એક સર્વેક્ષણ કહે છે કે હૉરર મૂવી જોતી વખતે હાર્ટ-રેટ વધે છે અને કૅલરી બર્ન થાય છે, પણ શું આ ફાયદો વેઇટલૉસમાં મદદ કરે એવો હોય છે? જાણીએ સાઇકિયાટ્રિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ પાસેથી
પ્રતીકાત્મક તસવીર
સ્ટ્રેસમાં કાં તો ખોરાક વધી જાય એટલે વજન વધી જાય અને કાં તો ખોરાક ઘટી જાય એટલે વજન સતત ઘટતું જાય, પણ મહત્તમ કેસમાં સ્ટ્રેસને લીધે વજન ઘટતું જોવા મળ્યું છે. ડિપ્રેશનમાં પણ આવું જ થાય છે. સ્ટ્રેસને લીધે તેમનું વજન પણ સતત ઘટતું જ જાય છે.
વિદેશોમાં ઘણી વખત એવા અતરંગી રિસર્ચ અને સર્વે કરવામાં આવે છે કે એના નિષ્કર્ષ દુનિયાને વિચારતા કરી દેતા હોય છે. તાજેતરનો જ દાખલો લઈએ તો થોડા દિવસ પહેલાં જાણીતી કહી શકાય એવી યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટરના રિસર્ચરોએ એક અભ્યાસ હાથ ધર્યો હતો, જે મુજબ ૯૦ મિનિટની હૉરર ફિલ્મ લગભગ ૧૫૦ જેટલી કૅલરીને બર્ન કરવામાં મદદ કરી શકે છે એવો અહેવાલ તરતો મૂકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આટલી કૅલરી અડધો કલાકનો બ્રિસ્ક વૉક કરવાથી બળતી હોય છે. આ રિસર્ચ હાથ ધરવા માટે સંશોધકોએ કેટલાક લોકો પર વિશિષ્ટ ઉપકરણોની મદદથી હૉરર ફિલ્મ જોતી વખતે શરીરમાં થતી ગતિવિધિઓનું લાઇવ પરીક્ષણ પણ કર્યું હતું અને નોંધ્યું હતું કે ડરામણી મૂવી જોતી વખતે હાર્ટ-રેટ અને મેટાબૉલિક રેટ વધી જાય છે. શું ખરેખર આવી ફિલ્મો શરીરની અંદર એટલાબધા ફેરફારો લાવતી હશે કે જેનાથી મોટી માત્રામાં કૅલરી બળવા લાગે? શું આમ જ કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી કે પ્રૉપર ડાયટ કર્યા વિના કૅલરી બર્ન થવા લાગે તો એનાથી હેલ્થ પર કોઈ અવળી અસર તો નથી થતીને એ જાણવા માટે અમે સાઇકિયાટ્રિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટની સાથે વાત કરી હતી, જેમાં ઘણી ચોંકાવનારી અને મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી બાબતો જાણવા મળી હતી.
ADVERTISEMENT
બ્રેઇન અને બૉડી
હૉરર મૂવીની આપણા પર શું અસર થાય એના ઊંડાણમાં જતાં પહેલાં બ્રેઇન અને માઇન્ડને સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મણિલાલ ગડા કહે છે, ‘બ્રેઇનમાં એમિગ્ડાલા, હાઇપોથેલેમસ, કોર્પસ કોલોઝમ જેવા કેટલાક હિસ્સા છે જે ઇમોશન્સ સાથે સંકળાયેલા છે. બ્રેઇનમાં જેમ ઇમોશન સેન્ટર છે એમ લૉજિક, સેન્સરી, મોટર ઍક્ટિવિટી એટલે કે મૂવમેન્ટ સાથે સંકળાયેલાં સેન્ટર પણ છે. મજાની વાત એ છે કે આ બધાં જ એકબીજા સાથે જોડાયેલાં છે. એટલે જો ઇમોશન સેન્ટર ડિસ્ટર્બ થાય તો એની અસર તમારા લૉજિક પર પણ પડી શકે, તમારી શારીરિક ક્ષમતા પર પણ પડી શકે અને તમારાં બીજાં ફિઝિકલ ફંક્શન્સ પર પણ પડી શકે. શરીરના દરેક અવયવનું સંચાલન પણ બ્રેઇનથી જ થતું હોય છે એટલે બ્રેઇન જે સંદેશા શરીરના અન્ય અવયવોને પહોંચાડે એ મુજબ એ કાર્ય કરે છે. આપણી લાઇફમાં સારાનરસા પ્રસંગો આવતા હોય છે. ઘણી વખત એવા પ્રસંગો આપણી આંખની સામે પણ થતા હોય છે, જેને આપણે કેવી રીતે જોઈએ છીએ અને એના પર કેવી રીતે રીઍક્ટ કરીએ છીએ એ વધારે મહત્ત્વનું હોય છે. જો આ રીઍક્શન નેગેટિવ હોય તો એ આપણા બ્રેઇનમાં આવેલા એમિગ્ડાલા નામના અવયવમાં સ્ટોર થઈ જાય છે. એટલે ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગો ઘટે કે પછી આપણે એના વિશે સાંભળીએ કે જોઈએ તો તરત આપણી એ સ્ટોર કરેલી મેમરી બહાર આવે છે અને આપણે એનું રીઍક્શન આપીએ છીએ. હૉરર ફિલ્મો ડરામણી હોય છે એ આપણા બ્રેઇનમાં બેસાડી દીધું હોય છે એટલે આ ફિલ્મો શરૂ થાય ત્યારથી જ એની આપણા પર અસર થવાનું શરૂ થઈ જાય છે.’
સ્ટ્રેસ અને ભૂખ
સર્વેમાં જણાવ્યા મુજબ હૉરર મૂવી જોતી વખતે હાર્ટ-રેટ અને મેટાબૉલિક રેટમાં ઝડપથી મૂવમેન્ટ શરૂ થઈ જાય છે. એની સાથે સ્ટ્રેસ વધે છે, જે કૅલરી બર્ન કરવામાં મદદ કરી શકે એવી સંભાવના વ્યક્ત કરતાં ડૉ. ગડા કહે છે, ‘હાર્ટ-રેટ અને મેટાબૉલિક રેટમાં મોટા ફેરફારો સ્ટ્રેસને લીધે થાય છે. અને સ્ટ્રેસને લીધે શરીરની દરેક ઍક્ટિવિટીમાં ફરક પડે છે અને ભૂખ પણ લાગતી નથી. સ્ટ્રેસમાં કાં તો ખોરાક વધી જાય એટલે વજન વધી જાય અને કાં તો ખોરાક ઘટી જાય એટલે વજન સતત ઘટતું જાય. પણ મહત્તમ કેસમાં સ્ટ્રેસને લીધે વજન ઘટતું જોવા મળ્યું છે. ડિપ્રેશનમાં પણ આવું જ થાય છે. સ્ટ્રેસને લીધે તેમનું વજન પણ સતત ઘટતું જ જાય છે.’
ઍન્ગ્ઝાયટીને કારણે વેઇટલૉસ
સ્ટ્રેસથી કૅલરી જ નહીં પણ હાર્ટ-રેટ વધવા, ઍન્ગ્ઝાયટી થવી જેવું ઘણુંબધું થાય છે. એના લીધે વજનમાં મોટો ઘટાડો પણ થઈ જાય છે એવી સ્પષ્ટતા સાથે જનરલ પ્રૅક્ટિશનર અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નેહા શાહ કહે છે, ‘આના પર અમે અભ્યાસો કર્યા છે અને લાગતા-વળગતા
કેસ-સ્ટડીઝ પણ છે. કોરોનાકાળ દરમિયાન અમે કેટલાક ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર પર અભ્યાસ હાથ ધર્યો હતો. કોરોનાકાળમાં ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવર માટે કપરો સમય હતો. પોતાની જાતની સાથે તેમણે બીજાને પણ સાચવવાનો વારો આવ્યો હતો. એક પ્રકારની હૉરર કહી શકાય એવી પરિસ્થિતમાંથી તેઓ સતત મહિનાઓ સુધી પસાર થયા હતા. અમે ૨૦થી ૫૫ વર્ષની ઉંમરના લગભગ ૨૦ જેટલા ઍમ્બ્યુલન્સ-ડ્રાઇવરનો અભ્યાસ હાથ ધર્યો હતો; જેમાં ૫૦ ટકા લોકોમાં સ્ટ્રેસને લીધે ભૂખ ન લાગવી, ઊંઘ ન આવવી, હાર્ટ-રેટ વધવો, ટેન્શન વધવું અને ભયનો માહોલ જેવી બાબતો નોંધાઈ હતી. એના લીધે ઘણાનું વજન પણ ઘટી ગયું હતું, જેમાં યુવાન ડ્રાઇવરોને ઓછી અસર થઈ હતી અને તેઓ ઝડપથી બહાર આવી ગયા હતા પરંતુ આધેડ વયના કહી શકાય એવા ડ્રાઇવરોને બહાર આવતાં સમય લાગ્યો હતો. જોકે આજની તારીખમાં પણ ૧૦ ટકા જેટલા ડ્રાઇવરો આવી ગોઝારી ઘટના યાદ આવતાં કે એવાં સમાન દૃશ્યો નજર સામે આવતાંની સાથે સ્ટ્રેસ અનુભવે છે. એની પાછળ સ્ટ્રેસ પણ એક મુખ્ય કારણ હતું, પણ સ્ટ્રેસને લીધે કૅલરી ઘટવી અને એને લીધે વજન ઘટી જવું સારું ન કહેવાય.’
ભૂખ ભુલાઈ જાય
સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી ફિલ્મો દર્શકોને જકડી રાખતી હોય છે. એથી ફિલ્મ દરમિયાન ખાવા પર પણ ધ્યાન અપાતું નથી અને એટલા સમય માટે લોકો ખોરાકથી દૂર થઈ જાય છે અને એટલે કૅલરી ઇન્ટેક પર પણ એટલા સમય માટે બ્રેક લાગી જાય છે. આ બાબતે ન્યુટ્રિશનિસ્ટ શીલા તન્ના કહે છે, ‘સૌથી પહેલાં તો વજન ઉતારવા માટે જો કોઈ હૉરર ફિલ્મ જોવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો એવું કરતા નહીં. બીજું, હૉરર ફિલ્મ જોવાથી કૅલરીમાં ઘટાડો થાય છે એ વાત પણ માનવી મુશ્કેલ છે અને થતી પણ હોય તો એ ટેમ્પરરી જ હોઈ શકે છે. કેમ કે ભલે આવી ફિલ્મો દરમિયાન તમારા હાથ પૉપકૉર્ન કે સમોસાના પૅકેટમાં ન જતા હોય, પરંતુ ફિલ્મ પત્યા બાદ ભૂખને લીધે ખાવા પર લોકો તૂટી પડતા હોય છે; જેને લીધે ફિલ્મના લીધે કૅલરીમાં લૉન્ગ ટર્મ ઘટાડો થયો હોવાનું કહી શકાય નહીં. સૌથી મહત્ત્વની વાત તો એ કે શિસ્તબદ્ધ અને પ્રૉપર ડાયટ-પ્લાન સાથે કૅલરી બર્ન કરવામાં આવે એ અલગ હોય છે અને આવા ગતકડાથી કૅલરી બર્ન થવી અલગ બાબત છે. શરીરમાંથી ગમેતેમ કૅલરી બર્ન થવા માંડે તો શરીરમાં પોષક તત્ત્વોનો નાશ થવા લાગે છે અને વીકનેસ પણ આવી શકે છે. ઘણી એવી ઍક્ટિવિટી હોય છે જે કરવાથી હાર્ટ-રેટ અને મેટાબૉલિક રેટમાં અપડાઉન થાય એટલે જ બાળકોને અને નબળા મન ધરાવતા લોકોને આવી ફિલ્મો જોવાની મનાઈ કરવામાં આવે છે. પણ આ બધી વસ્તુઓને કૅલરી બર્ન થવાની સાથે જોડવી થોડી અજુગતી લાગે છે. જો કૅલરી બર્ન કરવી હોય તો તબક્કાવાર રહેણીકરણી, ખાનપાનમાં ફેરફાર કરીને અને નિયમિત એક્સરસાઇઝ અને વૉકિંગ કરીને કરવી જોઈએ.’

