ગર્ભાવસ્થા દરમ્યાન ૮૦ ટકા મહિલાઓને ‘બ્રેઇન ફૉગ’ ફીલ થાય છે એવું સ્પેનની યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે.
પ્રતીકાત્મક તસવીર
ગર્ભાવસ્થા દરમ્યાન ૮૦ ટકા મહિલાઓને ‘બ્રેઇન ફૉગ’ ફીલ થાય છે એવું સ્પેનની યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે. ૨૦૦૮માં પહેલી વાર આ બાબત નોંધાઈ હતી અને એ પછી એના પર સઘન અભ્યાસો થયા છે. છતાં આ બાબતે હજી બેમત છે. કેટલાક કહે છે કે ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓમાં ભુલક્કડપણું વધે છે તથા નિર્ણય લેવાની અને વિચારવાની ચપળતા ઘટી જાય છે. સારા સમાચાર એ છે કે આ કાયમી અવસ્થા નથી. ચાલો જાણીએ કે બેબી બમ્પની સાથે આવતું આ ટેમ્પરરી ફૉગ શું છે.
ન્યુરો-સાયન્સમાં પ્રાણીઓની ગર્ભાવસ્થા દરમ્યાન મગજ પર થતી અસરો પર અઢળક અભ્યાસો થયા છે જે મુજબ પ્રાણીઓના મગજમાં ૫૦થી ૮૦ ટકા સુધી ફેરફાર સાબિત થયા છે. જોકે ૨૦૦૮માં પહેલી વખત નોંધવામાં આવ્યું કે મહિલાઓ પ્રેગ્નન્સી દરમ્યાન ભુલક્કડ થતી જાય છે એટલે કે બ્રેઇન ફૉગ કે પ્રેગ્નન્સી બ્રેઇન જેવી પરિસ્થિતિનો અનુભવ કરે છે. હાલમાં જ સ્પેનની યુનિવર્સિટીના નિષ્ણાતોએ કહ્યું કે ૮૦ ટકા પ્રેગ્નન્ટ મહિલાઓ બ્રેઇન ફૉગ અનુભવે છે જે પ્રસૂતિ એટલે કે ડિલિવરી બાદ પણ બરકરાર રહે છે. બ્રેઇન ફૉગ એ ડિમેન્શિયા કે ઑલ્ઝાઇમર્સ એટલે કે યાદશક્તિની બીમારી નથી થતી, પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન શરીરમાં ચોક્કસ હૉર્મોનલ બદલાવને કારણે મગજ પર અસર થાય છે. છેલ્લાં અમુક વર્ષોમાં આ જ વિષય પર એવું સંશોધન પણ પ્રકાશિત થઈ ચૂક્યું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન શરૂ થયેલું બ્રેઇન ફૉગ જો જીવનભર રહે તો એ મગજની સેહત માટે બહુ સારું છે. જોકે આ સંશોધનો બહોળા પ્રમાણમાં નથી થયાં એટલે કંઈ પણ સચોટ રીતે કહેવું મુશ્કેલ છે. તો શું ન્યુ મધર્સે બ્રેઇન ફૉગ અને ભુલક્કડપણાથી ડરવાની જરૂર છે? એની આડઅસરો શું થઈ શકે અને કેવી રીતે એનાથી બચી શકાય એ નિષ્ણાતો પાસેથી જાણીએ.
ADVERTISEMENT
સામાજિક પરિબળોનું દબાણ
૩૫ વર્ષથી જુહુની ‘મધરકૅર હૉસ્પિટલ’માં પ્રેગ્નન્સીકૅર અને ઇનફર્ટિલિટી નિષ્ણાત ગાયનેકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. કેતકી શેઠ કહે છે, ‘હું મારા અનુભવ પરથી તમને વાત કરું કે આ બ્રેઇન ફૉગ કે પ્રેગ્નન્સી બ્રેઇન કે મોમ્નેસિયા (એમ્નેસિયા શબ્દ પરથી મમ્મીઓની ભૂલવાની આદત માટે બનાવવામાં આવેલો શબ્દ) જેવા શબ્દો હમણાંના છે અને એ પણ વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યાયિત નથી થયા. મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તનાવ કે સ્ટ્રેસ શું કહેવાય એ મહિલાઓને ખબર પણ નહોતી. હું એ જનરેશનની વાત કરી રહી છું જ્યારે પ્રેગ્નન્ટ મહિલાઓ માટે સાસુ કે મમ્મીનો અનુભવ જ વિજ્ઞાન હતું. ત્યારે ગર્ભાવસ્થા એકદમ નૅચરલ પ્રક્રિયા હતી. મહિલાઓ પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેતી અને મનોરંજનનાં વધારે સાધનો પણ નહોતાં. લગ્ન જલદી થઈ જતાં અને ૨૦થી ૨૫ની ઉંમરમાં બાળકો થઈ જતાં. આ સમય એવો હતો કે મહિલાઓ ગર્ભાવસ્થાને એકદમ હળવાશથી મૅનેજ કરતી હતી. હું મારું જ ઉદાહરણ આપું કે મારી ડિલિવરી જે દિવસે થઈ એના કલાકો પહેલાં હું પેશન્ટની ડિલિવરી કરાવી રહી હતી. નો ડાઉટ, આજે મોટા ભાગની મહિલાઓ વર્કિંગ હોય છે, એજ્યુકેટેડ અને સ્માર્ટ છે. ૩૦ પછી જો તેમની ગર્ભાવસ્થા ન આવી હોય તો સોશ્યલ પ્રેશર પણ તેમની માનસિક તાણનું કારણ બને છે. મહિલા મલ્ટિ-ટાસ્કિંગ કરે, સુપરવુમન બને; પરંતુ બિચારા બ્રેઇનની પ્રેશર સહન કરવાની એક મર્યાદા હોય છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે મગજની રચના એવી નથી કે એ એકસાથે હજાર વિચારોને અને એ પણ જુદી-જુદી દિશામાં આવતા વિચારોને સહન કરી શકે. ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓ પહેલેથી જ તનાવમાં હોય છે. આ તનાવમાં ગૂગલ બળતામાં ઘીનું કામ કરે છે. મહિલા પેશન્ટ અન્ય પેશન્ટની ડિલિવરીની સ્ટોરી વાંચીને કે સાંભળીને મને પ્રશ્નો પૂછતી હોય છે કે મારી સાથે આવું થયું તો? અરે ભાઈ, કંઈ નથી થવાનું. જરા પણ શરીરમાં હલચલ થાય તો ગૂગલ તેમનો પહેલો ડૉક્ટર છે જ્યાં ચોક્કસ પરિબળો વગર તારણો લખ્યાં હોય અને મહિલાઓ જાતે જ પોતાની પરિસ્થિતિનું નિદાન કાઢી લે છે.’
વિજ્ઞાન શું કહે છે?
આજે બાર વર્ષનાં બાળકો માનસિક તનાવથી પીડાય છે. તનાવનું વર્ચસ આટલું બધું વધી ગયું છે ત્યારે સ્વાભાવિક રીતે મગજનાં અન્ય ફંક્શન્સ પર અસર થઈ રહી છે એમ જણાવતાં ડૉ. કેતકી કહે છે, ‘ગર્ભાવસ્થામાં મહિલાઓની આ પરિસ્થિતિનું વૈજ્ઞાનિક કારણ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવમાં થતા બદલાવ છે. ગર્ભાવસ્થા દરમ્યાન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે છે અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં આવતા બદલાવને કારણે પૂરતું નથી હોતું. બાળકની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આખું શરીર ઍડ્જસ્ટ થતું હોય છે. જેમ કે લિગામેન્ટ અને હાડકાં થોડાં ઢીલાં થાય છે જેથી ગર્ભાશયને પૂરતી જગ્યા મળી રહે. અન્નનળી, કિડની, આંતરડાં દરેક અંગ રિલૅક્સ એટલે કે ગર્ભ પ્રમાણે ઍડ્જસ્ટ થાય છે. આ બધા બદલાવને કારણે મગજમાં ટેમ્પરરી બદલાવ આવે છે. એમાં ગર્ભવતી મહિલાઓની યાદશક્તિ નબળી થતી હોય છે અથવા તો કહી શકાય કે અમુક વાતો પર ધ્યાન ઓછું રહે છે જેથી ભૂલી જાય છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં મૂડસ્વિંગ, નોસિયા-વૉમિટિંગ થતું હોય છે તો એ પરિસ્થિતિ પણ તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરે છે. ચોથા મહિનાથી આઠમા મહિનાને ગર્ભાવસ્થાનો સારો સમય કહેવાય છે. છેલ્લા મહિનામાં ફરી પાછું ડિસકમ્ફર્ટ શરૂ થાય છે એટલે ડિલિવરી પછી હૉર્મોન્સનું પ્રમાણ ફરી બદલાય છે જે થોડા સમયમાં સામાન્ય થઈ જાય છે.’
સાઇકોલૉજી શું કહે છે?
જ્યારે હૉર્મોન્સનું પ્રમાણ સામાન્ય થઈ જાય તો બ્રેઇન ફૉગ દૂર થઈ જવો જોઈએ. એને બદલે એની અસર લંબાઈ રહી છે એનું કારણ શું હોઈ શકે? સ્વામીનારાયણ ક્લિનિકમાં અસિસ્ટન્ટ ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તરીકે કામ કરતાં કનિષ્કા વરિયાવા કહે છે, ‘બ્રેઇન ફૉગનાં કારણો હજી સચોટ રીતે ડૉક્યુમેન્ટ નથી થયાં. જો મમ્મીઓ બ્રેઇન ફૉગ અનુભવે છે એટલે કે વસ્તુઓ ભૂલી જાય છે તો એનાં અમુક વૈજ્ઞાનિક કારણો હોઈ શકે છે. હૉર્મોનનો બદલાવ દેખીતું કારણ છે, પરંતુ ડિલિવરી બાદ અચાનક નાટકીય રીતે આ હૉર્મોનના પ્રમાણમાં વધ-ઘટ થતી હોય છે. આ હૉર્મોનને સામાન્ય લેવલ પર આવતાં બે-ત્રણ મહિના લાગી જતા હોય છે. અન્ય કારણ જેના પર સંશોધન હજી ઓછાં થયાં છે એમાં એમ કહેવામાં આવે છે કે મગજમાં લિમ્બિક સિસ્ટમ હોય છે જે બિહેવિયરલ અને ઇમોશનલ રિસ્પૉન્સ માટે જવાબદાર હોય છે. આ સિસ્ટમ હસવું, રડવું, ગુસ્સે થવું જેવી લાગણીઓનું ધ્યાન રાખતી હોય છે. ડિલિવરી બાદ આ સિસ્ટમ વધારે સક્રિય થઈ જાય છે અને એ વધારે કામ કરવા લાગે છે. એમાં બાળક માતાની પ્રાથમિકતા બની જાય છે અને તેનું ધ્યાન માત્ર બાળક પર કેન્દ્રિત રહે છે. મગજના ફ્રન્ટલ લોબનું ફંક્શન ઓછું થઈ જાય છે જે દિવસભરના નાના-નાના નિર્ણયો માટે કામ કરતું હોય છે.’ એકદમ સાદી ભાષામાં આ પરિસ્થિતિને સમજાવતાં કનિષ્કા કહે છે, ‘પ્રેગ્નન્સી બ્રેઇનને કારણે મમ્મી અને બાળકના સંબંધમાં કોઈ તિરાડ નથી આવતી. કુદરતી રીતે માતા-બાળક જેટલી મજબૂત લાગણીથી જોડાવાં જોઈએ એ જોડાણ અકબંધ રહે છે. સરળ રીતે સમજાવું તો માનો કે બપોરે ચોક્કસ સમયે કુકર ચડાવવાનું છે, તમે ચડાવી દીધું. એટલામાં તમારા બાળકનો રડવાનો અવાજ આવ્યો તો તમારી ત્વરિત પ્રતિક્રિયા બાળક પાસે દોડી જવાની હોય છે. જ્યારે તમે અન્ય પરિસ્થિતિમાં આવી જ રીતે કોઈ કારણસર કુકર ચડાવીને રસોડામાંથી બહાર જવાનું થાય તો પહેલાં કુકરનો ગૅસ બંધ કરીને કે ધીમો કરીને જશો. ડિલિવરી પછી વૉશિંગ મશીનમાંથી કપડાં લેવાનું ભૂલી ગયા કે બચ્ચાનું ડાયપર બદલવાનું ભૂલી ગયા જેવા સામાન્ય નિર્ણયો પર અસર થાય છે. ડિસિઝન લેવાના મગજના ભાગ પર ઇમોશનલ મગજનો ભાગ હાવી થઈ જાય છે. ડિલિવરી બાદ ન્યુ મધર્સની ઊંઘ પૂરી નથી થતી હોતી. અમુક સમય બાદ પણ તમને આ રોજિંદાં કામ યાદ ન રહે તો તમે પોતાને જ પ્રશ્નો પૂછવા લાગો કે હજી પણ કેમ યાદ નથી રહેતું? એને કારણે તમારો મૂડ પણ ખરાબ થઈ શકે અને શક્યતઃ ઘરના સભ્યો કદાચ તમને સમજી ન શકે. આ પરિસ્થિતિમાં તમે રિમાઇન્ડર કે અલાર્મનો ઉપયોગ કરી શકો છો. આ પરિસ્થિતિ એટલી ગંભીર નથી, પરંતુ જો ત્રણને બદલે છ મહિના સુધી એ લંબાય તો તમારે ચિંતા કરવાની જરૂર પડે અને નિષ્ણાતની મદદ લેવી પડે એવું બની શકે.’
મોમ્નેસિયાથી બચવાના ઉપાય
ગર્ભાવસ્થા દરમ્યાન અને બાદ યોગ્ય આહાર અને યોગ પર ભાર મૂકતાં ડૉ. કેતકી કહે છે, ‘દરેક મૉમ-ટૂ-બીએ છેલ્લી ઘડી સુધી સક્રિય રહેવું જોઈએ. તેને ચોથા મહિનાથી અમે યોગની પ્રૅક્ટિસ કરવાની સલાહ આપીએ છીએ. આ સિવાય ગર્ભસંસ્કારમાં ભાગ લઈને માઇન્ડને ઍક્ટિવ રાખે. આ સમયગાળા દરમ્યાન બહુ જ સારાં પુસ્તકોનું વાંચન કરો તો પણ યાદશક્તિ સારી રહેશે. એ સિવાય ગર્ભાવસ્થામાં મહિલાઓ માટે પ્રોટીન ડાયટ બહુ જ જરૂરી છે. અમે અમારા દરેક પેશન્ટને જૈન પ્રોટીન ડાયટ-પ્લાન બનાવીને આપ્યો છે. એ સિવાય પતિનો સહયોગ આ પરિસ્થિતિમાં મૅજિકની જેમ કામ કરે છે.’ સપોર્ટની વાતને પ્રોત્સાહન આપતાં સાઇકોલૉજિસ્ટ કનિષ્કા કહે છે, ‘આ પરિસ્થિતિમાં કોઈની પણ મદદ માગતાં સંકોચાવું નહીં. સૌથી જરૂરી એ છે કે માતૃત્વ ધારણ કર્યા બાદ તમારે સ્વને ભૂલી ન જવું. પોતાના માટે સમય જરૂર કાઢવો અને મનગમતી પ્રવૃત્તિમાં ભાગ લેવો.’