Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > ઇન્ડિયન આર્મી જે હથિયારો વાપરે છે એને નજીકથી જોવાં છે? તો આજે કોલાબાના આ મેળામાં પહોંચી જજો

ઇન્ડિયન આર્મી જે હથિયારો વાપરે છે એને નજીકથી જોવાં છે? તો આજે કોલાબાના આ મેળામાં પહોંચી જજો

Published : 31 October, 2026 03:29 PM | Modified : 31 October, 2026 03:51 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

વાત થઈ રહી છે નો યૉર આર્મી એક્ઝિબિશનની જે કોલાબામાં ચાલી રહ્યું છે અને આજે ત્યાં વિઝિટ કરવાનો છેલ્લો દિવસ છે.

એક્ઝિબિશનમાં આવતા લોકો માટે તૈયાર કરાયેલો આકર્ષક સેલ્ફી-પૉઇન્ટ

એક્ઝિબિશનમાં આવતા લોકો માટે તૈયાર કરાયેલો આકર્ષક સેલ્ફી-પૉઇન્ટ


સામાન્ય રીતે ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા દેશભક્તિના તહેવારો નિમિત્તે આપણે ધ્વજવંદન કરીને, દેશભક્તિનાં ગીતો ગાઈને અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને દેશના વીરોને યાદ કરતા હોઈએ છીએ; પણ આપણે આવા એક્ઝિબિશનમાં જઈએ તો વર્તમાન સમયમાં દેશની રક્ષા કરતી આર્મીની તાકાત અને સજ્જતાનો પ્રત્યક્ષ અનુભવ થાય. આપણે અત્યાર સુધી ફક્ત ટીવીમાં જ આધુનિક ટૅન્કો, ગન્સ, મિસાઇલ સિસ્ટમ અને લશ્કરી સાધનો જોયાં હોય; પણ આવા એક્ઝિબિશનના માધ્યમથી આપણને અસલી સૈનિકોને રૂબરૂ મળવાનો, લશ્કરી સાધનોને નજીકથી જોવાનો, એમને સ્પર્શ કરવાનો અને એમની ટેક્નિકલ માહિતી મેળવવાનો અવસર મળે. કોલાબા મિલિટરી સ્ટેશન ખાતે ૩ દિવસ માટે ‘નો યૉર આર્મી’ નામનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે જેનો આજે છેલ્લો દિવસ છે. આ ઇવેન્ટનું આયોજન ઇન્ડિયન આર્મીના સધર્ન કમાન્ડ હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા એરિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો ઉદ્દેશ યુવાનોને પ્રેરણા આપવાનો, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાનો અને દેશની રક્ષામાં સૈન્યની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઇવેન્ટ સ્કૂલો-કૉલેજના સ્ટુડન્ટ્સ માટે ખૂબ ખાસ છે કારણ કે તેમને સૈનિકોની લાઇફસ્ટાઇલ, શિસ્ત, નેતૃત્વ, હિંમત અને દેશસેવાને નજીકથી સમજવાનો મોકો મળશે. સામાન્ય નાગરિકો પણ સમજી શકશે કે અલગ-અલગ જગ્યાએ અને કપરી પરિસ્થિતિમાં રહીને દેશના જવાનો કેવી રીતે દેશની રક્ષા કરે છે.

શું જોવા મળશે?




મિલિટરી હથિયારોનાં મિની મૉડલ્સનો સ્ટૉલ.


એક્ઝિબેશનમાં પ્રદર્શિત કરાયેલું ડ્રોન.

એન્ટર થઈએ એટલે સૌથી પહેલાં સૈન્યનાં ખાસ બખ્તરબંધ વાહનો, દુશ્મનો પર ઉપરથી ગોળા વરસાવવા માટેની તોપો, રૉકેટ લૉન્ચર અને મિસાઇલ જોવા મળશે. સાથે જ એમની સ્પીડ, એમનું વજન, એમની રેન્જ, એમની લડાકુ તાકાત તેમ જ કયા સંજોગોમાં કેવી રીતે એમનો ઉપયોગ કરવામાં આવે છે એ વિશે રસપ્રદ માહિતી જાણવા મળશે. એ સિવાય કોઈ કેમિકલ, બાયોલૉજિકલ વૉરફેર, પરમાણુ અથવા રેડિયો-ઍક્ટિવ જોખમો વચ્ચે સુરક્ષા મેળવવા માટે સૈનિકો જે ડ્રેસ અને ગૅસમાસ્ક પહેરતા હોય એ, જમીનમાં છુપાયેલી સુરંગો શોધવા માટેનું સાધન, દૂરથી જોખમી વસ્તુઓને જોવા માટેના કૅમેરા અને લેન્સ આ બધું તમને એક્ઝિબિશનમાં જોવા મળશે. આ ઉપરાંત વિવિધ પ્રકારની રાઇફલ્સ, મશીનગન્સ, સ્નાઇપર, પિસ્તોલ, ઍન્ટિ-ડ્રોન ગન જોવા મળી જશે. એટલું જ નહીં, આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારનાં ડ્રોન્સ પણ રજૂ કરવામાં આવ્યાં છે. એક્ઝિબિશનમાં ઇન્ડિયન આર્મીના બૅન્ડના જવાનો ઢોલ, ડ્રમ, ટ્રમ્પેટ, બૅગપાઇપ્સ અને સંગીતનાં અન્ય સાધનો વગાડીને દેશભક્તિનાં જોશથી ભરેલાં ગીતો અને ધૂન વગાડે છે; પણ આ મિલિટરી બૅન્ડ ડિસ્પ્લે દિવસના ચોક્કસ સમયમાં જ થાય છે. સેમ આવી જ રીતે માર્શલ આર્ટ્સની ખાસ ટેક્નિક્સ પણ રજૂ કરવામાં આવે છે, પણ એ જોવા માટે તમારે ચોક્કસ ટાઇમ પર વિઝિટ કરવી પડે.

કેવો અનુભવ મળશે?

મિલિટરી વેપન પકડીને એનું નિરીક્ષણ કરી રહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ. તસવીર : આ‌શિષ રાજે

આ એક્ઝિબિશન ઓપન ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની ફરતે વેપન્સ અને ઇક્વિપમેન્ટ્સનું ડિસ્પ્લે રાખવામાં આવ્યું છે. તમારે આગળ વધતા જવાનું અને જોતા જવાનું. દરેક વેપન્સની બાજુમાં એ વિશેની માહિતી આપતું બોર્ડ અંગ્રેજીમાં મૂકવામાં આવ્યું છે. એમ છતાં ન ખબર પડે તો ત્યાં ઊભેલા આર્મીના જવાનોને તમે પૂછીને એની માહિતી મેળવી શકો. એ હથિયારો કયા સંજોગોમાં વપરાય છે, એમની ખાસિયત શું છે, એ કઈ રીતે ઑપરેટ થાય એ બધા જ વિશે તેઓ ખુશી-ખુશી માહિતી આપશે. તમે એ હથિયારને હાથમાં લઈને હોલ્ડ કરવા માગતા હો તો એમાં પણ તેઓ માર્ગદર્શન આપે છે. એક્ઝિબિશનમાં દેશભક્તિનો માહોલ અનુભવાય એટલે લાઉડસ્પીકર પર ગીતો સંભળાવવામાં આવે છે. ગ્રાઉન્ડમાં બે-ત્રણ જગ્યાએ સેલ્ફી-પૉઇન્ટ્સ પણ ઊભા કરાયા છે જેથી લોકો ત્યાં પોતાના ફોટોગ્રાફ્સ ક્લિક કરીને યાદગીરી રાખી શકે.

ફૂડ અને શૉપિંગ સ્ટૉલ્સ

એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરાયેલી રાઇફલ્સ અને મશીનગન્સ. 

આ એક્ઝિબિશન ઓપન ગ્રાઉન્ડમાં છે. તમે ત્યાં ફરીને બધું એક્સપ્લોર કરો એમાં એકાદ કલાક જેટલો સમય તો લાગી જ જશે. એ પછી તમારે થોડા રીફ્રેશ થવું હોય કે હળવો નાસ્તો કરવો હોય તો એ માટે ગ્રાઉન્ડમાં જ એક સાઇડમાં ફૂડના સ્ટૉલ્સ લગાવવામાં આવ્યા છે. અહીં રીઝનેબલ રેટમાં શેરડીનો રસ, ફ્રૂટ-જૂસ, પાણીપૂરી, બર્ગર, પીત્ઝા, ફાલૂદા, ફ્રેન્ચ ફ્રાઇઝ, વડાપાંઉ જેવા નાસ્તાના ઑપ્શન્સ મળી જશે. એ સિવાય અહીં કસ્ટમાઇઝ્ડ મગ, ટી-શર્ટના સ્ટૉલ્સ, ફ્રિજ મૅગ્નેટ, દિવાળી માટે ગિફ્ટિંગની અમુક આઇટમ્સ તેમ જ એક્ઝિબિશનની યાદગીરીરૂપે તમારે જો આર્મીનાં હથિયારોનાં મિની મૉડલ્સ લઈ જવાં હોય તો એના સ્ટૉલ્સ અહીં લાગેલા છે.

લશ્કરી કેમફ્લૅજ નેટ, સૈન્યના ધ્વજ, પ્રતીકો અને સેનાની શૌર્યગાથા દર્શાવતાં કટઆઉટ્સ અને બૅનર્સનું સરસ રીતે તૈયાર કરાયેલું એક્ઝિબિશનનું એન્ટ્રન્સ. 

ક્યાં જશો?

સ્થળ : કોલાબા મિલિટરી સ્ટેશન, ગેરિઝન બટૅલ્યન પીટી ગ્રાઉન્ડ, કોલાબા

સમય : સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી

આર્મી માર્શલ આર્ટ્‍સ : સવારે ૧૦.૪૫ વાગ્યે અને બપોરે ૩ વાગ્યે

મિલિટરી બૅન્ડ ડિસ્પ્લે : સવારે ૯.૧૫ વાગ્યે અને બપોરે ૨.૩૦ વાગ્યે

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 03:51 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK