બપોરે જમ્યા પછી કંઈ જ ન ખાવું અને લાંબા સમયથી પેટ ખાલી હોય અને એ હાલતમાં નાચવું પણ યોગ્ય નથી
પ્રતીકાત્મક તસવીર
બધા જ તહેવારોમાં નવરાત્રિ આપણો સૌથી હેલ્ધી તહેવાર ગણાય છે જેમાં આપણો ખોરાક અને કસરત બન્ને જળવાઈ રહે છે. ગરબા રમવાથી આનંદ પણ એટલો આવે છે કે ફિઝિકલ જ નહીં, માનસિક હેલ્થ પણ એનાથી બેસ્ટ થઈ જાય છે. ઘણા લોકો આખો દિવસ કંઈ પણ ખાધા વગર નકોરડો ઉપવાસ કરે છે. એમાં અમુક વસ્તુઓ ધ્યાન રાખવી જરૂરી છે. જેમ કે તમને ડાયાબિટીઝ હોય તો નકોરડો ઉપવાસ ન જ કરવો. થોડા-થોડા અંતરે દૂધ-ફ્રૂટ ખાઈને કે પછી એની સાથે એક ટંક જમીને પણ ઉપવાસ થઈ શકે છે અને એ તમારા શરીર માટે વધુ અનુકૂળ છે. ખોરાક બાબતે અમુક તકેદારી જરૂરી છે.
નવરાત્રિમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને એની સાથે-સાથે ગરબા રમવા પણ જતા હોય છે. ઘણા લોકો ફળ અને દૂધ ખાઈને ઉપવાસ કરતા હોય છે તો ઘણા લોકો એક વાર મીઠું ખાઈને ઉપવાસ કરતા હોય છે. જો તમે ગરબા ખૂબ રમતા હો અને ઉપવાસ પણ કરવા હોય તો એક ટંક મીઠું તો ખાવું જ. એ પણ બપોરે જમવા કરતાં જ્યારે ગરબા રમવા જવાના હો એટલે કે સાંજે ૭-૭.૩૦ વાગ્યે જાઓ એના દોઢ-બે કલાક પહેલાં જ મીઠાવાળું ફરાળ કરીને જવું. ફરાળમાં રાજગરો, સામો કે કુટ્ટુ વગેરે લઈ શકાય. ઉપવાસવાળા લોકોએ ડ્રાયફ્રૂટ્સ, દૂધ અને દૂધની બનાવટો પણ વ્યવસ્થિત પ્રમાણમાં લેતા રહેવી જેથી તાકાત રહે શરીરમાં. રમ્યા પછી જ્યારે ઘરે આવો ત્યારે ખાંડ નાખીને દૂધ પીવાને બદલે ડ્રાયફ્રૂટવાળું દૂધ જેમ કે બદામ દૂધ, અંજીર દૂધ કે મસાલા દૂધ પણ પી શકાય.
ADVERTISEMENT
જે લોકો સતત ૨-૩ કલાક ગરબા રમવાના હોય છે તે મોટા ભાગે સમય એવો હોવાને કારણે ખાલી પેટે જ ગરબા રમવા જતા હોય છે. ખાલી પેટે જ નાચવું યોગ્ય છે એ બરાબર પરંતુ બપોરે જમ્યા પછી કંઈ જ ન ખાવું અને લાંબા સમયથી પેટ ખાલી હોય અને એ હાલતમાં નાચવું પણ યોગ્ય નથી. એટલે આદર્શ રીતે જો ૭ વાગ્યે ગરબા રમવાના હો તો ૫-૫.૩૦ વાગ્યા આસપાસ થોડો હેવી નાસ્તો કરવો. રમી લીધા પછી પણ ભૂખ લાગે જ છે અને નવરાત્રિના ગ્રાઉન્ડ પર જે સ્ટૉલ્સ હોય છે એનું ભાત-ભાતનું ખાવાનું જોઈને મન લલચાય છે. જોકે જીભ અને મન પર થોડો કન્ટ્રોલ રાખવો બેસ્ટ ગણાશે. બહારનું ખાવા કરતાં ઘરની કોઈ પણ વસ્તુ ખાવી બેસ્ટ રહેશે. આદર્શ રીતે તો રાત્રે ડ્રાયફ્રૂટ મિલ્ક બસ થઈ જવું જોઈએ, પરંતુ જો ભૂખ લાગી હોય તો ભૂખ્યા ન રહેવું. બસ, ધ્યાન એ રાખો કે ઘરનું બનાવેલું જ ખાઓ.


