અત્યારના સમયમાં મૂડ-સ્વિંગ્સ બહુ સામાન્ય વાત બની ગઈ છે અને એ માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક યુવતી મળવા આવી. યુવતીએ તાજેતરમાં જ એક લાંબી રિલેશનશિપમાંથી તિલાંજલિ લીધી હતી. એ પછી તેને કેટલાક પ્રશ્નો સતાવતા હતા. તેની સાથેના લાંબા કાઉન્સેલિંગ પછી મારે તેને કહેવું પડ્યું કે તમે જેટલી વાર અગત્યના નિર્ણયો કર્યા છે કે ગંભીર ચર્ચાઓ કરી છે એ મોટા ભાગની તમારા મૂડ-સ્વિંગ્સની અવસ્થામાં કરી છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે અત્યારના સમયમાં મૂડ-સ્વિંગ્સ બહુ સામાન્ય વાત બની ગઈ છે અને એ માટે એક નહીં, અનેક કારણો જવાબદાર છે. પૉલ્યુશનથી લઈને સ્ટ્રેસફુલ લાઇફ અને જન્ક ફૂડ સુધ્ધાં મૂડ-સ્વિંગ્સનાં કારક છે તો સાથોસાથ મૂડ-સ્વિંગ અચાનક મગજમાં ઊભા થતા એન્ડૉર્ફિન્સ નામના સ્રાવની કમીની પણ નિશાની છે. ઇન્ટિમેટ રિલેશનશિપ પછી જે એન્ડૉર્ફિન્સ રિલીઝ થાય છે એ મૂડ-બૂસ્ટરનું કામ કરે છે પણ અહીં એક વાત સમજવી છે કે દરેક તબક્કે જરૂરી નથી કે ઇન્ટિમેટ રિલેશનથી જ એન્ડૉર્ફિન્સ રિલીઝ થાય. સામાન્ય માત્રામાં પણ એ રિલીઝ થવાનું કામ થતું રહેતું હોય છે.
ગમતું મ્યુઝિક, મનગમતી વ્યક્તિ સાથેની વાતચીત, સારી અને હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ, યોગ જેવી ઍક્ટિવિટીથી પણ એન્ડૉર્ફિન્સ રિલીઝ થયા કરે, પણ જો તમે એ દિશામાં પણ કામ ન કરો તો બૉડીમાં આ સ્રાવની કમી સર્જાવા માંડે છે અને એની સીધી આડઅસર મૂડ-સ્વિંગ્સના સ્વરૂપમાં દેખાય છે. મહત્ત્વનું એ છે કે આ મૂડ- સ્વિંગ્સની પ્રક્રિયાને વ્યક્તિએ ઓળખી લેવી જોઈએ અને એ ઓળખ્યા પછી તેણે પોતાની લાઇફને પણ એ મુજબ સેટ કરવી જોઈએ.
ADVERTISEMENT
બહુ સરળ એક રસ્તો દેખાડું. વ્યક્તિગત રીતે પહેલાં તો વ્યક્તિએ પોતાના મૂડ- સ્વિંગ્સના દિવસો કે સમયને પારખી લેવા જોઈએ અને એ દિવસો શરૂ થવાનો તબક્કો આવે કે તરત પોતાના પ્રિયજનો સાથે એની વાત કરી દેવી જોઈએ જેથી મૂડ-સ્વિંગ્સ સમયે કરવામાં આવેલા વ્યવહાર કે વર્તનને ખોટી રીતે લેવામાં ન આવે. સાથોસાથ વ્યક્તિગત રીતે પણ એ યાદ રાખવું કે મૂડ-સ્વિંગ્સનો તબક્કો ચાલતો હોય ત્યારે શક્ય હોય તો બહુ બધી દુનિયાદારી અને દેખાડાની પંચાતમાં પડ્યા વિના શક્ય હોય તો ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવવું અને આ પિરિયડમાં એક પણ મહત્ત્વના નિર્ણય કે અગત્યની મીટિંગ ન કરવી. ખાસ કરીને એવા લોકો સાથે જેની સાથે કડવા થવામાં સંકોચ નથી થતો હોતો. માણસની એક કુટેવ છે, તે અજાણ્યા સાથે સારા રહી શકે છે પણ પોતાની કહેવાય એવી જ વ્યક્તિ સાથે તોછડાઈ કરી સંબંધોમાં તનાવ સર્જી બેસે છે.


