ક્લીન લેબલ અઘરી પરિસ્થિતિ છે, અશક્ય નહીં એમ સમજાવતાં અમોલ દાભાડે કહે છે, ‘અમુક પ્રકારનું પૅકિંગ કે અમુક પ્રકારના નૅચરલ પદાર્થોથી કામ થઈ શકે છે. જેમ કે ટેટ્રા પૅકનું સંશોધન એવું છે જેને લીધે વગર કોઈ કેમિકલે આપણે દૂધને બગડતું અટકાવીએ છીએ.
ફળો અને શાકભાજી પણ હવે ભેળસેળથી મુક્ત નથી રહી શક્યાં. ચમકદાર રંગરૂપ આપવા અને જલદી ફળો પકવવા માટે વપરાતાં કેમિકલ્સ અનેક શારીરિક જોખમો પેદા કરે છે.
નકલી પનીર અને દૂધ, શાકભાજીમાં ચડતા કૃત્રિમ રંગો, કેમિકલથી પકવવામાં આવતાં ફળો, સ્વાદના નામે ઉમેરાતું નકલી ફ્લેવરિંગ, ધાનને ચમકાવવા માટે વપરાતાં રસાયણો, ટેસ્ટીના નામે વેચાતું પ્રદૂષણયુક્ત રોડસાઇડ ફૂડ, શોખ કે એક્સ્પીરિયન્સના નામે વેચાતું રેસ્ટોરાંનું વાસી ફૂડ ખાઈને આપણે કેટલા સેફ રહી શકીશું? ખોરાક અને શુદ્ધતા એક સમયે એકબીજાનો પર્યાય ગણાતા હતા જે આજે વિરોધી શબ્દો બની ગયા છે. આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે મેળવીએ કેટલાક મૂળભૂત પ્રશ્નોના જવાબ અને જાણીએ કે આપણા પોષણના મૂળ આધાર સમાન ખોરાકમાં કઈ રીતે અને કયા સ્તરે દૂષણ પેસી ગયું છે, નિયમો હોવા છતાં આપણે એને કેમ રોકી નથી શક્યા અને ઉપાય શું છે
- હાલમાં ૪ દિવસ પહેલાં જ મહેસાણામાં એક પ્રોસેસિંગ યુનિટને જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યાંથી ૨.૦૨૫ કિલો પાકી કેરી મળી આવી હતી જે સડી ગઈ હતી અને એની અંદર કીડા થઈ ગયા હતા. અમુકમાં ફૂગ લાગી ગઈ હતી. એનો જૂસ એ લોકો બનાવવાના હતા અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એ બંધ કરાવ્યું હતું જેનો વાઇરલ વિડિયો સોશ્યલ મીડિયા પર જોવા મળ્યો હતો.
- એપ્રિલ મહિનામાં ઝાંસીથી ૧૪૦૦ કિલો દૂધમાંથી બનતો માવો પકડાયો હતો જે માણસો માટે ખાવાલાયક નહોતો. ગયા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાનપુરમાંથી ૧૩,૦૦૦ લીટર તેલ અને ૧૩૦૦ કિલો સડી ગયેલું ખજૂર જપ્ત કરવામાં આવ્યું હતું.
- ૬ દિવસ પહેલાં મુંબઈમાં ૩૩ લોકોને ભેળસેળયુક્ત ખોરાક વેચવાના ગુનાસર પોલીસે બંદી બનાવ્યા હતા અને તેમની પાસેથી ૨૮.૬૮ લાખ રૂપિયાનો ભેળસેળિયો ખોરાક જપ્ત કર્યો હતો જેમાં ફેક દૂધ, કેમિકલથી ટ્રીટમેન્ટ આપેલાં ફળો અને પ્રતિબંધિત ખોરાકનો સમાવેશ થાય છે.
- થોડા સમય પહેલાં મુંબઈના ઝેપ્ટો વેરહાઉસમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ છાપો પાડ્યો હતો જ્યાં તેમને ફુગ લાગેલા ખાદ્ય પદાર્થો અને એક્સ્પાયર થઈ ગયેલાં ફૂડ-પૅકેટ્સ મળ્યાં હતાં. એ પછી ક્વિક કૉમર્સના સ્ટોરેજ અને ક્લાઉડ કિચન્સ પર FDA એની ચાંપતી નજર રાખીને બેઠું છે.
ADVERTISEMENT
ખોરાક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોમાંનું એક અતિ મહત્ત્વનું તત્ત્વ છે જે જમીન, હવા અને પાણીના પ્રદૂષણને કારણે દૂષિત થઈ ગયું છે. આ તકલીફ ઓછી હોય એમ સ્વાસ્થ્યને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માટે ખોરાકમાં મિલાવટ પણ થવા લાગી છે. વધુ પૈસા કમાવા અને નફો રળવા માટે થતી આ અનૈતિક ભેળસેળ માણસોને વધુ ને વધુ બિચારા બનાવી રહ્યું છે. ‘અન્ન એવું મન’ કહેવાય છે, પણ લોકોનાં ‘મન’ બગડવાથી ‘અન્ન’ બગડી રહ્યું છે. નૈતિકતાને નેવે મૂકીને ચાલતા લોકો માણસજાતના દુશ્મન બની બેઠા છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના ‘ઍક્સિડેન્ટલ ડેથ્સ ઍન્ડ સુસાઇડ્સ ઇન ઇન્ડિયા’ના અહેવાલ અનુસાર ભારતમાં દર વર્ષે ફૂડ પૉઇઝનિંગને કારણે અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ લોકોનાં સત્તાવાર મૃત્યુ નોંધાય છે. જોકે નિષ્ણાતોના મતે આ આંકડો માત્ર હૉસ્પિટલમાં નોંધાયેલા કેસોનો જ છે, વાસ્તવિક સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. વિશ્વભરમાં દર વર્ષે અંદાજે ૪,૨૦,૦૦૦ લોકો દૂષિત ખોરાક ખાવાને કારણે મૃત્યુ પામે છે. ખોરાકના આ દૂષણ બાબતે જાગૃતિ ફેલાવવા આજના દિવસે સમગ્ર દુનિયામાં વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ ઊજવવામાં આવી રહ્યો છે.
દૂષણોના પ્રકારો
ખોરાક આપણને પોષણ આપે છે, પણ એ જ ખોરાકમાં જ્યારે ઝેરી તત્ત્વોની ભેળસેળ થાય છે ત્યારે તકલીફ ઊભી થાય છે. ખોરાક ઘણી જુદી-જુદી રીતે દૂષિત થાય છે જેની સમજ આપતાં ફૂડ સેફ્ટી, ફૂડ ટેક્નૉલૉજી અને ફૂડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર કામ કરતી સંસ્થા ‘ફૂડ સાયન્સ’ના ફાઉન્ડર અને CEO અમોલ દાભાડે કહે છે, ‘કોઈ પણ ખોરાક અલગ-અલગ સ્તર પર દૂષિત થાય છે. એને ઉદાહરણ દ્વારા સમજીએ તો દૂધી કે કાકડી કોઈ વાર એકદમ ઝેરી કડવી નીકળે છે. એ ઝેર કોઈ વાર એટલું સ્ટ્રૉન્ગ હોય છે કે એને કારણે વ્યક્તિ મરી પણ શકે છે એ કુદરતી દૂષણ છે. બીજું દૂષણ એવું છે જે પ્રદૂષણને કારણે આવ્યું છે. વચ્ચે મૅગીમાં લેડનું પ્રમાણ વધુ આવેલું. એ સમયે સામાન્ય જનતાને લાગ્યું હતું કે કંપની નૂડલ્સ કે મસાલા બનાવતી વખતે એમાં ઉપરથી લેડ નાખી રહી છે, પણ એવું નથી. ઇન્ડસ્ટ્રી કે કારખાનાનું દૂષિત પાણી જે નદી અને જમીનને દૂષિત કરે છે એ જમીન પર ઊગેલા અન્નમાં હેવી મેટલ્સ હોય છે જે ખોરાકને સુપાચ્ય રહેવા દેતી નથી. હવે આવી જગ્યાએ ઊગેલા ઘઉંમાંથી જ્યારે મેંદો બને, એમાંથી નૂડલ્સ બને તો એમાં લેડનું પ્રમાણ વધુ આવે. એ પણ એટલું વધુ હતું નહીં જેટલા લોકો એનાથી ડરી ગયા. ત્રીજી તકલીફ એવી છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થયા. એક સમયે ફક્ત કાંકરા કે પથ્થરોની જ ભેળસેળ કરવામાં આવતી જે અનાજ સાફ કરીએ તો નીકળી જતા. હવે અનાજને ચમકાવવા માટે કેમિકલ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. શાકભાજી અને ફળોમાં પણ ભરપૂર કેમિકલ અને કૃત્રિમ રંગો ભેળવવામાં આવી રહ્યાં છે. આ સિવાય જ્યારે ખોરાક બનાવવામાં આવે ત્યારે એમાં ફક્ત સ્વાદ વધારવા કે આકર્ષક દેખાય એવા રંગ માટે અનેક કેમિકલ વાપરવામાં આવે છે જે રોડસાઇડ કે રેસ્ટોરાંમાં મળતા ખોરાકમાં જોવા મળે છે. આ ઉપરાંત જૂનો અને વાસી ખોરાક પણ એક રીતે દૂષિત ખોરાક જ હોય છે. આમ આવાં અલગ-અલગ સ્તરનાં દૂષણોથી આપણે બચવાનું છે. આ બધા જ પ્રકારનાં દૂષણો આપણી હેલ્થ માટે હાનિકારક છે.’
જાણીતાં અને માન્ય ગણાતાં ઑર્ગેનિક સર્ટિફિકેશન આમ તો ઘણાં છે, પણ અમુક ખાસ નામ જેના પર તમે વિશ્વાસ કરી શકો છો.
૧. ECOCERT
૨. CONTROL UNION
૩. SGS
૪. DNB
૫. FOOD CHAIN
૬. BBCI
૭. INDOCERT
બહારનો ખોરાક અને પૅકેટ ફૂડ
રોડસાઇડ પર જે ખોરાક વેચાય છે એમાં બૅક્ટેરિયા કે જંતુ હોવાને કારણે એ ખોરાક ઇન્ફેક્શનનો કારક બની શકે છે. રોડ પર વાહનોના ધુમાડા વચ્ચે ખુલ્લા પડેલા એ ખોરાક પર ધૂળ જ નહીં, કાર્બનના કણો પણ જામી જતા હોય છે. એ ખોરાક આમ તો કોઈએ જ ન ખાવો જોઈએ, પણ આપણે વર્ષોથી એ ખાવા ટેવાયેલા છીએ એટલે આપણને લાગે છે કે શરીર પણ જાણે કે કેળવાઈ ગયું છે. આ પ્રકારનો ખોરાક અંદર જઈને શરીરને કેટલી હદે નુકસાન કરે છે એ આપણે જાણતા કે સમજતા નથી. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે બહારનું ખાઈને માંદું નથી પડ્યું. આમ છતાં આપણે એ છોડતા નથી. ડૉક્ટરો નાનાં બાળકોને આવો ખોરાક ખવડાવવાની સદંતર ના કહેતા હોય છે. એટલે બહાર જાય તો પણ માતા-પિતા બાળકોને પૅકેટ ફૂડ આપે છે. રોડસાઇડ ખાવાનું સેફ નથી તો પૅકેટ ફૂડ પણ ક્યાં સેફ છે? આ પ્રશ્ન ઉઠાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘જે પણ પૅકેટ ફૂડ આપણે ખરીદીએ છીએ એનાં લેબલ વાંચવાની આપણને આદત નથી. પાંચ-દસ રૂપિયામાં મળતા આ પૅકેટ ફૂડમાં નકલી ફ્લેવર્સ, પ્રિઝર્વેટિવ્ઝ, ફ્લેવર એન્હૅન્સર, ઍસિડિટી રેગ્યુલેટર્સ, પ્રોડક્ટની શેલ્ફલાઇફ વધારવા માટે વાપરવામાં આવતાં કેમિકલ્સ જેવી અઢળક વસ્તુઓ નાખેલી હોય છે. એમાં વાપરવામાં આવતું તેલ અને ખાદ્ય પદાર્થો ખૂબ ખરાબ ક્વૉલિટીનાં હોઈ શકે છે. આ બધું જોવાની તસ્દી લેવી જરૂરી છે. બજારમાં મળતા કોઈ પણ ફરસાણમાં સિંગતેલ હોતું જ નથી, બધામાં સસ્તું પામ ઑઇલ જ હોય છે. જે પદાર્થ ઘરમાં બે દિવસમાં ખરાબ થઈ જાય એ પદાર્થને ૬ મહિનાની શેલ્ફલાઇફ આપવા માટે એમાં ઘણી વસ્તુઓ ઉમેરવામાં આવે છે એ આપણે સમજવું જોઈએ. જેમ બહારનું ખાવાનું હેલ્ધી નથી એમ પૅકેટ ફૂડ પણ હેલ્ધી નથી. એમાં બૅક્ટેરિયા નથી જે તમને ઇન્ફેક્શન કરે, પણ એમાં એ બધું છે જે તમારી હેલ્થને નુકસાન કરે.’
આપણે શું કરી શકીએ?
‘સુરક્ષિત અન્ન, સુરક્ષિત ઔષધ, સુરક્ષિત મહારાષ્ટ્ર’ આ મુહિમ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા શરૂ કરવામાં આવી છે. FDAના કમિશનર તુકારામ મુંઢે દ્વારા શરૂ કરાયેલી આ મુહિમ અંતર્ગત ૮૪,૦૦૦ કિલો ભેળસેળવાળો ખોરાક જેમાં પનીર, ઘી અને તેલનો પણ સમાવેશ થાય છે એને જપ્ત કરવામાં આવ્યો છે. ૨૦૦ જેટલાં સ્થળોએ કરાયેલી રેઇડમાં ૧૦૦થી વધુ લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા અને તેમની હોટેલો, દુકાનો કે ખોરાકનાં ઉત્પાદનસ્થળો પર તાળાં લગાવવામાં આવ્યાં હતાં. જો તમને કોઈ પણ જગ્યાના ખોરાકમાં ભેળસેળ લાગતી હોય તો આ ટોલ-ફ્રી નંબર પર ફોન કરીને જણાવો : 1800-222-365 અથવા Email કરો : jc-foodhq@gov.in
બિઝનેસ અને હેલ્થ બન્નેનું ધ્યાન
પહેલાંના સમયમાં લોકો ઘરની બહારના ભોજન પર એટલું નિર્ભર નહોતા જેટલું આજના સમયમાં છે. આજે બહાર ખાવાનું અઢળક લોકો માટે જરૂરિયાત પણ છે અને શોખ પણ. એટલે બહારનો ખોરાક ન ખાવો અને ઘરનું બનેલું જ ખાવું એવી સલાહ યોગ્ય નથી, કારણ કે ત્યાં બીજી વાત એ આવશે કે ઘરમાં જે ખાદ્ય પદાર્થો વાપરવામાં આવે છે એ પણ ક્યાં શુદ્ધ રહ્યા છે? લોકો પૅકેજ્ડ ફૂડ ખાવાનું લોકો બંધ કરી દે એવી અપેક્ષા રાખવી એ મૂર્ખામીભર્યું ગણાશે અને ગ્રાહકો હવે એને બદલે ‘ક્લીન લેબલ્સ’ની માગણી કરી રહ્યા છે. ક્લીન લેબલ્સનો અર્થ થાય છે કુદરતી, જાણીતા ઘટકોનો ઉપયોગ અને એડિટિવ્સના નહીંવત્ અથવા શૂન્ય ઉપયોગ સાથેનું ટૂંકું ઇન્ગ્રીડિઅન્ટ લેબલ. આને ૧૦૦ ટકા વાસ્તવિકતા બનાવવામાં કયા પડકારો છે એ સમજાવતાં ખાદ્ય બિઝનેસમાં પોતાની બ્રૅન્ડ ધરાવતી એક વ્યક્તિ કહે છે, ‘અહીં વ્યવસાય (બિઝનેસ) અને સ્વાસ્થ્ય બન્ને વચ્ચે સંતુલન જાળવવું અઘરું છે. ગ્રાહકો પરવડે એવી કિંમતે ખોરાક ઇચ્છે છે અને સાથે જ તેઓ ‘ક્લીન લેબલ’ પણ ઇચ્છે છે જે અત્યંત મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે આજે બજારમાં કુદરતી રીતે મેળવેલા વૅનિલાની કિંમત પ્રતિ કિલો ૧૨,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા છે. આનાથી ૧૦ રૂપિયાનો આઇસક્રીમ બનાવવો કેવી રીતે શક્ય બને? જો આપણે વૅનિલા આઇસક્રીમનો એક કપ ૨૦૦ રૂપિયામાં વેચીએ તો એને કોણ અને કેટલા લોકો ખરીદશે? સસ્તી કિંમતે સુરક્ષિત, સ્થિર અને લાંબી શેલ્ફલાઇફ એટલે કે ટકી રહેવાની ક્ષમતાવાળી પ્રોડક્ટ પહોંચાડવા માટે અમુક વસ્તુઓ જરૂરી બને છે. ઉદાહરણ તરીકે ફૂડ સ્ટેબિલાઇઝર્સ અથવા ઍસિડિટી રેગ્યુલેટર્સ વિના પ્રોડક્ટ્સ ખૂબ જ ઝડપથી બગડી શકે છે, જેનાથી અન્નનો બગાડ વધે છે. આપણે પૅકેજ્ડ ફૂડમાંથી એને આજની પરિસ્થિતિમાં સંપૂર્ણપણે દૂર કરી શકીએ એમ નથી.’
ઉપાય શક્ય
ક્લીન લેબલ અઘરી પરિસ્થિતિ છે, અશક્ય નહીં એમ સમજાવતાં અમોલ દાભાડે કહે છે, ‘અમુક પ્રકારનું પૅકિંગ કે અમુક પ્રકારના નૅચરલ પદાર્થોથી કામ થઈ શકે છે. જેમ કે ટેટ્રા પૅકનું સંશોધન એવું છે જેને લીધે વગર કોઈ કેમિકલે આપણે દૂધને બગડતું અટકાવીએ છીએ. અમુલનું ‘મોતી’ દૂધ પણ એનું એક ઉદાહરણ છે જેમાં ટેક્નૉલૉજી વાપરીને સંપૂર્ણ રીતે ક્લીન એવું દૂધ બનાવવામાં આવ્યું છે જે સરળતાથી ખરાબ થતું નથી. નૅચરલ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરતા ઘણા પદાર્થો છે જેમનો ઉપયોગ વધારવો જરૂરી છે. આમ આપણે ઇચ્છીએ તો શક્ય છે. મહેનત બન્ને દિશામાં છે. આપણી મહેનતને આપણે સાચી દિશામાં વાળવી જરૂરી છે. ‘ક્લીન લેબલ’ આજના સમયની ડિમાન્ડ છે જેને સાર્થક કરવી જરૂરી છે.’
સ્ટાફ ઓછો
ખોરાકમાં ભેળસેળ કરનારા લોકો સામે ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સખત નિયમો છે, કાનૂન છે. પહેલાં કરતાં એ આજે ઘણા આકરા પણ છે. છતાં તકલીફ સંપૂર્ણપણે દૂર નથી થતી. એ પાછળનું કારણ જણાવતાં આસ્ક સેફ ફૂડ્સ સૉલ્યુશન્સ ટેક્નિકલના ડિરેક્ટર સંજય ઇન્દાણી કહે છે, ‘એક તાલુકામાં ૫૦,૦૦૦ પોલીસ હોય છે, જેની સામે ફૂડ-ઑફિસર એક કે બે જ હોય છે. એક તાલુકામાં ઓછામાં ઓછી વીસથી પચીસ હજાર ઈટરીઝ એટલે કે ખાવા-પીવાની જગ્યાઓ હોય છે. તો નિયમો કડક રીતે લાગુ પાડી શકાય એ માટે આ એક ઑફિસર શું દરરોજ ઍવરેજ ૭૦૦થી ૮૦૦ જગ્યાની વિઝિટ કરે? એ શક્ય નથી. બીજી તકલીફ એ છે કે ગ્રાહકો મોંઘાં કપડાં, મોંઘી ગાડી કે મોંઘી ઘડિયાળ ખરીદી શકે છે પણ મોંઘા ખાદ્ય પદાર્થો નહીં. ખાવાનું તો સસ્તું જ જોઈએ છે બધાને. એને સસ્તું બનાવવાના ચક્કરમાં ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ થઇ રહ્યું છે. ખોરાક મૂળભૂત જરૂરિયાત છે એ વાત સાચી, પણ અજાણી તારીખે સેફ અને ક્લીન ખોરાક જોઈતો હોય તો મોંઘું તો પડશે. લોકો ફાઇવસ્ટાર હોટેલમાં જઈને પૈસા ખર્ચવા તૈયાર છે, પણ જો કહેવામાં આવે કે આ ઑર્ગેનિક પ્રોડક્ટ છે જે એકદમ શુદ્ધ છે તો લોકો વિચારે છે કે ટમેટાં તો છે, એમાં શું પૈસા ખર્ચવાના?’
મિલાવટ અને એની અસર
FSSAIના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ અનુસાર આ પ્રકારની મિલાવટ જોવા મળે છે...
૧. ઇન્ડસ્ટ્રિયલ ડાય - ઓરેમાઇન-ઓ જે ચામડા અને કપડાં પર વાપરવામાં આવે છે એનો ઉપયોગ ચણાને શેકવામાં કરવામાં આવે છે જેથી એ દેખાવમાં ચમકતા સોનેરી લાગે.
૨. યુરિયા અને ડિટર્જન્ટ અને સલ્ફ્યુરિક ઍસિડને ફૅટ અને પ્રોટીન સાથે ભેળવીને સિન્થેટિક ડેરી પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
૩. હળદર અને મરચાંના પાઉડરમાં લેડ ક્રોમેટ અને ઈંટનો ભૂકો ઉમેરવામાં આવે છે જે લાંબા સમયે ઑર્ગન ફેલ્યર કે કૅન્સર જેવા રોગોનું કારક સાબિત થતો હોય છે.
ખોરાકમાં જ્યારે ભેળસેળ હોય ત્યારે એ શરીરનાં ક્યાં તંત્રો પર અસર કરે છે એ જણાવતાં લિવર ન્યુટ્રિશનિસ્ટ હિતેશી ધામી શાહ કહે છે, ‘ભેળસેળવાળો ખોરાક વ્યક્તિના મગજ, લિવર, કિડની, પેટ અને હૃદય આ પાંચેય અંગોનાં તંત્રો પર અસર કરે છે. વ્યક્તિને એને સંબંધિત ઘણા રોગો થવાનું રિસ્ક વધે છે. ખોરાકમાં ભેળસેળને કારણે પેટના રોગોમાં ઇન્ફેક્શન ખાસ કરીને એચ-પાયલોરી કે LBS જોવા મળી શકે છે. કેમિકલ ડાયને કારણે લિવરના કોષો ડૅમેજ થઈ જાય છે. ઘણી ડાય, કેમિકલયુક્ત કલર અને અમુક પ્રકારનાં પ્રિઝર્વેટિવ્ઝ જેમને માન્ય નથી કરવામાં આવ્યાં છતાં એનો ઉપયોગ થાય છે એ કૅન્સરના કારક સાબિત થાય છે. એટલે જ જ્યારે તમે ખાદ્ય પદાર્થોનાં પૅકેટ ખરીદો ત્યારે FSSAI, AGMARK કે BIS સર્ટિફિકેટનો સ્ટૅમ્પ છે કે નહીં એ ચોક્કસ તપાસવું.

આપણી ભોજનની પ્લેટમાં આપણે ઓળખતાં પણ ન હોઈએ એવાં પ્રિઝર્વેટિવ્સ, કેમિકલ્સ અને ફ્લેવર એન્હૅન્સર્સ હોય છે.
ઑર્ગેનિક જ છે મુખ્ય ઉપાય
તો શું ઑર્ગેનિક પ્રોડક્ટ્સ ખરેખર ઑર્ગેનિક છે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. એનો જવાબ આપતા સંજય ઇન્દાણી કહે છે, ‘ઑર્ગેનિક ફાર્મિંગ જેને જૈવિક ખેતી કહે છે એ ખોરાકમાં ભળતા દૂષણનું એકમાત્ર સૉલ્યુશન છે. લોકોને લાગે છે કે સંપૂર્ણપણે ઑર્ગેનિક બનવું શક્ય નથી, પણ સિક્કિમ જેવા રાજ્યે કરી બતાવ્યું છે કે એ શક્ય છે. છેલ્લાં ૧૦ વર્ષથી આખું રાજ્ય ફક્ત ને ફક્ત જૈવિક ખેતી કરે છે. કેમિકલવાળાં ખાતરો કે જંતુનાશક દવાઓ તમે રાજ્યમાં રાખશો જ નહીં તો ધરતી આપોઆપ પ્રદૂષણમુક્ત બનશે. આ કાર્ય કઠિન છે પણ સાધ્ય છે એવું સિક્કિમે સાબિત કર્યું છે. બીજાં રાજ્યોએ પણ પોતાનો પ્રયાસ કરવો જોઈએ. બાકી રહી વાત ભરોસાની તો ઘણા ઑથેન્ટિક સર્ટિફિકેશન છે જેના પર વિશ્વાસ કરી શકાય છે. સરકારી વેબસાઇટ કે પોર્ટલ પરથી વિશ્વાસપાત્ર ઑર્ગેનિક સર્ટિફિકેશનનાં નામ મળી જશે. જ્યારે પણ વધુ પૈસા આપીને ઑર્ગેનિક ખરીદો એ પહેલાં જરૂરી છે કે એક વખત સર્ટિફિકેટ તપાસીને જ ખરીદો.’
