Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા મગજની ભાષા સમજો છો?

તમારા મગજની ભાષા સમજો છો?

Published : 07 August, 2025 02:10 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારી યાદશક્તિ પાછી લાવવામાં, તમારી એજિંગ પ્રોસેસ ધીમી કરવામાં, તમારી નિર્ણયાત્મક શક્તિ વધારવામાં આ બ્રેઇન-વેવ્સ મદદરૂપ થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આલ્ફા, બીટા, થેટા, ડેલ્ટા અને ગામા જેવી જુદી-જુદી બ્રેઇન-વેવ્સ એટલે કે મગજમાં થતી સેલ્યુલર ઍક્ટિવિટીથી ઊઠતા તરંગોથી વિવિધ ન્યુરોલૉજિકલ સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. તમારી યાદશક્તિ પાછી લાવવામાં, તમારી એજિંગ પ્રોસેસ ધીમી કરવામાં, તમારી નિર્ણયાત્મક શક્તિ વધારવામાં આ બ્રેઇન-વેવ્સ મદદરૂપ થઈ શકે છે. શું છે મગજના તરંગો અને કઈ રીતે કામ કરે છે એ જાણીએ આજે

એક ઑર્કેસ્ટ્રામાં જ્યારે બધા જ કલાકારો એકસાથે પોતપોતાનાં ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે એટલે સંગીત જન્મે છે. એવી જ રીતે આપણા મસ્તિષ્કના કોષો જેને ન્યુરૉન્સ તરીકે ઓળખવામાં આવે છે એ જ્યારે પોતાનું કામ કરતા હોય ત્યારે અમુક પ્રકારના તરંગો જનરેટ થાય છે જેને આપણે બ્રેઇન- વેવ્સ એટલે કે બ્રેઇનના તરંગો કહી શકીએ. મગજનું સંગીત એટલે બ્રેઇન-વેવ્સ. આપણા ન્યુરૉન્સ દ્વારા અમુક પ્રકારનાં ઇલેક્ટ્રિક સિગ્નલ્સ જનરેટ થાય છે. એ ઇલેક્ટ્રિક સિગ્નલ્સના આધારે ડિમેન્શિયા, ઑલ્ઝાઇમર્સ જેવી ઘણી બીમારીઓને ડીકોડ કરી શકાય, એને લગતાં રિસર્ચો થયાં છે અને આજે પણ એને લગતાં રિસર્ચ પર કામ ચાલુ છે. આપણું મગજ વૈજ્ઞાનિકો માટે એક કોયડા સમાન છે અને આ કોયડાને ઉકેલવામાં અરબો અને ખરબોની માત્રામાં રહેલા ન્યુરૉન્સની ભૂમિકા અને એના થકી મગજમાં ઉત્પન્ન થતા ખાસ પ્રકારના તરંગોના અભ્યાસમાં વૈજ્ઞાનિકો મચેલા છે. જોકે આપણી ધાર્મિક ક્રિયાઓ, ઓમકાર અને ભ્રામરીનું ચૅન્ટિંગ અને પૉઝિટિવ એન્વાયર્નમેન્ટની બ્રેઇન-વેવ્સ પર પડતી હકારાત્મક અસર પર ભરપૂર કામ થયું છે. આપણા અનુભવો, વિચારો, વર્તણૂક અને આપણાં ઇમોશન્સ સાથે પ્રભાવિત થતી બ્રેઇન-વેવ્સ શું છે અને કઈ રીતે આપણે આપણા રૂટીનમાં બદલાવ લાવીને મૅક્સિમમ લાભ લઈ શકીએ એ વિષય પર ચર્ચા કરીએ.




 ન્યુરોલૉજિસ્ટ, લાઇફકોચ અને લેખક ડૉ. શ્વેતા આડતિયા

શું છે બ્રેઇન-વેવ્સ?


તળાવના શાંત પાણીમાં એક પથરો નાખો એટલે રિપલ ઇફેક્ટ સાથે તમને પાણીમાં તરંગો ઉત્પન્ન થતા દેખાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત ન્યુરોલૉજિસ્ટ, લાઇફકોચ અને લેખક ડૉ. શ્વેતા આડતિયા કહે છે, ‘હવે એ જ તળાવમાં એકસાથે ઘણાબધા પથરા નાખો તો એકસામટા ઘણા તરંગો દેખાય. બ્રેઇનમાં પણ આમ જ એકસાથે વિદ્યુત તરંગો જોવા મળતા હોય છે. દરેકની જુદી-જુદી ફ્રીક્વન્સી હોય છે. એ ફ્રીક્વન્સીના આધારે એનું નામકરણ થયું છે. તમારા બાહ્ય અને આંતરિક અનુભવોના આધારે આ ફ્રીક્વન્સી બદલાય. બીજા શબ્દોમાં કહેવું હોય તો તમારા મગજની બ્લુ પ્રિન્ટ તમને બ્રેઇન-વેવ્સમાં દેખાય. આ બ્લુ પ્રિન્ટથી જ તમારા જીવનની ફુટપ્રિન્ટ નક્કી થતી હોય છે. વૈજ્ઞાનિકો બ્રેઇન-વેવ્સને સેન્સર થકી માપતા હોય છે. જેમ હાર્ટ માટે કાર્ડિયોગ્રામ હોય છે એમ બ્રેઇન-વેવ્સને માપવાની ટેસ્ટને ઇલેક્ટ્રોએન્સફલોગ્રામ (EEG) કહેવાય છે.’

બ્રેઇન-વેવ્સના કેટલા પ્રકાર?

આગળ કહ્યું એમ તરંગોની સ્પીડ અને પૅટર્નના આધારે અથવા તો ફ્રીક્વન્સીના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બ્રેઇન જ્યારે અમુક ફ્રીક્વન્સીના તરંગોમાં હોય ત્યારે અમુક પ્રકારની પ્રવૃત્તિ કરો તો પરિણામ ધાર્યું મળે. બ્રેઇન-વેવ્સના પ્રકાર અને કઈ ફ્રીક્વન્સીના તરંગોનો અર્થ શું એ સમજીએ. આપણા મગજમાં મુખ્યત્વે પાંચ પ્રકારના તરંગો જોવા મળે છે, જેમની સ્પીડને માપવા માટે હર્ટ્ઝ (Hz)ને પ્રમાણ તરીકે વાપરવામાં આવે છે.

- ડેલ્ટા તરંગો (0.5-4 Hz)

આપણું બ્રેઇન ગહન નિદ્રામાં હોય અને બૉડીને રિપેર કરવાની દિશામાં હોય ત્યારે ડેલ્ટા તરંગો સક્રિય હોય છે. આ સૌથી ધીમા અને ઊંડા તરંગો છે. એવી ઊંઘ જેમાં સપનાંઓ પણ ન આવતાં હોય અને ફિઝિકલી તમે એકદમ ડીપ સ્લીપ સ્ટેટમાં હો ત્યારે મગજમાં ઉત્પન્ન થતા વિદ્યુત તરંગોનું નામ છે ડેલ્ટા.

- થેટા તરંગો (4-8 Hz)

જ્યારે તમે ઊંડા ધ્યાનમાં હો અથવા અર્ધજાગ્રત અવસ્થામાં સપનાંઓ જોઈ રહ્યા હો ત્યારે બ્રેઇન એના થેટા સ્ટેટમાં હોય છે. થેટા વેવ ડેલ્ટા કરતાં થોડીક ઝડપી હોય છે. જેમની મેમરી નબળી થઈ રહી હોય તેમના માટે થેટા વેવ વરદાન બની શકે છે અને તેમના માટે ધ્યાનનો વધુમાં વધુ અભ્યાસ ઉપયોગી છે. તમારી ફીલિંગ્સને સ્ટેબિલાઇઝ કરવામાં અને એના માટે ઉચિત પ્રતિક્રિયા આપવા માટે તમને તૈયાર કરવામાં પણ થેટા સ્ટેટનું પોતાનું મહત્ત્વ છે.

- આલ્ફા તરંગો (8-13 Hz)

જ્યારે તમે શાંત, આરામદાયક અવસ્થામાં હો, આંખો બંધ કરીને હળવાશ સાથે આરામ કરી રહ્યા હો ત્યારે તમારું બ્રેઇન આલ્ફા વેવ્સ જનરેટ કરે છે. આલ્ફા વેવ્સ સ્ટ્રેસ-બસ્ટર વેવ્સ છે. જેમને ખૂબ જ ઍન્ગ્ઝાયટી, ટેન્શન રહેતાં હોય તેમના માટે આલ્ફા વેવ્સનું સક્રિય હોવું ઉપયોગી સાબિત થશે.

- બીટા તરંગો (13-30 Hz)

તમારા બ્રેઇનના તરંગોની ફ્રીક્વન્સી જ્યારે ૧૩થી ૩૦ વચ્ચે હોય ત્યારે એ બીટા વેવ્સ તરીકે ઓળખાય છે. તમારી એકાગ્રતા, પ્રૉબ્લેમ-સૉલ્વિંગ ક્ષમતા, નિર્ણયાત્મક શક્તિ વગેરે બાબતોમાં તમારું માઇન્ડ બીટા તરંગો રિફ્લેક્ટ કરતું હોય છે. જ્યારે બીટા વેવ્સનું પ્રમાણ વધારે હોય ત્યારે એ વ્યક્તિના સ્ટ્રેસ-લેવલને ઇન્ડિકેટ કરે છે.

- ગામા તરંગો (30-100 Hz)

મગજમાં સૌથી ઝડપી તરંગો ગામા તરંગો હોય છે. એને ડીકોડ કરવામાં હજી વૈજ્ઞાનિકોને પૂરતા પ્રમાણમાં સફળતા નથી મળી. કયા સંજોગોમાં ગામા તરંગોનું પ્રમાણ વધે એ હજી અનએક્સપ્લોર્ડ એરિયા છે પરંતુ વ્યક્તિ જ્યારે કોઈ નવી વસ્તુ શીખતી હોય, પૂરા ફોકસ સાથે કરવા પડે એવાં કામ દરમ્યાન વ્યક્તિના મગજમાં ગામા તરંગોનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

જાણવું શું કામ જરૂરી?

શરીર અથવા મસ્તિષ્કમાં આવતા બદલાવો વિશે મસ્તિષ્ક બ્રેઇન-વેવ્સની ભાષામાં અભિવ્યક્તિ કરે છે. અહીં ડૉ. શ્વેતા કહે છે, ‘સ્ટ્રક્ચરલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ અને સાઇકોલૉજિકલ આ ચાર બાબતોથી બ્રેઇન-વેવ્સ પ્રભાવિત થતી હોય છે. બ્રેઇનની સંભાવનાઓ સમજવા માટે પણ નિષ્ણાતો બ્રેઇન-વેવ્સનો અભ્યાસ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક કરન્ટ સ્ટિમ્યુલેશન, કાઉન્સેલિંગ, ન્યુરો ફીડબૅક, લાઇટ, સાઉન્ડ, મંત્ર, હવન વગેરેથી બ્રેઇન-વેવ્સને પ્રભાવિત કરી શકાય. અમે અઢળક સંશોધનો કર્યાં છે અને અમે જોયું છે કે ભ્રામરી પ્રાણાયામની બ્રેઇન-વેવ્સ પર અકલ્પનીય પૉઝિટિવ અસર પડે છે. એ સિવાય ઓમકારનું ઉચ્ચારણ, ગાયત્રી મંત્રનો જપ, હવન વગેરે બ્રેઇન-વેવ્સને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે એવું કહેવા માટે અમારી પાસે વૈજ્ઞાનિક પ્રમાણો છે. આ બધી જ બાબતો ન્યુરૉન્સનું ડીજનરેશન અટકાવીને તેમની વચ્ચેનું કનેક્શન વધારે સ્ટ્રૉન્ગ કરે છે એવું પણ અમે અમારા સંશોધનમાં જોયું છે. એવી જ રીતે શ્રી યંત્ર પર ત્રાટક દ્વારા બ્રેઇન-વેવ્સની અસર જોઈ છે. શુકરાના મેડિટેશન એટલે કે ગ્રૅટિટ્યુડ મેડિટેશન થકી પણ બ્રેઇન-વેવ્સ પર પડેલી પૉઝિટિવ અસરને રેકૉર્ડ કરી છે.’

M O V E R S : બ્રેઇન-વેવ્સને બહેતર બનાવવા અનુસરો કોડવર્ડ

બ્રેઇન વેવ માટે ડૉ. શ્વેતા આડતિયાએ  M O V E R S  ફન્ડા લોકો પાસે અમલમાં મુકાવ્યો અને એનાં પૉઝિટિવ પરિણામ પણ જોયાં. આ મૂવર્સ શું છે અને કઈ રીતે એ બ્રેઇન-હેલ્થ ઇન્ડેક્સને વધારી શકે એ જાણીએ.

M એટલે મેડિટેશનનિયમિત ધ્યાનનો અભ્યાસ મગજને તંદુરસ્ત કરશે. પાંચ મિનિટથી સાત મિનિટ આંખો બંધ કરીને જાતને, મગજના વિચારોને ઑબ્ઝર્વ કરવાની આદત પાડો.

O એટલે ઑક્સિજનેશન બ્રેઇન અને આખા શરીરને ઑક્સિજન મળે એ માટે પ્રાણાયામ અને બ્રેથવર્કનો અભ્યાસ નિયમિત કરો.

V એટલે વિઝ્યુઅલાઇઝેશન વિઝ્યુઅલાઇઝેશન ટેક્નિકનો પણ બ્રેઇન પર ખૂબ સટીક પ્રભાવ પડતો હોય એવાં સર્વેક્ષણો છે. તમારા જીવનના હકારાત્મક પાસાને વિઝ્યુઅલાઇઝ કરવાથી પણ ઇન્સ્ટન્ટ્લી તમારું બ્રેઇન પૉઝિટિવલી રીઍક્ટ કરશે.

E એટલે એક્સરસાઇઝ નિયમિત કસરત કરવાથી શરીરનું સર્ક્યુલેશન વધે અને બૉડીનો નૅચરલ ડીટૉક્સ પાવર વધે જે બ્રેઇનની હેલ્થ માટે જરૂરી છે.

R એટલે રીડિંગવાંચવું એ બ્રેઇનનો બહુ મહત્ત્વનો ખોરાક છે અને બ્રેઇનના ઍનૅલિસિસ પાવર માટે, વિઝ્યુઅલાઇઝેશન માટે જરૂરી છે.

S એટલે  સ્ક્રિબિંગ સ્ક્રિબિંગ એટલે કે ભૂંસી નાખવું, ફ્લશ કરી દેવું. ‘જબ વી મેટ’માં નાટ્યાત્મક રીતે દેખાડાયેલી મનની ચિંતાઓને, ગુસ્સાને પેપરમાં લખીને ફ્લશ કરવાની વાત ખરેખર બ્રેઇન માટે વરદાન જેવી છે. તમને પજવતી વસ્તુઓ તમે લખીને અથવા મનમાં વિઝ્યુઅલાઇઝેશન દ્વારા એ ખતમ થઈ ગઈ એવા ભાવ સાથે બ્રેઇનને હિન્ટ આપો તો એની પણ બ્રેઇન-વેવ્સ પર નક્કર અસર થતી અમે જોઈ છે.  

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2025 02:10 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK