દરેક સહેલાણીએ કોઈ પણ સ્થળની મુલાકાત વખતે ટૂરિસ્ટ રિસ્પૉન્સિબિલિટી નિભાવવાની હોય છે, જેમાં ટૂરિસ્ટનો મોટો વર્ગ નાકામિયાબ રહ્યો. પર્યટકોએ ઐતિહાસિક સ્મારકો, કુદરતી સંપદાને હાનિ પહોંચાડી; સ્થાનિક કાનૂન, સંસ્કૃતિનું ઉલ્લંઘન કર્યું;
સ્પેનનો ઓવરક્રાઉડેડ બીચ
સાઉથ કોરિયા, જપાન, સ્પેન, ઇટલી સહિત અનેક યુરોપિયન દેશો પ્રવાસીઓના અવિરત ધસારાથી હેરાન થઈ ગયા છે. ત્યાં પર્યટકોના આવાગમનથી એન્વાયર્નમેન્ટલ, સોશ્યલ ચૅલેન્જિસ તો ઊભી થાય છે અને સાથે ખોરાક-પાણીની અછત સહિત સિવિક સેવાઓ પણ ખોરવાઈ જાય છે. એમાં ટૂરિસ્ટના બૅડ બિહેવિયર, સોશ્યલ મીડિયામાં ગતકડાં કરવાની ઘેલછાએ બળતામાં ઘી ઉમેર્યું છે. અતિ પ્રવાસન નામનો આ માથાનો દુખાવો દૂર કરવા અમુક કન્ટ્રીએ સહેલાણીઓ પર વિવિધ ટૅક્સ, નિયમો લાદ્યા છે. કોઈ સ્થળે એન્ટ્રી લિમિટેડ અથવા બંધ કરાઈ છે તો ક્યાંક ઉજવણી જ સમૂળગી કૅન્સલ કરી દેવામાં આવી છે
અનેક એશિયાઈ દેશોમાં ભાંગ, અફીણનો નશો અપરાધ નથી ગણાતો. થાઇલૅન્ડમાં પણ આવો નશો વૅલિડ હતો અને પચાસ ટકા ટૂરિસ્ટો એ માટે જ અહીં આવતા પરંતુ નશા પછી થતાં કારનામાઓથી કંટાળીને આ દેશે ભાંગ પીવા, ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે જેનાથી દેશની તિજોરી પર મોટો ફટકો પડવાનો છે પરંતુ ભાંગને કારણે સર્જાતી સામાજિક કટોકટીને ધ્યાનમાં રાખી સરકારે આવું આકરું પગલું લીધું છે.
ADVERTISEMENT
યોગ્ય કપડાં પહેરો
ડ્રગ્સની જેમ નગ્નતા અને અર્ધનગ્નતા પણ સ્થાનિક સરકારો માટે હેડેક બની ગઈ છે. ફરવા આવ્યા છે એટલે મન ફાવે એવું વર્તન કરતા ટૂરિસ્ટોને અપૂરતાં કે વસ્ત્રો ન પહેરવામાંય થ્રિલ લાગે છે. ઉદારમતવાદી દેશ ફ્રાન્સના રિસૉર્ટ શહેર લેસ સૈ બ્લ ડી` ઓલોને અર્ધનગ્ન પર્યટકો ઉપર ૧૫૦ યુરોનો ફાઇન લગાડવાનું શરૂ કરી દીધું છે. એ જ રીતે અમેરિકન કંપની સ્પિરિટ ઍરલાઇન્સે યાત્રીઓને શરીર ઢાંકે એવાં કપડાં પહેરવાની અપીલ કરી છે. ગયા વર્ષે આ વિમાનકંપનીએ ઓછાં અને આછાં વસ્ત્રો પહેરનાર યાત્રીઓને બોર્ડિંગ કરવાની મનાઈ ફરમાવી દીધી હતી.
અંદેશો તો હતો જ કે આવું એક દિવસ થશે. વિશ્વના વિકસિત દેશોને ક્લાઇમેટ-ચેન્જ, રાજકીય ઊથલપાથલ, અવૈધ માઇગ્રેશન, ફુગાવો, બેરોજગારી, આંતરિક સિક્યૉરિટી સાથે ઓવરટૂરિઝમ નામક એક નવા જ દૈત્યનો સામનો કરવો પડશે; કારણ કે છેલ્લા દશકમાં (ખાસ કરીને સોશ્યલ મીડિયાનો ઉન્માદ વધતાં) દુનિયાના પૉપ્યુલર દેશોમાં જે પ્રમાણે ટૂરિઝમનો ક્રેઝ વધ્યો છે એ પ્રમાણે જે-તે સ્થળની વ્યવસ્થાઓ નથી વધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી થયું. વિચારો તો ખરા જ્યાં એક દિવસમાં હજાર માણસોને સમાવવાની, સર્વિસ આપવાની ક્ષમતા હોય ત્યાં એક જ સમયે એ સ્થાનની કૅપેસિટી કરતાં ડબલ નહીં, દસગણા લોકો ભેગા થઈ જાય તો શું થાય? નૅચરલી એ સ્થળની સાર્વજનિક વ્યવસ્થાઓ ભાંગી પડે, લોકલ નાગરિકોના રૂટીનમાં બાધા પડે. પર્યાવરણ અને રિસોર્સિસ પર ગંભીર દબાવ પડે અને એ પ્લેસ ઓવરટૂરિઝમનો ભોગ બને.
યસ, આજે યુરોપ ખંડના અનેક દેશો આ ઓવરટૂરિઝમથી ત્રસ્ત થઈ ગયા છે. અને ફક્ત યુરોપ જ નહીં, નકશામાં ટપકા જેવડું દેખાતું સાઉથ કોરિયા અને સાવ ટચૂકડું જપાન તો પર્યટકોની ભીષણ ભીડભાડથી એવું બઘવાઈ ગયું છે કે તેમણે એક દાયકાથી થતો પરંપરાગત સ્થાનિક તહેવાર માઉન્ટ ફુજી ચેરી બ્લૉસમ ફેસ્ટિવલ ઊજવવાનું જ માંડી વાળ્યું છે.
આમ તો ટૂરિઝમ-ઇન્ડસ્ટ્રી જે-તે દેશને તગડી રેવન્યુ કમાવી આપે છે. વળી સ્થાનિક વિકાસ તેમ જ સંસ્કૃતિના આદાન-પ્રદાનમાં પણ અહમ ભૂમિકા નિભાવે છે. ટેક્નૉલૉજીએ આખી દુનિયાને નજીક લાવી દીધી છે; જેથી બિઝનેસ, જૉબ, સ્ટડી તથા પર્યટન માટે દેશ-વિદેશોમાં જવું-આવવું વધ્યું છે. એવા ટાઇમે ઓવરટૂરિઝમને નાથવા કેટલાક યુરોપીય દેશોએ લીધેલાં પગલાં દૂઝણી ગાયને લાત મારવા જેવાં કહી શકાય પણ બીજી દૃષ્ટિએ જોઈએ તો જે-તે સ્થળની અસ્મિતાને જાળવી રાખવાનો એ એકમાત્ર ઉપાય છે.
એક અનુમાન પ્રમાણે ગયા વર્ષે સમસ્ત દુનિયાના પાંચ અબજ લોકોએ હવાઈ યાત્રા કરી, જે રેકૉર્ડબ્રેક સંખ્યા હતી. આ સિવાય ટ્રેન, રોડ, બોટ દ્વારા યાત્રા કરનારા ટ્રાવેલર્સ તો અલગ. આ દરેક યાત્રિકે વિવિધ કારણોસર, વિવિધ દેશોમાં, શહેરોમાં, પર્યટનસ્થળે, ધાર્મિક સ્થળોએ વિઝિટ કરી. એથી દરેક દેશની અર્થવ્યવસ્થામાં સારો ઇજાફો પણ થયો. છતાંય ઓવરટૂરિઝમને કન્ટ્રોલ કરવા ત્યાંની સરકારોને કાર્યવાહી કરવી પડી, જેનું બીજું મોટું કારણ હતું ટૂરિસ્ટોનું બૅડ બિહેવિયર.
દરેક સહેલાણીએ કોઈ પણ સ્થળની મુલાકાત વખતે ટૂરિસ્ટ રિસ્પૉન્સિબિલિટી નિભાવવાની હોય છે, જેમાં ટૂરિસ્ટનો મોટો વર્ગ નાકામિયાબ રહ્યો. પર્યટકોએ ઐતિહાસિક સ્મારકો, કુદરતી સંપદાને હાનિ પહોંચાડી; સ્થાનિક કાનૂન, સંસ્કૃતિનું ઉલ્લંઘન કર્યું; ભીડ-શોર-ગંદકી કરવા સાથે સાર્વજનિક વ્યવસ્થાઓ હચમચાવી નાખી ઉપરાંત અભદ્ર વ્યવહાર, શરાબ કે ડ્રગ્સના નશામાં ઉત્પાત મચાવીને એવી અરાજકતા ફેલાવી કે ત્યાંના રહેવાસીઓની જીવનની ગુણવત્તા ખતરામાં આવી ગઈ. આવી હરકતોથી ટૂરિસ્ટો પ્રત્યે સ્થાનિક લોકોનો આક્રોશ એટલોબધો વધી ગયો કે સરકાર કાંઈ કરે એ પહેલાં લોકલ લોકો ઍક્શન લેવા માંડ્યા. સ્પેનના બાર્સેલોનામાં ગુસ્સે ભરાયેલા શહેરવાસીઓએ પાણી ભરેલી પિચકારીથી પર્યટકોને પલાળીને પોતાનો વિરોધ જતાવ્યો તો બ્રાઝિલના પ્રખ્યાત વન્ડર માચુ-પિચુમાં આવનાર ટૂરિસ્ટોને કારણે પરિવહન સેવા એટલી ડિસ્ટર્બ થઈ કે સ્થાનિકોએ કલાકો સુધી માચુ-પિચુની બહાર ઘેરાવ કર્યો જેથી હજારો સહેલાણીઓ ફસાઈ ગયા.

સ્પેનના બાર્સેલોનામાં ગુસ્સે ભરાયેલા શહેરવાસીઓએ બૅનર અને પાણી ભરેલી પિચકારીથી પર્યટકોને પલાળીને વિરોધ દર્શાવ્યો હતો.
અને સોશ્યલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર અને રીલ્સ બનાવનારાઓનું તો કહેવું જ શું? એક યુવક રીલ બનાવવાના ચક્કરમાં આંદામાન-નિકોબાર આઇલૅન્ડના એક એવા ટાપુ પર પહોંચી ગયો જ્યાં સરકાર, પોલીસ, આર્મી કોઈને આવવાની અનુમતિ નથી (હા, પછીથી તે એ કૃત્ય બદલ ગિરફતાર પણ થયો). અને હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે અમેરિકન સરકારની સાફ મના હોવા છતાં અમેરિકન ઇન્ફ્લુઅન્સરોએ અફઘાનિસ્તાનની ટૂર કરી અને રીલ્સ બનાવી તાલિબાનોની મહેમાનનવાઝીનાં બે મોઢે વખાણ પણ કર્યાં. અન્ય એક કિસ્સામાં એક ટિકટૉક ઇન્ફ્લુઅન્સરે પોતાના વીસ લાખ ફૉલોઅર્સને રિસૉર્ટના માલિકો કે સ્થાનિક સત્તાવાર અધિકારીઓની પરવાનગી લીધા વગર ઇટલીના એક સ્કી રિસોર્ટમાં ચોક્કસ દિવસે ભેગા થવાની હાકલ કરી અને નવાઈ તો જુઓ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા પણ થઈ ગયા. પછી તો જે ધમ્માલ મચી કે હવે આ સ્કી રિસૉર્ટ જ નહીં, આ ટાઉનમાં પ્રવેશવા જ એક મોટું પ્રવેશદ્વાર બનાવાઈ ગયું છે જ્યાં હેવી ફીઝ ચૂકવીને પછી જ એ નગરમાં દાખલ થઈ શકાય છે.
ટૂરિસ્ટો હવે ચોરી કરવા લાગ્યા છે
પ્રવાસીઓ દ્વારા સાર્વજનિક સ્થળોએ લાઇનો તોડવી, ભીડ કરવી, ગંદકી કરવી, શોર મચાવવો, થૂંકવું, નશામાં નૉન્સેન્સ વર્તન કરવું, નાઇટ-ક્લબમાં ઝઘડા કરવા એ તો હવે દરેક ટૂરિસ્ટ પ્લેસ પર કૉમન વાત થઈ ગઈ છે પરંતુ હવે સહેલાણીઓ ચોરી કરવા લાગ્યા છે. શૉપ-લિફ્ટિંગ નહીં, દરિયાકિનારે ફરતાં-ફરતાં કોઈ સમુદ્રી જીવ પોતાની સાથે લઈ જવો કે પથ્થરો, છીપલાં, શંખલા અથવા વૉલ્કેનિક મડ જેવી વસ્તુઓ પણ લઈ જાય છે. કલ્પના કરો કે એક બીચ પર હજારો ટન કોરલ, છીપલાં પડ્યાં છે. દરરોજ અહીં હજારો લોકો આવે છે. એ લોકો ફક્ત એક છીપલું પણ સાથે લઈ જાય તો થોડા વખતમાં એક સમયે શંખલા-છીપલાંથી હર્યો-ભર્યો ને સુંદર દેખાતો એ દરિયાકાંઠો ખાલી ને બેજાન દેખાવા લાગે કે નહી? બેલ્જિયમના ખૂબસૂરત શહેર બ્રુગ્સમાં ગયા વર્ષે પર્યટકોને યુનેસ્કો દ્વારા માન્યતાપ્રાપ્ત મધ્યયુગીન માર્ગો પરથી પથ્થરો ન ચોરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અહીંના સ્થાનીય રાજનેતાએ મીડિયાને કહ્યું હતું કે અહીંની સડક પરથી દર મહિને ૫૦થી ૭૦ પથ્થરો ગાયબ થઈ જાય છે. લિટરીલી, લોકો અજાણતાં કે જાણીને અહીંથી પથ્થરો ઉપાડી જાય છે.
ઇટલીના કનૅલ સિટી વેનિસની નહેરોમાં ગુનો ગણાતો હોવા છતાં તરવું, રોમના ટ્રેવી ફાઉન્ટનમાં ડૂબકી લગાવવી કે સ્પૅનિશ સ્ટેપ્સ પર ગાડી ચડાવી દેવાની રીલ્સ તો સાવ કૉમન થઈ પડી છે. પણ કશુંક યુનિક, હટકે કરવાના ચક્કરમાં એક ઇન્ફ્લુઅન્સર ચર્ચના પવિત્ર પ્લૅટફૉર્મ પર ચડી ગયો જ્યાં દરેક ધાર્મિક વિધિ થતી હોય. તેણે ત્યાંની કીમતી જણસોને નુકસાન પહોંચાડ્યું અને એનો વિડિયો પોસ્ટ કર્યો. ઇટલીના જ સિસલી માઉન્ટનમાં એક કન્ટેન્ટ-ક્રીએટરે માઉન્ટ એટનામાં જ્વાળામુખી વિસ્ફોટનું લાઇવ ટેલિકાસ્ટ કરતાં વિડિયો જોઈ ત્યાં એટલી ભીડ જમા થઈ ગઈ કે અગ્નિશામક દળની ગાડીઓ, ઍમ્બ્યુલન્સ, બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી જ ન શક્યા. જપાનના ક્યોટો, ઇન્ડોનેશિયાના બાલી, થાઇલૅન્ડના ફુકૈતમાં પણ કન્ટેન્ટના નામે બેલગામ હરકતો કરવામાં આવી. અરે, પર્યટનસ્થળ તો ખરાં આ ઇન્ફ્લુઅન્સરોએ ઍરપોર્ટ અને હવાઈ યાત્રાને પણ ન છોડ્યાં. ઍરપોર્ટ થિયરી નામક ટ્રેન્ડમાં લોકોએ કાર-પાર્કિંગથી લઈ ફ્લાઇટના ગેટ સુધી ૧૫ મિનિટમાં પહોંચવા એવો કેઓસ કર્યો કે દેશ-વિદેશની ઍરપોર્ટ ઑથોરિટી એનાથી ત્રાસી ગઈ. એ જ રીતે ટિકટૉકના ટ્રાવેલ હૅકમાં સીટબેલ્ટને પગની ચારે
બાજુ વીંટાળી નાખવાનો, મુસાફરી દરમિયાન મેકઅપ કરવાનો ટ્રેન્ડ એટલી હદે વાઇરલ થયા કે અમુક ઍરલાઇન્સને નવેસરથી સીટબેલ્ટ નખાવવા પડ્યા અને અમુક વિમાની કંપનીઓએ ઍરોપ્લેનમાં ડૂ ઍન્ડ ડોન્ટ્સના લિસ્ટમાં ખાસ ટ્રેન્ડ ન કરવાની ચેતવણી આપવાનું ચાલુ કરી દીધું.
ખેર, સોશ્યલ મીડિયાના દરેક પ્લૅટફૉર્મ પર ટૂરિસ્ટના મિસબિહેવિયરનાં નવાં-નવાં તૂત કરવાના એક નહીં અનેક કિસ્સાઓ રોજેરોજ જાણવા-જોવા મળે છે. સાથે પ્રવાસનસ્થળોએ થતી ગિરદી, સમસ્યાઓના સમાચારો પણ રોજેરોજ વાંચવામાં આવે છે. ત્યારે ક્રાઉડને નાથવા, ટ્રાવેલર્સના અસભ્ય વર્તનને રોકવા, અનેક દેશોએ ઓછી સંખ્યામાં વીઝા ઇશ્યુ કરવા, અમુક સ્થળોએ નિયત સંખ્યામાં જ યાત્રાળુઓને જવાની પરમિશન આપવી, જાહેર અને અત્યાર સુધી ફ્રી રહેલાં સ્થળોએ પણ એન્ટ્રી ફી (ભારેખમ) વસૂલવી તથા મિસબિહેવિયર કરતા સહેલાણીઓને મોટી રકમનો દંડ ફટકારવો અને અમુક સ્થળોએ તો ફૉરેનરો માટે એન્ટ્રી જ બંધ કરવા જેવાં કદમ ઉઠાવાયાં છે.
ટૂરિસ્ટો હવે ચોરી કરવા લાગ્યા છે
પ્રવાસીઓ દ્વારા સાર્વજનિક સ્થળોએ લાઇનો તોડવી, ભીડ કરવી, ગંદકી કરવી, શોર મચાવવો, થૂંકવું, નશામાં નૉન્સેન્સ વર્તન કરવું, નાઇટ-ક્લબમાં ઝઘડા કરવા એ તો હવે દરેક ટૂરિસ્ટ પ્લેસ પર કૉમન વાત થઈ ગઈ છે પરંતુ હવે સહેલાણીઓ ચોરી કરવા લાગ્યા છે. શૉપ-લિફ્ટિંગ નહીં, દરિયાકિનારે ફરતાં-ફરતાં કોઈ સમુદ્રી જીવ પોતાની સાથે લઈ જવો કે પથ્થરો, છીપલાં, શંખલા અથવા વૉલ્કેનિક મડ જેવી વસ્તુઓ પણ લઈ જાય છે. કલ્પના કરો કે એક બીચ પર હજારો ટન કોરલ, છીપલાં પડ્યાં છે. દરરોજ અહીં હજારો લોકો આવે છે. એ લોકો ફક્ત એક છીપલું પણ સાથે લઈ જાય તો થોડા વખતમાં એક સમયે શંખલા-છીપલાંથી હર્યો-ભર્યો ને સુંદર દેખાતો એ દરિયાકાંઠો ખાલી ને બેજાન દેખાવા લાગે કે નહી? બેલ્જિયમના ખૂબસૂરત શહેર બ્રુગ્સમાં ગયા વર્ષે પર્યટકોને યુનેસ્કો દ્વારા માન્યતાપ્રાપ્ત મધ્યયુગીન માર્ગો પરથી પથ્થરો ન ચોરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. અહીંના સ્થાનીય રાજનેતાએ મીડિયાને કહ્યું હતું કે અહીંની સડક પરથી દર મહિને ૫૦થી ૭૦ પથ્થરો ગાયબ થઈ જાય છે. લિટરીલી, લોકો અજાણતાં કે જાણીને અહીંથી પથ્થરો ઉપાડી જાય છે.
લેટ અસ સી, કયા દેશ કેવાં પગલાં લીધાં છે
ગ્રીસના સૅન્ટોરીની અને મિકનોઝ - ગ્રીસના આ બેઉ ટાપુઓ ફરવા જનારાઓમાં ખાસ્સા લોકપ્રિય છે. ડે બાય ડે ક્રેઝ વધતાં ક્રૂઝ દ્વારા અહીં હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે જેથી જલ, પર્યાવરણ અને સિવિલ સેવાઓ પર દબાણ વધે છે. આથી સરકારે સીઝનના ટાઇમે અહીં આવતા દરેક ક્રૂઝ-ટૂરિસ્ટ પર ૨૦ યુરો (૨૦૦૦ રૂપિયા)નો ટૅક્સ લગાવ્યો છે. અલબત્ત, ગ્રીસના રહેવાસીઓને આમાંથી બાકાત રખાયા છે.
ઉત્તર ફ્રાન્સનો બ્રેહાત ટાપુ- ચેપલ, લાઇટહાઉસ, પવનચક્કી, ગુએર્ઝિડો બીચ ધરાવતા આ ટાપુમાં ઍમ્બ્યુલન્સ, બંબાગાડી, પોલીસજીપ સિવાય કોઈ પ્રાઇવેટ વાહનો નથી. ઝીરો પૉલ્યુશન ધરાવતા આ ટાપુએ ઓવરટૂરિઝમથી બચવા દિવસના ૪૭૦૦ લોકોને જ અહીં પ્રવેશવાની સીમા લાગુ કરી દીધી છે. ઇન શૉર્ટ, સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત ચાર હજાર સાતસો લોકોથી વધુ વ્યક્તિઓ અહીં રહી શકે નહીં. જો આવેલા થોડા યાત્રાળુઓ અહીં રહી જાય તો બીજા દિવસે એટલી ઓછી વ્યક્તિઓને ટાપુમાં પ્રવેશ અપાય છે. જોકે મોટા ભાગે ટૂરિસ્ટને અહીં રોકાવાની અનુમતિ જ નથી.
જપાનનો માઉન્ટ ફુજી - કુદરતની અજાયબી સમાન જપાનના માઉન્ટ ફુજીના ચારે બાજુના પરિસરથી એક દિવસમાં ૪ હજાર વ્યક્તિઓ જ આ પર્વતની મુલાકાત લઈ શકે એવી લિમિટ બાંધવામાં આવી છે. એ જ રીતે દેશનાં અમુક ઐતિહાસિક સ્થળોએ ટૂરિસ્ટોની એન્ટ્રી જ બંધ થઈ ગઈ છે. સાથે પ્રશાસને જ્યાં-ત્યાં ઊભા રહી જતા પર્યટકોને રોકવા વ્યુ બ્લૉકર્સ લગાવી દીધાં છે.
સ્પેન - સ્પૅનિશ સિટિઝન તો તેમના દેશમાં ઘૂમતા વિદેશી પર્યટકોથી એવા તોબા પોકારી ગયા છે કે ઠેર-ઠેર પ્રવાસીઓના વિરોધમાં આંદોલનો કરી દેશવ્યાપી પર્યટન નિયંત્રણ કાનૂનની માગ કરી રહ્યા છે. જોકે સરકાર તરફથી હજી એ સંદર્ભે કોઈ પહેલ નથી થઈ.
ઇટલીના વેનિસ, ફ્લૉરેન્સ અને કેપ્રી આઇલૅન્ડ તેમ જ અન્ય સ્થળો જેમ કે કનૅલ સિટી વેનિસ તો વર્ષોથી યાત્રાળુઓના ધસારાને કારણે ગુસ્સે ભરાયેલા છે. પહેલાં તેઓ એશિયનોને જોઈને મોઢું બગાડતા પરંતુ હવે દરેક દેશના પ્રવાસી સિટિઝનને મોઢા પર જ હડધૂત કરે છે. છતાંય અહીં પ્રવાસીઓનું આવાગમન ઓછું નથી થઈ રહ્યું. ત્યારે અહીં આવનારા દરેક ટૂરિસ્ટ પર પ્રતિદિન પાંચ યુરોનો ટૅક્સ લાગુ કરવામાં આવ્યો છે. ઐતિહાસિક કેન્દ્ર ફ્લૉરેન્સમાં શૉર્ટ ટર્મ રેન્ટલ (Air bnb) જેવી સર્વિસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને પ્રવેશશુલ્ક તથા લિમિટેડ સંખ્યામાં જ પ્રવેશની અનુમતિ લાગુ કરવાની યોજના છે. રોમના ટ્રેવી ફાઉન્ટન જેવા જાહેર સ્થળે પ્રવાસી દીઠ ૨૦ યુરો ઉઘરાવાઈ રહ્યા છે તો કેપ્રીમાં પણ યાત્રાળુઓ પર અનેક પ્રકારના પ્રતિબંધ લદાયા છે.
નૉર્વે - મિડનાઇટ સ્કાય માટે પ્રખ્યાત નૉર્વેમાં હોટેલ તેમ જ ટ્રાવેલિંગ ટૅક્સ તરીકે એક્સ્ટ્રા પાંચ ટકા પર્યટક કર લગાડવાની શક્યતા પર વિચારણા ચાલી રહી છે. તેમ જ સ્વાલબાર્ડ જેવા પ્રાકૃતિક પ્રદેશમાં તો ઑલરેડી એન્વાયર્નમેન્ટ ટૅક્સ લેવાઈ જ રહ્યો છે.
ભારતના હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ, લદ્દાખ, ઉત્તર પ્રદેશની મથુરા સર્કિટ, બનારસ, ઇન્દોર-ઉજ્જૈન, રાજસ્થાનનાં અમુક તીર્થસ્થાનો પણ ઓવરટૂરિઝમ ગ્રસ્ત છે
થોડા દિવસો પહેલાં જ તમે વાંચ્યું હશે કે મનાલીમાં ભારે હિમવર્ષા થવાથી ટૂરિસ્ટોનાં ધાડાંનાં ધાડાં ત્યાં પહોંચી ગયાં અને ચારેકોર બરફનું સામ્રાજ્ય હોવાથી કેટલાક ૨૦થી ૪૦ કલાક રસ્તાની વચ્ચોવચ પોતાનાં વાહનોમાં જ ફસાઈ ગયા તો કેટલાક ટૂરિસ્ટો બર્ફીલા રસ્તાઓ પર પોતાનો સામાન લઈ ૧૫-૨૦ કિલોમીટર ચાલીને ગંતવ્યસ્થળે (હોટેલ) પહોંચ્યા. આ ઓવરટૂરિઝમ નહીં તો બીજું શું? બરફ પડે છે એ જાણી હુડ-હુડ કરતા હજારો પ્રવાસીઓ વિવિધ વાહનોમાં મનાલી જવા ઊપડી ગયા; જેથી ટ્રાફિક થયો, પૉલ્યુશન વધ્યું અને તેમના ટ્રાફિક જૅમને કારણે બરફ હટાવવાનાં JCB મશીનો વગેરે આગળ વધી જ ન શક્યાં. એ જ રીતે બનારસના ઘાટ, ગલીઓ, ખાણી-પીણીની રીલ્સ જોઈ-જોઈને દર અઠવાડિયે હજારોની સંખ્યામાં વિઝિટર્સ અહીં પહોંચી જાય છે. એ તો ઠીક છે ગંગામૈયાના ટાઉનમાં દરેકને ઓટલો અને રોટલો મળી જાય છે, પરંતુ એ માટેની વ્યવસ્થા કરવા આજુબાજુના પ્રદેશો પર કેટલો લોડ પડે છે એ વિશે ક્યારેય વિચાર્યું છે? (આજુબાજુનાં ગામોમાં શાકભાજી, ફળો, વીજળીની તંગી થઈ જાય છે કારણ કે બધો સ્ટૉક બનારસ ડાઇવર્ટ કરવો પડે છે). આ સેમ પરિસ્થિતિ રાજસ્થાનના તેમ જ ઇન્દોર-ઉજ્જૈનનાં તીર્થસ્થળોએ છે. મથુરા સર્કિટની પરિસ્થિતિ તો જરાય કન્ટ્રોલમાં નથી. અતિશય ભીડ, ગંદકી, અવ્યવસ્થા, ટ્રાફિક, અવૈધ બાંધકામ, લારી, ગલ્લા, રસ્તા પરનાં અતિક્રમણોથી કૃષ્ણ નગરી ઈવન યમુનામૈયા એટલી હદે દૂષિત થઈ ગઈ છે કે હવે ફરી વાર લાલજી જન્મ લે ને પ્રથમ કાર્ય અહીંની વ્યવસ્થા ગોઠવવાનું જ કરે.

ઇટલીના રોમમાં ટૂરિસ્ટો.
અહીં કોઈની ધર્મભાવનાને ઠેસ પહોંચાડવાનો બિલકુલ ઇરાદો નથી પરંતુ યાત્રિક તરીકે નિભાવાતી જવાબદારીઓ, ફરજો નિભાવવાની વાત છે. યાત્રાળુઓ પોતાની ડ્યુટી ચૂકે છે, બેમતલબની ડિમાન્ડ કરે છે, જેમાં પર્યાવરણની ખો નીકળે છે. એનું દૃષ્ટાંત આપણે ૨૦૧૬માં ઉત્તરાંચલમાં આવેલા પૂર વખતે જોઈ જ લીધું. યાત્રાળુઓના ભારી આવાગમનને કારણે અહીં ઢગલાબંધ હોટેલો બની, જેનો ભાર એ ધરતી ખમી ન શકી. વળી વિઝિટર્સની ફરમાઈશો પૂરી કરવા, એને રોકડી કરવા સ્થાનિકોએ અઢળક પ્રકૃતિ વિરુદ્ધનાં કામ કર્યાં (આપદા પહેલાં બદ્રીનાથની એક તારાંકિત હોટેલ યાત્રાળુઓને બ્રેકફાસ્ટમાં ઇડલી-ઢોસા પીરસવા દરરોજ ખાસ દિલ્હીથી હેલિકૉપ્ટરમાં ઇડલીનું ખીરું મગાવતી) જેનો ભોગ કેટલાક યાત્રાળુઓ તો બન્યા પણ સ્થાનિકોને થયેલું નુકસાન માપી શકાય એવું નહોતું. સેન્સિટિવ સ્થાન અને સેન્સિટિવ વેધર ધરાવતા લદ્દાખમાં પણ છેલ્લાં પંદર વર્ષમાં આબોહવા, પ્રકૃતિ, સંસ્કૃતિ અફેક્ટેડ થઈ છે. પણ લદ્દાખીઓ સમયસર જાગી જતાં વધુ નુકસાન થતું અટકી ગયું છે.
ભુતાન - આપણા પાડોશી દેશે તો બહુ પહેલેથી હાઈ વૅલ્યુ - લો ઇમ્પૅક્ટની નીતિ અપનાવી છે. ઈ. સ. ૨૦૨૦થી આ દેશ વિદેશી પર્યટકો પાસેથી પ્રતિદિન ૧૦૦ અમેરિકી ડૉલર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF) લઈ રહ્યો છે. આ કરથી યાત્રાળુઓની સંખ્યામાં કન્ટ્રોલ થઈ ગયો છે ઉપરાંત આ ફીઝની રકમનો દેશના શિક્ષણ ક્ષેત્રે, હેલ્થ સેક્ટરમાં તથા સંરક્ષણ ખાતામાં ઉપયોગ થવાથી આ ક્ષેત્રો મજબૂત થયાં છે.
આ ઉપરાંત ગ્રીક એક્રોપોલિસે દરરોજના ૨૦ હજાર વિઝિટર્સની સીમા તય કરી છે. પોલિનેશિયા (ફ્રાન્સ)એ વાર્ષિક ધોરણે ૨ લાખ ૮૦ હજાર પર્યટકોની સંખ્યા નક્કી કરી છે. ઑસ્ટ્રિયા પણ પર્યટકો પર કન્ટ્રોલ લાવવા નવી નીતિ વિચારી રહ્યું છે. તો સાઉથ કોરિયાના સોલ પાસે આવેલા હિસ્ટોરિક બુચન હાનોક ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી લાગી ગઈ છે. એ જ રીતે અહીંના જોજુ આઇલૅન્ડમાં ટૂરિસ્ટો માટે બિહેવિયરલ ગાઇડલાઇન્સ બહાર પડાઈ છે અને જો એ ન પળાય તો ૨૦ હજાર વોન (કોરિયન ચલણ)ની પેનલ્ટી લગાવવાની જોગવાઈ કરાઈ છે. એ જ રીતે ફ્રાન્સના એક બીચ પર સેમી ન્યુડ ફરવા પર પ્રતિબંધ લગાવાયો છે.
જોકે ટૅક્સ કે નિયમો લાદવામાત્રથી આ સમસ્યાઓનો કાયમી ઉકેલ નથી. હા, સરકારી વ્યવસ્થાપકો, ટૂરિઝમ કંપનીઓ, સ્થાનિક રહેવાસીઓ, ખાસ તો સહેલાણીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રૉબ્લેમ સૉલ્વ કરી શકાય ખરા.


