Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ૮૦૦૦+ મીટરની ઊંચાઈના ૮ માઉન્ટન સર કરનારો મહારાષ્ટ્રનો પહેલો પર્વતવીર છે આ

૮૦૦૦+ મીટરની ઊંચાઈના ૮ માઉન્ટન સર કરનારો મહારાષ્ટ્રનો પહેલો પર્વતવીર છે આ

Published : 29 May, 2025 12:56 PM | Modified : 31 May, 2025 07:24 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં જે પર્વત સર કરવાની કોશિશમાં જમણા પગનો અંગૂઠો ગુમાવવો પડ્યો એ માઉન્ટનની ટોચે પહોંચીને આખરે તિરંગો લહેરાવ્યો મુલુંડના કચ્છી કેવલ કક્કાએ અને સરજ્યો અનોખો રેકૉર્ડ

૨૦૧૭ મના સ્લૂ ૮૧૬૩m, ૨૦૧૮ ચો ઓયૂ ૮૧૮૮m

૨૦૧૭ મના સ્લૂ ૮૧૬૩m, ૨૦૧૮ ચો ઓયૂ ૮૧૮૮m


માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલા ૩૪ વર્ષના કેવલ કક્કાએ હમણાં વિશ્વના ત્રીજા નંબરના સૌથી ઊંચા કંચનજંગા પર્વતની ટોચે પહોંચીને ત્રણ વર્ષ પહેલાં અધૂરું રહી ગયેલું મિશન પૂરું કર્યું : આ સાથે જ તે ૮૦૦૦ મીટરથી વધુની ઊંચાઈવાળા ૮ પર્વતનાં શિખર પર ભારતનો ધ્વજ લહેરાવનારો ત્રીજો ભારતીય અને મહારાષ્ટ્રનો પહેલવહેલો પર્વતારોહક બન્યો છે


૧૮ મેની સવારે સાડાઅગિયાર વાગ્યે મુલુંડના ૩૪ વર્ષના કચ્છી યુવાન કેવલ કક્કાએ વિશ્વના ત્રીજા નંબરના સૌથી ઊંચા કંચનજંગા પર્વતનું શિખર સર કર્યું. આ સાથે જ તે ૮૦૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા ૮ પર્વતનાં શિખર પર ભારતનો ધ્વજ લહેરાવનારો ત્રીજો ભારતીય અને પહેલો મહરાષ્ટ્રીયન બન્યો છે. તેના માટે તો આ એક મોટી સિ​દ્ધિ હતી જ પણ કચ્છી-ગુજરાતીઓ માટે પણ આ એક ગર્વની ક્ષણ હતી. કપરું ચઢાણ, હાડ થીજવતી ઠંડી, ઝડપી પવન, ઑક્સિજનની કમી વચ્ચે ૮૫૮૬ મીટરની ઊંચાઈ પર પહોંચવાનું કામ ભલભલાના મનોબળને ભાંગી નાખે એવું હોય છે. કંચનજંગાને સર કરતી વખતે અનેક પર્વતારોહકોએ તેમના જીવ પણ ગુમાવ્યા છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત ભલે માઉન્ટ એવરેસ્ટ હોય, પણ કંચનજંગાનાં રૂટ, વેધર-કન્ડિશન ચૅલેન્જિંગ તેમ જ સપોર્ટ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીમિત છે. એટલે જ કંચનજંગામાં એવરેસ્ટ કરતાં વધુ પર્વતારોહકોનાં મોત થયાં છે. એટલે આવા ખતરનાક ગણાતા કંચનજંગા માઉન્ટનના શિખરને સર કરીને દેખાડવું સાહસભર્યું કામ છે.




૨૦૧૯ માઉન્ટ એવરેસ્ટ ૮૮૪૯m

કંચનજંગા સર કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં ૩૪ વર્ષનો કેવલ કહે છે, ‘મેં રાત્રે સાડાઆઠ વાગ્યે કૅમ્પ-૪ જે ૭૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલો છે ત્યાંથી શિખર તરફ જવા માટેની શરૂઆત કરી. હજી માંડ પંદર મિનટ થઈ હશે ત્યાં મને ઊલટી થઈ, જે પિત્તને કારણે થઈ હતી. મારા ડાઉન જૅકેટમાં પાણીની બૉટલ, ફૂડ રાખેલું હતું પણ ચેઇન ફ્રીઝ થઈ જતાં હું કંઈ પણ ખાઈ-પી શક્યો નહોતો. મારો જે શેરપા હતો તેની પાસે કોલ્ડ ડ્રિન્ક હતું. એ પણ જામી ગયું હતું પણ જેમતેમ કરી એને મોઢામાં નાખીને પીગાળીને પીધું એટલે થોડી એનર્જી મળી. જોકે શિખર સુધી પહોંચતાં-પહોંચતાં મને છ વાર ઊલટી થઈ. શરીરની એનર્જી સાવ ઘટી ગઈ હતી. મારી સાથે આખી ટીમ હતી. બધા જ મારાથી બહુ આગળ નીકળી ગયા હતા. અંધારામાં દૂરથી મને ફકત તેમની ટૉર્ચનો પ્રકાશ જ દેખાતો હતો. મને એમ લાગેલું કે આ વખતે મારાથી શિખર પર નહીં પહોંચાય. તેમ છતાં હું મારી જાતને સમજાવતો રહ્યો કે તું કરી શકે છે. એમ કરતાં-કરતાં હું શિખર પર પહોંચ્યો ખરો.’


૨૦૧૯ લહોત્સે ૮૫૧૬m

કંચનજંગાના શિખરને સર કરવાનું કેવલ કક્કા માટે ખૂબ જરૂરી હતું. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘વિશ્વમાં ૧૪ પર્વતો છે જે ૮૦૦૦ મીટરથી વધુ ઊંચા છે, જે એઇટથાઉઝન્ડર્સ તરીકે ઓળખાય છે. આમાંથી ૮ પર્વતો એકલા નેપાલમાં આવેલા છે, જેમાં માઉન્ટ એવરેસ્ટથી લઈને કંચનજંગા, લહોત્સે, મકાલુ, ચો ઓયૂ, ધૌલાગિરિ, મનાસ્લૂ અને અન્નપૂર્ણા બધા જ આવી જાય. મેં કંચનજંગાને બાદ કરતાં નેપાલના ૮૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતાં સાતેય શિખર સર કરી લીધાં હતાં. એમાં ફક્ત એક કંચનજંગા સર કરવાનો બાકી હતો. ૨૦૨૨માં મેં કંચનજંગા સર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં સફળતા મળી નહોતી. વાત જાણે એમ હતી કે એ સમયે શિખર ૧૦૦ મીટર દૂર હતું ત્યારે મારે પાછા ફરવું પડ્યું હતું. વધુપડતી ઠંડીને કારણે મારા જમણા પગનો અંગૂઠો ફ્રીઝ થઈ ગયો હતો, સેલ્સ અને ટિશ્યુઝ ડૅમેજ થઈ ગયા હતા. ઇન્ફેક્શન શરીરમાં ન ફેલાય એ માટે પગનો અંગૂઠો કાપવો પડ્યો હતો. એ વખતે મારે ત્રણ મહિનાનો બેડરેસ્ટ કરવો પડ્યો હતો. એટલે આ વખતે ફરી હું કંચનજંગાના શિખર પર પહોંચ્યા વગર પાછો ફરું એવું ઇચ્છતો નહોતો. એટલે કંચનજંગા સર કરતી વખતે મનમાં ભય હતો કે આ વખતે કોઈ અણધારી આફત ન આવી જાય. હું ખૂબ જ સાવચેતી સાથે આગળ વધી રહ્યો હતો.’

૨૦૨૫ કંચનજંગા  ૮૫૮૬m

કેવલને ૨૦૨૦માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેનઝિંગ નૉર્ગે નૅશનલ અવૉર્ડ પણ મળી ચૂક્યો છે.

કેવલે મનાલીમાં આવેલી અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટમાંથી માઉન્ટેનિયરિંગનો કોર્સ કર્યો છે. તેની પર્વતારોહક તરીકેની સફરની શરૂઆત ૨૦૧૭માં શરૂ થઈ હતી, જે આજની ઘડી સુધી ચાલુ છે. છેલ્લાં નવ વર્ષમાં કેવલે ૮૦૦૦ મીટરથી વધુની ઊંચાઈ ધરાવતાં આઠ શિખર સર કરીને દેખાડ્યાં છે. એનો અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘સૌથી પહેલાં મેં માઉન્ટ મનાસ્લૂ સર કર્યો હતો, કારણ કે એ અન્ય માઉન્ટનની સરખામણીમાં સર કરવામાં થોડો સરળ અને એવરેસ્ટ પર ચડતાં પહેલાં ટ્રેઇનિંગ મેળવવા માટે એક સારો માઉન્ટન ગણાય. એ પછી ૨૦૧૮માં મેં માઉન્ટ ચો ઓયૂ સર કર્યો. એમાં તો મારો શેરપા બીમાર થઈ ગયેલો, પણ તેમ છતાં હું એકલો શિખર સુધી પહોંચ્યો. એ પછી ૨૦૧૯માં મેં માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનો સૌથી ઊંચો અને લહોત્સે, જે વિશ્વનો ચોથા નંબરનો સૌથી ઊંચો પર્વત છે, એ સર કર્યા. મેં પહેલાં માઉન્ટ એવરેસ્ટ સર કરેલો, એ પછી નીચે ઊતરીને કૅમ્પ-૨ પર આવ્યો. અહીંથી મેં ફરી લહોત્સે સર કરવાનું શરૂ કર્યું. ફક્ત છ દિવસમાં હું એવરેસ્ટના શિખરથી લહોત્સેના શિખર પહોંચ્યો હતો. એવરેસ્ટ શિખર કરતી વખતે એક કુદરતી આફત આવેલી. ભારતમાં ફેની વાવાઝોડું આવેલું, જેની અસર એવરેસ્ટ પર પણ જોવા મળી હતી. અમે પર્વતારોહકો કૅમ્પ-૨ પર હતા. અહીં એટલી ઝડપથી હવા ફૂંકાઈ કે અમારા કૅમ્પ ઊડી ગયા. એવું લાગતું હતું કે આ હવા ક્યાંક અમને ન ફંગોળી દે. કોવિડના કારણે ૨૦૨૦માં બ્રેક આવી ગયો. એ પછી ૨૦૨૧માં મેં માઉન્ટ અન્નપૂર્ણા સર કર્યો, જેને ખતરનાક પર્વતોમાંથી એક માનવામાં આવે છે. એમાં ચાર જણ સફળતાપૂર્વક શિખર સર કરે તો એની સામે એકનું મોત થાય એવો રેશિયો છે, કારણ કે એ ખૂબ જ સ્ટીપ અને ડેન્જરસ છે. એ પછી ૨૦૨૨માં મેં ધૌલાગિરિ પર્વત સર કર્યો, જેને હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. એ જ વર્ષમાં મેં કંચનજંગા પણ સર કરવાનું વિચારેલું, પણ શિખર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. એ પછી ૨૦૨૩માં મેં માઉન્ટ મકાલુ જે વિશ્વનો પાંચમા નંબરનો સૌથી ઊંચો પર્વત છે એ સર કર્યો હતો. ૨૦૨૪માં મેં બ્રેક લીધો હતો. એ પછી આ વર્ષે ફરી મેં કંચનજંગા સર કર્યો છે.’

૨૦૨૦ની ૨૯ ઑગસ્ટે નૅશનલ સ્પોર્ટ‍્‍સ ડે નિમિત્તે કેવલ કક્કાને તેન્ઝિંગ નોર્ગે નૅશનલ અવૉર્ડ મળ્યો એ ક્ષણ.

કેવલ કક્કા માઉન્ટન પ્રત્યે ખૂબ માન ધરાવે છે. એટલે જ તે શિખર પર પહોંચે ત્યારે સૌથી પહેલાં ઘૂંટણિયે પડીને જમીન પર માથું ટેકવે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને લાગે છે કે તમે માઉન્ટન પર ત્યારે જ પહોંચી શકો જ્યારે એ તમને ત્યાં સુધી પહોંચવાની મંજૂરી આપે. એની મરજી વગર સારા-સારા પર્વતારોહકો પણ એને સર કરી શક્યા નથી. માઉન્ટનની ઇચ્છા નહીં હોય તો કોઈ ને કોઈ કુદરતી આફત આવી જશે અને તમે શિખર સુધી નહીં પહોંચી શકો. માઉન્ટન પર પહોંચવા માટેનો તમારો ભાવ સારો હોવો જોઈએ. માઉન્ટન એ જુએ છે કે તમે ફકત પોતાનું નામ કરવા માટે શિખર સર કરવા ઇચ્છો છો કે પર્વત પ્રત્યે માનની લાગણી પણ ધરાવો છો. હું હંમેશા માથું ઝુકાવીને માઉન્ટનને ધન્યવાદ કરું છું કે એણે મને હેમખેમ અહીં સુધી આવવા દીધો.’

૨૦૨૧ અન્નપૂર્ણા ૮૦૯૧m

આ સ્પોર્ટ્સમાં રહેલી સ્ટ્રગલ વિશે વાત કરતાં કેવલ કહે છે, ‘માઉન્ટન સર કરતી વખતે તો તમને અનેક મુશ્કલીઓ વેઠવી પડે જ છે, પણ એ અગાઉ રોજિંદા જીવનમાં પણ ભરપૂર ટ્રેઇનિંગ લેવી પડે. હું દરરોજ સાત કલાક ટ્રેઇનિંગ લઉં છું. હું દરરોજ ચાર વાગ્યે ઊઠીને અડધો કલાક માટે મેડિટેશન કરું, કારણ કે પર્વતારોહણ કરતી વખતે મેન્ટલ સ્ટ્રેન્ગ્થ ખૂબ જરૂરી છે. એ પછી યોગ કરું, જેથી બૉડી વધુ ફ્લેક્સિબલ થાય. બે કલાક જિમમાં જઈને વેઇટ-ટ્રેઇનિંગ અને સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ કરું. સાંજના સમયે રનિંગ, સાઇક્લિંગ, સ્વિમિંગ અને રૉક-ક્લાઇમ્બિંગ કરું જે એન્ડ્યૉરન્સ વધારવા માટે હોય છે. એ સિવાય આ સ્પોર્ટ્સ ખૂબ એક્સપેન્સિવ છે. એટલે સ્પૉન્સર્સ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે. સૌપ્રથમ વાર મેં જે માઉન્ટન સર કર્યો એનો ખર્ચ ૧૨ લાખ રૂપિયા આવેલો. સ્પૉન્સર શોધતાં મને ચાર મહિના લાગેલા અને ૧૮૨ લોકોએ મને રિજેક્ટ કરેલો. એ પછી એક જગ્યાએથી અડધી સ્પૉન્સરશિપ મળેલી, જ્યારે અડધી રકમ મેં મારી રીતે એકઠી કરેલી. આવી સ્પોર્ટને સ્પૉન્સર કરવા માટે કમર્શિયલ કંપનીઓ વધુ આગળ આ‍વતી નથી, કારણ કે એમને વિઝિબિલિટી જોઈતી હોય જે આમાં તેમને એટલી મળતી નથી. ૨૦૨૨માં સ્પૉન્સરશિપના કારણે જ મારે બ્રેક લેવો પડેલો.’

૨૦૨૨ ધૌલાગિરિ ૮૧૬૭m

કેવલ કક્કાની પોતાની પોતાની ટ્રેકિંગ કંપની છે અને મુલુંડમાં એક શૉપ છે જે ટ્રેકિંગનાં ઇક્વિપમેન્ટ વેચવાનું કામ કરે છે. પરિવારમાં તેમના પપ્પા હિરેનભાઈ, મમ્મી નીલમ અને પત્ની કૃપા છે જે સાઇકોલૉજિસ્ટ છે. જીવનું જોખમ રહેલું હોય એવી પર્વતારોહણ જેવી સ્પોર્ટ માટે ફૅમિલીનો સપોર્ટ કઈ રીતે મળી રહે છે એ વિશે વાત કરતાં કેવલ કહે છે, ‘શરૂઆતમાં ઘણા લોકો એમ કહેતા કે આપણે વાણિયા છીએ, આપણું કામ બિઝનેસ કરવાનું છે, માઉન્ટન પર ચડીને શું મળી જશે, આ રીતે ભટકવાની શું જરૂર છે? તો પણ મારા પરિવારે એ બધી વસ્તુઓ પર વધારે ધ્યાન આપ્યા વગર મને સપોર્ટ કર્યો. મારા પપ્પાનો ઇમિટેશનનો બિઝનસ હતો. હાર્ટ-અટૅક આવ્યો એ પછીથી તેઓ એકલા હાથે બિઝનેસ સંભાળી શકે એમ નહોતા. એ સમયે મને તેમણે પોતાની સાથે બિઝનેસમાં જોડાવાનો ફોર્સ કરવા કરતાં બિઝનેસ બંધ કરી દીધો. મને જે કામ ગમે છે એ કરવાની મોકળાશ આપી. આજે પણ હું પર્વતારોહણ કરવા માટે જાઉં છું ત્યારે મારી પત્ની, મમ્મી-પપ્પા ઘરે બેસીને હું હેમખેમ શિખરે પહોંચીને પરત ફરું એવી પ્રાર્થના કરતાં હોય. પર્વતારોહણ એટલું જોખમી છે કે એમાં તમારું ફોકસ હટે અને તમારાથી એક મિસ્ટેક થઈ જાય તો જીવથી હાથ ધોવો પડી શકે.’

કેવલ કક્કા તેની બહેન રિદ્ધિ, મમ્મી ​નીલમબહેન, પત્ની કૃપા, પપ્પા હિરેનભાઈ અને જીજાજી હર્ષ સાથે.

૨૦૨૩ મકાલુ ૮૪૮૫m

પર્વતારોહણ શરૂ કર્યા પછીથી જીવન પ્રત્યેની દૃષ્ટિ કઈ રીતે બદલાઈ છે એ વિશે વાત કરતાં કેવલ કહે છે, ‘પર્વતોએ મને જીવનમાં કૉન્ફિડન્સ આપ્યો છે. એમણે મને શીખવાડ્યું છે કે કોઈ વસ્તુ જોઈને એમ ન ધારી લો કે મારાથી નહીં થાય. એ દિશામાં પહેલું પગલું લઈને આગળ વધો. કદાચ એક વારમાં એ શક્ય ન બને, પણ પ્રયત્ન ચાલુ રાખો. એક દિવસ તો તમને સફળતા મળી જ જશે. મારું કંચનજંગા સર કરવાનું ઉદાહરણ તમારી સામે જ છે. પર્વતોએ મને જીવનમાં ધીરજ રાખતાં પણ શીખવાડ્યું છે. બેઝ કૅમ્પમાં ખરાબ હવામાનને કારણે દિવસો સુધી કૅમ્પમાં રહેવું પડે. બહારની દુનિયા સાથેનો કૉન્ટૅક્ટ પણ ન થઈ શકે. અમે બધા પર્વતારોહક આપસમાં વાતો કરીએ, ચા પીતા-પીતા હિમવર્ષાનો આનંદ ઉઠાવીએ, પુસ્તકો વાંચીએ. સામાન્ય રીતે આપણે ઘરમાં કે ઑફિસમાં કામ કરતા હોઈએ અને ધાર્યા મુજબ કામ ન થાય તો આપણે બેબાકળા થઈ જઈએ, પણ માઉન્ટનમાં એવું નથી થતું. પર્વતોએ મને હાર્ડ વર્ક કરતાં અને આગળ વધતા રહેવાનું શીખવાડ્યું છે. કદાચ એટલે જ હું આજે આ મુકામ સુધી પહોંચી ચૂક્યો છું.’

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2025 07:24 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK