ત્રણ નવા ટેક્સ્ટ ફૉર્મેટની સાથે ગ્રુપના નિયમમાં પણ બદલાવ કરવામાં આવ્યો અને હવે ફોટોને પણ હાઈ ડેફિનિશન તરીકે સેન્ડ કરી શકાશે
પ્રતીકાત્મક તસવીર
વૉટ્સઍપ હવે એની ચૅટને વધુ ઇન્ટરેસ્ટિંગ અને કમ્યુનિકેટિવ બનાવવા માટે નવાં ફીચર્સ લઈને આવી રહ્યું છે. જોકે કમ્યુનિકેશન વધુ ઇફેક્ટિવ થાય એ માટે જ નહીં, પરંતુ યુઝર્સને વધુ સરળતા રહે એ માટે પણ નવાં ફીચર્સ લાવી રહ્યું છે. વૉટ્સઍપ એની ટેક્સ્ટમાં નવા ફૉર્મેટ અને ગ્રુપ નેમમાં ચેન્જિસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી વૉટ્સઍપનો એક નિયમ હતો, જે હવે દૂર થઈ રહ્યો છે. આ સાથે જ વૉટ્સઍપ એનાં અન્ય ફીચર્સમાં પણ સુધારો કરવા જઈ રહ્યું છે. આ વિશે વધુ માહિતી જોઈએ.
ગ્રુપના નિયમમાં બદલાવ |વૉટ્સઍપ પર જે પણ ગ્રુપ બનાવવામાં આવે છે એનું નામ રાખવું અત્યાર સુધી આવશ્યક હતું. આ એક પહેલો વૉટ્સઍપનો નિયમ હતો. જોકે હવે આ નિયમને દૂર કરવામાં આવી રહ્યું છે. યુઝર માટે ગ્રુપ બનાવવાની પ્રોસેસ હજી પણ એવી જ છે, પરંતુ નામની જગ્યાએ હવે એને સ્કિપ કરી શકાય છે. એવું નથી કે આ ગ્રુપનું નામ નથી રાખવામાં આવ્યું એટલે એનું કોઈ નામ જ નહીં હોય. ગ્રુપમાં કેટલા સભ્ય છે અને કોણ વધુ ઍક્ટિવ છે અને કોનું કોની સાથે વધુ ઇન્ટરેક્શન થાય છે એ તમામ વાતોને ધ્યાનમાં રાખીને ગ્રુપનું નામ ઑટોમૅટિક પસંદ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે ગણેશ નામનો યુઝર હોય અને એ ગ્રુપમાં સતીશ અને જતીન પણ સભ્ય હોય તો ગણેશ માટે એ ગ્રુપનું નામ હશે જતીન અને સતીશ તેમ જ જતીન માટે એ જ ગ્રુપનું નામ હશે ગણેશ અને સતીશ. જો આ ગ્રુપમાં યુઝરનું નામ સેવ ન કર્યું હોય તો એમાં નામની જગ્યાએ નંબર દેખાશે. તેમ જ નોટિફિકેશનમાં પણ ગ્રુપ નામ તરીકે યુઝરનું નામ સેવ કરેલું હશે એ દેખાશે.
ADVERTISEMENT
હાઈ ડેફિનિશન ફોટો |વૉટ્સઍપ હંમેશાં તેની ફોટો ક્વૉલિટીને લઈને ચર્ચામાં રહ્યું છે. ઝડપથી મેસેજ મળે અને જલદી ચૅટ થઈ શકે એ માટે વૉટ્સઍપમાં ફોટોને કોમ્પ્રેસ કરીને સેન્ડ કરવામાં આવતો હતો. એના કારણે યુઝરના મોબાઇલ ડેટા પણ સેવ થતા હતા. જોકે ફોટો ક્વૉલિટી ઓછી થતાં યુઝર્સ દ્વારા એનો ઉપયોગ કરવાનું છોડી દેવામાં આવ્યું હતું. આથી વૉટ્સઍપ દ્વારા એમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ફોટો ક્વૉલિટીને સ્ટાન્ડર્ડ ફોટો તરીકે હવે સેન્ડ કરી શકાય છે. જોકે આમ છતાં એની સતત ટીકા થતાં વૉટ્સઍપ હવે હાઈ ડેફિનિશન ફોટો સેન્ડ કરવાનો ઑપ્શન લાવી રહ્યું છે. જોકે આ હાઈ ડેફિનિશનમાં પણ ફોટો થોડો કમ્પ્રેસ થશે કે પછી ઓરિજિનલ ફોટો ક્વૉલિટી સેન્ડ થશે એ હજી ફીચર લૉન્ચ થાય ત્યાં સુધી જોવું પડશે.
ટેક્સ ફૉર્મેટ્સ |વૉટ્સઍપ પર અત્યાર સુધી ટેક્સ્ટ ફૉર્મેટ્સમાં ત્રણ ઑપ્શન આવે છે જે બોલ્ડ, ઇટૅલિક અને અન્ડરલાઇન છે. જોકે હવે એમાં વધુ ત્રણ ઑપ્શનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વૉટ્સઍપ હાલમાં બ્લૉક, ક્વૉટ અને લિસ્ટિંગ ફીચરનો સમાવેશ કરી રહ્યું છે. આ ત્રણે ફૉર્મેટનું કામ અને ઉપયોગ અલગ-અલગ છે. બ્લૉક ફૉર્મેટ ખાસ કરીને ટેક્નૉલૉજી ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે છે. અત્યાર સુધી કોડિંગનું કામ કરનાર વ્યક્તિ વૉટ્સઍપનો ઉપયોગ નહોતી કરતી, કારણ કે કોડ સેન્ડ કરતી વખતે વૉટ્સઍપ પર વિચિત્ર સ્ક્રીન જોવા મળતી. જોકે હવે બ્લૉક ફીચરની મદદથી તેઓ કોઈ પણ કોડની આપલે કરી શકે છે અને એને જેવું મોકલવામાં આવ્યું હતું એવું જોઈ શકશે. આ ફીચર ખાસ કરીને ટેક્નૉલૉજીની કમ્યુનિટીને ઍટ્રૅક્ટ કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે ક્વોટ ફૉર્મેટ. અત્યાર સુધી વૉટ્સઍપમાં કોઈ યુઝર દ્વારા એક જ મેસેજમાં ચાર લાઇન લખવામાં આવી હોય તો એ દરેકને પસંદ કરીને એનો રિપ્લાય આપવામાં આવે છે. જોકે ક્વોટ ફીચરની મદદથી યુઝર્સ હવે એક જ મેસેજમાં ચાર લાઇન હશે તો પણ એક પર્ટિક્યુલર લાઇન અથવા તો વર્ડને પસંદ કરીને એનો રિપ્લાય આપી શકશે. આ ફીચરની મદદથી કમ્યુનિકેશન વધુ ક્લિયર અને ઇફેક્ટિવ બનશે. જોકે એની ડાઉનસાઇડ એ છે કે રિલેશનશિપમાં હોય એવી વ્યક્તિએ વાત કરતી વખતે અથવા તો ફાઇટ દરમ્યાન કોઈ પણ શબ્દનો સાચવીને ઉપયોગ કરવો પડશે નહીંતર સામેની વ્યક્તિ ફાઇટમાં હારી રહ્યો હોય ત્યારે એમાંથી બચવા માટે એ શબ્દનો સહારો લઈને ફાઇટની દિશા સીધી બદલી શકે છે. આ સાથે જ ત્રીજું ટેક્સ્ટ ફૉર્મેટ છે લિસ્ટિંગ. આ ફીચરની મદદથી વૉટ્સઍપમાં વિવિધ પૉઇન્ટની મદદથી એક લિસ્ટ તૈયાર કરી શકાય છે. નોટ્સમાં જે રીતે બુલેટની મદદથી ટ્રાવેલ લિસ્ટ અથવા તો શૉપિંગ લિસ્ટ બનાવીએ છીએ એ જ રીતે હવે વૉટ્સઍપમાં પણ લિસ્ટ બનાવી શકાશે.
આ તમામ ફીચર હાલમાં ડેવલપમેન્ટમાં છે અને એને બહુ જલદી રિલીઝ કરવામાં આવશે. ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ બન્ને માટે આ ફીચર સાથે રિલીઝ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે. જોકે વૉટ્સઍપ વેબ ઍપનો ઉપયોગ કરનારા વિન્ડોઝ યુઝર્સે એ માટે થોડી રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.

