આજકાલ સનસેટ ક્લૉઝ ડેટિંગ ટ્રેન્ડ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
હવે સમજી-વિચારીને, મહિનાઓની ગણતરી સાથેનો પ્રેમ થઈ રહ્યો છે. આજકાલ સનસેટ ક્લૉઝ ડેટિંગ ટ્રેન્ડ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં રિલેશનશિપ શરૂ થતાં પહેલાં જ એનો અંત કરવાનો સમયગાળો ફિક્સ થઈ જાય. નક્કી કરેલો સમયગાળો સાથે રહ્યા પછી બન્ને પાર્ટનર નક્કી કરે કે સંબંધની ગાડી અહીં જ સ્ટૉપ કરી દેવી છે કે આગળ લઈ જવી છે.
સોશ્યલ મીડિયા પર આજકાલ સનસેટ ક્લૉઝ ડેટિંગ યંગસ્ટર્સમાં ચર્ચાનો વિષય બન્યું છે. સનસેટ ક્લૉઝ મૂળભૂત રીતે કાયદાકીય અને બિઝનેસ જગતમાંથી આવેલો શબ્દપ્રયોગ છે, પરંતુ હવે એ ડેટિંગ અને અંગત જીવનમાં એક નવી વ્યૂહરચના તરીકે લોકપ્રિય થઈ રહ્યો છે. ડેટિંગની દુનિયામાં સનસેટ ક્લૉઝ એટલે એક એવી રિલેશનશિપમાં પ્રવેશવું જેનો અંત પહેલાંથી જ નક્કી કરેલો હોય. કપલ પરસ્પર સહમતીથી એક ચોક્કસ સમયગાળો નક્કી કરે છે... જેમ કે ત્રણ મહિના, છ મહિના કે એક વર્ષ અને ત્યાર બાદ તેઓ સંબંધને આગળ વધારવા કે એનો અંત લાવવા માટે સંમત થાય છે. સૂર્યના અસ્ત સાથે જેમ દિવસનો અંત આવે એમ આ ક્લૉઝ એ સંબંધનો એક પૂર્વનિર્ધારિત અંત સૂચવે છે. એટલે આ ડેટિંગનું નામ સનસેટ ક્લૉઝ એવું રાખવામાં આવ્યું છે. એવામાં આજે આપણે રિલેશનશિપ કોચ દીપિકા શાહ પાસેથી આ ડેટિંગ ટ્રેન્ડના
ADVERTISEMENT
નફા-નુકસાન વિશે જાણીએ અને એને અપનાવવો કેટલો યોગ્ય એ વિશે તેમના જ શબ્દોમાં જાણીએ.
આનો ફાયદો શું?
સનસેટ ક્લૉઝ ડેટિંગમાં આવતા માનસિક થાક અથવા ડેટિંગ ફટીગ સામે એક મજબૂત કવચ તરીકે કામ કરે છે. ડેટિંગમાં સૌથી વધુ થાક અનિશ્ચિતતાને કારણે લાગે છે. આ સંબંધ ક્યાં જશે? સામેવાળી વ્યક્તિ ગંભીર છે કે નહીં? સનસેટ ક્લૉઝ એક નિશ્ચિત ડેડલાઇન આપીને માનસિક બોજ હળવો કરે છે. જ્યારે તમને ખબર હોય કે છ મહિના પછી નિર્ણય લેવાનો જ છે ત્યારે મગજ સતત ચિંતા કરવાનું બંધ કરી દે છે. ઘણી વાર લોકો એવા સંબંધોમાં ફસાયેલા રહે છે જે ન તો આગળ વધે, ન તો પૂરા થાય છે. આ લૂપ ઇમોશનલ એનર્જી ડ્રેઇન કરે છે. સનસેટ ક્લૉઝ એક એક્ઝિટ ડોર એટલે કે બહાર નીકળવાનો રસ્તો ખુલ્લો રાખે છે જેથી તમે વર્ષો સુધી કોઈ અર્થ વગરના સંબંધમાં અટવાયેલા ન રહો. ડેટિંગમાં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે ક્યારે અટકવું અને જ્યારે આપણે કોઈ સંબંધ પૂરો કરીએ છીએ ત્યારે ઘણી વાર ગિલ્ટ અનુભવાય છે કે શું મેં પૂરતો પ્રયત્ન કર્યો? શું હું હજી થોડી રાહ જોઈ શકત? શું હું સામેની વ્યક્તિ સાથે અન્યાય કરી રહ્યો છું? સનસેટ ક્લૉઝ આ ગિલ્ટને દૂર કરીને બ્રેક લેવાનું સરળ બનાવે છે. જ્યારે તમે પહેલાંથી જ છ મહિનાનો સમય નક્કી કર્યો હોય ત્યારે તમે એ સમયગાળામાં સંબંધને સુધારવા કે સમજવા માટે પૂરી મહેનત કરો છો. એટલે જ્યારે એ સમયમર્યાદા પૂરી થાય ત્યારે મનમાં એ સંતોષ હોય છે કે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે.
આધુનિક પેઢી હવે માત્ર કેમિસ્ટ્રી કે પ્રેમ પર આધાર રાખવાને બદલે કૅલ્યુક્યુલેટેડ કમ્પૅટિબિલિટી એટલે કે વ્યવહારુ સમાનતા જુએ છે. ઘણી વાર બે વ્યક્તિઓ વચ્ચે કેમિસ્ટ્રી ખૂબ સરસ હોય છે. બન્નેને સાથે ફરવું ગમે, મ્યુઝિક-ટેસ્ટ મળતો હોય, વાતો ખૂટે નહીં; પણ જ્યારે ભવિષ્યની વાત આવે ત્યારે ખબર પડે કે બન્નેના રસ્તા અલગ છે. સનસેટ ક્લૉઝ આવા લાગણીઓમાં વહેતા કપલને વાસ્તવિકતાનો અરીસો દેખાડે છે. તેમને પ્રશ્ન પૂછે છે કે શું તમે એકબીજાના ફ્યુચર પ્લાનમાં ફિટ બેસો છો? વિચારો કે એક કપલ છે રિયા અને રોહન. રોહનનો પ્લાન લંડનમાં જઈને MBA કરી સેટલ થવાનો હોય અને રિયાનો પ્લાન ઇન્ડિયામાં રહીને પિતાના બિઝનેસને સંભળવાનો હોય. તેઓ આ વાતને જોયું જશે કહીને ટાળ્યા કરશે. બે-ત્રણ વર્ષ પછી જ્યારે વિદેશ જવાનો સમય આવશે ત્યારે બ્રેકઅપ થશે, જે ખૂબ જ પીડાદાયક હશે. જો છ મહિનાનો સનસેટ ક્લૉઝ હોય તો તેઓ નક્કી કરે કે આપણે અત્યારે સાથે છીએ, પણ છ મહિનામાં એ વિચારીશું કે શું આપણામાંથી કોઈ એક કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે. જો છ મહિના પછી પણ બન્ને પોતાનાં લક્ષ્યો પર મક્કમ હોય તો તેઓ પ્રેમ હોવા છતાં ગૌરવભેર છૂટાં પડી જશે.
ડેટિંગ ફટીગ ત્યારે આવે છે જ્યારે તમે અસંખ્ય લોકો સાથે વાતો કરો છો પણ કોઈની સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકતા નથી. સનસેટ ક્લૉઝ તમને ટાઇમ-બાઉન્ડ બનાવે છે જેથી તમે ગંભીરતાથી એક જ વ્યક્તિ પર ધ્યાન આપો છો. આનાથી ઘણાબધા ઑપ્શન્સ જોવાનો થાક ઓછો થાય છે. જ્યારે કોઈ પણ કાર્યમાં ડેડલાઇન હોય ત્યારે આપણે બિનજરૂરી વસ્તુઓ પડતી મૂકીને સીધા મુખ્ય મુદ્દા પર આવીએ છીએ. સનસેટ ક્લૉઝ ડેટિંગમાં પણ આવું જ કંઈક થાય છે. સામાન્ય રીતે શરૂઆતમાં ડેટિંગમાં લોકો ઘણી વાર દેખાડો કરવામાં વ્યસ્ત હોય છે. સારી રેસ્ટોરાંમાં જવું, સોશ્યલ મીડિયા પર ફોટો મૂકવા કે માત્ર ઉપરછલ્લી વાતો કરવી; પણ જ્યારે ડેડલાઇન ફિક્સ હોય ત્યારે કપલ દેખાડો કરવાને બદલે કનેક્શન શોધવા પર ધ્યાન આપે છે. જે લોકો પાસે ઓછો સમય છે તેઓ તમારો ફેવરિટ કલર કયો છે જેવા પ્રશ્નો પૂછવાને બદલે સીધા પાયાના પ્રશ્નો પર આવે છે કે તમારા જીવનના સૌથી મોટા ડર કયા છે? તમે મુશ્કેલ સમયમાં કેવી રીતે પ્રતિક્રિયા આપો છો? તમારા માટે પ્રામાણિકતાનો અર્થ શું છે? જ્યારે સમય ઓછો હોય ત્યારે લોકો પોતાની ખામીઓને છુપાવવાને બદલે એને વહેલી જાહેર કરી દે છે : હું આવો જ છું કે આવી જ છું, શું આપણે મૅચ થઈએ છીએ? આ સ્પષ્ટતા ડેટિંગને વધુ પારદર્શક બનાવે છે.
આનું નુકસાન શું?
જ્યારે તમને ખબર છે કે છ મહિનામાં રિઝલ્ટ આપવાનું છે ત્યારે તમે તમારા પાર્ટનરને એક વ્યક્તિ તરીકે જોવાને બદલે એક પ્રોજેક્ટ તરીકે જુઓ છો. તમે સતત ચેકલિસ્ટ ચેક કરો છો. શું આ વ્યક્તિ મારી કરીઅરમાં સેટ થાય છે? શું આ મારી લાઇફસ્ટાઇલ સાથે મૅચ થાય છે? આમાં દિલ કરતાં મગજ વધુ ચાલે છે. જો હું આમાં સમય રોકાણ કરું છું તો મને સામે શું વળતર મળશે? જ્યારે તમે બધું ગણતરીથી કરો છો ત્યારે પ્રેમની જે હૂંફ અને પાગલપન હોવું જોઈએ એ ગાયબ થઈ જાય છે. સંબંધમાં એક પ્રકારની યાંત્રિકતા આવી જાય છે.
કોઈ પણ સંબંધમાં જ્યારે ઝઘડો કે મતભેદ થાય ત્યારે આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે આપણે સાથે રહેવું હોય છે, પરંતુ સનસેટ ક્લૉઝમાં વ્યક્તિ વિચારે છે કે આમેય બે મહિના પછી તો છૂટા પડવાનું જ છે તો અત્યારે આટલી લાંબી માથાકૂટ કે દલીલો કરવાની શું જરૂર છે? સંબંધો ત્યારે જ મજબૂત બને છે જ્યારે કપલ મુશ્કેલીઓનો સાથે મળીને સામનો કરે. સનસેટ ક્લૉઝમાં લોકો સમસ્યાઓને ઉકેલવાને બદલે એને ઇગ્નૉર કરવાનું શરૂ કરી દે છે.
સંબંધમાં ગાઢ આત્મીયતા ત્યારે જ પાંગરે છે જ્યારે એને નિશ્ચિતતા અને સુરક્ષાનું વાતાવરણ મળે. જ્યારે પાયામાં જ અસ્થાયીતાનો ભાવ હોય ત્યારે પ્રેમનો છોડ ક્યારેય વટવૃક્ષ બની શકતો નથી. તમે એક વર્ષ માટે ભાડાના ઘરમાં રહેવા ગયા હો તો શું તમે એ ઘરને સજાવવા પાછળ મહેનત કરશો? નહીં. તમે ત્યાં માત્ર સામાન રાખશો, પણ એ ઘર સાથે તમારો લાગણીનો સંબંધ નહીં જોડાય. સનસેટ ક્લૉઝમાં રિલેશનશિપ પણ આવી ભાડાના ઘર જેવી બની જાય છે જ્યાં કોઈ પણ વ્યક્તિ એને પોતાનું સમજીને ૧૦૦ ટકા ઇમોશનલ રોકાણ નથી કરતી.
કોણ અજમાવી શકે?
કરીઅરના પીક પર હોય એવા પ્રોફેશનલ્સ આ અજમાવી શકે જેમના માટે અત્યારે સમયની કિંમત સૌથી વધુ છે. તેઓ સ્પષ્ટતા ઇચ્છે છે જેથી તેમનું કામ અને અંગત જીવન બન્ને સંતુલિત રહે. એ લોકો પણ ટ્રાય કરી શકે જેઓ અનેક કૅઝ્યુઅલ સંબંધો પછી હવે થાકી ગયા છે અને કોઈની સાથે ગંભીરતાથી જોડાવા માટે એક ચોક્કસ ટાઇમફ્રેમ ઇચ્છે છે. જે લોકોનું વ્યક્તિત્વ લૉજિકલ અને વ્યવહારુ હોય તે પણ આ ડેટિંગ ટ્રાય કરી શકે જેઓ લાગણીમાં વહેવાને બદલે વાસ્તવિકતા અને ભવિષ્યનાં લક્ષ્યોને વધુ મહત્ત્વ આપે છે.
કોણે દૂર રહેવું?
જે વ્યક્તિનો સ્વભાવ સંબંધોને લઈને પહેલેથી જ થોડો ઉચાટવાળો હોય તેને સતત એવો ડર લાગ્યા કરે છે કે સામેની વ્યક્તિ તેને છોડી દેશે. જ્યારે સનસેટ ક્લૉઝ જેવી ડેડલાઇન માથા પર હોય ત્યારે તેને સંબંધમાં શાંતિ મળવાને બદલે સતત કાઉન્ટડાઉન જેવું લાગે છે. આવા લોકો માટે પ્રેમમાં ભરોસો અને સ્થિરતા ખૂબ જરૂરી છે. સનસેટ ક્લૉઝ આ સ્થિરતાને છીનવી લે છે. કૉલેજમાં ભણતા અથવા કારકિર્દીની શરૂઆતમાં હોય એવા યંગસ્ટર્સે આ ટ્રેન્ડ ન ફૉલો કરવો જોઇએ. ભાવનાત્મક પરિપક્વતાના અભાવ વચ્ચે ડેડલાઇનવાળો પ્રેમ તેમનામાં માનિસક દબાણ ઊભું કરી શકે છે અને ભવિષ્યના સંબંધો પ્રત્યે નકારાત્મકતા લાવી શકે છે. કૉલેજ પોતાની જાતને એક્સપ્લોર કરવાની ઉંમર છે ત્યારે નવા-નવા લોકોને મળવું જોઈએ અને અનુભવો કરવા જોઈએ.


