લીલાએ એક વર્ષ પહેલાં ગામમાં રસ્તો બનાવવાની માગણી કરી હતી. લીલાના ગામ સુધી રસ્તાની માગણી પર રાજકીય છાવણીમાં ઘણો હોબાળો થયો હતો
પ્રેગ્નન્ટ લીલા સાહુના વિડિયો રંગ લાવ્યા, ગામમાં રસ્તા બનાવવાનું કામ શરૂ થયું
મધ્ય પ્રદેશના સીધીની રહેવાસી અને ૯ મહિનાની ગર્ભવતી લીલા સાહુએ ગામના ખરાબ રસ્તા પર વારંવાર વિડિયો બનાવીને સરકારને ઘેરી હતી અને તેના આ સંઘર્ષને ફળ મળ્યું છે. લીલાના ગામમાં રસ્તા બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. બાવીસ વર્ષની લીલા સાહુએ પોતે સોશ્યલ મીડિયા પર આ માહિતી આપી છે. વિડિયોમાં લીલા સાહુની પાછળ બુલડોઝર પણ જોઈ શકાય છે.
લીલાએ એક વર્ષ પહેલાં ગામમાં રસ્તો બનાવવાની માગણી કરી હતી. લીલાના ગામ સુધી રસ્તાની માગણી પર રાજકીય છાવણીમાં ઘણો હોબાળો થયો હતો. લીલાએ કહ્યું હતું કે જ્યારે મારા ઘરે ઍમ્બ્યુલન્સ ન આવી ત્યારે મેં આ માગણી ઉઠાવી હતી. જોકે તેની માગણી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેથી લીલાએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું. એ પછી સંસદસભ્ય રાજેશ મિશ્રાનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં આવ્યું હતું કે ‘ડિલિવરી કી તારીખ બતાઓ, ઉઠવા લેંગે.’ લીલા સાહુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરી સહિત ઘણા નેતાઓ અને અધિકારીઓને રસ્તો બનાવવા માટે અપીલ કરી હતી. લીલાએ કહ્યું હતું કે તેમના ગામની ૬ મહિલાઓ ગર્ભવતી છે, પરંતુ ઍમ્બ્યુલન્સ તેમને લેવા માટે તેમના ઘરે આવી શકતી નથી.


