આજે અહીં એવી કેટલીક ટિપ્સ વિશે વાત કરીએ જેને અપનાવીને તમે ગરમીમાં થતી આ સમસ્યામાંથી ચોક્કસ છુટકારો મેળવી શકો છો
પ્રતીકાત્મક તસવીર
શું તમને પણ ઉનાળાની સીઝનમાં આંખોમાં ડ્રાયનેસની સમસ્યા વધી જાય છે? આંખો લાલ થઈ જવી, આંખમાં ખંજવાળ આવવી, આંખોમાં બળતરા થવી, આંખોમાં પાણી આવવું વગેરે જેવાં લક્ષણો અનુભવાય છે? આનું કારણ છે તડકો, પરસેવો, ધૂળ, પ્રદૂષણ; જેનાથી તમે તમારી આંખોને બચાવતા નથી. આજે અહીં એવી કેટલીક ટિપ્સ વિશે વાત કરીએ જેને અપનાવીને તમે ગરમીમાં થતી આ સમસ્યામાંથી ચોક્કસ છુટકારો મેળવી શકો છો
ગરમીમાં આપણે ચહેરાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ, પણ આંખોની સંભાળ લેવાનું ચૂકી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે ગરમી આપણી કોમળ આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે ઉનાળામાં આંખોમાં ડ્રાયનેસની સમસ્યા વણસી જતી હોય છે. આંખમાં રેડનેસ, ઇરિટેશન વગેરે જેવી સમસ્યા વધુ જોવા મળતી હોય છે. આ સમસ્યા થવા પાછળ સૂર્યનાં તેજ કિરણો, પરસેવો, પ્રદૂષણ, ધૂળ વગેરે જેવાં અનેક પર્યાવરણીય પરિબળો જવાબદાર હોય છે. એટલે ઉનાળામાં કેટલીક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખીને આપણે આપણી આંખોના સ્વાસ્થ્યને જાળવી શકીએ છીએ. ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. વૈશાલ કેનિયા સાથેની વાતચીતના આધારે આંખોની સમસ્યાઓ અેનાં સૉલ્યુશન્સ વિશે સમજીએ.
ADVERTISEMENT
ડ્રાયનેસની સમસ્યા
ઉનાળામાં સૌથી વધુ જોવા મળતી કોઈ સમસ્યા હોય તો એ ડ્રાયનેસની સમસ્યા છે. છેલ્લાં અમુક વર્ષોથી લોકોમાં અગાઉની સરખામણીમાં ડ્રાય આઇઝની સમસ્યાનું પ્રમાણ વધ્યું છે. એમાં પણ ઉનાળામાં આ સમસ્યા વધુ વકરતી હોય છે. આંખમાં અશ્રુનું પ્રમાણ તો બરાબર જ બનતું હોય છે, પણ એનું બાષ્પીભવન ઝડપથી થઈ જાય છે એટલે આંખ સૂકી થઈ જાય છે. જેમ કોઈ પણ મશીન હોય એમાં ઑઇલ કે લુબ્રિકેશન બરાબર ન હોય તો એ બરાબર ન ચાલે એ જ રીતે આંખમાં લુબ્રિકેશન ન હોય તો એમાં ફ્રિક્શન આવવાથી આંખ લાલ થઈ જાય, એમાં ખંજવાળ આવે, આંખમાંથી પાણી આવે વગેરે જેવી સમસ્યા થાય છે.
ઇરિટેશન-ઍલર્જીનું જોખમ
ઉનાળામાં આંખ લાલ થવાની અને આંખમાંથી આંસુ આવવાની તકલીફ પણ સામાન્ય રીતે થતી હોય છે. ઉનાળામાં તડકો, ધૂળ, પ્રદૂષણનું પ્રમાણ પણ વધુ હોય છે. એને કારણે આંખમાં ઇરિટેશન થાય છે. આંખમાં ખંજવાળ આવે અને આંસુ નીકળે છે. કેટલાક લોકોને ધૂળને કારણે આંખોમાં ઍલર્જી થતી હોય છે. ઍલર્જીના કારણે પણ આંખ લાલ થઈ જાય, ખૂબ ખંજવાળ આવે. હવે ઘણી વાર એવું થાય કે આંખ લાલ થઈ જાય એટલે લોકો એને ઍલર્જી સમજી બેસે, પણ વાસ્તવિકતામાં તેમને ફક્ત ઇરિટેશન જ થયું હોય. ઉનાળામાં ઍલર્જીને કારણે આંખ લાલ થવાનું પ્રમાણ ઓછું હોય છે. મોટા ભાગના કેસમાં આંખમાં ઇરિટેશનને કારણે જ આંખ લાલ થતી હોય છે.
પરસેવાથી ઇન્ફેક્શન
ગરમીમાં હાઇજીનનું ધ્યાન ન રાખવાને કારણે પણ આંખોમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે. ઉનાળામાં પરસેવો વધુ થતો હોય છે. એટલે આંખનું બૅક્ટેરિયાના સંપર્કમાં આવવાનું જોખમ વધી જાય છે. એમાં જો આપણે ગંદા હાથ આંખોમાં ઘસી નાખીએ તો ઇન્ફેક્શન થતાં વાર લાગતી નથી. એવી જ રીતે આંખમાં ડ્રાયનેસ, સીઝનલ ઍલર્જીની સમસ્યા હોય તો આંખમાં ચળ આવે. આંખમાં ચળ આવે એટલે તરત આપણે ગમેતેવા હાથે આંખને ચોળવાનું ચાલુ કરી દઈએ. આપણે ધ્યાન આપતા નથી કે આપણા હાથ સ્વચ્છ છે કે નહીં. તો એને કારણે આંખમાં ઇન્ફેક્શન થઈ જતું હોય છે. એટલે આંખોને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે.
સનબર્ન પણ થઈ શકે
ઉનાળામાં સનબર્નની સમસ્યા પણ કેટલાકને જોવા મળતી હોય છે. આપણી આંખ સૂર્યમાંથી નીકળતાં અલ્ટ્રા-વાયલેટ કિરણો એટલે કે UV રેઝના વધુ પડતા સંપર્કમાં આવી જાય ત્યારે આ સમસ્યા સર્જાય છે. આ કન્ડિશનને ફોટોકેરાટાઇટિસ કહેવાય છે. લાંબા સમય સુધી દરરોજ તમારી આંખો (ખાસ કરીને કૉર્નિયા) UV રેઝના સંપર્કમાં આવતી હોય ત્યારે આઇ સનબર્ન થાય છે. એમાં આંખોમાં રેડનેસ આવી જાય, આંખો દુખે, ઝાંખું દેખાય વગેરે જેવાં લક્ષણો દેખાય. આવી સ્થિતિમાં આંખોને UV કિરણોથી બચાવવાની અને તડકામાં બહાર જતી વખતે સનગ્લાસિસ વાપરવાની સલાહ આપવામાં આવતી હોય છે.
AC-લૅપટૉપની અસર
બદલાતા હવામાન અને આપણી જીવનશૈલીની અસર પણ આપણી આંખોના સ્વાસ્થ્ય પર થતી હોય છે. વધતી જતી ગરમી વચ્ચે આપણાં ઘરો-ઑફિસોમાં ACનો ઉપયોગ વધી ગયો છે. સામાન્ય રીતે ACમાં આપણી ત્વચા સુકાઈ જતી હોય છે. AC આપણે ઠંડક તો આપે છે પણ શરીરને એ એકદમ ડીહાઇડ્રેટ કરી નાખે છે. ACમાં લાંબો વખત બેસી રહેવાથી આંખોમાં શુષ્કતા આવી જાય છે. ઉપરથી હવે આજકાલ આપણે લૅપટૉપ, મોબાઇલનો ઉપયોગ વધારી દીધો છે. સ્ક્રીન સામે જોવામાં લોકો એટલા મશગૂલ હોય કે આંખો ઝપકાવવાનું ભૂલી જાય. એટલે એને કારણે પણ ડ્રાયનેસની સમસ્યા થાય છે. એમાં પણ ઉનાળામાં લોકો બહાર નીકળવાને બદલે ઘરે રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. એવામાં સ્ક્રીન-ટાઇમ હજી વધી જાય. એટલે સમસ્યા વધુ વણસે છે.
કઈ રીતે કાળજી રાખશો?
ઉનાળામાં જ્યાં તાપમાન વધવાનું છે, ACનો ઉપયોગ વધવાનો છે, ઘરે બેસીને સ્ક્રીન-ટાઇમ વધવાનો છે એટલે એમાં આંખ ડ્રાય થવાની સમસ્યા વધવાની જ છે. તડકો, ધૂળ, પ્રદૂષણ, પરસેવો વગેરેથી આંખોમાં ઇન્ફેક્શન થવાનું જોખમ વધવાનું છે. આવી સ્થિતિમાં આપણે રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુનું ધ્યાન રાખીએ તો એનાથી ચોક્કસ ફાયદો મળી શકે.
- સૌથી પહેલાં તો શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ એટલે કે આખા દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.
ડ્રાયનેસની સમસ્યા રહેતી હોય તો આંખમાં લુબ્રિકેટિંગ ડ્રૉપ્સ નાખવાં જરૂરી છે. આ ડ્રૉપ્સ માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તમે એ ખરીદીને ઉપયોગમાં લઈ શકો. દિવસમાં ચાર વાર એક ટીપું નાખવું જોઈએ.
આંખને હાનિકારક કિરણોથી બચાવવા માટે બપોરે તડકામાં બહાર જતી વખતે UV કિરણો સામે રક્ષણ આપે એવા સનગ્લાસિસ પહેરીને જ બહાર નીકળવું જોઈએ. સાથે જ આંખોને છાયડો મળી રહે એ માટે ટોપી, સ્કાર્ફ કે છત્રીનો ઉપયોગ કરી શકો.
આંખને હાથેથી ચોળવાનું ટાળવું જોઈએ, કારણ કે એ આંખમાં ઇરિટેશન વધારીને ઇન્ફેક્શનનું જોખમ વધારી શકે છે. જો તમને એમ લાગે કે આંખમાં ખૂબ ચળ આવી રહી છે અને હાથ લગાડવો જ પડશે તો પહેલાં હાથને સાફ પાણીથી ધોઈને પછી જ સ્પર્શ કરવો જોઈએ.
જો તમારો સ્ક્રીન-ટાઇમ વધારે હોય તો એને ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એકધારું સ્ક્રીનને જોયા કરવા કરતાં વચ્ચે-વચ્ચે આંખને ઝપકાવતા રહેવું જોઈએ. દર ૨૦ મિનિટે થોડો બ્રેક લેવો જોઈએ.
આ અમુક બેઝિક વસ્તુઓ છે જે ફૉલો કરવાથી ઘણાખરા અંશે આંખોની અનેક સમસ્યા ઉકેલાઈ જશે. જોકે અહીં એ વસ્તુનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે ઉનાળામાં આંખમાં પ્રૉબ્લેમ વધી જાય; જેમ કે આંખ લાલ થઈ જાય, આંખમાં ખંજવાળ આવે, આંખમાં કશુંક ખૂંચ્યા કરતું હોય એવું લાગે. ઘણા લોકો આ બધાં લક્ષણો પ્રત્યે વધુ ધ્યાન આપતા નથી, ડૉક્ટર પાસે જઈને યોગ્ય નિદાન કર્યા વગર ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી ડ્રૉપ્સ લઈને એ વાપરવાનું શરૂ કરી દે છે. એમાં ઘણી વાર સમસ્યા હોય કંઈક અને સારવાર લેતા હોય બીજી, પરિણામે ઘણી વાર આંખની અન્ય કોઈ ગંભીર સમસ્યા થઈ જતી હોય છે.

