સ્નૅચરને પકડીને ૧૧ વર્ષ પહેલાં આંચકી લેવાયેલી ચેઇન પાછી મેળવી એટલું જ નહીં, જેની હતી એ મહિલાએ ઘર બદલી નાખ્યું હોવા છતાં તેને શોધી કાઢી
સત્યભામા નાયરની ચેઇન પાછી લેવા આવેલી તેમની પુત્રી
સામાન્ય રીતે જ્યારે કોઈ કીમતી વસ્તુની ચોરી થાય અને વર્ષો વીતી જાય ત્યારે લોકો એને પાછી મેળવવાની આશા છોડી દેતા હોય છે, પરંતુ થાણેના કાસારવડવલી પોલીસ-સ્ટેશને આવી જ એક ઘટનામાં પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૨૦૧૫ની બાવીસ જાન્યુઆરીએ થાણેના ઘોડબંદર રોડ પરના બ્રહ્માંડ વિસ્તારમાં મૉર્નિંગ-વૉક કરી રહેલાં ૬૧ વર્ષનાં સત્યભામા નાયરની ૧૬ ગ્રામની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હતી. આખરે ૧૦ વર્ષ પછી ગયા ગુરુવારે તેમને એ ચેઇન પાછી મળી હતી. આ કેસમાં પોલીસ માટે પડકાર માત્ર ચોરીનો મુદ્દામાલ શોધવાનો જ નહોતો, પરંતુ ફરિયાદીને શોધવાનો પણ હતો, કારણ કે ચેઇન પાછી નહીં મળે એવી ધારણા સાથે સત્યભામાએ પોલીસ-સ્ટેશન જવાનું છોડી દીધું હતું અને સમય જતાં પોતાનું રહેઠાણ પણ બદલી નાખ્યું હતું. આમ છતાં પોલીસે સઘન શોધખોળ કરીને તેમનું નવું સરનામું શોધી કાઢ્યું અને વર્ષો જૂની કીમતી ચેઇન એના માલિકને પાછી સોંપી હતી.
શ્રીમતી સત્યભામા નાયરનાં પુત્રીએ ભાવુક થતાં જણાવ્યું હતું કે ‘મેં તો આ ચેઇન પાછી મળવાની આશા જ છોડી દીધી હતી. આટલાં વર્ષો પછી પોલીસ સામે ચાલીને અમારો સંપર્ક કરશે એવું ક્યારેય વિચાર્યું નહોતું.’
ADVERTISEMENT
પોલીસે શું કહ્યું?
કાસારવડવલી પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર નિવૃત્તિ કોલ્હટકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણેના દરેક પોલીસ સ્ટેશનમાં જમા થયેલો મુદ્દામાલ એના મૂળ માલિકને યોગ્ય પ્રક્રિયા કરીને પાછો આપવામાં આવી રહ્યો છે. આ પહેલને પગલે અમારા પોલીસ-સ્ટેશનમાં પણ ૧૦૦ કરતાં વધારે વ્યક્તિઓની માલમતા પાછી આપવામાં આવી છે. એક વર્ષ પહેલાં અમે ચેઇન-સ્નૅચરની ધરપકડ કરી હતી જેની પાસેથી અમે ૨૦૧૫ની બાવીસ જાન્યુઆરીએ બ્રહ્માંડ વિસ્તારમાં મૉર્નિંગ-વૉક કરી રહેલાં ૬૧ વર્ષના સત્યભામા નાયરની ૧૬ ગ્રામની સોનાની ચેઇન પણ રિકવર કરી હતી. એ સમયે નોંધાવેલી ફરિયાદમાં આપેલા નંબર પર સંપર્ક કરવાની કોશિશ કરતાં એ બંધ મળી આવ્યો હતો એટલે અમારા અધિકારીઓ તેમણે આપેલા સરનામે ગયા હતા. જોકે ત્યાં અન્ય કોઈ રહેતું હોવાથી અમારા પોલીસ-સ્ટેશનના ૩ અધિકારીઓએ સત્યભામા નાયરને શોધવાની કામગીરી શરૂ કરી હતી. એ માટે અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. અંતે અમારી મહેનત રંગ લાવી હતી અને વિદ્યાવિહારમાં રહેતાં સત્યભામાનો સંપર્ક થયો હતો. જ્યારે અમારા અધિકારીઓએ તેમને કહ્યું કે તમારી ચેઇન મળી ગઈ છે ત્યારે તેમને પણ વિશ્ર્વાસ થયો નહોતો. અંતમાં તેમનાં દીકરીને પોલીસ સ્ટેશનમાં બોલાવીને તેમની ચેઇન પાછી આપવામાં આવી છે.’
