આયુર્વેદની આ બહુ જાણીતી કહેવત પાછળ શું વિજ્ઞાન છે? કેળાં ખાવાના ફાયદા તો અનેક છે, પણ ખાસ કરીને ભાદરવા મહિનામાં વધતાં પિત્ત અને વાયુની તકલીફનો તોડ આ ગળ્યાં ફળમાં રહેલાં છે

પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં કહેવાય છે કે ભાદરવો મહિનો એટલે કે મોટા ભાગે સપ્ટેમ્બર મહિનો પિત્ત અને વાત બંને પ્રકૃતિઓને ઉત્તેજન આપે છે. એટલા માટે જ આપણા ખોરાકમાં એ સમયે પિત્તનાશક અને વાતનાશક તત્ત્વો હોવાં ખૂબ જ જરૂરી છે. કેળા જેવા ફ્રૂટમાં આ બંને વસ્તુઓનો તોડ છે. જો શરીરમાં પિત્ત વધે તો શરીર નબળું પડતું જાય, થાક લાગે, ઍસિડીટી થાય, ચામડીને લાગતી તકલીફો વધે, શરીરમાં ગરમી વધી જાય, પિત્ત વધે ત્યારે પિરિયડ્સમાં પણ અસંતુલન જોવા મળે છે. આ વિશે ગુજરાત આયુર્વેદ સર્વિસિસના ડૉ. મન્સૂર પીલુડિયા કહે છે, ‘ભાદરવો આયુર્વેદ મુજબ પિત્ત માટેની ઋતુ કહેવાય છે. ભાદરવાથી લઈને આસો એન્ડ સુધીના મહિનાઓ પિત્તપ્રકોપના ગણાય છે. એ દરમિયાન પિત્તવર્ધક રોગો જેવા કે ચામડીના રોગો, અપચો, કૉન્સ્ટિપેશન, ફીવર, ડેન્ગી જેવા રોગો વધી જાય છે. એટલે આવા સમયે પિત્ત ઘટે એવો ખોરાક ખાવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેળું એમાંનું જ એક છે. કેળાં પરમપિત્તનાશક કહેવાય છે. એ ઍસિડને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે. શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે પ્રસાદમાં દૂધપાક ખવડાવવાનું ચલણ શું કામ હોય છે? કારણ કે એમાં સાકર અને દૂધ બંને હોવાથી આ ઋતુમાં પિત્તમાં રાહત મળે છે. આવું જ સાયન્સ કેળાનું પણ છે. આયુર્વેદ મુજબ આપણા શરીરની દરેક ક્રિયા મુખયત્વે વાત, પિત્ત અને કફ પ્રકૃતિમાં ડિવાઇડ થયેલી છે. આ ત્રણેયનું બૅલૅન્સ હેલ્ધી લાઇફ માટે ખૂબ જ જરૂરી છે. ભાદરવામાં દૂધ, સાકર કે કોઈ ગળી વસ્તુઓ અને કાળી દ્રાક્ષ બહુ ઉપયોગી સાબિત થાય છે. કેળાં માટે ઘણા લોકો કહે છે કે કફકારક છે. મૉડર્ન સાયન્સ મુજબ જોઈએ તો સવારે હાઈ કૅલરી ડાયટ ખાવામાં આવે. એમાં કેળાં વધુ પ્રિફર કરવામાં આવે છે, કારણ કે કેળાંનો હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. એટલે જો એ સવાર-સવારમાં ખાવામાં આવે તો વધુ ફાયદો આપે છે. સૂર્યોદય પછી ખાઈએ અને પછી કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી ન હોય તો કૉલેસ્ટરોલ, ફૅટ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓ થઈ શકે છે.’
ભાદરવામાં કોઈ પણ એવો આહાર કે જે ઍસિડિટી કે વાયુ વધારે છે એનાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરીને ફ્રાઇડ અને સ્પાઇસી ફૂડ હેલ્થ ખરાબ કરે છે. આવા સમયે વાયુશામક પદાર્થો જેવા કે સાકર નાખેલું દૂધ, ખીર, કેળાં, કિસમિસ વગેરે ખાવાથી વાત અને પિત્તનું શમન થાય છે.
ADVERTISEMENT
કોના માટે કેળાં બેસ્ટ છે એ વિશે ‘ઈટ યૉર વે ટુ ગુડ હેલ્થ’નાં ફાઉન્ડર ડાયેટિશ્યન ડૉ. વિનીતા આરન કહે છે, ‘જેમને બીપી અને કૉન્સ્ટિપેશનની તકલીફ હોય એમના માટે તો કેળાં સારામાં સારો ઑપ્શન છે. એક તો એ ફિલિંગ છે. એટલે સવારે જો એક કેળું લીધું હોય તો પેટ ભરેલું લાગે. ખાસ કરીને પોસ્ટ વર્કઆઉટ ડાયટ તરીકે ખૂબ જ સારા છે. એનાથી ઇન્ફ્લમેશન ઘટે છે અને મસલ્સને ક્વિક રિકવરી મળે છે. હા, પણ કેળાં પ્રમાણમાં ખાવાં જોઈએ. જેમને વેઇટ ગેઇન કરવું છે એમણે એકથી વધુ ખાવાં. બાકી રોજનું એક કેળું ઇનફ છે. ગ્રોઇંગ ચાઇલ્ડ માટે તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને સવારે અથવા બે મીલની વચ્ચે કેળાં ખાવાં જોઈએ. રાતે તો કોઈ પણ ફ્રૂટ ન ખાવું. એમાંનાં પાચક તત્ત્વોનો મૅક્સિમમ લાભ બિટ્વીન ધ મીલ અને સ્નૅકિંગ ટાઇમ પર જ મળે છે.’
શું તમને ખબર છે?
આયુર્વેદ મુજબ કેળા અને ડેરી પ્રોડક્ટ્સ બંને વિરોધાભાસી આહાર છે. કેળાનો પોસ્ટ ડાઇજેસ્ટિવ એક્શન ખાટો (sour) હોય છે, જ્યારે દૂધનો વિપાક મીઠો (sweet) હોય છે. આ બંને મળીને એક અસંગત ખાદ્ય રચના બનાવીને અપાચિત ખોરાકની સામગ્રી બનાવે છે (આમ) જે આંતરડાના ડાઇજેસ્ટિવ ફાયરને નુકસાન કરી કોઈ રોગનું કારણ બની શકે છે. એના લીધે ચામડીના વિકારો થઈ શકે છે. જોકે વિદેશમાં આ રીતના અસંગત આહાર ઘણા સામાન્ય છે.
કેળાં ખાવાના ફાયદાઓ
- આયુર્વેદમાં કહે છે કે વાતદોષથી ચામડીમાં કરચલીઓ પડે છે. રોજનું એક કેળું વાતદોષ ઘટાડી ઍન્ટિએજિંગનું કામ કરે છે. એટલે કે ચહેરા પરની કરચલીઓ ઓછી કરે છે.
- કેળાં પોટૅશિયમ અને સોડિયમ રિચ ફ્રૂટ છે, જે આપણા શરીરમાં સોડિયમ અને પોટૅશિયમના સ્તરને સંતુલિત કરીને બૅલૅન્સિંગ એજન્ટ તરીકે કામ કરે છે. એના લીધે હાઈ બ્લડ-પ્રેશર ઘટે છે. તેથી બ્લડ-પ્રેશરવાળા લોકોએ રોજ કેળાં ખાવાં જોઈએ.
- કેળાંનો સમાવેશ સાત્ત્વિક આહારમાં થાય છે અને એને પવિત્ર ફળ પણ મનાય છે.
- આયુર્વેદ મુજબ ડિપ્રેશન શરીરમાં રહેલી ડ્રાયનેસને લીધે થાય છે. કેળાં એ દૂર કરવાનો એક સારો ઉપાય છે. એટલે મૂડસ્વિંગ્સ અને ડિપ્રેશન માટે ફાયદાકારક છે.
- રોજનું એક કેળું વજન અને પિત્તને કન્ટ્રોલમાં રાખે છે, પણ એનાથી વધુ કેળાંનું રોજિંદું સેવન સાવ ઊલટી જ અસર કરે છે.
- કેળાંમાં વિટામિન B6, વિટામિન B12, ફોલિક ઍસિડ અને B6નું સંયોજન હોવાથી હાર્ટ, બ્રેઇન અને નર્વસ સિસ્ટમને ઉપયોગી થાય છે.
કેળાં ક્યારે ખાવાં ક્યારે નહીં?
કેળાં ખાલી પેટે ન ખાવાં, નરણે કોઠે ન ખાવાં, હાઈ બ્લડ શુગર ધરાવતા લોકોએ કેળાં વધુ ન ખાવાં, સવારના કે બપોરના નાસ્તા તરીકે કેળાં ખાવાં બેસ્ટ.

