આ દરદીને સ્વિમિંગ, સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટીમાં પળોટતી વખતે ધ્યાન રાખવું. તેના ખિસ્સામાં હંમેશાં જરૂરી દવા અને આ રોગની ચિઠ્ઠી રાખવી.
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
આ સવાલ વિશે આપણે સૌએ વિચારવું જરૂરી છે. જેમ હૃદયની તકલીફ માટે તરત સહાય માગવામાં છોછ નથી તો મગજની બીમારી માટે શા માટે હોવો જોઈએ? એને સામાજિક પ્રૉબ્લેમ બનાવવાને બદલે મેડિકલ પ્રૉબ્લેમ તરીકે જ ટ્રીટ કરવામાં આવે તો અને યોગ્ય તેમ જ સમયસરની સારવાર મળે તો આ રોગ ક્યૉરેબલ છે
થોડાક સમય પહેલાં જ નવ વર્ષની એક છોકરીને મેંદીની સ્મેલથી આંચકીનો હુમલો આવ્યો અને સોશ્યલ ફંક્શનમાં જ તેની આ સમસ્યા ચર્ચાસ્પદ બની ગઈ. એક આંકડા મુજબ ૭૦ ટકાથી વધુ દરદીઓને એપિલેપ્સીનો હુમલો આવે છે ત્યારે હાજર લોકો એ વાતનું વતેસર બનાવે છે. અચાનક કોઈ વ્યક્તિનું શરીર કડક થઈને પડી જાય, દાંત કચકચાવવા લાગે, અર્ધબેભાનઅવસ્થામાં આવી જાય ત્યારે જૂતું સુંઘાડીને તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ધારો કે કોઈ દરદીની વાઈની સારવાર ચાલતી પણ હોય તોય એને છુપાવવામાં આવે છે કેમ કે એવું મનાય છે કે લોકોને ખબર પડશે તો તેને માનસિક રોગી ગણશે. આ જ કારણોસર આ રોગનો ઇલાજ કરાવતી વખતે પણ લોકો એનો સ્વીકાર નથી કરી શકતા. મોટા ભાગે બાલ્યાવસ્થાથી જ એપિલેપ્સીની તકલીફ શરૂ થતી હોવાથી બાળકોના અપબ્રિન્ગિંગ દરમ્યાન આ રોગને જો મૅચ્યોરલી હૅન્ડલ ન કરવામાં આવે તો અનેક સમસ્યાઓ લઈને આવી શકે છે. છેલ્લા એક-દોઢ દાયકામાં એપિલેપ્સી વિશે ઘણી જાગૃતિ આવી છે પણ એ હજી જોઈએ એટલી નથી. એ વિશે વાત કરતાં હિન્દુજા હૉસ્પિટલનાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ અને એપિલેપ્સીમાં નિષ્ણાત ડૉ. નીલુ દેસાઈ કહે છે, ‘બાળકોમાં આ રોગ વધુ જોવા મળે છે અને હજીયે એવું મનાય છે કે એપિલેપ્સી ક્યૉરેબલ નથી. બીજું, આ માનસિક રોગ નથી પરંતુ જો એની સારવાર યોગ્ય સમયે શરૂ ન કરવામાં આવે તો એની વ્યક્તિના બિહેવિયર પર અસર પડી શકે છે. મતલબ કે બને એટલું વહેલું બાળકની આ સમસ્યાનું નિદાન કરીને એની સારવાર શરૂ કરવી જોઈએ. જો બાળકને લાંબી અને વારંવાર ફીટના હુમલા આવે તો એ મગજને લાંબા ગાળા માટે ડૅમેજ કરી શકે છે. જેમ આ એક હકીકત છે એવી જ બીજી હકીકત એ છે કે જો એપિલેપ્સીના હુમલાનું યોગ્ય નિદાન થઈ જાય તો ૭૦થી ૮૦ ટકા દરદીઓ બેથી ત્રણ વર્ષમાં ક્યૉર થઈ જાય છે અને તેમણે એ પછી થોડીક કાળજી રાખવાની હોય છે અને માઇલ્ડ દવાના ડોઝ લેવાના હોય છે. ’
ADVERTISEMENT
કેમ થાય છે?
શરીરના સંચાલનનું હેડક્વૉર્ટર છે મગજ. આપણું શરીર કંઈ પણ કામ કરી શકે છે. એ બધું જ મગજ દ્વારા કન્ટ્રોલ થાય છે. એ કન્ટ્રોલ માટે મગજ અને શરીરના વિવિધ ભાગોને જોડતી ચેતાઓ હોય છે જેને આપણે નર્વ્સ સિસ્ટમ કહીએ છીએ. તમને પગમાં ટાંચણી ખૂંચે તો તરત જ તમે પગ હટાવી લો છો. આ કામ પણ મગજમાંથી આવેલા સંદેશાને કારણે થઈ શકે છે. હવે સમજીએ એપિલેપ્સીમાં શું થાય એ. મગજ કરોડો કોષોનું બનેલું છે. આ કોષોમાંથી વીજળીના કરન્ટ જેવી ઊર્જા સતત વહેતી રહે છે જે મગજમાંથી શરીરના વિવિધ ભાગો સુધી સંદેશા લાવવા અને લઈ જવાનું કામ કરે છે. મગજની તમામ કામગીરીનું નિયંત્રણ ઇલેક્ટ્રિક કરન્ટ દ્વારા થાય છે. આ સંદેશાવહનની લેવડ-દેવડનું કામ જે પાથવે દ્વારા થાય છે એને ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે કહે છે. જ્યારે આ પાથવેમાં કંઈક અડચણ ઊભી થાય કે ખરાબી થાય ત્યારે એપિલેપ્સીના હુમલા આવી શકે છે. નવજાત શિશુમાં મગજના વિકાસમાં ખામી, જન્મ સમયે ઑક્સિજનની કમી, અમુક-તમુક મિનરલ્સની કમી, મેટાબૉલિક પ્રૉબ્લેમ, મગજમાં ઇન્ફેક્શન, મગજનો તાવ કે માથામાં થતી બ્રેઇન ઇન્જરી જેવાં કારણોને કારણે આંચકીના હુમલા આવી શકે છે. જો પહેલી વાર આંચકીનો હુમલો આવે ત્યારે જ તરત નિદાન અને સારવાર શરૂ થાય તો એના ક્યૉર થવાના ચાન્સિસ વધી જાય છે.
આ પણ વાંચો: ઑલ્ઝાઇમર્સનો ઇલાજ કેટલો અસરકારક?
સારવારના વિકલ્પો શું?
એપિલેપ્સીમાં દરેક દરદીનાં લક્ષણો એકસરખાં નથી હોતાં. દરેક માટે ટ્રિગર પૉઇન્ટ જુદો હોય છે અને વાઈ આવે ત્યારે લક્ષણોમાં પણ વેરિએશન હોય છે. એપિલેપ્સીના હુમલા કેમ આવે છે એના નિદાન પર તેમની સારવારનો આધાર છે એમ જણાવતાં ડૉ. નીલુ દેસાઈ કહે છે, ‘દરેક દરદીનો ઇલાજ જુદો હોય છે. મગજમાં કયા ભાગમાં શું તકલીફ છે જેને કારણે ફીટના હુમલા આવે છે એના આધારે સારવાર નક્કી થઈ શકે. પણ આગળ કહ્યું એમ ૭૦ ટકા દરદીઓ જો પ્રૉપર સારવાર લે તો ત્રણ-ચાર વર્ષમાં જ રોગ પર કાબૂ આવી જાય છે. બાકીના ૩૦ ટકા કેસમાં સર્જરીની મદદ લઈ શકાય. સર્જરી બધા માટે નથી. કઈ સમસ્યા છે, કોઈ નળીમાં બ્લૉકેજ છે કે સિગ્નલમાં પ્રૉબ્લેમ છે એ સમજવા માટે કેટલીક ટેસ્ટ કર્યા બાદ સર્જરી થઈ શકે કે કેમ એ નક્કી થાય. અત્યારે લોકોમાં એ જ જાગૃતિની જરૂર છે કે સારવાર ઘણી ઉપલબ્ધ છે, પણ આ તો ક્યૉરેબલ નથી એમ માનીને જે દરદીઓ મેડિકલ ટ્રીટમેન્ટ નથી લેતા તેમનો કેસ કૉમ્પ્લિકેટ થઈ જાય છે.’
ન્યુરો સ્ટિમ્યુલેશન શક્ય છે
કેટલાક કેસમાં મગજની ચોક્કસ ચેતાઓની સંવેદના વહનની ક્રિયાને બહારથી સ્ટિમ્યુલેટ કરી શકાય એવી સારવાર પણ અકસીર બની રહી છે એની વાત કરતાં ડૉ. નીલુ દેસાઈ કહે છે, ‘મગજની ચેતાઓ વચ્ચેના સંદેશાવહનની ખોરવાયેલી ક્રિયાને સ્ટિમ્યુલેટ કરવા માટે ઇલેક્ટ્રોડ્સ દ્વારા એને પ્રમોટ કરવાની પ્રક્રિયા પણ થઈ શકે છે. એ માટે ગળા પાસે એક ઇમ્પ્લાન્ટ જેવું કરવામાં આવે છે જે મગજની અંદર નર્વ્સની કમ્યુનિકેશન ક્ષમતા ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત હવે લેસર દ્વારા ડૅમેજ નર્વને બાળીને પણ સારવાર થઈ શકે એની પર
અભ્યાસો થઈ રહ્યા છે, પરંતુ આ ટ્રીટમેન્ટ હજી બધી જ હૉસ્પિટલોમાં મળી નથી રહી.’
એપિલેપ્સીમાં શું કરવાનું?
જો બાળકને વાઈની તકલીફ હોય તો પેરન્ટ્સે જાગૃત થવાની બહુ જરૂર છે એની વાત કરતાં ડૉ. નીલુ કહે છે, ‘મેડિકેશન નિયમિતપણે ભૂલ્યા વિના અપાય, બાળકને સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ મળે, સ્ટ્રેસ ન અનુભવાય અને જો વાઈ માટેનો કોઈ ટ્રિગર પૉઇન્ટ હોય તો એ માટે કાળજી રાખવામાં આવે એ જરૂરી છે. દવાના ડોઝમાં જાતે કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનું ડહાપણ દરદી માટે જોખમી થઈ શકે છે એટલું યાદ રાખવું.’
ટ્રિગર પૉઇન્ટ્સ શું?
તીવ્ર સ્મેલ : મેંદી, પેટ્રોલ, બ્લીચ, ગ્લુ, ચોક્કસ પરફ્યુમ, પેસ્ટ કન્ટ્રોલ કે જંતુનાશક દવાઓની તીવ્ર સ્મેલ.
સાઉન્ડ : લાઉડ અવાજ કે ચોક્કસ પ્રકારનું મ્યુઝિક પણ વાઈ ટ્રિગર કરી શકે છે.
ઍલર્જિક દવાઓ
વિઝ્યુઅલ પૅટર્ન્સ : ઇલ્યુઝન પેદા કરતી ભૌમિતિક પૅટર્નને સતત જોયા કરવાથી પણ ટ્રિગર થઈ શકે છે.

