ફૅટ વધુ હોય તો એને ઓગાળવા એક્સરસાઇઝ કરવી પડે છે. આમ અમારું કામ વ્યક્તિના શરીરમાં બૅલૅન્સ સ્થાપવાનું હોય છે જે સ્થપાય તો ફૅટ લૉસ, ઇંચ લૉસ એની મેળે થાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
લોકોને લાગે છે કે વજનકાંટો તેમના હેલ્થનો માપદંડ છે, પણ એ સાવ ખોટી વાત છે. એ હકીકત છે કે આપણા શરીરમાં જામી જતી ફૅટ્સ આપણને બીમાર કરી શકે છે અને આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે, પરંતુ આપણે જે વજનકાંટા પર ઊભા રહીને વજન માપીએ છીએ એ વજન ઊતરવાથી આપણે સ્વસ્થ થવાના નથી. આજકાલ જેટલા પણ ડાયટિશ્યન છે તેઓ વજનકાંટાનો ઉપયોગ કરતા નથી. અમારી પાસે શરીરનું બંધારણ જાણી શકાય એવું એક મશીન હોય છે. એમાં શરીરમાં ફૅટનો ભાગ કેટલો છે, પેટ પર જામેલી ફૅટ કેટલી છે, સ્નાયુઓ કેટલા સશક્ત છે, પાણીની કમી છે કે નહીં જેવી બીજી ઘણી માહિતી મળે છે. એના પરથી અમે એવો ચાર્ટ બનાવીએ છીએ કે શરીરમાં ઉપર-નીચે થયેલાં પરિમાણો બધાં બૅલૅન્સ થઈ જાય. ખોરાકથી આ બૅલૅન્સ શક્ય બને છે. આ સિવાય અમુક બાબતોની કાળજી રાખવી પડે છે. ફૅટ વધુ હોય તો એને ઓગાળવા એક્સરસાઇઝ કરવી પડે છે. આમ અમારું કામ વ્યક્તિના શરીરમાં બૅલૅન્સ સ્થાપવાનું હોય છે જે સ્થપાય તો ફૅટ લૉસ, ઇંચ લૉસ એની મેળે થાય છે.
વજનકાંટા પર જ્યારે આપણે પાંચ કિલો ઓછું થયેલું વજન જોઈએ છીએ ત્યારે જરૂરી નથી કે શરીરમાંથી પાંચ કિલો ફૅટ જ ઓછી થઈ છે. મોટા ભાગે જે લોકો ભૂખ્યા રહીને કે તેમની ડાયટમાંથી કાર્બ્સ ઘટાડીને ખોરાક લે છે કે જેઓ અતિ ડીટોક્સ ડાયટ કરે છે તેમની ફૅટ કરતાં સ્નાયુઓનો લૉસ વધુ થાય છે. વળી આ લોકો સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ પણ લેતા નથી એટલે તેમના સ્નાયુઓ બિલ્ડ થતા નથી. પ્રોટીનની માત્રા ઓછી હોય તો પણ મસલલૉસ થાય છે. આમ હાનિકારક ફૅટ્સ તો ઘટી જ નથી, પરંતુ ઊલટું મસલલૉસ થયું હોય અને એવા લોકો ખુશ થતા હોય કે મારું વજન ઘટી ગયું. વજનમાં મસલ ઘટ્યા છે જે સારું ન કહેવાય એ સમજવું જરૂરી છે. બીજું એ કે ઘણી વખત કોઈ વ્યક્તિ જાડી ન હોય તો તે માને છે કે તે સ્વસ્થ છે, પરંતુ તેના શરીરમાં ફૅટ્સ જમા હોય એમ બને. એટલે ફક્ત કાંટાને જોઈને નક્કી ન કરો કે તમે હેલ્ધી છો કે નહીં? ઘણી વખત એવું પણ હોય કે વ્યક્તિના શરીરમાં ફૅટ્સ ઓછી હોય, પરંતુ પાણીનો ભરાવો એટલો થતો હોય કે તેનું વજન વધુ બતાવે. આમ તમારું વજન ઘણી જુદી-જુદી બાબતો દર્શાવે છે. તમારે વજન ઘટાડવું છે તો નૉર્મલ સ્કેલનો ઉપયોગ રહેવા દો. એ તમને જે આંકડો દેખાડે છે એને હેલ્થ સાથે કોઈ સીધો સંબંધ નથી. ખરેખર હેલ્ધી થવું છે, વેઇટલૉસ કરવું છે તો થોડો ઊંડાણપૂર્વકનો અભિગમ કેળવવો પડશે.
ADVERTISEMENT
-કેજલ શાહ


