વિધાનસભ્ય મિહિર કોટેચાના ડ્રાઇવરને સરેઆમ ધમકી
વિધાનસભ્ય મિહિર કોટેચાના ડ્રાઇવરને ધમકી આપી તેની મારઝૂડ કરનાર સત્યવાન ગરુડની મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી.
મુલુંડ પોલીસે શનિવારે વિધાનસભ્ય મિહિર કોટેચાના ડ્રાઇવરને ધમકી આપીને મારઝૂડ કરવા બદલ સત્યવાન ગરુડ નામના માણસની ધરપકડ કરી હતી.
મિહિર કોટેચાનો ૪૩ વર્ષનો ડ્રાઇવર મુત્તુ તેવર તેમની પાસે છેલ્લાં ૨૩ વર્ષથી કામ કરે છે અને ભાંડુપ-વેસ્ટમાં રહે છે. શુક્રવારે રાતે ૯.૩૦ વાગ્યે મુત્તુ મિહિર કોટેચાની કાર મુલુંડના દેવીદયાલ રોડ પર આવેલી તેમની ઑફિસ પાસે પાર્ક કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે સત્યવાન ગરુડ તેની પાસે આવ્યો હતો અને તેના ખભા પર હાથ મૂકીને ધમકાવતાં કહ્યું હતું કે ‘તૂ આમદાર કા ડ્રાઇવર હૈના? તેરે આમદારો કો બોલના હિસાબ મેં રહને કા, નહીં તો તેરે આમદાર કો છોડૂંગા નહીં. મૈં તેરે કો પૂછુંગા તેરા MLA કહાં હૈ, કહાં જા રહા હૈ, અગર તૂને નહીં બતાયા તો મૈં તેરે કો ઔર તેરે MLA કો માર ડાલેગા. તૂ જાનતા નહીં મૈં કૌન હૂં. મૈં સત્યવાન ગરુડ હૂં.’
ADVERTISEMENT
આમ કહીને સત્યવાન ગરુડે મુત્તુને તમાચો ચોડી દીધો હતો. ગભરાયેલો મુત્તુ એ પછી ઘરે ચાલ્યો ગયો હતો. બીજા દિવસે શનિવારે બપોરે તેણે તેના સાથી કર્મચારીને આ વિગત જણાવી હતી. એથી તેણે તેને પોલીસ-ફરિયાદ કરવા કહેતાં શનિવારે મુત્તુએ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
મુલુંડ પોલીસના કહેવા મુજબ સત્યવાન ગરુડ ક્રિમિનલ રેકૉર્ડ ધરાવે છે, તેની સામે આ પહેલાં પણ ગુના નોંધાયા છે.
સત્યવાન ગરુડે મારા ડ્રાઇવરને ધમકાવ્યો હતો અને મારા ડેઇલી શેડ્યુલની માહિતી જાણવા માગી હતી. હું તેને ઓળખતો નથી અને ક્યારેય મળ્યો પણ નથી. મારા ડ્રાઇવરે આ બાબતે પોલીસ-ફરિયાદ કરી છે - મિહિર કોટેચા

