શા માટે નિષ્ણાતો દાંતના સ્વાસ્થ્ય માટે આવી આદતોથી દૂર રહેવાની સલાહ આપે છે એ જાણો...
પ્રતીકાત્મક તસવીર
માથું દુખે કે ગરદનમાં દુખાવો થાય ત્યારે વિચાર્યું છે કે એના માટે દાંત જવાબદાર હોઈ શકે? સતત માત્ર એક જ બાજુએથી ખોરાક ચાવવાનું કારણ કદાચ દાંતના સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી પણ હોઈ શકે છે. જો પેન, પેન્સિલ કે સેફ્ટીપિન, સોય મોંમાં નાખવાની આદત હોય તો ચેતી જજો. શા માટે નિષ્ણાતો દાંતના સ્વાસ્થ્ય માટે આવી આદતોથી દૂર રહેવાની સલાહ આપે છે એ જાણો...
શું તમને પેન, પેન્સિલ કે સેફ્ટીપિન મોંમાં ભરાવી રાખવાની આદત છે?
ADVERTISEMENT
શું તમે રોટલીનો કટકો હંમેશાં એક જ બાજુના દાંતથી કરો છો?
શું તમે કોઈ કડક ચીજ ખાવાની હોય ત્યારે એક જ બાજુની દાઢ વાપરો છો?
શું તમને માથું કે ગરદન દુખ્યા કરે છે?
શું તમને જમ્યા પછી ટૂથપિકથી દાંત ખોતર્યા કરવાની આદત છે?
આ લક્ષણો છે કે તમારા દાંતમાં કંઈક તકલીફ હોઈ શકે છે.
દાંત આપણા શરીરનો એકમાત્ર એવો ભાગ છે જે જાતે રિપેર નથી થઈ શકતો. એમાં સડો થાય તો એ સડો દૂર કરાવી શકાય અને ઉપરથી ફિલિંગ કરાવીને દેખાવમાં પહેલાં જેવો કરી શકાય, પણ કુદરતી રીતે દાંત પહેલાં જેવો નૅચરલ ન થાય. દાંતની આસપાસમાં અનેક નસો હોય છે જે બ્લડ-સપ્લાય પહોંચાડવામાં મદદ કરે છે. દાંતને મજબૂતાઈ આપતાં પેઢાં પણ એટલાં જ સ્વસ્થ હોવાં જરૂરી છે. જો એ નબળાં પડે તો પણ દાંત ઢીલા અને ડૅમેજ થઈ શકે છે. ટૂંકમાં દાંત એવી ચીજ છે જેને સાચવવાનું સહેલું છે, પણ એને રિપેર કરવાનું કામ અઘરું છે. કાયમી દાંત એક વાર ડૅમેજ થાય તો પછી નકલી દાંત જ લગાવવો પડે અને એ પણ મોંનાં અન્ય પરિબળો પરવાનગી આપે તો જ. સામાન્ય રીતે દાંત જમવામાં કામ લાગે છે, પરંતુ નાનપણમાં એ બચકું ભરીને પોતાની સ્વરક્ષા માટે પણ કામ લાગે છે. ખેર, મજબૂત દાંત હોય તો બચકું ભરીને ગમે તે ઉંમરે સુરક્ષા કવચ તરીકે ઉપયોગમાં લઈ શકાય. હસવા જેવી વાત છે અને નથી પણ. દાંતને પોતાના સ્વાસ્થ્ય અને સ્વરક્ષા માટે ઉપયોગી બનાવવા હોય તો એક બાજુએથી ચાવીને ખાવું નહીં, કારણ કે આ ટેવના કારણે મોંમાં સ્નાયુઓનું બૅલૅન્સ ખોરવાય છે. આમ થવાની પાછળનાં અમુક સહજ કારણો પણ છે.
ચહેરા પર કંઈ પણ થતાં આપણે ડૉક્ટર પાસે દોડી જઈએ છીએ, કારણ કે એ લોકોના ધ્યાનમાં આવે છે. પરંતુ આંતરિક અંગોનો દુખાવો કે સમસ્યા આપણે સહન થાય ત્યાં સુધી સહન કરતા હોઈએ છીએ. આપણે જ્યાં સુધી દાંત તૂટી ન જાય કે દાંત દેખાવને કદરૂપો ન બનાવે ત્યાં સુંધી ઓરલ હાઇજીન કે દાંતની સંભાળ પર ધ્યાન આપતા નથી. ક્યારેય જમતી વખતે ધ્યાન આપ્યું છે કે તમે એક બાજુએથી ચાવો છો કે બન્ને બાજુ સમતોલન જાળવીને જમો છો? એક જ બાજુએથી ચાવતા હો તો દાંત કેવી ગંભીર સમસ્યા નોતરી શકે છે એ એક્સપર્ટ પાસેથી જાણીએ. એ સિવાય ચાવવાની સાચી રીત પણ જાણીએ.
માથું-ગરદનનો દુખાવો
માથા કે ગરદનના સામાન્ય દુખાવાનું મૂળ દાંતમાં રહેલું છે એમ સમજાવતાં બોરીવલીમાં છેલ્લાં ૨૫ વર્ષથી મહાવીર ડેન્ટલ ક્લિનિકમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. મનીષા જૈન કહે છે, ‘સામાન્ય રીતે લોકો ખોરાક ચાવવા બન્ને બાજુની દાઢનો ઉપયોગ કરતા હોય છે, પણ થાય છે એવું કે જ્યારે કોઈ એક બાજુ પર સમસ્યા ઊભી થાય અને એ સહન થઈ શકે એવી હોય તો લોકો કામ ચલાવી લે છે. એના કારણે તેમનું એક બાજુ ચાવવાનું શરૂ થઈ જાય છે અને તેમને ખ્યાલ પણ નથી આવતો કે આના કારણે મોંની અંદર શું તકલીફ થઈ શકે છે. એક બાજુએથી ચાવો ત્યારે એક જ બાજુના સ્નાયુઓનો ઉપયોગ થાય છે અને એ બાજુએ પ્લાક અને ટાર્ટરનો જમાવડો થાય છે. પ્લાક એટલે દરેક દાંતની ઉપર પાતળું પારદર્શી સ્તર દેખાય છે જે દાંતના સફેદ શેડથી અલગ હોય છે એ. ટાર્ટર એટલે કે દાંત પર જામેલી કડક છારી, જેના કારણે દાંતનો સાચો રંગ દેખાતો નથી. એને કાઢવામાં ન આવે તો એ દાંત પર કાયમી ડાઘ છોડી દે છે. ચાવવાની ક્રિયા પર પાછા આવીએ. જે બાજુએ ખોરાક ચાવો છો એ બાજુએ ખોરાકના અવશેષો રહી જાય છે, જેના કારણે એ બાજુએ બૅક્ટેરિયાની વૃદ્ધિ વધારે થાય છે કે સડો થવાની શક્યતા વધી જાય છે જે પેઢાં સુધી પહોંચે છે. એના કારણે પેઢાંની સમસ્યા સાથે જડબાંને લગતી ઘણી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. અન્ય પરિસ્થિતિમાં કોઈના એક બાજુના દાંત જ નીકળી ગયા હોય તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી હોતો તેથી એક બાજુથી ચાવી રહ્યા છે. આવા સંજોગોમાં દાંત માટે પ્લાક કે ટાર્ટરની સમસ્યા તો છે જ પરંતુ આ સમસ્યા અંદર જ રહીને શરીરનાં અન્ય અંગોને નુકસાન કરે છે; જેમ કે દાંતના લીધે માઇગ્રેન, માથું, ગરદનનો દુખાવો પણ થઈ શકે છે.’
પેન, પેન્સિલ કે બરફ ન ચાવવા
પેન્સિલ, પેન જેવી વસ્તુઓને ચાવવાની આદત ફ્રૅક્ચર પણ લાવી શકે. પેન, પેન્સિલ કે બરફ જેવી વસ્તુઓ કેમ ચાવવી ન જોઈએ એનું કારણ સમજાવતાં ડૉ. મનીષા કહે છે, ‘જે લોકોને આ પ્રકારની કોઈ વસ્તુ મોંમાં એક જ જગ્યાએ રાખવાની ટેવ હોય તો દાંતમાં ક્રૅક આવી શકે છે કાં તો માઇક્રો ફ્રૅક્ચર થઈ શકે છે. ડેન્ટિસ્ટ્રીમાં એટ્રિશન શબ્દ છે. એટલે કે જેમાં બાહ્ય પદાર્થને કારણે દાંતની હાઇટ ઓછી થતી જાય છે. સાદી ભાષામાં ન ચાવવા જેવી વસ્તુ ચાવવાને કારણે દાંત ઘસાઈને ટૂંકા થઈ જતા હોય છે. ઘણા લોકોને સેફ્ટીપિન મોંમાં નાખવાની આદત હોય, દરજી લોકોને મોંમાં સોય નાખવાની આદત હોય, તેમના કેસમાં મોટા ભાગે જે જગ્યાએ આ ઑબ્જેક્ટ નિયમિત રહેતો હોય એ જગ્યાએ ઑબ્જેક્ટનો આકાર આવી જાય છે. દાંતનો એટલો ભાગ ઘસાઈ જાય છે. એના કારણે સૌથી પહેલાં તો તમારા દેખાવને અસર થાય છે. એટલે કે ચહેરાનાં જડબાંનું બૅલૅન્સ ખોરવાય છે. જો આ નુકસાન દાંતમાં અંદર સુધી પહોંચી જાય તો ગંભીર સમસ્યા થઈ શકે છે. જેમ કે દાંતના મુખ્ય ત્રણ સ્તરો હોય છે : ઇનૅમલ, ડેન્ટિન અને પલ્પ. એમાં ઇનૅમલ દાંતનું સૌથી બહારનું રક્ષણાત્મક કવચ હોય છે. ઇનૅમલ તૂટે એટલે આંતરિક સંવેદનશીલ સ્તરો ખુલ્લાં થઈ જાય છે અને દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા શરૂ થઈ જાય છે. સેન્સિટિવિટી એટલે કે કોઈ પણ ઠંડો, ગરમ, ખાટો કે મીઠો પદાર્થ દાંતને અડકે એટલે પેઢાં સુધી ઝણઝણાટી થાય.’