રાની મુખરજી કહે છે કે હું મારી દીકરીને થપ્પડ નથી મારી શકતી, કારણ કે મને ડર છે કે તે સામે મને તમાચો મારી દેશે
અર્પિતા ગોર તેમનાં બાળકો ક્રિશાંગ અને વેદાંગ સાથે, સોનાલી માંડલિયા તેમની દીકરી સાઇશા સાથે, તોરલ શાહ દીકરી શાનવી સાથે.
એક સમય હતો જ્યારે માતા-પિતાનો ડર એટલે ડિસિપ્લિનમાં રહેવું. આજે બાળકો ડરતાં નથી પણ પ્રશ્ન કરે છે, ચર્ચા કરે છે અને પોતાની વાત કહે છે. ત્યારે સવાલ એ છે કે શું બાળકોમાં માતા-પિતા પ્રત્યેનો આદર ઘટી રહ્યો છે કે પછી તેઓ પોતાના હક માટે બોલતાં થયાં છે? સમાજમાં આવી રહેલો આ ફેરફાર ખરેખર ફાયદાકારક છે કે નહીં એ જાણીએ
અભિનેત્રી રાની મુખરજીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની દીકરી સાથેના સંબંધો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે હું મારી દીકરીને થપ્પડ મારી શકતી નથી, કારણ કે મને ડર છે કે તે સામે મને વળતો પ્રહાર કરશે. રાનીનું આ નિવેદન માત્ર અંગત અનુભવ નથી પણ જેન-ઝી અને જનરેશન આલ્ફાના ઉછેરમાં આવી રહેલો ગંભીર સામાજિક બદલાવ છે. એક સમયે માતા-પિતાનો ડર શિસ્તનો પર્યાય હતો, જ્યારે આજે મિત્રતાના નામે શિસ્તની લક્ષ્મણરેખાઓ ધૂંધળી થઈ રહી છે ત્યારે બાળકોમાં માતા-પિતા પ્રત્યેનો આદર ઓછો થયો છે કે પછી બાળકો પોતાના હક માટે બોલતાં થયાં છે એના વિશે મુંબઈની મમ્મીઝ અને એક્સપર્ટ્સ પાસેથી જાણીએ ફિયર-બેઝ્ડ પેરન્ટિંગ વધુ સારું કે ફ્રેન્ડશિપ-બેઝ્ડ પેરન્ટિંગ.
ADVERTISEMENT
બાળકને કેટલી છૂટછાટ મળવી જોઈએ?
બાળક અને પેરન્ટ્સ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોવા જોઈએ એ વિશે અંધેરીનાં અનુભવી સાઇકોલૉજિસ્ટ જસ્મી ચૌહાણ કહે છે, ‘નવી પેઢી કોઈ પણ નિયમોનું આંધળું અનુકરણ કરવાને બદલે એની પાછળનો તર્ક અને કારણ જાણવા માગે છે. આજે રિસ્પેક્ટ માત્ર ઉંમરના આધારે નહીં પણ પરસ્પર સમજણના આધારે નક્કી થાય છે. જ્યારે માતા-પિતા કમ્યુનિકેશન અને વિચારોના આદાન-પ્રદાનને મહત્ત્વ આપે છે ત્યારે બાળકોમાં આદરની ભાવના આપોઆપ દૃઢ બને છે. આજનાં બાળકોને ચર્ચા ગમે છે, આદેશ નહીં. જ્યારે ઉછેરમાં ડર મુખ્ય હોય ત્યારે બાળકને લાગે છે કે પ્રેમ શરતોને આધીન બની જાય છે. તેને સતત એવું લાગે છે કે જો તે નિયમો પાળશે તો જ તેને સ્વીકારવામાં આવશે. પરિણામે બાળક દેખાવ પૂરતી આજ્ઞાધારકતા કેળવે છે અને વડીલોની ગેરહાજરીમાં શિસ્ત જાળવવામાં નિષ્ફળ જાય છે. વધુપડતી સત્તાવાહી પદ્ધતિ બાળકના આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિને ઓછાં કરે છે. જ્યાં બાળકની ઇન્ડિવિજ્યુઆલિટીનો રિસ્પેક્ટ થાય છે ત્યાં તે વધુ આત્મવિશ્વાસુ બને છે. આવા વાતાવરણમાં બાળકને ભૂલો કરવાની અને એમાંથી શીખવાની સ્વતંત્રતા મળે છે, જે તેનામાં પ્રૉબ્લેમ-સૉલ્વિંગ સ્કિલ્સ અને ભાવનાત્મક સંતુલન વિકસાવે છે.
માતા-પિતા બાળકની લાગણીઓને સમજે અને તેને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે એ જરૂરી છે. જ્યારે માતા-પિતા બાળકની નકારાત્મક લાગણીઓથી બચવા માટે તેની દરેક જીદ પૂરી કરવા લાગે અથવા દરેક મુશ્કેલીને પોતે જ ઉકેલીને બાળકને સંઘર્ષથી દૂર રાખે ત્યારે એ ફ્રેન્ડ્લી પેરન્ટિંગ મટીને પરમિસિવ એટલે વધુ છૂટછાટ આપનારું પેરન્ટિંગ બની જાય છે. સાચો ઉછેર એ છે જેમાં બાળકને લાગણી વ્યક્ત કરવાની છૂટ હોય પણ સાથે-સાથે શિસ્ત અને નિયમોનું મહત્ત્વ પણ સમજાયેલું હોય. શિસ્તની વ્યાખ્યા બદલાઈ છે. શિસ્ત એટલે માત્ર નિયમોનું પાલન નહીં પણ કોઈની દેખરેખ વગર પણ નૈતિક રીતે સાચા માર્ગે ચાલવું. જ્યારે બાળક સજાના ડરથી નિયમ પાળે છે ત્યારે એ શિસ્ત ક્ષણિક હોય છે. જેવી નજર હટી કે તરત જ નિયમ તૂટે છે. ખરેખર તો શિસ્ત અને આદર એ લાદવાની વસ્તુ નથી પણ માતા-પિતા અને સંતાન વચ્ચેના તંદુરસ્ત સંબંધોનું પરિણામ છે. બાળક જ્યારે નિયમ પાછળનો તર્ક સમજે છે ત્યારે તે એને સ્વેચ્છાએ સ્વીકારે છે. પરિવારમાં જ્યારે બાળકને પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી મળે અને તેના મતભેદોને પણ માન આપવામાં આવે ત્યારે તેનામાં જવાબદારીની ભાવના જાગે છે. જો બાળક ઇમોશનલી સેફ ફીલ કરે તો તે દેખરેખ વિના પણ ડિસિપ્લિનમાં રહે છે. માતા-પિતાએ બદલાતા સમય સાથે પોતાની શૈલીમાં પરિવર્તન લાવી બૅલૅન્સ્ડ નિયમો સેટ કરવાની જરૂર છે. બાળકની લાગણીઓને સ્વીકારો, પણ તેના ખોટા વર્તનને નહીં. દાખલા તરીકે બાળક ગુસ્સામાં હોય એ સ્વીકાર્ય છે, પરંતુ ગુસ્સામાં વસ્તુઓ ફેંકે એ બિલકુલ ચલાવી લેવાય નહીં. બાળક પોતાની વાત રજૂ કરી શકે એવું વાતાવરણ આપવું જોઈએ પરંતુ નકારાત્મક વ્યવહારને પ્રોત્સાહન ન આપવું જોઈએ. બાળકની મુશ્કેલીઓ સાંભળો, પણ તરત જ મદદ કરીને તેની પ્રૉબ્લેમ-સૉલ્વિંગ ક્ષમતા છીનવી ન લો. તેને પોતાની સમસ્યાનો ઉકેલ જાતે શોધવાની તક આપો.’
પેરન્ટ્સ ફ્રેન્ડની સાથે માર્ગદર્શકનો રોલ પણ પ્લે કરે છે
પહેલાં તો પેરન્ટ્સ ડરાવી-ધમકાવીને ડિસિપ્લિનમાં રાખતા, પણ અત્યારનાં બાળકો એવાં નથી. મુલુંડમાં રહેતાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ સોનાલી માંડલિયા તેમની દીકરીનો ઉછેર શી રીતે કરી રહ્યાં છે એ વિશે કહે છે, ‘આજનાં બાળકોમાં મમ્મી-પિતા પ્રત્યેનો ડર ચોક્કસપણે ઓછો થયો છે પણ એને રિસ્પેક્ટનો અભાવ ગણવું ભૂલ હોઈ શકે. પહેલાંના સમયમાં ડર ઘણી વાર ભય પર આધારિત હતો, પણ આજની જનરેશન એજ્યુકેશન અને સોશ્યલ મીડિયાના કારણે ન સમજાય એ ચીજોને સ્વીકારવાને બદલે એની પાછળનું લૉજિક શું છે એ જાણવા માગતી હોય છે અને આ પૉઝિટિવ ચેન્જ છે. હું મારી ત્રણ વર્ષની દીકરી સાઇશા સાથે રહું ત્યારે સ્ટ્રિક્ટ પેરન્ટની જેમ બિલકુલ નથી રહેતી. મને એવું ફીલ થાય છે કે ફ્રેન્ડની જેમ આપણે આપણા બાળક સાથે રહીશું તો તે વધુ સિક્યૉર ફીલ કરશે અને બધી જ ચીજો શૅર કરશે. આવું કરવાથી તેનો ડિસિઝન-મેકિંગનો પાવર સ્ટ્રૉન્ગ થશે. જોકે કેટલી છૂટછાટ આપવી જોઈએ એની સમજ વાલીમાં આવે તો એ બાળક જિદ્દી બનવાને બદલે સમજદાર બનશે, નહીં તો એ બાળક આગળ જતાં બગડી જશે, પેરન્ટ્સને લાઇટ્લી લેવા લાગશે. ફ્રેન્ડશિપનો અર્થ બરાબરી નથી પણ ઉપલબ્ધતા છે. તમે તમારા સંતાનના ફ્રેન્ડ બનવા સાથે માર્ગદર્શકનો પણ રોલ પ્લે કરો છો એ ભૂલવું ન જોઈએ અને એ સૌથી મોટી જવાબદારી છે.’
બાળકોને કેટલી છૂટ આપવી એ આપણા હાથમાં છે
કાંદિવલીમાં રહેતાં વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં કામ કરી ચૂકેલાં શિક્ષિકા તોરલ શાહ સાડાચાર વર્ષની બાળકીનાં મમ્મી છે. માતા-પિતા પ્રત્યે આજનાં બાળકોનો આદર ઘટ્યો છે એવું ફીલ થાય છે? એ સવાલનો જવાબ આપતાં તે જણાવે છે, ‘પેઢીઓ બદલાતી રહે છે, પણ બાળકનો ઉછેર કેવો કરવો જોઈએ એ આપણા હાથમાં છે. એ વાત તો સાચી છે કે અત્યારનાં બાળકો બોલવામાં બ્લન્ટ છે અને બહુ ઍડ્વાન્સ છે. આ બધું મોબાઇલને કારણે પણ છે. આપણાં બાળકોને કેટલી છૂટ આપવી જોઈએ એ આપણા હાથમાં છે. મારી દીકરી શાનવીને મોબાઇલ આપશો તો પણ તે નહીં લે, કારણ કે અમે તેની હાજરીમાં મોબાઇલ એટલો યુઝ કરતાં નથી. એકલી બેસીને જમશે પણ નહીં, તેને મમ્મી અને પપ્પા સાથે જોઈએ. તો સાથે જમવાની આદત પણ અમે તેનામાં કેળવી છે. આ ડિસિપ્લિનની સાથે અમે ફ્રેન્ડ્સ બનીને પણ રહીએ છીએ જેથી તે શું ફીલ કરે છે એ અમારી સાથે શૅર કરી શકે અને તે શૅર કરે પણ છે, પણ જ્યારે ખોટી જીદ કરે ત્યારે હું તેને વઢવાને બદલે કે તેના પર ગુસ્સો કરવાને બદલે સમજાવું છું કે તે શા માટે ખોટી જીદ કરે છે અને મને લાગે છે કે મારી દીકરીને સારું અને સાચું પેરન્ટિંગ મળી રહ્યું છે.’
ડર વગર બાળક ડિસિપ્લિનમાં રહે એ સારું
બોરીવલીમાં રહેતાં ગૃહિણી અર્પિતા ગોર બે દીકરાનાં મમ્મી છે. બન્ને દીકરાની ઉંમરમાં ૯ વર્ષનો તફાવત છે અને બન્નેનો એકસરખો ઉછેર કઈ રીતે કરી રહ્યાં છે એ વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘બાળકોને ડરાવી-ધમકાવીને રાખવાની પેરન્ટ્સની સિસ્ટમ જ સમજાતી નથી. મેં મારાં બાળકોની ખોટી જીદને પૂરી નથી કરી, પણ તેમની ખોટી જીદને કારણે મેં ગુસ્સો પણ નથી કર્યો. મેં તેમને સમજાવ્યાં છે કે શા માટે એ રૉન્ગ છે. જો તે ન સમજે તો પણ મેં એ વસ્તુ અપાવી નથી. ઍઝ અ પેરન્ટ બાળકોને પોતાના હક અને જવાબદારી વચ્ચેનો તફાવત સમજાવવો પડશે. જો આ બૅલૅન્સમાં રહેશે તો કંઈ વાંધો નહીં આવે. ઘણી વાર પેરન્ટ્સ તેમની જીદને ના પાડી શકતા નથી અને છોકરાઓ ડિસિપ્લિનમાં રહે એવા કોઈ રૂલ્સ પણ નથી બનાવતા. આવી વધારે પડતી છૂટછાટ બાળકની સાથે-સાથે પેરન્ટ્સને પણ ભારે પડે છે. મારા મોટા દીકરા ક્રિશાંગ અને નાના દીકરા વેદાંગ વચ્ચે ૯ વર્ષનો ફરક છે, પણ અમે તેમના ઉછેરમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યો નથી. જે ક્રિશાંગને મળ્યું છે એ જ વેદાંગને મળી રહ્યું છે. હું જૉઇન્ટ ફૅમિલીમાં રહું છું તો મારાં બાળકોને ખબર છે કે રિસ્પેક્ટ શું છે. મેં અને મારા હસબન્ડે પણ બાળકો સામે એકબીજા સાથે ગેરવર્તન કર્યું નથી. આ બધી બાબતો પણ બાળકના બિહેવિયર પર અસર કરે છે. સાચું પેરન્ટિંગ એ છે જ્યાં બાળકને ડર ન લાગે, પણ તમારા પ્રત્યે એટલો પ્રેમ હોય કે તે તમને દુખી કરવા ન માગતું હોય.’


