Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાઇપરટેન્શનના નિદાનમાં ઉતાવળ ન કરો

હાઇપરટેન્શનના નિદાનમાં ઉતાવળ ન કરો

17 May, 2023 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયાબિટીઝના નિદાન અને મૅનેજમેન્ટ માટે લોકો જેટલા ગંભીર હોય છે એટલા હાઇપરટેન્શન માટે હોતા નથી. હકીકતે હાઇપરટેન્શનના નિદાનમાં થતી ઉતાવળ કે પછી એના મૅનેજમેન્ટમાં થતી લાપરવાહી ઘાતક સાબિત થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

વર્લ્ડ હાઇપરટેન્શન ડે

પ્રતીકાત્મક તસવીર


ડાયાબિટીઝના નિદાન અને મૅનેજમેન્ટ માટે લોકો જેટલા ગંભીર હોય છે એટલા હાઇપરટેન્શન માટે હોતા નથી. હકીકતે હાઇપરટેન્શનના નિદાનમાં થતી ઉતાવળ કે પછી એના મૅનેજમેન્ટમાં થતી લાપરવાહી ઘાતક સાબિત થઈ શકે છે. એટલું સમજી લો કે ઘરમાં હાઇપરટેન્શન માપવાનું મશીન એ ખોટો ખર્ચ નથી, પણ જરૂરિયાત છે

કેસ - ૬૮ વર્ષના કાનજીભાઈ એક સ્વસ્થ વ્યક્તિ હતા. ઉંમરના હિસાબે તેમને બે વર્ષ પહેલાં ડાયાબિટીઝ આવ્યો. એની દવા ચાલુ હતી. રેગ્યુલર ૬ મહિને ફૉલો-અપ માટે તે ડૉક્ટર પાસે જતા. એક મહિના પહેલાં તે ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમનું બ્લડ-પ્રેશર રૂટીનમાં ચેક થયું હતું અને રીડિંગ ૧૫૦/૮૦ આવેલું હતું. કાનજીભાઈએ કહ્યું કે શું મને હાઇપરટેન્શન છે? તો ડૉક્ટરે કહ્યું કે મોટા ભાગના ડાયાબિટીઝના દરદીઓને હાઇપરટેન્શન આવે. વળી ઉંમર સાથે આ રોગ આવવાનું સહજ છે. તો હવે શું કરવાનું? ડૉક્ટરે કહ્યું કે એકાદ-બે વાર ફરીથી પ્રેશર જોવું પડશે. જો આટલું જ ઊંચું રહેતું હોય તો આપણે દવા ચાલુ કરવી પડશે. ડૉક્ટરે વાત એવી રીતે કરી કે કાનજીભાઈને લાગ્યું કે હવે તેમને હાઇપરટેન્શન છે જ. ઉંમર સાથે બધી બીમારીઓ તો આવવાની જને, એમ વિચારીને તેમણે ડૉક્ટરે કહ્યું તો પણ બ્લડ-પ્રેશર માપવાનું મશીન ખરીદ્યું નહીં, કારણ કે ૨૦૦૦ રૂપિયા મશીન પાછળ ખર્ચવા કરતાં ૧૦૦ રૂપિયાની દવા લેવી તેમને સારી લાગી. એક અઠવાડિયું સતત એ દવા લીધા પછી એક બપોરે પોતાના મિત્રના ઘરે જવામાં રસ્તામાં કાનજીભાઈને આંખે અંધારાં આવી ગયાં અને તે ચક્કર ખાઈને રોડ વચ્ચે પડી ગયા. તેમને તાત્કાલિક લોકો પાસે આવેલા ક્લિનિકમાં લઈ ગયા ત્યારે ત્યાં તેમનું બ્લડ-પ્રેશર ૮૫/૪૦ જેટલું થઈ ગયેલું. તેમને તાત્કાલિક ભરતી કરવામાં આવ્યા અને ગ્લુકોઝ ચડાવવામાં આવ્યું. હકીકતે કાનજીભાઈને હાઇપરટેન્શનની તકલીફ નહોતી, તેમણે આ દવાઓ લેવાની જ નહોતી. એ વાત સાચી જ હતી કે ડાયાબિટીઝવાળા દરદીઓ અને ઉંમરલાયક દરદીઓમાં હાઇપરટેન્શન આવવાની શક્યતા ઘણી વધારે રહે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે દરેકને એ રોગ આવી જ જાય. એક વખત બ્લડ-પ્રેશર ઉપર જાય એનો અર્થ એ નથી કે તમને હાઇપરટેન્શન છે જ. આમ માની લેવું કેટલું ઘાતક હોઈ શકે છે એ તો કાનજીભાઈના બનાવ પરથી સમજી જ શકાય. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે આ રોગને થોડી વધુ ગંભીરતાથી સમજીએ. 


કઈ રીતે થાય નિદાન? 

હાઇપરટેન્શનને સામાન્ય રીતે સમજીએ તો શરીરમાં હૃદય ધબકે એટલે લોહીની નળીઓમાંથી પસાર થઈને લોહીનું પરિભ્રમણ થાય છે. આ લોહી એ નળીઓ પર જે દબાણ આપે છે એ દબાણને બ્લડ-પ્રેશર કહે છે, જેનાં બે રીડિંગ હોય છે. એક એ રીડિંગ જેમાં લોહીની નળીઓ પર આવતું સૌથી વધુ પ્રેશર અને બીજું સૌથી ઓછું પ્રેશર બંને માપવામાં આવે છે. સામાન્ય રીતે ૧૨૦/૮૦નું પ્રેશર હોવું જરૂરી છે. એનાથી વધે તો એ ચિંતાનું કારણ હોઈ શકે છે. પણ શું એનો અર્થ એ થાય કે રીડિંગ ૧૨૦/૮૦થી ઉપર જાય એટલે હાઇપરટેન્શન ગણાય? એનો જવાબ આપતાં પી. ડી. હિન્દુજા હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ જનરલ મેડિસિન ડૉ. ગૌરાંગી શાહ કહે છે, ‘અહીં જ ભૂલ થાય છે. તકલીફ એ છે કે હાઇપરટેન્શનનાં કોઈ ખાસ ચિહ્નો હોતાં નથી. એટલે મોટા ભાગે એ ચેક કરીએ ત્યારે જ ખબર પડે છે પરંતુ એક વખત એ ચેક કર્યું અને વધારે આવ્યું એનો મતલબ એમ નથી હોતો કે તમને હાઇપરટેન્શન છે. ગાઇડલાઇન એમ કહે છે કે જ્યારે વ્યક્તિનું એક વખતનું રીડિંગ ૧૨૦/૮૦થી ઉપર આવે ત્યારે તેણે એક મહિના સુધી દિવસમાં બે વાર બીપી રેકૉર્ડ કરવાનું હોય છે. ખાસ કરીને રાત્રે ઊંઘતા પહેલાં અને સવારે ઊઠ્યા પછી. આ દરમિયાન અમે તેમને દવા આપી રાખીએ છીએ અને જણાવીએ છીએ કે જો તમારું રીડિંગ ૧૬૦/૧૦૦ આસપાસ આવે તો તમે એક દવા લઈ લેજો. જો વ્યક્તિ મહિનામાં ૧૦ વાર દવા લે છે તો એનો અર્થ એ થાય છે કે તેને હાઇપરટેન્શન છે અને તેને રેગ્યુલર દવાની જરૂર છે. આ રીતે નિદાન થયેલું હાઇપરટેન્શન યોગ્ય છે. એ પછી પણ અમે તેમને દિવસમાં એક વાર બીપી માપવાનું કહીએ જ છીએ, જે જરૂરી છે.’  


આ પણ વાંચો : નેક્સ્ટ જનરેશનને થૅલેસેમિયાથી બચાવવા જાગો

શું થઈ શકે?

જ્યારે એક વાર કે ૪-૫ વાર રીડિંગ વધુ આવે અને એ માનીને બેસી જઈએ કે હાઇપરટેન્શન છે અને દવાઓ ચાલુ કરી દઈએ ત્યારે શું થાય છે? એ પ્રશ્નનો જવાબ આપતાં કેમ્પ્સ કૉર્નરના કન્સલ્ટન્ટ ઇન્ટર્નલ મેડિસિન ડૉ. બેહરામ પારડીવાલા કહે છે, ‘આ પરિસ્થિતિમાં વ્યક્તિનું બ્લડ-પ્રેશર એકદમ જ નીચે જતું રહે એમ બને; જેને લીધે એને નબળાઈ લાગે, ચક્કર આવી જાય, આંખે અંધારાં આવી જાય અને વ્યક્તિ ચાલતાં-ચાલતાં પડી જાય એવું થઈ શકે. જો એ રસ્તા વચ્ચે હોય કે ડ્રાઇવિંગ કરતી હોય ત્યારે એવું થાય તો એ હાલત ઘાતક સાબિત થઈ શકે છે. આમ ભલે લાગે કે દવાઓ લેવી સસ્તી છે, પરંતુ મશીન મોંઘું પણ દરેક ઘરમાં હાઇપરટેન્શન માપવા માટેનું મશીન હોવું જરૂરી છે. બીજો રસ્તો છે એમ્બ્યુલેટરી બ્લડ-પ્રેશર મૉનિટરિંગ. આ એક ફોન જેવું નાનકડું ડિવાઇસ છે જે હાથ પર બાંધી દેવામાં આવે છે, જે દર કલાકે તમારું પ્રેશર જાતે માપી લે છે. બીજા દિવસે ડૉક્ટરને એ ડિવાઇસ આપો એટલે તમારું આખા દિવસનું રીડિંગ ડૉક્ટર પાસે આવી જાય છે અને હાઇપરટેન્શનનું યોગ્ય નિદાન સરળ બને છે.’ 

મૅનેજમેન્ટ

ડાયાબિટીઝની સરખામણીમાં હાઇપરટેન્શન માટે લોકો ગંભીર ઓછા છે. આ વાત સાથે સહમત થતાં ડૉ. ગૌરાંગી શાહ કહે છે, ‘દુખની વાત એ છે કે આટલી સારી મેડિસિન હોવા છતાં, યોગ્ય ડૉક્ટર્સ હોવા છતાં આજે પણ સ્ટ્રોક, હાર્ટ-અટૅક કે કિડની ફેલ્યર પાછળનું મહત્ત્વનું કારણ હાઇપરટેન્શન જ છે. ડાયાબિટીઝના મૅનેજમેન્ટ માટે લોકો દર ૩ મહિને કે ૬ મહિને ટેસ્ટ કરાવતા હોય છે. જો શુગર થોડી પણ ઉપર-નીચે આવે તો રેગ્યુલર શુગર માપતા હોય છે પણ હાઇપરટેન્શન એક વાર આવ્યું એટલે એક ગોળી લઈ લીધી અને પછી વર્ષો સુધી તેઓ એની ફિકર કરતા નથી. હકીકતે એવું નથી હોતું, ડાયાબિટીઝની જેમ હાઇપરટેન્શનમાં પણ રેગ્યુલર રીડિંગ લેવું જરૂરી છે. અમારી પાસે જે પેશન્ટ આવે છે તેમને ખબર હોય છે કે તેમને હાઇપરટેન્શન છે છતાં વર્ષો સુધી તેમણે એક પણ વાર એ માપ્યું ન હોય અને જે ગોળી વર્ષો પહેલાં આપી હોય એ જ લીધા કરતા હોય છે, જે યોગ્ય નથી. તમે એકદમ સ્વસ્થ હો તો પણ દર મહિને એક વાર બ્લડ-પ્રેશર માપવું જોઈએ. જો ઓછું કે વધુ આવે તો દરરોજ ૧૦ દિવસ સુધી જુદા-જુદા સમયે માપીને એક રીડિંગનો ચાર્ટ લઈને ડૉક્ટરને મળવું જોઈએ.’

મોટી ઉંમર અને હાઇપરટેન્શન

યુવાનોમાં હાઇપરટેન્શન હોવાની શક્યતા ઓછી હોવાને કારણે જ્યારે તેમને હાઇપરટેન્શનનું નિદાન થાય ત્યારે તેઓ ઝટ દઈને સ્વીકારતા નથી અને વૃદ્ધોમાં એ શક્યતા વધુ હોવાને કારણે એકાદ વાર રીડિંગ ઉપર જાય તો તેઓ સરળતાથી માની લે છે કે તેમને આ રોગ છે એમ વાત કરતાં ડૉ. બહેરામ પારડીવાલા કહે છે, ‘આ બંને પરિસ્થિતિમાં નુકસાન દરદીનું જ છે. વળી મોટી ઉંમરે એક એ તકલીફ છે કે લોકો માને છે કે હાઇપરટેન્શન હવે જીવનભર છે. આ રોગ દેખાય એટલો સરળ નથી અને એનું મૅનેજમેન્ટ પણ પેચીદું છે. એક વખત તમારું બ્લડ-પ્રેશર વધે એનો અર્થ એમ નથી કે હવે એ વધેલું જ રહેશે. વૃદ્ધાવસ્થામાં કોઈ પરિસ્થિતિમાં સોડિયમ ઘટી જાય તો કે બીજા કોઈ રોગને કારણે બ્લડ-પ્રેશર ઘટી શકે છે. શરીર બદલાતું રહે છે એની સાથે તમારા રોગની પરિસ્થિતિ પણ. હાઇપરટેન્શનના મૅનેજમેન્ટમાં એ જરૂરી છે કે રેગ્યુલર તમે એ ચેક કરતા રહો જેથી બદલાયેલી શારીરિક પરિસ્થિતિનો તમને અંદાજ રહે અને એ મુજબ જ દવાઓ લેવી પડે.’

 તમે એકદમ સ્વસ્થ હો તો પણ દર મહિને એક વાર બ્લડ-પ્રેશર માપવું જોઈએ. જો ઓછું કે વધુ આવે તો દરરોજ ૧૦ દિવસ સુધી જુદા-જુદા સમયે માપીને એક રીડિંગનો ચાર્ટ લઈને ડૉક્ટરને મળવું જોઈએ. ડૉ. ગૌરાંગી શાહ

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK