી માએ તને કપડાં ધોતાં નથી શીખવ્યું? આવાં મહેણાં... છતાં વિચલિત થયા વિના પાંચ મહિના પદયાત્રા કરવા મજબૂત મનોબળ જોઈએ. અત્યંત કઠિન મનાતી નર્મદા પરિક્રમા કરીને ૧૭ માર્ચે હેમખેમ ઘરે પાછી આવેલી બોરીવલીની ૨૯ વર્ષની શિવાની વ્યાસની રોમાંચક વાતો સાંભળીને તમને પણ ગૂઝબમ્પ્સ આવશે.
પહેલું કદમ, પહેલી ચૅલેન્જ
ADVERTISEMENT
નર્મદા પરિક્રમા મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થાય છે. પરિક્રમા કરવા તબીબી તપાસ અને સર્ટિફિકેટ અનિવાર્ય છે. સામાન્ય રીતે પ્રરિક્રમાવાસીઓ દેવઊઠી અગિયારસથી ચાલવાનું શરૂ કરે છે. શિવાનીને સેવામાં વધુ સમય વિતાવવાની ઇચ્છા હોવાથી દશેરાથી શરૂઆત કરવી હતી. પેપરવર્કની પ્રક્રિયામાં મદદરૂપ થવા શિવાનીની વચેટ બહેન પ્રણવી વ્યાસ ઓમકારેશ્વર સુધી મૂકવા ગઈ. બન્ને બહેનો ૨૦૨૫ની ૨૯ સપ્ટેમ્બરે મુંબઈથી ટ્રેનમાં નીકળી. ગુજરાતીમાં કહેવત છે, પ્રથમ ગ્રાસે
મક્ષિકા... એટલે કે શરૂઆત વિઘ્નથી થઈ. આશ્રમના વહીવટી તંત્રએ એકલી યુવતીને જોઈને સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી. ઘણી આજીજી છતાં માન્યા નહીં. તેમને લાગતું હતું કે છોકરી ઘરેથી ભાગીને આવી હશે. આશ્રમમાં સેવા આપતા અને પરિક્રમા માટે આવેલા એક ભાઈની મદદથી સર્ટિફિકેટ મેળવવામાં સમય લાગ્યો. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી પ્રણવી મુંબઈ આવી ગઈ. ૨૦૨૫ની ૬ ઑક્ટોબરે શિવાનીએ પદયાત્રા શરૂ કરી.
લાંબા અંતરની પદયાત્રામાં પહેલા ત્રણ દિવસ ધીમે ચાલવાની સલાહ અપાય છે, પણ જોશમાં ને જોશમાં પહેલા દિવસે શિવાની ૧૮ કિલોમીટર ચાલી ગઈ અને પરિણામે પગમાં ફોડલા થયા. સાથે ચાલનારા આગળ વધી ગયા. શિવાની કહે છે, ‘નર્મદામૈયાએ સંકેત આપ્યો કે મારા શરણમાં એકલા આવવાનું છે, અહીં કોઈનો છેવટ સુધી સાથ નથી રહેવાનો, લક્ઝરીને ત્યાગીને તપ કરો, નાહવા માટે વૉશરૂમ નથી મળવાનાં તો બૉડીવૉશ શું કામનું, મોબાઇલની લાઇટ છે તો ટૉર્ચની જરૂર નથી. ઘરેથી ૧૦ કિલો સામાન લઈને નીકળી હતી. વજન સાથે આગળ વધવું મુશ્કેલ લાગતાં અડધો સામાન છોડી દીધો.’
મહેણાં સાંભળ્યાં, ભિક્ષા માગી
મધ્ય પ્રદેશથી શરૂ થઈને ગુજરાતમાંથી પસાર થતી અને મધ્ય પ્રદેશમાં ઓમકારેશ્વરમાં પૂરી થતી આ પરિક્રમામાં અંદાજે ૩૬૦૦ કિલોમીટર ચાલવું પડે છે. નિયમ પ્રમાણે સૂર્યોદય થતાં ચાલવાનું અને સૂર્યાસ્ત પહેલાં આશ્રમમાં (વિશ્રામસ્થળ) પહોંચી જવું પડે. જે મળે એ ખાઈ લેવાનું અને બધાં કામ જાતે કરવાનાં. અનુભવો જણાવતાં શિવાનીએ કહ્યું, ‘હૅન્ડપમ્પની મદદથી પાણી કાઢી ઉભડક બેસીને કપડાં ધોવા બેસતાં નહોતું ફાવતું એટલે ગામડાની મહિલાઓ મારા પર હસવા માંડી અને મહેણું માર્યું ઃ તારી માએ કપડાં ધોતાં નથી શીખવ્યું? કહેવાનું મન થઈ ગયું કે મારી માએ એકલી યાત્રા કરી શકું એટલી સક્ષમ બનાવી છે, મારી માએ મને પગભર કરી છે, ભણાવી છે. એકલી જોઈને એક જણે લગ્ન થઈ ગયાં કે નહીં એવું પણ પૂછ્યું. આશ્રમમાં ૬ વર્ષની બાળકીને રસોઈ બનાવતી જોઈને દુઃખ થયું. મોબાઇલ નેટવર્ક ન મળે, વીજળીના ધાંધિયા હોય, ક્યારેક દાળ-રોટલી મળે, કોઈક વાર મીઠું અને હળદરવાળી ફિક્કી ખીચડી ખાવી પડે તો ક્યારેક પેટ ભરવા ભિક્ષા પણ માગવી પડે. એક વાર ભિક્ષામાં માત્ર ટમેટાં મળ્યાં. નર્મદા પરિક્રમા ધર્મ, જાતિ, લિંગનાં બંધનો તોડી નાખે છે. મુસ્લિમ ભાઈના ઘરે ચા પીધી. એક ગામમાં એકેય દુકાન નહોતી. સ્થાનિક રહેવાસીઓ ૫૦ કિલોમીટર દૂર જઈ જરૂરિયાતનો સામાન લાવતા. પૈસા હોય છતાં કાંઈ ન મળી શકે. ડ્રેસ ફાટી ગયો અને ખરીદવા ગઈ તો પૈસા ન લીધા, બૅગ મફતમાં સીવી આપી એવું પણ બન્યું. ગામડામાં પાયાની સુવિધાનો અભાવ. ખુલ્લામાં શૌચક્રિયા કરી અને કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. તપોભૂમિ નર્મદાની સુંદરતા ત્યાગમાં છે એવા અઢળક અનુભવો થયા. સાધુ-સંતો સાચું જ કહે છે કે નર્મદામૈયાના તટ પર કલિયુગ પહોંચી નહીં શકે.’
મગરનો સામનો થયો
નર્મદા પરિક્રમાનો માર્ગ ખૂબ કઠિન છે. અહીં આદિવાસીઓથી સંભાળીને રહેવું પડે. દુર્ગમ સ્થાન અને જંગલવિસ્તારમાં ચાલવામાં માનસિક કસોટી થાય. શિવાની દરરોજ લગભગ ૧૮ કિલોમીટર ચાલતી. તેણે કહ્યું, ‘સ્થાનિક લોકોના મોઢે નર્મદામૈયાની ચમત્કારિક વાતો સાંભળવાનું ગમતું. નર્મદામાં મગર બહુ છે. યાત્રામાં એનાં દર્શન થાય તો નર્મદામૈયાએ દર્શન આપ્યાં એવી માન્યતા છે. એક વાર આશ્રમ પહોંચવા ૩૦ કિલોમીટર ચાલી. સૂર્યાસ્તનો સમય થઈ ગયો અને આશ્રમ દૂર હતો. મારી સાથે બે યુવકો હતા. નદીના તટ પર કાદવમાં પથ્થર પર પગ મૂકીને બન્ને કૂદી ગયા. હું કૂદવા ગઈ પણ નીચે લપસીને પડી ગઈ. ત્યાં કાદવ હતો. અડધા પગ અંદર ઘૂસી ગયા. ફ્લોટિંગ સ્ટોન જેવું કંઈક દેખાતાં સપોર્ટ લેવા ગઈ હતી, પણ એ મગર હતો. ઘાટ પર ઘેટાં ચરાવતા ભરવાડનું ધ્યાન જતાં તેણે બહાર કાઢી અને ચેતવણી આપી. અન્ય ઘટનામાં સૂકી નદીના પથ્થર પર બેઠી હતી ત્યાં સાપ નીકળ્યો. જાનવરોથી આમ તો ભયભીત થઈ જાઉં પણ શાંત રહેવાની હિંમત ક્યાંથી આવી ખબર જ ન પડી. શરૂઆતમાં ઠંડી ખૂબ લાગતી. છેલ્લા ૪૦૦ કિલોમીટર તડકો સહન ન થયો અને તબિયત બગડી. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની બૉર્ડર પર અમરકંટક સુધી પહોંચવા માટે ૧૦૦૦થી વધુ ગામડાંઓ પાર કર્યાં. પાંચ મહિના અને ૧૨ દિવસે પરિક્રમા પૂર્ણ કરી મુંબઈ આવી ગઈ.’
પ્રેરણા ક્યાંથી થઈ?
ઔદીચ્ય ટોળક બ્રાહ્મણ જ્ઞાતિની શિવાનીનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે. મીઠીબાઈ કૉલેજથી તેણે ઇંગ્લિશ લિટરેચરમાં BAનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ લંડનની બર્મિંગહૅમ યુનિવર્સિટીથી ઑનલાઇન માસ્ટર્સ કર્યું. તેના પપ્પા મહેશભાઈ અકાઉન્ટન્ટ છે. મમ્મી છાયાબહેન દહિસરની માતૃછાયા સ્કૂલમાં શિક્ષક હતાં. ૨૦૨૧માં બ્રેઇન-ટ્યુમર થતાં તેઓ મૃત્યુ પામ્યાં. ઘરમાં પપ્પા અને બે મોટી બહેનો ક્રિષ્ના અને પ્રણવી છે. શિવાની અનેક શારીરિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તેને પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (PCOD) છે અને ક્યારેક તેને ફિટ પણ આવે છે. તેને પુટ્ઝ જેગર્સ સિન્ડ્રૉમ (PJS) છે. આ અનુવાંશિક અવસ્થા છે જેમાં સ્વાદુપિંડ, સ્તન સહિત વિવિધ કૅન્સરનું જોખમ રહેલું છે. શિવાનીની તબીબી સારવાર પણ ચાલે છે. કઠિન તપ કરવાની પ્રેરણા તેને ગુજરાતી ફિલ્મ ‘રેવા’ જોઈને થઈ હતી. તેની મમ્મીને પણ નર્મદામૈયાનાં દર્શન કરવાની ઇચ્છા હતી. મમ્મીને ગુમાવતાં તે ગુમસુમ થઈ ગઈ હતી. તેણે સાંભળ્યું હતું કે નર્મદા પરિક્રમા એ જીવતું જગતિયું છે, અહીં આવનારો યાચક પોતાના હાથે પોતાનું પિંડદાન કરે છે. નર્મદામાં લીન થવા માટે સાંસારિક વ્યક્તિએ શ્વેત વસ્ત્રો પહેરીને પરિક્રમા કરવી જોઈએ એવી માન્યતા હોવાથી તેણે શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં. પરિક્રમા પહેલાં તે પુણેમાં ટીચર હતી. ૬ મહિનાની રજા ન મળી એટલે નોકરી છોડી દીધી. એ પહેલાં શિવાનીએ ઉત્તરાખંડના ચારધામ, ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ અને કેદારનાથ તેમ જ ભારતનાં ચારધામ - બદરીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ અને દ્વારકાની જાત્રા એક મહિનામાં પૂર્ણ કરી હતી.
પરિક્રમા આ રીતે પણ થાય
૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસની નર્મદા પરિક્રમાનું માહાત્મ્ય છે જેમાં ૫૪ લાખ તીર્થસ્થાનો આવે છે. ભરૂચમાં ચાતુર્માસ કરવાનો હોય.
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ૧૮ કિલોમીટર છે. ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ સુધી ગુજરાતના નર્મદા જિલ્લામાં રામપુરાથી તિલકવાડા સુધી ભક્તો ઉત્તર દિશામાં વહેતી નર્મદાની પગપાળા યાત્રા કરે છે. આ વર્ષે ૧૯ માર્ચથી ૧૭ એપ્રિલ સુધી યાત્રા ચાલશે.
