Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > પાંચ વારની નહીં, નવવારી પણ નહીં; સપ્તશ્રૃંગી માતાને ૧૧ વારની સાડી પહેરાવવામાં આવે છે

પાંચ વારની નહીં, નવવારી પણ નહીં; સપ્તશ્રૃંગી માતાને ૧૧ વારની સાડી પહેરાવવામાં આવે છે

Published : 26 April, 2026 02:34 PM | IST | Mumbai
Alpa Nirmal

ફનીક્યુલર ટ્રેન, દર્શન વગેરેનું ઑનલાઇન બુકિંગ થાય છે. અન્યથા ત્યાં જઈને પણ કરાવી શકાય છે. ફનીક્યુલર ટ્રેનની ટિકિટ ૫૦ રૂપિયા છે. શીઘ્ર દર્શન કરવાં હોય તો ૨૦૦ રૂપિયાની ટિકિટ લેવી પડે છે. હા, દર્શન ટોટલી ફ્રી છે.

સપ્તશ્રૃંગી માતા

તીર્થાટન

સપ્તશ્રૃંગી માતા


કેમ કે ૧૮ ભુજાધારી માઈની સ્વયંભૂ પ્રતિમા ૮ ફુટ ઊંચી છે. મહારાષ્ટ્રના વણી પાસે આવેલી સપ્તશ્રૃંગી શક્તિપીઠ રાજ્યની પવિત્ર સાડાત્રણ શક્તિપીઠમાંની અર્ધપીઠ છે. કહેવાય છે કે આ શાશ્વત શક્તિસ્થળો સ્ટેટની ધરા પર કાલ્પનિક ૐનો આકાર નિર્માણ કરે છે જેમાં સપ્તશ્રૃંગી ગઢ ૐની ઊર્ધ્વ માત્રાનું પ્રતિનિધિત્વ કરે છે

૬૦થી ૭૦ ઇંચ વાર્ષિક વરસાદ ધરાવતા આ શ્રૃંગ પર ખાસ્સું મોટું જંગલ છે, પણ એમાં સાગ, નાગ, કાગ નથી. આજુબાજુ સાગનાં અનેક વૃક્ષો હોવા છતાં આ ગિરિ ઉપર એકેય સાગનું ઝાડ નથી. એ જ રીતે જંગલ હોવા છતાં નાગની ઉપસ્થિતિ નથી અને શ્રૃંગ પર ૪૦૦૦ માણસોની વસ્તી હોવા છતાં આ વિસ્તારમાં એકેય કાગડો નથી.



કલ્પના કરો કે તમે એવા મંદિરમાં ઊભા છો જ્યાં માતાની વિરાટ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે. મંદ-મંદ મુસ્કુરાહટ વેરતો ચહેરો, અલગ-અલગ આયુધો તથા પ્રતીકો સહિત ૯ હાથની જોડ, વાહન પર અસવાર હોય એ રીતનાં બે ચરણ અને ૮ ફુટ ઊંચાઈ તેમ જ નવ-સાડાનવ ફુટની પહોળાઈનું કદ ધરાવતી અવિનાશી કાયા, કાળમીંઢ કાળા પથ્થરો ધરાવતા પર્વતોમાંથી સેલ્ફ-બૉર્ન થઈ છે. વળી હજારો વર્ષો પૂર્વે ઉદ્ભવેલી આ પ્રતિમાની દિવ્ય ઉપસ્થિતિનો અહેસાસ અહીં આવતા દરેક શ્રદ્ધાળુને આજે પણ અનુભવાય છે. માતાનો ચહેરો એવો ચેતનવંતો અને તેજસ્વી છે કે ભાવિકો મૂર્તિ પરથી નજર જ નથી હટાવી શકતા. તો તમે ચોક્કસ વણી પાસે આવેલી સપ્તશ્રૃંગી શક્તિપીઠમાં આવ્યા છો.


નાશિક શહેરથી ૬૫ કિલોમીટરના અંતરે આવેલા કળવણ તાલુકાના નાનકડા નાંદુરી ગામમાં સહ્યાદ્રિ પર્વતમાળાના સાતનો શ્રૃંગોનો સમૂહ છે. આ સાત (સપ્ત) શ્રૃંગ (પહાડ)થી ઘેરાયેલા એક નાના પહાડની ટોચે બેઠેલાં દુર્ગામૈયા અહીં સપ્તશ્રૃંગી માતાના નામે ઓળખાય છે. મહારાષ્ટ્રની સાડાત્રણ શક્તિપીઠ ઉપરાંત ૫૧ શક્તિપીઠમાં ગણના પામતા આ સ્થાન અંગે કહેવાય છે કે અહીં સતી માતાનો જમણો હાથ પડ્યો હતો. જોકે આ સ્થળ માટે અન્ય એક દંતકથા પણ પ્રચલિત છે. એ મુજબ અસુર રંભાના પુત્ર મહિષાસુરે બ્રહ્માજીની કઠિન આરાધના કરીને ‘કોઈ મનુષ્ય તેને ન મારી શકે’ એવું વરદાન પ્રાપ્ત કર્યું અને દેવતાઓને રંજાડવાનું શરૂ કરી દીધું. કોઈ તપસ્વી સાધક હોય કે યજ્ઞ કરતા ઋષિ, ધ્યાનમાં મગ્ન તાપસ હોય કે પ્રભુસ્મરણ કરતા દેવ, મહિષાસુર પોતાની બેફામ તાકાતથી દરેકને પ્રતાડતો, હવનમાં હાડકાં નાખતો અને તેમની સાધના ભંગ કરતો. એટલું જ નહીં, તે દેવતાઓ સાથે યુદ્ધ પણ કરતો. એવા એક યુદ્ધમાં તેણે દેવોના સેનાપતિ ઇન્દ્રને સુધ્ધાં હરાવી નાખ્યા હતા. દિવસે-દિવસે મહિષાસુરનો પ્રકોપ વધતો જતો હતો. તેને રોકવા ઇન્દ્ર સહિત બધા દેવો ભેગા થયા અને તેમણે ગૌરીમાતાને મહિષાસુરનો વધ કરવાની વિનંતી કરી. દેવોની સંયુક્ત શક્તિથી દેવી દુર્ગા પ્રગટ થયાં. દુર્ગામાતાએ સિંહ પર અસવાર થઈ પોતાના ૧૮ હાથમાં વિવિધ આયુધો લઈને મહિષાસુર સામે જંગનું એલાન કર્યું અને ૮ દિવસના ભીષણ યુદ્ધના અંતે માતાએ મહિષાસુરનો અંત આણ્યો.

લોકમાન્યતા અનુસાર આ એ જ સ્થળ છે જ્યાં માતાએ રાક્ષસને મારી નાખ્યો હતો. એની સાબિતીરૂપે પહાડની તળેટીમાં જ્યાંથી માઈ મંદિરે જવાની સીડી શરૂ થાય છે ત્યાં પથ્થરથી બનેલું ભેંસનું માથું છે જે મહિષાસુર હોવાનું મનાય છે.


માતાનો ચહેરો એક તરફ ઝૂકેલો કેમ છે?

સપ્તશ્રૃંગી માતાની મૂર્તિ જોતાં તેમનો ચહેરો એક તરફ ઝૂકેલો દેખાય છે. એની પાછળની કથા એવી છે કે માર્કંડેય ઋષિએ માતાની સ્તવના કરતા ૭૦૦ ઋચાઓ રચી હતી. એ સાંભળવા માટે માતાએ તેમનું વદન આગળ કર્યું હતું. આથી તેમની પ્રતિમા જમણી તરફ ઝૂકેલી દેખાય છે.

બીજી કથા શિવજીનાં પ્રથમ પત્ની સતી માતા સાથે જોડાયેલી છે. સતી માતાના પિતા રાજા દક્ષે તેમના રાજ્યમાં મહાન યજ્ઞનું આયોજન કર્યું, જેમાં દીકરી-જમાઈને આમંત્રણ ન આપ્યું. છતાં જ્યારે દેવી સતી પિતાના યજ્ઞમાં ગયાં અને તેમનું તથા ભોળેનાથનું અવમાન થયું જે સતી દેવીથી સહન ન થયું અને તેઓ યજ્ઞના અગ્નિમાં કૂદી ગયાં. આ જોઈને શંકર ભગવાને રૌદ્ર રૂપ ધારણ કરી પત્નીની અર્ધબળેલી કાયા લઈને ત્રણે લોકમાં ફરતા હતા ત્યારે સૃષ્ટિના સંરક્ષક વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી માતા સતીના દેહના ટુકડા કર્યા અને એ ટુકડા જ્યાં-જ્યાં પડ્યા એ સ્થળ શક્તિપીઠ કહેવાયું. એ અન્વયે અહીં માતાનો જમણો હાથ પડ્યો હોવાનું મનાય છે. જોકે કેટલાક ભક્તો દાઢીનો ભાગ પડ્યો હોવાનું માને છે. સપ્તશ્રૃંગી શક્તિપીઠ છે એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ દેવી માહાત્મ્યમાં મહિષાસુરની કથાનું આલેખન છે. એ જ રીતે ઋષિ માર્કંડેયએ પણ અહીં માતાની આરાધના કરી છે એનો ઉલ્લેખ પણ પ્રાચીન ગ્રંથમાં છે. એ જ રીતે ઋષિ નારદ તથા વનવાસ દરમ્યાન રામ, સીતા, લક્ષ્મણજી અહીં આવ્યાં હોવાનો ઉલ્લેખ પણ છે. એમ તો સપ્તસતીના ચોથા તથા દસમા અધ્યાયમાં ઇન્દ્ર સહિત સર્વે દેવોએ માતા મહિષાસુર મર્દિનીની શક્તિનું સ્તવના કર્યાનું વર્ણન આવે છે. એ પદોમાં માતાના ગુણોની સ્તુતિ કરવા સાથે સૃષ્ટિના દરેક જીવનું રક્ષણ કરવાની યાચના કરવામાં આવી છે.

હવે માતાના મઢે ઊપડીએ. સપ્તશ્રૃંગી ગઢની ઊંચાઈ ૪૬૦૦ ફુટની છે. ત્યાં પહોંચવા ૫૧૭ સીડીઓ ચડવી પડે છે. જોકે હવે ફનીક્યુલર સેવા શરૂ થઈ ગઈ હોવાથી ભક્તો ફક્ત ૩ મિનિટમાં માતાના દરબારે પહોંચી જાય છે. હા, દાદરા ચડવા પણ અઘરા નથી. સહ્યાદ્રિની પર્વતમાળા અને ચારેકોર ખીલેલી હરિયાળી જોતાં-જોતાં વીસથી ૩૦ મિનિટમાં માતાનાં ચરણોમાં પહોંચી જવાય છે. ઊંચાં શિખરોની વચ્ચે આવેલા એક નાના પર્વત પર માતાનો મઢ આવેલો છે. આ મંદિર અઢારમી સદી દરમ્યાન અહિલ્યાબાઈ હોલકરે બનાવડાવ્યું હતું. એ પછી અહીં વારંવાર જીર્ણોદ્ધાર થયો અને હાલમાં એ પ્રાચીન મંદિરના સંરક્ષણ અર્થે પોર્ટિકો આર્કિટેક્ચર શૈલીમાં વરંડો બનાવવામાં આવ્યો છે જે એની સુંદરતામાં વધારો કરે છે. સાથે બે માળનો હોવાથી વધુ ભીડ હોય તો સહેલાઈથી મૅનેજ પણ કરે છે. મંદિરમાં પ્રવેશતાં જ સોનાનો મુગટ, સોહામણી નથણી, હેમનો હાર, મંગળસૂત્ર, કંદોરો આદિ ઘરેણાં તેમ જ સુંદર પૈઠણી કે બૉર્ડરવાળી સાડીથી સજ્જ માતાની પ્રભાવશાળી પ્રતિમા નજરે ચડે છે. સિંદૂરથી લેપાયેલી આ મૂર્તિ જોતાં ભાવિકો અભિભૂત થઈ જાય છે. અહીં પ્રતિદિન આ વિશાળ મૂર્તિ પર પંચામૃતથી વિધિપૂર્વક અભિષેક કરવામાં આવે છે. સાકર, ઘી, દૂધ, દહીં, મધ, તેલ, પાણી આદિથી અભિષેક કર્યા પછી માતાને સિંદૂરનું વિલેપન કરવામાં આવે છે અને ૧૧ વારની સાડી તેમ જ ૩ મીટરની ચોલી તથા આભૂષણો પહેરાવાય છે. દર્શન કરવા ઉપરાંત મંદિરના રંગમંડપમાં ભક્તો વિવિધ પૂજા-અર્ચના કરી શકે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 દેવીનાં દર્શન કર્યા બાદ અનેક ભક્તો માર્કંડેય પર્વત પર પણ દર્શન કરવા જાય છે. આ પર્વત પર રહીને ઋષિ માર્કંડેયએ માતાની સાધના કરી હોવાની માન્યતા છે. એ જ રીતે શિતકડા (જેને માતા સતીનો કિલ્લો કહેવાય છે), તાંબુલ તીર્થ, શિવતીર્થ પણ જાય છે. કહેવાય છે કે એક સમયે આ પર્વતમાં ૧૦૮ કુંડ હતા. આજે એમાંના ૧૦થી ૧૫ કુંડ વિદ્યમાન છે. એમાંથી કાલી કુંડ તથા સૂર્યકુંડ દર્શન માટે ખુલ્લા છે. સપ્તશ્રૃંગી માતાના અભિષેક, ભોગ બનાવવા આદિ વપરાશ માટે આ કુંડમાંથી જળ લેવાતું હોવાથી ઘણા ભાવિકો આ કુંડને નમન કરવા જાય છે તો કેટલાક શ્રદ્ધાળુઓ અહીં આવેલી ગિરિજા મહાનદીને મહાપુણ્યકારક માને છે. અહીં આવેલી જલ ગુફા (મત્સ્યા તીર્થ) સાથે એવી માન્યતા છે કે આ અંધારી ગુફામાં ૩ આંખવાળી સફેદ માખીઓ નિવાસ કરે છે. એ માખીઓ લોખંડને સ્પર્શે તો એ સુવર્ણ થઈ જાય છે. અનેક જિજ્ઞાસુઓ અહીં પણ જાય છે, પરંતુ કાળું ડિબાંગ અંધારું તેમ જ ગુફામાં રહેલા ઊંડા પાણીને કારણે અંદર જઈ શકાતું નથી.

મંદિર સવારે સાડાપાંચ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લું હોય છે. એમાં સવારની કાકડ આરતીમાં ભાગ લેવા અનેક ભક્તો વહેલી સવારે અહીં આવી જાય છે. એ પછી પંચામૃત અભિષેક તથા શ્રૃંગાર થાય છે. બપોરે ૧૨ વાગે મહાનૈવેદ્ય આરતી થાય છે જેમાં માતાને દરરોજ પૂરણપોળીનો ભોગ ધરાવાય છે. સાંજે ૬ વાગ્યે આરતી, ભોગ ધરાવ્યા બાદ સપ્તસતીના ચોથા અધ્યાયનું અધ્યયન થાય છે. આસો તેમ જ ચૈત્ર મહિનાની નવરાત્રિ, દર મહિનાની સુદ-વદ અષ્ટમી અને પૂર્ણિમાએ અહીં ખાસ્સી ભીડ હોય છે. આ ઉપરાંત મંગળવારે તથા શુક્રવારે અને વીક-એન્ડમાં પણ મહારાષ્ટ્ર તેમ જ ગુજરાતથી મોટી સંખ્યામાં ભક્તો માતાનાં દર્શનાર્થે આવે છે.

મૂર્તિ પરથી ૨૦૦૦ કિલો સિંદૂર હટાવવામાં આવ્યું

૨૦૨૨ની ૨૧ જુલાઈએ અહીં એક ઐતિહાસિક કાર્યની શરૂઆત થઈ હતી. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અને મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ મૂર્તિના સંરક્ષણનું કાર્ય શરૂ થયું હતું. એમાં સપ્તશ્રૃંગી માતાની મૂર્તિ પરથી ૨૦૦૦ કિલો સિંદૂર દૂર કરવામાં આવ્યું હતું . ૪૫ દિવસ ચાલેલા આ કાર્યથી દેવીની અસલ મૂર્તિ, ચહેરો ઉજાગર થયો. સદીઓથી સિંદૂર વિલેપનને કારણે મૂર્તિ પર જોખમ વધી ગયું હતું. આથી એના સંરક્ષણ અર્થે આ કાર્ય આવશ્યક થઈ ગયું હતું. આ જ તરજ પર ૨૦૨૪માં મુંબઈનાં મહાલક્ષ્મી માતાની મૂર્તિ પરથી પણ હિંગુલી (સિંદૂર હટાવવાની) વિધિ થઈ હતી. આ જ વિધિથી આ વર્ષે પુણેના કસબા ગણપતિ પરથી સિંદૂરના થર દૂર કરવામાં આવ્યા હતા જેમાં લગભગ ૯૦૦ કિલો સિંદૂર નીકળ્યું હતું.

મુંબઈથી સપ્તશ્રૃંગી તીર્થે જવા નાશિક લૅન્ડિંગ પૉઇન્ટ છે. નાશિકથી સરકારી તેમ જ પ્રાઇવેટ વાહનો મળી રહે છે. એ જ રીતે ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાથી અહીંનું ડિસ્ટન્સ માત્ર ૫૦ કિલોમીટર છે. વણી શહેર સપ્તશ્રૃંગીથી નજીક છે. જોકે એ પણ રેલવે નેટવર્ક સાથે સંકળાયેલું નથી, પરંતુ ત્યાં રહેવા તેમ જ જમવાની વધુ સુવિધાઓ મળી રહે છે. એમ તો દેવસ્થાનના ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ કૅટેગરી ધરાવતા ભક્ત નિવાસો છે તથા પ્રાઇવેટ હોટલો પણ છે. જમવા માટે મંદિર તરફથી કિફાયતી દામે અન્નક્ષેત્ર ચાલે છે તેમ જ તળેટીમાં અનેક ફૂડ જૉઇન્ટ્સ છે. બારે મહિના ભક્તોનું આવાગમન વધવાથી તળેટી વિસ્તારમાં રહેવા-ખાવાની અનેક સુવિધાઓ થઈ ગઈ છે. એ જ રીતે વાહનના પાર્કિંગ માટે પણ અનેક પ્રાઇવેટ પાર્કિંગ-લૉટની સગવડ મળી રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 02:34 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK