નૉર્મલ માનસિકતા ધરાવતા લોકોમાં સેક્સના અભાવથી વ્યક્તિને પોતે અનવૉન્ટેડ હોવાની ફીલ આવવા માંડે છે તો સાથોસાથ તે એકલતાનો અનુભવ પણ કરવા માંડે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
હમણાં એક યંગ લેડી મળ્યાં. તેમનો પ્રશ્ન ડિપ્રેશનનો હતો પણ પ્રશ્નના મૂળમાં જતાં સમજાયું કે એ વાત તેમની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનથી જોડાયેલી એ છોકરીના જીવનમાં પર્સનલ લાઇફ જેવું કશું હતું જ નહીં. એક વાત યાદ રાખવી, સેક્સનો અભાવ કે અસંતોષકારક સેક્સ-લાઇફ પણ ડિપ્રેશનના કારક બને છે કારણ કે ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન એન્ડોર્ફિન, ડોપમાઇન અને ઑક્સિટોસિન રિલીઝ થાય છે. આ હૉર્મોન્સ નૅચરલી જ સ્ટ્રેસ ઘટાડે છે તો સાથોસાથ હૅપીનેસની ફીલ પણ આપે છે પણ જો લાઇફમાં આ પ્રકારના રિલેશનનો અભાવ હોય કે પછી સેક્સ-લાઇફ કથળેલી હોય ત્યારે ફીલ-ગુડ કૅટેગરીમાં આવતા હૉર્મોન્સનું પ્રમાણ ઘટે છે.
નૉર્મલ માનસિકતા ધરાવતા લોકોમાં સેક્સના અભાવથી વ્યક્તિને પોતે અનવૉન્ટેડ હોવાની ફીલ આવવા માંડે છે તો સાથોસાથ તે એકલતાનો અનુભવ પણ કરવા માંડે છે. આ બન્ને અવસ્થાને લીધે આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય અને પછી ડિપ્રેશનનું સ્ટેજ આવે. કહ્યું એમ, સેક્સ નૅચરલ સ્ટ્રેસ-બસ્ટર છે, એના અભાવમાં શરીરમાં કૉર્ટિઝોલ નામના હૉર્મોનની માત્રા વધે છે. આ જે કૉર્ટિઝોલ હૉર્મોન છે એનું કામ જ સ્ટ્રેસ વધારવાનું છે. આવી પરિસ્થિતિ જોખમી બની શકે છે અને એવું ન બને એ માટે મેડિકલ સાયન્સમાં કેટલાક રસ્તાઓ દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જો પાર્ટનર હોય તો તેની સાથે કમ્યુનિકેશન કરો. ઘણી વાર વાત ન કરવાના કારણે પણ પાર્ટનર વચ્ચે ડિસ્ટન્સ વધુ છે. એના કરતાં બહેતર છે કે તમારી જરૂરિયાત અને તમારી લાગણીઓ વિશે ખુલ્લા મને ચર્ચા કરો. એમાં છોછ અનુભવવાની જરૂર નથી. બની શકે કે બેમાંથી એક પાર્ટનરને એની વધારે આવશ્યકતા હોય. લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ હોય તો નિયમિત કઈ રીતે મળી શકાય એનો રસ્તો કાઢવો જોઈએ અને સાથોસાથ વર્ચ્યુઅલ રિલેશનશિપનો પણ સહારો લઈ શકાય.
ધારો કે પાર્ટનરની હયાતી નથી કે સેક્સ્યુઅલ ઍક્ટિવિટી ઓછી હોય ત્યારે જિમ અને યોગ જેવી ફિઝિકલ એક્સરસાઇઝ બહુ મહત્ત્વની બને છે. એક્સરસાઇઝથી શરીરમાં એન્ડોર્ફિન હૉર્મોન રિલીઝ થાય છે જે મૂડ સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત સેલ્ફ-કૅર પણ એન્ડોર્ફિન હૉર્મોન જન્માવવાનું કામ કરે છે તો ગ્રૂમિંગથી લઈને મનગમતી પ્રવૃત્તિમાં ઍક્ટિવ રહેવું પણ હિતાવહ છે. નવા મિત્રો બનાવવા, શોખ હોય એ દિશામાં વધારે ઍક્ટિવ થવાથી પણ ફીલ-ગુડ સિચુએશન ઊભી થાય છે, જે એન્ડોર્ફિન હૉર્મોન જન્માવે છે અને એનાથી ડિપ્રેશનની જે લાગણી છે એમાંથી બહાર આવી શકાય છે.


