આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ચૅટ GPT એવી ક્રાન્તિ લાવવાની છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ ક્રાન્તિ આવે ત્યારે આપણે બબૂચકની જેમ બેસી ન રહીએ એટલા માટે જ એ બધી ટેક્નૉલૉજી સાથે પનારો પાડતાં શીખી જવું એ આપણા જ હિતમાં છે
ફાઇલ તસવીર
આપણે વાત કરતા હતા ટેક્નૉલૉજીની, જેમાં મેં તમને કહ્યું કે એક સમય હતો કે હું પણ મારું નાનું-મોટું કામ મારી ટીમને સોંપી દેતો અને કહી દેતો કે આ આમ-આમ-આમ કરવાનું છે. મારા પાસવર્ડ એ લોકો પાસે હોય એટલે એ લોકો કરી નાખે, પણ પછી મને થયું કે આ ખોટું છે. આવું કરીને હું પોતે જ મારો વિકાસ રોકી રહ્યો છું અને એટલે ધીમે-ધીમે મેં શીખવાનું શરૂ કર્યું. વાત આગળ વધારતાં પહેલાં હું કહીશ કે આ ટેક્નૉલૉજીના સમયમાં બધું શીખવું જોઈએ, બધું વાપરતાં આવડવું જોઈએ. હા, પ્રમાણભાન હોવું જોઈએ, પણ બધું તમે કરતા તો હોવા જ જોઈએ.
એ વાતમાંથી ધીમે-ધીમે આગળ વધતાં મને એવું લાગ્યું કે મારે વધારે શીખવું જોઈએ અને આ શીખવાની ચાનકમાં મારા ધ્યાનમાં એક વાત આવી. મને ખબર જ છે કે તમે પોતે પણ હમણાં-હમણાં એના વિશે બહુ સાંભળતા હશો, ચૅટ GPT અને AI વિશે. આપણને થાય કે આ બધું છે શું?
ADVERTISEMENT
આપણે રોબો બનતો જોયો હતો અને એમાં નવું-નવું ડેવલપ કરતાં-કરતાં હવે તો એવા-એવા રોબો બનવા માંડ્યા છે કે તમને ખબર જ ન પડે કે આ ઘરનું માણસ છે કે પછી રોબો! એવાં-એવાં એ કામ કરે કે તમે પોતે થોડી વાર માટે મૂંઝાઈ જાઓ. આ નવી જનરેશનના રોબો તો ઘરનાં કામ પણ કરી આપે છે. હા, ઘરનાં કામ, પણ, આ રોબોને તમે ભારતમાં એટલે કે આપણા ઘરનાં કામ માટે બોલાવો તો ન ચાલે. જો આપણે ત્યાં આ રોબો આવી જાય તો લગભગ બધી જ ગૃહિણીઓ એવું જ કહે કે વાસણ-કપડાં માટે એક રોબો લાવી દોને.
એ પરવડે નહીં બહેન.
બીજું એ કે એને એ રીતે કહીએ કે આટલા વાગ્યે તારે કપડાં ધોઈ નાખવાનાં છે કે પછી વાસણ સાફ કરી નાખવાનાં છે, પણ આપણે ત્યાં તો એ વાતનો પણ પ્રૉબ્લેમ હોય. એ સમયે પાણી નહોતું આવતું, પણ હા, એની સામે બીજો એક ફાયદો એ પણ થાય કે તમે એને કહી દો કે આટલા વાગ્યે પાણી ભરવાનું છે એટલે એ રોબો ભાઈ-બહેન પાણી ભરવા બેસી જાય અને એટલું પાણી ભરી લે કે આપણે તો વિચાર પણ ન કરી શકીએ. વિષયાંતર કરવાને બદલે આપણે ફરી આવી જઈએ આપણી વાત પર.
તો આ AI અને Chat GPT છે શું? આ નવી ટેક્નૉલૉજી ક્રાન્તિ વિશે ટેક્નિકલ વાતો કરવાને બદલે હું તમને એકદમ શૉર્ટમાં કહી દઉં. સાવ સરળ ભાષામાં સમજાવું તો તમે અત્યારે જીપીએસ કેવી રીતે વાપરો છો? ક્યાંક જવું હોય તો એ લોકેશન તમે સેટ કરી દો એટલે એ જીપીએસ તમને દરેક માર્ગથી ગાઇડ કરતાં-કરતાં આગળ લઈ જાય અને સૌથી સરળ રીતે રસ્તો બતાવે. જ્યાં ટ્રાફિક હોય ત્યાં લાલ લાઇન બતાવે અને ટર્ન આવતો હોય તો-તો પેલી જીપીએસવાળી કમ્પ્યુટર રોબો ઇંગ્લિશ અને હિન્દી જેવી લૅન્ગ્વેજમાં તમને ગાઇડ પણ કરતી જાય. જીપીએસને કારણે કેટલી નિરાંત થઈ ગઈ છે આજે. જુઓ તમે પહેલાં તમારે રસ્તા પર પાંચ-પંદર લોકોને પૂછવું પડતું કે ભાઈ ફલાણી દુકાન ક્યાં આવી અને ઢીંકણી રેસ્ટોરાં ક્યાં આવી. અરે, ટ્રાફિકની પણ તમને ખબર ન હોય. જીપીએસને કારણે હવે તમને પહેલેથી જ ટ્રાફિકની પણ ખબર પડી જાય એટલે તમે જરાક એ એરિયાથી વાકેફ હો તો બીજા કોઈ રસ્તે પણ તમારી ગાડી વાળી શકો. જીપીએસને લીધે તમારી લાઇફ, જીવન, તમારી મુસાફરી કેટલી સરળ થઈ ગઈ. આવું જ ચૅટ GPT અને આ AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સાથે લાગુ પડે છે. આ નવી ટેક્નૉલૉજી તમારી જિંદગી સરળ કરી શકે એવી છે. તમે જેકંઈ પૂછવા માગતા હો એ બધાનો જવાબ આ બન્ને ટેક્નૉલૉજી આપી દે છે. એમ તો ગૂગલ પાસેથી પણ જવાબ મળે છે, પણ એમાં થોડી મર્યાદા પણ છે. આ બન્ને ટેક્નૉલૉજી દ્વારા તમે તમારા લખાણથી માંડીને બીજાં કામ ચૅટ GPTમાં અકાઉન્ટ ખોલીને તૈયાર કરી શકો. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી પણ તમે ઘણું બધું જાણી અથવા કરી શકો. ચૅટ GPT અને AI કેટલાં પ્રોગ્રેસિવ છે અને એ કઈ કક્ષાએ આગળ વધી રહ્યાં છે એનું તમને એક્ઝામ્પલ આપું, જે તમે ભવિષ્યમાં આપણે ત્યાં પણ જોઈ શકવાનાં છો.
અમેરિકામાં હમણાં ત્યાના કલાકારોએ સ્ટ્રાઇક કરી. શું કામ હડતાળ પાડી એની ખબર છે તમને?
એ કલાકારોના ૧૦-૧૫ મુદ્દા હતા અને ૧૦-૧૫ મુદ્દાઓમાં પહેલો મહત્ત્વનો મુદ્દો એ હતો જુનિયર આર્ટિસ્ટનો. જુનિયર આર્ટિસ્ટ એટલે જે ગ્રુપમાં પાછળ દેખાતા હોય કે પછી ડાન્સમાં સ્ટાર્સની પાછળ જે બીજા ડાન્સર્સ હોય એ બધા. આપણે ત્યાં તો બહુ હોય છે આ પ્રકારના ડાન્સર્સ અને જુનિયર આર્ટિસ્ટ. જુનિયર આર્ટિસ્ટનો મુદ્દો હતો કે પ્રોડક્શન-હાઉસ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની હેલ્પથી એ લોકોને રિપ્લેસ કરે એટલે કે એ લોકોને કાઢી નહીં શકે. હવે જરા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું તમે કામ સમજી લો.
તમે વ્યક્તિને એક વાર બોલાવી તેનો ચહેરો લઈ લીધો એ પછી તમારે કોઈને બોલાવવાની જરૂર નથી. બધાને તમે પચીસ, પચાસ, હજાર કે બે હજાર, અરે લાખોના ક્રાઉડમાં પણ ગોઠવી શકો છો. કોઈને ખબર ન પડે અને બીજી વાર કોઈની જરૂર પણ ન પડે. તમારે ઑફિસના સ્ટુડિયોમાં બેસીને ગ્રાફિક્સની મદદથી આ કામ કરી લેવાનું. આવેલી આ નવી ટેક્નિકને કારણે માર્કેટ એવી થઈ જાય કે બધાએ ઘરે બેસી જવું પડે. સામે જે પ્રોડક્શન-હાઉસ અને સ્ટુડિયો હતાં એમનું કહેવું હતું કે અમે શું કામ આટલા લોકો પર ડિપેન્ડ રહીએ, એક વાર અમે તને પૈસા આપી દીધા ભાઈ, એક વાર વસ્તુ ખરીદી લીધી એ પછી અમે ક્યારેય એને વાપરી શકીએ. વારંવાર બોલાવીને એ સૌનું મૅનેજમેન્ટ કરવાનો કોઈ ખર્ચ નહીં, સમયની બરબાદી નહીં, ઝડપથી કામ પૂરું થઈ જાય અને અમારે મૅન-પાવર પણ વધારે બોલાવવો ન પડે કે પછી ડિરેક્ટરે પણ વધારે મહેનત કરવી ન પડે. વાત તો સ્ટુડિયોની પણ સાચી હતી કે પાંચસો-હજાર લોકોને મૅનેજ કરવા જે ટીમની જરૂર પડે એ કેટલી મોટી હોય. અસિસ્ટન્ટ ડિરેક્ટર્સથી લઈને એ બધાનું ખાવા-પીવાનું, એ લોકોનાં ટ્રાવેલિંગ, કન્વેનિયન્સ, તેમના કૉસ્ચ્યુમ અને બીજું કેટકેટલું?
AIમાં ચહેરો આવ્યો એ પછી તમારે જે કરવું હોય એ કરી શકો અને તમે ઇચ્છો એ રીતે એને સજાવી શકો. ગયા ગુરુવારે તમે જે ફોટો જોયો હતો અને આજે પણ તમે જે ફોટો જુઓ છો એ ફોટો આ જ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કમાલ છે. કોઈ માની શકે કે હું આવો લાગી શકું? આ છે ટેક્નૉલૉજીની કમાલ. કહેવાનો અર્થ એટલો કે તમે તરત શરૂ થઈ જાઓ અને ટેક્નૉલૉજિકલી ઍડ્વાન્સ બનો. થોડું જાણો, શોધખોળ કરો. હું તો ઇચ્છું કે બધાને બધું આવડે. તમને આજે ગીઝર ચાલુ કરતાં આવડે છે, પણ નાના હતા ત્યારે નહોતું આવડતું. નાના હતા ત્યારે ઇસ્ત્રી કરતાં ડર લાગતોને, પણ આજે લાગે છે? કહેવાનો અર્થ એટલો જ કે તમારે માત્ર મનમાંથી ડર કે પછી સૂગ કાઢવાની છે અને નવા કામને, નવી ટેક્નૉલૉજીને અપનાવીને દુનિયા સાથે ચાલવાનું છે. જરા જુઓ તો ખરા, દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે. દુનિયાની સાથે ચાલવાની કોશિશ કરો અને આ નવી શોધખોળ, નવાં સંશોધનોની મજા માણો. હજી તો ઘણું નવું આવવાનું છે. બસ, એ આપણે માણી શકતા હોવા જોઈએ એ પહેલી વાત અને બીજી વાત, મર્યાદા ઓળંગાવી ન જોઈએ.
તમે વ્યક્તિને એક વાર બોલાવીને તેનો ચહેરો લઈ લીધો એ પછી તમારે કોઈને બોલાવવાની જરૂર નથી. બધાને તમે પચીસ, પચાસ, હજાર કે બે હજાર, અરે લાખોના ક્રાઉડમાં પણ ગોઠવી શકો છો. કોઈને ખબર ન પડે અને બીજી વાર કોઈની જરૂર ન પડે. તમારે ઑફિસના સ્ટુડિયોમાં બેસીને ગ્રાફિક્સની મદદથી આ કામ કરી લેવાનું.
આવજો...
-જમનાદાસ મજીઠિયા

