રિલેશનશિપમાં આવ્યા પછી સામાન્ય રીતે પાર્ટનરનો ફોન ચેક કરવાની આદત હોય છે અને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા આવા ટ્રેન્ડને ઓપન ફોન પૉલિસી કહેવાય છે. આવી પૉલિસી અપનાવવાથી રિલેશનમાં કેવી અસર થાય છે, એ અપનાવવી જોઈએ કે નહીં એ વિસ્તારમાં સમજીએ
પ્રતિકાત્મક તસવીર
રોટી, કપડાં અને મકાનની સાથે હવે જીવનજરૂરિયાતની ત્રણ ચીજોમાં ચોથું સ્થાન મોબાઇલને અપાયું છે. એ કનેક્ટિવિટી તો વધારે છે પણ સાથે સંબંધોને બગાડવાની પણ તાકાત ધરાવે છે. આ ફોનને કારણે અત્યારે સંબંધોની વ્યાખ્યા બદલાઈ રહી છે. કપલ્સમાં અત્યારે ઓપન ફોન પૉલિસીનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે. આ નીતિનો સીધો અને સરળ અર્થ છે બન્ને પાર્ટનર્સ એકબીજાના ફોન, મેસેજ, સોશ્યલ મીડિયા અને કૉલ-લૉગ્સ કોઈ પણ જાતની પરવાનગી વગર જ્યારે ઇચ્છે ત્યારે ચેક કરી શકે છે; પણ સવાલ એ થાય છે કે આ પૉલિસી રિલેશનમાં ટ્રાન્સપરન્સી અને ટ્રસ્ટ બિલ્ડ કરવામાં મદદ કરે છે કે ઇન્સિક્યૉરિટીની સાઇડ-ઇફેક્ટ્સ છે? એક્સપર્ટ પાસેથી આ પૉલિસીના ટ્રેન્ડની સાથે સંબંધો સાથે સંકળાયેલી એની સાઇકોલૉજી જાણીએ.
ફોન-ચેકિંગ જરૂરી છે?
ADVERTISEMENT
ઓપન ફોન પૉલિસીના સાઇકોલૉજિકલ પાસાને જણાવતાં કપલ-થેરપિસ્ટ અને કાઉન્સેલર જિનિશા ભટ્ટ કહે છે, ‘રિલેશનનું સત્ય એ છે કે એ હંમેશાં સ્મૂધ રહેશે નહીં. ઉતારચડાવ, ગેરસમજ અને ઇન્સિક્યૉરિટી ફીલ થવી બહુ જ કૉમન છે; પણ તમે એ કઈ રીતે હૅન્ડલ કરો છો એ મહત્ત્વનું બની જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ રિલેશનમાં હોય ત્યારે ફોન ચેક કરવાની પ્રવૃત્તિ વિશ્વાસ વધારવાને બદલે શંકાનું વિષચક્ર બનાવે છે. જ્યારે વ્યક્તિ ફોન ચેક કરે અને કંઈ શંકાસ્પદ ન મળે ત્યારે તેને પળવારની શાંતિ મળે છે. જોકે આવું બિહેવિયર ડ્રગ-ઍડિક્શન જેવું છે. થોડી વારની શાંતિ મેળવવા તે વારંવાર એ ઍક્ટિવિટી કરે છે. આનાથી ચિંતાનો સામનો કરવાની ખરાબ ટેવ વિકસે છે. શંકા કરનાર વ્યક્તિ માત્ર એ જ વસ્તુ શોધે છે જે તેની પૂર્વધારણાને મજબૂત કરે. એને કન્ફર્મેશન બાયસ કહેવાય. વિશ્વાસનો અભાવ હોય ત્યાં પાર્ટનરના બૉસે મોકલેલો સામાન્ય મેસેજ પણ ફ્લર્ટિંગ જેવો લાગે છે, જે સંબંધોને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. જે પાર્ટનરનો ફોન ચેક થતો હોય તે સતત સ્ટ્રેસમાં જીવે છે. તે ફોન પરની વાતચીતમાં કૉન્શિયસ થઈ જાય છે. મિત્રો સાથે પણ નૉર્મલ ચૅટ કરતાં પાર્ટનરનો વિચાર આવે છે કે જ્યારે તે મારી ચૅટ વાંચશે તો ખોટો અર્થ નહીં નીકળેને? આવી મૉનિટરિંગની ભાવના સેલ્ફ-એસ્ટીમને નુકસાન પહોંચાડે છે અને આવા રિલેશનમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, વ્યક્તિ ઘૂંટાવા લાગે છે.’
ઇન્સિક્યૉરિટી છે જવાબદાર
ઓપન ફોન પૉલિસીની જરૂર ઊભી થવા પાછળ મોટા ભાગે બહારનાં પરિબળો નહીં પણ વ્યક્તિની ઇન્ટર્નલ ઇન્સિક્યૉરિટી જવાબદાર હોય છે એમ જણાવતાં ખાર રોડ અને વિલે પાર્લેમાં ઑનલાઇન અને ઑફલાઇન સેશન્સ લેતાં જિનિશા કહે છે, ‘અમારા કાઉન્સેલિંગ સેશન્સમાં પણ જોવા મળે છે કે અમુક ચોક્કસ અટૅચમેન્ટ કે વ્યક્તિત્વ ધરાવતા લોકોને તેમના પાર્ટનરના ફોન ચેક કરવાની જરૂર પડે છે. એમાં જે લોકોને પાર્ટનર મને છોડીને જશે એવો ડર સતાવતો હોય છે તે ફોન ચેક કરીને વારંવાર રીઍશ્યૉરન્સ શોધતા હોય છે. ઘણી વાર પાછલા સંબંધના ખરાબ અનુભવે કે બાળપણના ટ્રૉમેટિક એક્સ્પીરિયન્સને કારણે નજીકના લોકો છોડીને જતા રહેશે એવી ચિંતા સતાવ્યે રાખે છે એમાં તેઓ પોતાની જાતને હંમેશાં અન્ડરએસ્ટિમેટ કરે છે. તેઓ વિચારે છે કે તેનો પાર્ટનર વધુ સારી વ્યક્તિ પાસે જઈ શકે છે. આવા વિચારોને કારણે ઇન્સિક્યૉરિટી વધે છે અને તે પાર્ટનરની દરેક ગતિવિધિ પર ટ્રૅક રાખવાની કોશિશ કરે છે અને એમાં સૌથી અગત્યનો મોબાઇલ જ હોય છે. ઘણા કેસમાં એવા પણ લોકો જોયા છે જ્યાં ટ્રાન્સપરન્સીના નામે પાર્ટનરના જીવન અને ડિજિટલ સ્પેસ પર કન્ટ્રોલ કરીને તેમને ઇમોશનલી કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે અને આવા સંબંધો લાંબો સમય ટકતા નથી. જે સંબંધમાં તમે બંધાયેલા ફીલ કરો ત્યાં રહેવાનું મન થતું નથી અને ગમે ત્યારે એનો અંત આવી જાય છે.’
"બધા પ્રૉબ્લેમનું સૉલ્યુશન કમ્યુનિકેશનથી થઈ શકે છે. ફીલિંગ્સ શાંતિથી વ્યક્ત કરો અને પાર્ટનર પણ એને સાંભળે તો ઓપન ફોન પૉલિસીની જરૂરિયાત જ રહેતી નથી"- જિનિશા ભટ્ટ, કાઉન્સેલર અને કપલ-થેરપિસ્ટ
ઇન્ડિવિજ્યુઅલિટી જાળવવી જરૂરી
રિલેશનશિપમાં આવ્યા બાદ પણ ઇન્ડિવિજ્યુઅલિટીને જાળવવી મહત્ત્વની છે એ વાતથી સહમત થતાં જિનિશા યુગલોને સલાહ આપતાં કહે છે, ‘વ્યક્તિગત રીતે પ્રાઇવસીને જાળવવી એ દગો ન કહેવાય એ વાતની સમજણ યુગલોએ કેળવવી પડશે. સેલ્ફ-ટૉક, ઑફિસની ચર્ચાઓ કે અંગત મિત્રો સાથેની વાતચીત આ બધી બાબતોમાં પ્રાઇવસી જાળવવી મેન્ટલ હેલ્થ માટે જરૂરી છે. જ્યારે તમારો પાર્ટનર સતત ફોન ચેક કરે તો એવું ફીલ થાય જાણે તમને મૉનિટર કરવામાં આવે છે. આવા વર્તનથી વ્યક્તિએ ભલે કંઈ ખોટું ન કર્યું હોય તો પણ વાત છુપાવવા કે મેસેજ ડિલીટ કરવા પ્રેરાય છે જે અંતે ઇન્સિક્યૉરિટીનું જ કારણ બને છે. જો તમારું પર્સનલ ડિવાઇસ એટલે કે મોબાઇલ લૉયલ્ટીનો પુરાવો બની જાય તો વ્યક્તિ પોતાની જાતને એક્સપ્રેસ કરતાં ખચકાટનો અનુભવ કરે છે.’
સંબંધોને સાઇકોલૉજિકલ રીતે બનાવો મજબૂત
જ્યારે પણ કોઈ પૉઇન્ટ પર તમને રિલેશનમાં ઇન્સિક્યૉરિટી કે ડાઉટ આવે ત્યારે ફોન-ચેકિંગ કરવાને બદલે કમ્યુનિકેશન કરવું વધુ હેલ્ધી છે એમ જણાવતાં જિનિશા કહે છે, ‘ફોન ચેક કરવાને બદલે ઇમોશનલ ચેકિંગ કરો. આજે તું ચૂપ કેમ બઠી છે, શું થયું? તને આ રિલેશનમાં રહીને કેવું લાગે છે? મારી કઈ આદત એવી છે જે તને નથી ગમતી અને એ સુધારવાની જરૂર છે? આવા સવાલો પૂછવાથી પાર્ટનરને વિશ્વાસ બેસે છે કે તમે તેના પર શંકા નહીં પણ તેની ચિંતા કરી રહ્યા છો. ધારો કે તમારા પાર્ટનર પર કોઈ વાતને લઈને શંકા થાય પણ છે તો તેના પર સીધો આરોપ લગાવવા કરતાં મને એવું લાગે છે કે.. એમ કહીને તમારી શંકાને રજૂ કરો અને પૂછો કે આવું સાચું છે? ‘તું ફોનમાં જ રહેતો હોય છે અને હું તારી પાસે આવું છું તો તરત જ છુપાવી લે છે, એવું શું છે એમાં?’ આવું ડાયરેક્ટ અને રફ ટોનમાં કહેવા કરતાં ‘મને એવું લાગે છે કે છેલ્લા થોડા દિવસથે તું મારાથી દૂર થઈ રહ્યો છે. તારા મનમાં કોઈ વાત છે જે શૅર કરવા માગે છે?’ આ ટોનમાં વાત રજૂ કરવાથી સામેવાળી વ્યક્તિને સારું ફીલ થાય છે. આવા પ્રશ્નો વારંવાર પૂછવાથી તમારું ઇમોશનલ બૉન્ડિંગ, ટ્રસ્ટ અને કમ્યુનિકેશન મજબૂત બને છે અને નાની-નાની ગેરસમજો મોટા વિખવાદનું સ્વરૂપ લેતાં અટકે છે.’
સેલ્ફ-ઍનૅલિસિસ કરો
જે પૉઇન્ટ પર પાર્ટનરને શંકા ફીલ થાય ત્યારે કેટલીક બાબતો પર સેલ્ફ-ઍનૅલિસિસ કરવું બહુ જરૂરી છે એમ જણાવતાં જિનિશા કહે છે, ‘કોઈ પણ રિલેશન ત્યારે જ હેલ્ધી બની શકે જ્યારે બન્ને પાર્ટનર્સ એકબીજાની ઇન્સિક્યૉરિટીને સમજી શકે. વ્યક્તિએ સેલ્ફ-ઍનૅલિસિસ કરવું જોઈએ કે હું મારા રિલેશનમાં કેટલી કૉન્ફિડન્ટ છું? જો તમને ડાઉટ કે ઇન્સિક્યૉરિટી ફીલ થાય પણ છે તો એ પાર્ટનરના વર્તનને લીધે છે કે ભૂતકાળના કડવા અનુભવોને કારણે છે? ફોન ચેક કરવાને બદલે ચિંતાનો સામનો કરવા માટે યોગ, મેડિટેશન કે મિત્રો સાથે વાતચીત કરીને હેલ્ધી કોપિંગ સ્ટ્રૅટેજી અપનાવવી. આનાથી તમે તમારી બૅડ ફીલિંગ્સનો યોગ્ય નિકાલ કરી શકો છો. રિલેશનમાં માત્ર સમસ્યા પર વાત કરવાને બદલે સકારાત્મક આદતો કેળવવી પણ જરૂરી છે. ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરો. બન્ને સાથે મળીને એવી આદતો કેળવો જેમાં એકબીજા માટે સમય ફાળવી શકાય. સવારની કૉફી સાથે આખા દિવસનું પ્લાનિંગ કરવું. રાત્રે કામ કરીને પરવારી ગયા બાદ સાથે સમય વિતાવવો. અઠવાડિયામાં એક વખત ડિજિટલ ડિવાઇસથી દૂર રહેવું. એકબીજાનાં ટ્રિગર્સ શૅર કરવાં. એકબીજાને કઈ વાતથી પ્રૉબ્લેમ થાય છે એ ડિસ્કસ કરવું. ભૂતકાળના કોઈ અનુભવને કારણે કોઈ ચોક્કસ વર્તનથી ઇન્સિક્યૉરિટી થતી હોય તો પાર્ટનરને શાંતિથી સમજાવો. તમારા રિલેશનમાં ટ્રાન્સપરન્સી અને પ્રાઇવસી કેટલી હોવી જોઈએ એની સીમા નક્કી કરો. આથી બન્ને પાર્ટનર્સને ખ્યાલ રહે કે કઈ લાઇન ક્રૉસ નથી કરવાની. જ્યારે કમ્યુનિકેશનના પ્રયાસો છતાં કમ્યુનિકેશન પૅટર્ન્સ કે ટ્રસ્ટના મુદ્દાઓ ઉકેલાતા ન હોય ત્યારે નિષ્ણાતની મદદ લેવી સ્માર્ટ વિકલ્પ છે. કપલ-થેરપિસ્ટ હેલ્ધી કમ્યુનિકેશન ટેક્નિક્સ શીખવવામાં મદદ કરે છે.’


