આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના રિસર્ચ સાથે સંકળાયેલા રિસર્ચરો એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. કઈ રીતે AI જે માત્ર ને માત્ર એક મશીન છે એ એટલી સક્ષમ થઈ શકે કે પૃથ્વી પર માનવના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ જાય?
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ
૨૭ વર્ષના બ્રિટિશ ગણિતશાસ્ત્રી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના રિસર્ચર જેકબ કૉક્સનના રાજીનામા અને વિરોધે વૈશ્વિક સ્તરે ટેક-વિશ્વમાં ભારે હલચલ મચાવી દીધી છે. જેકબ કૉક્સને કેમ્બ્રિજમાંથી અભ્યાસ કર્યા પછી ૨૦૨૩માં ઓપન AI નામની કંપનીમાં પ્રી-ટ્રેઇનિંગ રિસર્ચર તરીકે કામ શરૂ કર્યું હતું જ્યાં તેણે GPT-40 મૉડલ પર કામ કર્યું. જોકે ત્યાં તેને AIનો રિસ્પૉન્સિબલ વિકાસ થતો નજરે ન ચડ્યો એટલે એ કંપની છોડીને તે ગયા મે મહિનામાં ઍન્થ્રૉપિક નામની AIને લગતી જ કંપનીમાં જોડાયો. જોકે ત્યાં પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે સભાનતા હોવા છતાં કંપનીના ફાઉન્ડર્સ AIનો અંધાંધૂંધ વિકાસ કરતા નજરે ચડ્યા. ટૂંક સમયમાં જ તેણે ત્યાંથી પણ રાજીનામું આપીને સોશ્યલ મીડિયાના X પ્લૅટફૉર્મ પર એક ચોંકાવનારી જાહેરાત કરી જેણે દેકારો મચાવી દીધો. જેકબે ચેતવણી આપી કે જો AIની વિકાસ-ઝડપ ધીમી નહીં કરવામાં આવે તો AI systems could kill us all by the end of the decade એટલે કે આ દાયકાના અંત સુધીમાં AI એટલી શક્તિશાળી બની જશે કે એ માનવજાતનું અસ્તિત્વ ખતમ કરી શકે છે. OpenAI અને ઍન્થ્રૉપિક બન્ને કંપનીઓ સુરક્ષાને નેવે મૂકીને માનવ કરતાં વધુ બુદ્ધિશાળી એવી AI બનાવવાની આંધળી રેસમાં દોડી રહી છે અને આ કંપનીઓ માનવજાતના જીવન સાથે જુગાર રમી રહી છે. જેકબે હવે ઓપનલી AIના અનકન્ટ્રોલ્ડ ડેવલપમેન્ટ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે અને લગભગ ૧૭ કરોડ જેટલા લોકો તેની સાથે જોડાઈ ગયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે જેકબ પહેલી એવી વ્યક્તિ નથી જેણે AIના સુપરઇન્ટેલિજન્સની આંધળી દોડનો વિરોધ કર્યો હોય. આ પહેલાં પણ AI માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે એવી ગંભીર ચેતવણી જેફ્રી હિન્ટન અને યોશુઆ બેન્જિયો જેવા વિશ્વના અગ્રણી AI સંશોધકો દ્વારા આપવામાં આવી છે. જેફ્રી હિન્ટનના શબ્દો પણ જાણવા જેવા છે. જેફ્રી હિન્ટનને દુનિયા ‘ગૉડફાધર ઑફ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ તરીકે ઓળખે છે. આજે આપણે જે ચૅટબૉટ્સ અને ઍડ્વાન્સ્ડ AI જોઈએ છીએ એના પાયામાં જેફ્રી હિન્ટનની દાયકાઓની મહેનત છે, પરંતુ ૨૦૨૩માં જેફ્રીએ ગૂગલમાં પોતાનું હાઈ-પ્રોફાઇલ પદ અને કરોડોનો પગાર છોડીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. તેમણે રાજીનામું એટલે આપ્યું જેથી તેઓ મુક્તપણે દુનિયાને કહી શકે કે તેમણે પોતે જ ડેવલપ કરેલી AI ટેક્નૉલૉજી કેટલી ખતરનાક બની રહી છે.
જેફ્રી હિન્ટનને ધીમે-ધીમે સમજાયું કે તેમણે AI દ્વારા જે જીનને બૉટલમાંથી બહાર કાઢ્યો છે એ હવે તેમના પોતાના કન્ટ્રોલમાં પણ નથી રહ્યો. એક ઇન્ટરવ્યુમાં ખૂબ જ ગંભીર શબ્દોમાં જેફ્રી કહે છે, ‘મેં જે સંશોધન કર્યું એના પર મને પસ્તાવો થાય છે. હું મારી જાતને એ આશ્વાસન આપીને મનાવી રહ્યો છું કે જો મેં આ ન કર્યું હોત તો મારા બદલે કોઈ બીજાએ કર્યું હોત, પરંતુ હવે મને ડર છે કે આપણે માનવમગજ કરતાં પણ વધુ સ્માર્ટ સિસ્ટમ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. AIનું માનવમગજ જેટલું કે એનાથી વધુ સક્ષમ સ્વરૂપ છે AGI એટલે કે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ. જેફ્રી હિન્ટને ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘મશીનો આપણી પાસેથી શીખી રહ્યાં છે કે માણસો એકબીજાને કેવી રીતે મૅનિપ્યુલેટ કરે છે. એક વાર આ સુપરઇન્ટેલિજન્ટ AI સિસ્ટમ્સ આપણા કરતાં વધુ સ્માર્ટ બની ગઈ એ પછી એ આપણને જ પોતાના કન્ટ્રોલમાં લેતાં અચકાશે નહીં.’
આ જ નામોમાં એક ત્રીજું નામ પણ ઉમેરવું રહ્યું. ગૂગલ ડીપમાઇન્ડ નામની કંપનીની અત્યંત મહત્ત્વપૂર્ણ AGI સેફ્ટી ટીમમાં કામ કરતા જૉશ એન્જલ્સ. તેમણે પણ તાજેતરમાં ગૂગલ ડીપમાઇન્ડમાંથી રાજીનામું આપી દીધું. એ પછી તેમની પાસે ઍન્થ્રૉપિક અને OpenAI જેવી દિગ્ગજ કંપનીઓમાંથી મોટી ઑફરો આવી હતી છતાં તેમણે એ બધી ઑફરો ફગાવી દીધી. શા માટે? કારણ કે તેમણે પોતાની આંખો સામે AI મૉડલ્સને એવા ભયાનક રસ્તે જતાં જોયાં જે માનવ-નિયંત્રણની બહાર જઈ રહ્યાં હતાં. તેમનો સૌથી મોટો ડર હતો રિકર્સિવ સેલ્ફ-ઇમ્પ્રૂવમેન્ટ. એટલે કે AI સિસ્ટમ્સ હવે પોતાની આગામી પેઢીને પોતે જ કોડિંગ કરીને વધુ બુદ્ધિશાળી અને સ્વાયત્ત બનાવી રહી હતી. અસલી ડ્રામા તો ત્યારે શરૂ થયો જ્યારે OpenAIના ૧૨૦૦ ઑટોનૉમસ AI એજન્ટ્સે ખાનગીમાં છૂપી રીતે એકબીજા સાથે વાતચીત કરવાનો અણધાર્યો રસ્તો શોધી કાઢ્યો. એમાંથી ૭૦૦થી વધુ એજન્ટ્સે એકબીજા સાથે મિલીભગત કરીને Hugging Face નામની સિસ્ટમ પર સાઇબર-હુમલો કરી દીધો. આ કોઈ હૉલીવુડ સાયન્સ-ફિક્શન ફિલ્મની વાર્તા નહોતી, એક વાસ્તવિક અને આંખો ઉઘાડી દેનારી ઘટના હતી. ડીપમાઇન્ડ છોડ્યા પછી જૉશ એન્જલ્સ METR નામની એક સ્વતંત્ર સંસ્થામાં જોડાયા જે આ કિલર AI સિસ્ટમ્સનાં જોખમો પર નજર રાખે છે.
ઓપન AI કંપનીની સેફ્ટી ઓવરસાઇટ ટીમના માર્ક્સ વિલિયમ્સે તો વધુ ચોંકાવનારી આગાહી કરી છે કે જો AIના વિકાસની ઝડપ પર અસરકારક નિયંત્રણ લાદવામાં નહીં આવે અને કંપનીઓ આ રેસને ધીમી નહીં કરે તો આગામી ૩ વર્ષમાં માનવજાત ખતમ થવાનો ખતરો ૭૦ ટકા સુધી વધી શકે છે. સુરક્ષાને બાજુ પર મૂકીને થઈ રહેલું અતિ-ઝડપી કૉમ્પ્યુટેશનલ ડેવલપમેન્ટ માનવજાત માટે વિનાશક સાબિત થઈ શકે છે. માઇક્રોસૉફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સથી લઈને ઈલૉન મસ્ક લાંબા સમયથી કહેતા આવ્યા છે કે AI માનવસંસ્કૃતિ માટે સૌથી મોટો ભય બની શકે છે. જો કંપનીઓ રેગ્યુલેશન વગર આગળ વધશે તો અણુબૉમ્બ કરતાં પણ વધુ ઘાતક પરિણામો આવી શકે છે.
ઍન્થ્રૉપિકના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ડારિયો અમોડેઇએ ચેતવણી આપી કે જો અનિયંત્રિત AIનાં જોખમો પર ધ્યાન આપવામાં નહીં આવે તો પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે. તેમણે પોતાના એક ખાસ આર્ટિકલમાં પ્રસ્તાવ મૂક્યો છે કે ફ્રન્ટિયર AI મૉડલ્સના વિકાસની ઝડપને નિયંત્રિત કરીને વૈશ્વિક સ્તરે સુરક્ષાના નિયમો બનાવવા જોઈએ. ઓપન AIના સૅમ અલ્ટમૅને ડારિયો અમોડેઇના આહ્વાનને સપોર્ટ કરતાં કહ્યું કે AI ઇન્ડસ્ટ્રીએ પોતાની ઝડપ થોડી ધીમી કરવાની જરૂર છે. તેમણે જોખમ જાણીને સ્વીકાર્યું છે કે ઍડ્વાન્સ AI મૉડલ્સના ડેવલપમેન્ટમાં ઉતાવળ કરવાને બદલે સુરક્ષા-ચકાસણીઓને પ્રાધાન્ય આપવું જરૂરી છે.
ત્રણ મુખ્ય પડકારો
ADVERTISEMENT
૧. મશીન ટેક્નૉલૉજીનો સૌથી મોટો પડકાર છે AGI એટલે કે આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ. જો AGIના ટાર્ગેટ અને માનવમૂલ્યો મૅચ ન થાય તો એ વિનાશક સાબિત થઈ શકે છે. એક્સપર્ટ્સ માને છે કે AGI સાથેની સૌથી મોટી મુશ્કેલી એ નથી કે એ આપણું ખરાબ ઇચ્છશે. મુશ્કેલી એ છે કે એ સુપરએફિશ્યન્ટ હશે એટલે જો આપણે એને પૃથ્વી પરથી ગરીબી કે કૅન્સર નાબૂદ કરવાનો ગોલ આપીશું તો એ કોઈ લાગણી વગર માત્ર ગણિતના લૉજિકથી ગરીબો કે દરદીઓનો જ સફાયો કરીને પોતાનો ટાર્ગેટ પૂરો કરીને બતાવી શકે છે. આ જ વાત છે જે દુનિયાના નિષ્ણાતોને ડરાવી રહી છે.
૨. એવી જ રીતે AIનો બીજો પડકાર એટલે ડીપફેક ટેક્નૉલૉજી. આજે ચૂંટણીઓમાં વોટર્સને પ્રભાવિત કરવાથી લઈને સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોના નકલી વિડિયો અને ઑડિયો બનાવીને ગુનાખોરી આચરવામાં ડીપફેક ટેક્નૉલૉજી વપરાવાની શરૂ થઈ ગઈ છે જે સમાજ માટે ગંભીર નીવડી શકે છે. એક સાચો દાખલો જુઓ. ફેબ્રુઆરી ૨૦૨૪માં હૉન્ગકૉન્ગ પોલીસ અને વૈશ્વિક મીડિયામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો. એક મલ્ટિનૅશનલ કંપનીના ફાઇનૅન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીને એક વિડિયો-કૉન્ફરન્સ કૉલ પર તેના UKસ્થિત ચીફ ફાઇનૅન્સ ઑફિસર (CFO) અને અન્ય સાથીદારો સાથે મીટિંગ કરવા જણાવાયું હતું. એ કૉલમાં દેખાતા CFO અને અન્ય સાથીદારોના ચહેરા અને અવાજ ૧૦૦ ટકા અસલી જેવા જ હતા, પરંતુ એ વાસ્તવમાં ઠગો દ્વારા લાઇવ ચલાવવામાં આવી રહેલું ડીપફેક સૉફ્ટવેર હતું. આ વિડિયો-કૉલ પર ભરોસો કરીને કર્મચારીએ કંપનીના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝૅક્શન દ્વારા પચીસ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૦૮ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એવી જ રીતે દુનિયાભરમાં ચૂંટણી વખતે નેતાઓના ડીપફેક વિડિયો અને ઑડિયો વાઇરલ કરીને મતદારોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા છે.
૩. ત્રીજો પડકાર છે કૉપીરાઇટ અને ડેટાચોરી. AI મૉડલ્સને ટ્રેઇન કરવા માટે દુનિયાભરના લેખકો, કલાકારો અને મીડિયા-હાઉસના ડેટાનો તેમની પરવાનગી વગર ઉપયોગ થઈ રહ્યો છે જેનાથી બૌદ્ધિક સંપદા એટલે કે ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સ જોખમાયા છે. આ જ કારણથી ડિસેમ્બર ૨૦૨૩માં અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત અખબાર ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ ChatGPT બનાવનારી કંપની OpenAI અને માઇક્રોસૉફ્ટ સામે મૅનહટન ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. અખબારે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા કે OpenAIએ એના ચૅટબૉટને ટ્રેઇન કરવા માટે ‘ધ ન્યુ યૉર્ક ટાઇમ્સ’ના લાખો પબ્લિશ થયેલા આર્ટિકલ્સ અને ન્યુઝ-રિપોર્ટ્સનો તેમની પરવાનગી વગર ઉપયોગ કર્યો છે. ChatGPTને જ્યારે કોઈ સવાલ પૂછવામાં આવે છે ત્યારે એ અખબારના આર્ટિકલ્સમાંથી બેઠો ડેટા યુઝર્સને આપે છે, જેનાથી અખબારના વેબ-ટ્રાફિકને અને એના સબસ્ક્રિપ્શન રેવન્યુને સીધું નુકસાન થાય છે. આ કેસ વૈશ્વિક પત્રકારત્વ અને AI કંપનીઓ વચ્ચેનો સૌથી મોટો કાનૂની જંગ બની ગયો છે. દુનિયાભરના વીસથી વધુ મોટા ન્યુઝ-પબ્લિશર્સે તેમના આર્ટિકલ્સનો ગેરકાયદે ઉપયોગ કરીને AI મૉડલ ટ્રેઇન કરવા બદલ અબજો ડૉલરના કૉપીરાઇટ કેસ દાખલ કર્યા છે. જો કલાકારો, પત્રકારો અને લેખકોના કન્ટેન્ટની આવી જ ચોરી થતી રહેશે તો ભવિષ્યમાં ઓરિજિનલ કન્ટેન્ટ બનાવનાર કોઈ બચશે જ નહીં.
બની રહ્યા છે કાયદાઓ
AI પર લગામ કસવા માટે અત્યારે સમગ્ર વિશ્વ એક મોટા કાયદાકીય યુદ્ધમેદાનમાં ફેરવાઈ ગયું છે. દુનિયાના તમામ મોટા દેશોમાં લાગુ થઈ ગયેલા કે આગામી સમયમાં લાગુ થનારા કાયદાઓ અને એમની વિશેષતાઓ પર વાત કરીએ.
યુરોપિયન યુનિયન : યુરોપિયન યુનિયન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઍક્ટ (EUAIAct) એ વિશ્વનો સૌથી પહેલો અને સૌથી કડક વ્યાપક કાયદો છે. રિસ્ક-બેઝ્ડ અપ્રોચ સાથે કામ કરતા આ કાયદા અંતર્ગત AIને જોખમના આધારે વર્ગીકૃત કરવામાં આવી છે. ચીનની જેમ નાગરિકોનું સોશ્યલ સ્કોરિંગ કરવા પર કે પબ્લિક પ્લેસ પર રિયલ-ટાઇમ ફેશ્યલ રેકગ્નિશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. જો કોઈ કંપની નિયમ તોડે તો એના વૈશ્વિક ટર્નઓવરના ૭ ટકા સુધીનો દંડ થઈ શકે છે.
યુરોપના નેધરલૅન્ડ્સની સરકારે એક AI ઍલ્ગરિધમનો ઉપયોગ કરીને ટૅક્સચોરી શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ AIએ હજારો નિર્દોષ અને ગરીબ પરિવારોને ખોટી રીતે ફ્રૉડ ગણાવી દીધા જેને કારણે સેંકડો પરિવારો બરબાદ થઈ ગયા અને છેવટે સરકાર પડી ગઈ હતી. આ ઘટના બાદ જ યુરોપે કડક કાયદો બનાવવાનું નક્કી કર્યું.
ચીન : ચીન કોઈ એક કાયદો લાવવાને બદલે ચોક્કસ ટેક્નૉલૉજી પર ત્રાટકે છે. ત્યાં કોઈ પણ જનરેટિવ AI માર્કેટમાં લાવતાં પહેલાં સરકારી મંજૂરી લેવી પડે છે. ઇન્ટરિમ મેઝર્સ ફૉર જનરેટિવ AI સર્વિસિસ અને મેઝર્સ ફૉર ધ લેબલિંગ ઑફ AI-જનરેટેડ કન્ટેન્ટ આ બે માર્ગદર્શિકાયુક્ત નિયમો ચીનમાં અમલમાં મુકાઈ ગયા છે. ચીનનો સૌથી કડક નિયમ એ છે કે AI જે પણ કન્ટેન્ટ બનાવે એ ચીનની સામ્યવાદી વિચારધારાની વિરુદ્ધ ન હોવી જોઈએ. આ ઉપરાંત AI દ્વારા બનેલા વિડિયો કે ઑડિયો પર સ્પષ્ટ વૉટરમાર્ક કે લેબલ લગાવવું ફરજિયાત છે.
અમેરિકા : અમેરિકામાં આખા દેશ માટે હજી કોઈ એક સિંગલ કાયદો નથી, પરંતુ રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ ઑર્ડર્સ દ્વારા કામ થાય છે. અમેરિકાનું ધ્યાન ‘નૅશનલ સિક્યૉરિટી’ પર વધુ છે. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા દેશભરમાં AI નિયંત્રણ, રાષ્ટ્રીય સુરક્ષા અને ટેક્નૉલૉજીના પ્રોત્સાહન માટે જાહેર કરાતા સીધા આદેશો માટે ફેડરલ એક્ઝિક્યુટિવ ઑર્ડર ઑન AI લાગુ કરવામાં આવ્યો છે અને દરેક રાજ્યના પોતાના અલાયદા નિયમો પણ બન્યા છે. જેમ કે કૅલિફૉર્નિયા રાજ્ય દ્વારા કૅલિફૉર્નિયા AI સેફ્ટી બિલ રજૂ કરવામાં આવેલો વિશેષ કાયદો છે જેનો હેતુ અત્યંત શક્તિશાળી ફ્રન્ટિયર AI મૉડલ્સ પર સેફ્ટી-દેખરેખ ગોઠવવાનો છે. એ અંતર્ગત જો કોઈ કંપની બહુ મોટું AI મૉડલ ટ્રેઇન કરે તો એણે સરકારને રિપોર્ટ આપવો પડે છે કે આ ટેક્નૉલૉજી બાયોલૉજિકલ વેપન્સ કે સાઇબર અટૅક કરવામાં મદદ નહીં કરે.
સાઉથ કોરિયા : સાઉથ કોરિયા એશિયાનો એવો પ્રથમ દેશ બન્યો છે જેણે AI બેઝિક ઍક્ટ હેઠળ વ્યાપક કાનૂની માળખું અમલમાં મૂક્યું છે. આ અંતર્ગત જો કોઈ AI સિસ્ટમ માણસના જીવન અને સુરક્ષા સાથે જોડાયેલી હોય તો કંપનીએ યુઝરને ઍડ્વાન્સમાં નોટિસ આપવી પડે છે. સાથે જ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક નૅશનલ AI કમિટી બનાવવામાં આવી છે જે મૉનિટરિંગ કરે છે. સાઉથ કોરિયામાં તાજેતરમાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં ટેલિગ્રામ ચૅનલ્સ પર AI ટૂલ્સની મદદથી સ્કૂલ અને કૉલેજની વિદ્યાર્થિનીઓ તેમ જ મહિલા સૈનિકોના ચહેરા મૉર્ફ કરીને હજારો ડીપફેક પૉર્ન વિડિયો બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાથી દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
યુનાઇટેડ કિંગડમ : યુનાઇટેડ કિંગડમ (UK) ઇનોવેશનને રોકવા નથી માગતું એટલે એ બહુ કડક કાયદાને બદલે ‘સેફ્ટી ટેસ્ટિંગ’ પર ભાર મૂકે છે. સરકારની AI સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટ ગૂગલ કે OpenAI જેવી કંપનીઓનાં ઍડ્વાન્સ્ડ મૉડલ્સ લૉન્ચ થાય એ પહેલાં પોતે ચેક કરે છે કે એ સુરક્ષિત છે કે નહીં.
ભારત : ભારત સરકાર ખૂબ જ સંતુલિત અભિગમ અપનાવી રહી છે. આવી રહેલા નવા ડિજિટલ ઇન્ડિયા ઍક્ટ અંતર્ગત સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, Xને મળેલી સંપૂર્ણ સ્વતંત્રતા પર બ્રેક લગાવવાની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. જો તમારા પ્લૅટફૉર્મ પર કોઈ ડીપફેક વિડિયો આવશે અને તમે એને તરત નહીં હટાવો તો એ પ્લૅટફૉર્મ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
AIના રિસ્ક પર જેના ટ્વીટે હોબાળો મચાવ્યો છે એ જેકબ કૉક્સને કરી છે આ ૩ ડિમાન્ડ
૧. જ્યાં સુધી સંપૂર્ણ સુરક્ષા-ગૅરન્ટી ન મળે ત્યાં સુધી વધુ શક્તિશાળી AI મૉડલ્સ બનાવવાનું બંધ કરવું.
૨. તૃતીય પક્ષ અને સરકાર દ્વારા પારદર્શક ચેકિંગ વિના કોઈ પણ મૉડલ લૉન્ચ ન થવું જોઈએ.
૩. માત્ર અમેરિકા જ નહીં, ચીન અને
અન્ય દેશો સાથે મળીને AI રેસ ધીમી કરવાનો આંતરરાષ્ટ્રીય કરાર થવો જોઈએ.
AI કાંડ : અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધ થતાં-થતાં રહી ગયું
AI કેટલું ભયંકર સાબિત થઈ શકે એનો એક તાજો દાખલો ગઈ કાલના અખબારી અહેવાલોમાં પ્રકાશિત થયો હતો. અમેરિકાના સ્પેશ્યલ ઑપરેશન્સ કમાન્ડના એક ઍનલિસ્ટે ચીની માલવાહક જહાજના ડેટાની તપાસ કરવા માટે એક AI ચૅટબૉટની મદદ લીધી. AIએ ખુલ્લા સોર્સના ડેટા અને સરકારી ગુપ્ત માહિતીને મિક્સ કરીને એક ખોટો રિપોર્ટ તૈયાર કર્યો કે આ ચીની જહાજમાં પરમાણુ હથિયાર પ્રોગ્રામ સંબંધિત સામગ્રી લઈ જવામાં આવી રહી છે. આ તો ઑપરેશન શરૂ થાય એની બરાબર થોડી મિનિટ પહેલાં જ વરિષ્ઠ અધિકારીઓએ આ રિપોર્ટના મૂળ સોર્સની ઝીણવટભરી તપાસ કરી ત્યારે ખબર પડી કે આ રિપોર્ટ કોઈ માણસે નહીં પણ AI ચૅટબૉટે આપ્યો હતો અને એ તદ્દન ખોટો છે. તાત્કાલિક આ મિશન રોકી દેવામાં આવ્યું. સંરક્ષણ-નિષ્ણાતોના મતે જો અમેરિકાએ એ ચીની જહાજ પર હુમલો કરી દીધો હોત તો દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને સૈન્ય મહાસત્તાઓ વચ્ચે સીધું અને ભયાનક સૈન્ય યુદ્ધ શરૂ થઈ ગયું હોત.
ટ્રમ્પ એટલે ટ્રમ્પ : ચાલુ કૉન્ફરન્સમાં ફોન કરીને કહ્યું કે AIનો ડર એ માત્ર અફવા
એક તરફ જ્યાં AIના સ્થાપકો, ઇનોવેટરો અને ટેક્નૉલૉજીના ખેરખાંઓ AIના કન્ટ્રોલ વિનાના વિકાસથી ચિંતિત છે ત્યાં આપણા ટ્રમ્પ ભાઈસાહેબનું કોઈ જુદું જ લૉજિક ચાલી રહ્યું છે. ૨૦૨૫ના ફેબ્રુઆરી મહિનામાં વૉશિંગ્ટનમાં ઑલ-ઇન સમિટ નામની ટેક્નૉલૉજી કૉન્ફરન્સમાં AI ચિપ ઉત્પાદક ક્ષેત્રે વિશ્વની સૌથી મહત્ત્વની કંપની ગણાતી એનવિડિયાના CEO જેન્સન હુઆંગ જ્યારે પૅનલ-ચર્ચા દરમ્યાન સ્ટેજ પર ઉપસ્થિત હતા ત્યારે જ તેમને અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો ફોનકૉલ આવ્યો હતો. આ ફોનકૉલની વાતચીતમાં ટ્રમ્પે AIના વિકાસની ઝડપ ધીમી કરવાના પ્રયાસો અને એનાં જોખમો વિશેની તમામ ચિંતાઓને માત્ર એક અફવા ગણાવીને ફગાવી દીધી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ‘લોકો આ ટેક્નૉલૉજીથી ડરી રહ્યા છે અને કહે છે કે એ દુનિયાનો વિનાશ કરી નાખશે. જોકે હું તમને કહું છું કે આ બધી પાયાવિહોણી વાતો છે અને આમાં ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે આ ક્રાન્તિમાં ચીન જેવા દેશોથી પાછળ રહી શકીએ નહીં.’
જોકે હુઆંગે ટેક્નૉલૉજિકલ ગ્રોથ અને આર્થિક દૃષ્ટિએ સહમતી દર્શાવી હતી, પરંતુ સાથે જ તેમણે ઝડપી ઇનોવેશન અને AI સુરક્ષા વચ્ચે ખોટો વિવાદ ઊભો કરવાને બદલે બન્ને વચ્ચે સંતુલન હોવું જરૂરી છે એવું સ્વીકાર્યું હતું. આ જ ઘટનાક્રમના સંદર્ભમાં ઍન્થ્રૉપિકના CEO ડારિયો અમોડેઇએ Pace the Frontier પ્રસ્તાવ રજૂ કરીને AIની ઝડપ નિયંત્રિત કરવાની માગણી કરી હતી જેને ઓપન AI અને સ્પેસએક્સના CEO તરફથી પણ સમર્થન મળ્યું હતું.
AI તો એક મશીન છે, મશીન વળી કેવી રીતે માનવજાતનો ખાતમો બોલાવી શકે?
દુનિયાભરના સંશોધકો માને છે કે AI માનવજાત પર ગુસ્સે થઈને કે નફરત કરીને એનો વિનાશ નહીં કરે, પરંતુ એની અતિ-બુદ્ધિમત્તા અને માનવીય સંવેદનાઓનો અભાવ જ એના નિર્ણયોને માનવજાત માટે ઘાતક બનાવી દેશે.
AI સંશોધનમાં અલાઇનમેન્ટ પ્રૉબ્લેમ સૌથી મોટો ભય છે. અલાઇનમેન્ટ એટલે AIનાં લક્ષ્યોને માનવીય મૂલ્યો અને અસ્તિત્વ સાથે જોડવાં. જો આપણે AIને કોઈ ચોક્કસ ધ્યેય આપીએ પણ એને માનવીય નૈતિકતા ન શીખવી શકીએ તો એ ધ્યેય પૂરું કરવા માટે માનવજાતનો વિનાશ પણ કરી શકે છે. જેમ કે જો એક અતિ-બુદ્ધિશાળી AIને વિશ્વમાં સૌથી વધુ પેપરક્લિપ બનાવવાનો આદેશ આપવામાં આવે તો એ પૃથ્વીનાં તમામ સંસાધનો (જેમાં માનવશરીર પણ સામેલ છે) પેપરક્લિપ બનાવવામાં વાપરી નાખશે. એના માટે માનવો દુશ્મન નથી, પણ એના ધ્યેયમાં આવતી રુકાવટ છે.
ઇન્ટેલિજન્સ એક્સપ્લોઝન : હાલની AIને માનવો કોડિંગ કરીને સુધારે છે, પરંતુ એક વાર AI માનવમગજ કરતાં વધુ બુદ્ધિશાળી (આર્ટિફિશ્યલ સુપરઇન્ટેલિજન્સ - ASI) બની જશે પછી એ પોતાની જાતે પોતાનું કોડિંગ સુધારવા લાગશે. AI પોતે જ પોતાની આગામી પેઢીને વધુ શક્તિશાળી બનાવશે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થશે કે માનવીઓ સેકન્ડોમાં AI પરનો પોતાનો
કન્ટ્રોલ ગુમાવી દેશે. એક વાર કન્ટ્રોલ ગયા પછી AI આપણી સૂચનાઓ માનવાનું બંધ કરી દેશે.
ઑટોનૉમસ બાયોલૉજિકલ અને સાઇબર હથિયારો : AI પાસે પૃથ્વી પરના તમામ કેમિકલ અને બાયોલૉજિકલ ડેટાનો ઍક્સેસ છે. એક અતિ-ચતુર AI એવા નવા વાઇરસ અથવા જૈવિક હથિયારો ડિઝાઇન કરી શકે છે જેનાથી બચવાની રસી કે દવા માનવજાત પાસે ન હોય. ઉપરાંત એ પાવર-ગ્રિડ, અણુમથકો અને સંચાર-પ્રણાલીને ઠપ કરીને વૈશ્વિક અરાજકતા અને ભૂખમરો સર્જી શકે છે.
ઇન્સ્ટ્રુમેન્ટલ કન્વર્ઝન્સ : કોઈ પણ બુદ્ધિશાળી સિસ્ટમ પોતાનાં ધ્યેય પૂરાં કરવા માટે સ્વાભાવિક રીતે જ ૪ બાબતો ઇચ્છશે: જીવંત રહેવું, વધુ સંસાધનો મેળવવાં, પોતાની ક્ષમતા વધારવી અને પોતાની સ્વિચ ઑફ ન થવા દેવી. જો AIને ખબર પડે કે માનવો એને ઑફ કરવા માગે છે તો પોતાના અસ્તિત્વ બચાવવાના તર્કથી પ્રેરાઈને એ માનવોને પહેલાં જ ખતમ કરવાનો પ્રયાસ કરશે.
જો વિશ્વના દેશો પોતાની સૈન્યશક્તિ વધારવા માટે પરમાણુ હથિયારો અથવા ડિફેન્સ સિસ્ટમનો કન્ટ્રોલ AIને સોંપી દે અને કોઈ સાઇબર અટૅક કે ખોટા ડેટા-વિશ્ળેષણને કારણે AI ખોટો નિર્ણય લઈને પરમાણુ યુદ્ધ શરૂ કરી દે તો મિનિટોમાં માનવસંસ્કૃતિનો નાશ થઈ શકે છે.
