Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કાજોલ કેમ કરે છે ગૂંથણકામ?

કાજોલ કેમ કરે છે ગૂંથણકામ?

19 March, 2024 07:17 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

આજે જ્યારે લોકો ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણી વીસરાઈ રહેલી ગૂંથણકામ જેવી કળાઓ પર હાથ અજમાવવો હેલ્થ માટે પણ જરૂરી છે

કાજોલની તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

કાજોલની તસવીર


ઊન અને સોયાની મદદથી થતું ગૂંથણકામ આમ તો મહિલાઓ શોખ માટે કરતી હોય છે, પણ એ તમારા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવાનું પણ એક મહત્ત્વપૂર્ણ સાધ‌ન છે. આજે જ્યારે લોકો ડિપ્રેશન, સ્ટ્રેસ, ઍન્ગ્ઝાયટીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણી વીસરાઈ રહેલી ગૂંથણકામ જેવી કળાઓ પર હાથ અજમાવવો હેલ્થ માટે પણ જરૂરી છે

થોડા સમય પહેલાં બૉલીવુડ ઍક્ટ્રેસ કાજોલને પણ ગૂંથણકામનો ખૂબ શોખ છે. હજી થોડા દિવસ પહેલાં જ બૉલીવુડ ઍક્ટ્રેસ કાજોલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે કારની બૅક સીટ પર બેસીને ગૂંથણકામ કરી રહી હોવાનું દેખાય છે. તેનું કહેવું છે કે તેને ક્રૉશે આર્ટ એટલે કે ઊનની ગૂંથણીનું કામ બહુ ગમે છે. તે અવારનવાર પરિવારના સભ્યો માટે બ્લેન્કેટ, ટી-શર્ટ, જૅકેટ ગૂંથતી રહે છે. જૂના જમાનામાં તો લગભગ મોટા ભાગની મહિલાઓ ભરતકામ, ગૂંથણકામ કરતી હતી. તેમને માનસિક તાણથી દૂર રાખવામાં કદાચ આ પ્રવૃત્તિ પણ મદદરૂપ થતી હોય એવું બની શકે. આજે તો મોટા ભાગની વર્કિંગ વિમેનને ગૂંથણકામ જેવી કળા આવડતી હોતી નથી, પણ આના ફાયદાઓ વિશે જાણીને તેઓ પણ ગૂંથણકામ શીખવાની ટ્રાય તો કરી જ શકે છે. આજે અહીં એવી કેટલીક મહિલાઓને મળીએ જેમણે ગૂંથણકામમાં નિપુણતા મેળવેલી છે અને તેમની પાસેથી જાણીએ કે ગૂંથણકામ કરતી વખતે તેમને કેવું ફીલ થાય છે. સાથે જ એક્સપર્ટ પાસેથી પણ જાણીએ કે શું ખરેખર ગૂંથણકામ માનસિક શાંતિ આપે છે? 




ગૂંથણકામનો શોખ ધરાવતા અને ઑર્ડરથી મોબાઇલનાં કવર, કીચેઇન બનાવીને આપતાં થાણેમાં રહેતાં ૪૯ વર્ષનાં દક્ષા માલદે કહે છે, ‘હું ગૂંથણકામ કરું ત્યારે બધું જ ભૂલી જાઉં છું. ઘણી વાર એવું થાય કે ગૂંથણકામ લઈને બેસું તો મારા ઘરનાં બીજાં કામ રહી જાય. આ કામ કરવાની એટલી મજા આવે કે એમ થાય ગૂંથતાં જ રહીએ. એમાં ને એમાં સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ ન પડે. ઘણી વાર મેં નક્કી કર્યું હોય કે મારે આટલું ગૂંથવાનું કામ પૂરું કરવું છે તો પછી એ પૂરું કરવા માટે હું રાત્રે એક-એક વાગ્યા સુધી કામ કરતી બેઠી રહું. તમે એકધારા બે-ત્રણ કલાક બેસીને ગૂંથણકામ કરતા રહો તો પણ જરાય થાક ન લાગે. અંતે જ્યારે કામ પૂરું થાય પછી જે એક આત્મસંતોષની લાગણીનો અનુભવ થાય એ જુદો જ હોય છે. આપણને એક પ્રાઉડ ફીલિંગ થાય અને પોતાની જાતને શાબાશી દેવાનું મન થાય. મેં ૧૪-૧૫ વર્ષની ઉંમરે ગૂંથણકામ શીખ્યું હતું.

એ સમયે હું ચાલીમાં રહેતી તો અમારી આજુબાજુમાં રહેતી મહારાષ્ટ્ર‌િયન મહિલાઓ સ્વેટર કે કંઈ ગૂંથવા બેસે તો હું તેમની પાસે બેસીને શીખતી. ધીમે-ધીમે પછી મેં મોબાઇલનાં કવર, કીચેઇન એ બધું પણ બનાવતાં જાતે શીખી લીધું. મને ગૂંથણકામ એટલું ગમે કે મને યુટ્યુબમાં પણ કોઈ એવો ક્રીએટિવ વિડિયો દેખાય તો હું એને સેવ કરી લઉં પછી એ જોઈને એમાંથી નવી વસ્તુ બનાવવાની ટ્રાય કરું. શરૂઆતમાં તો હું પરિવારના સભ્યો માટે જ સ્વેટર, બ્લેન્કેટ, ટોપી, મોજાં ને એવું બનાવતી. ધીમે-ધીમે પછી સગાંસંબંધીઓ, મિત્રો, પાડોશીઓને મારું કામ એટલું ગમતું કે તેમણે મને ઑર્ડર આપવાનું શરૂ કર્યું. પહેલાં તો હું બધી વસ્તુઓ એમ જ ભેટરૂપે આપી દેતી, પણ પછીથી મારી દેરાણીના કહેવા પર હું મટીરિયલ કૉસ્ટ થાય એ લઉં છું.


મારી દેરાણી તો મને ક્લાસિસ લેવાનું પણ કહે છે, પણ મારે આ કામ પૈસા કમાવા માટે નથી કરવું. આ વસ્તુને હું ફક્ત મારા શોખ પૂરતી જ સીમિત રાખવા માગું છું. હા, જો કોઈ મારી પાસે આવીને મને કશું શીખવાડવાનું કહે તો હું તેમને માર્ગદર્શન આપું છું. મને ખાટલી વર્ક પણ આવડે છે. પ્રેગ્નન્સી દરમિયાન મેં એના પ્રોફેશનલ ક્લાસિસ લીધા હતા. મેં ફક્ત શીખવા ખાતર એ શીખ્યું હતું. વર્ષોથી મેં એને હાથ લગાવ્યો નથી. ખાટલી વગેરે બધું પડ્યું છે. મારી દીકરી ઘણી વાર મને એના પર કામ કરવાનું કહે, પણ એવો સમય મળતો નથી. એમાં એવું છે કે તમે ખાટલી વર્ક લઈને બેસી જાઓ તો તમારા ચાર-પાંચ કલાક ક્યાં નીકળી જાય એનું ભાન ન રહે.’

આવો જ કંઈક અનુભવ મલાડનાં રહેવાસી પણ હાલમાં સુવાવડ માટે સુરત ગયેલાં ૩૦ વર્ષનાં મનીષા પટેલનો પણ છે. મનીષાબહેન કહે છે, ‘હું જ્યારે ૧૧મા-૧૨મા ધોરણમાં ભણતી હતી ત્યારે અમને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગૂંથણકામ શીખવાડવામાં આવ્યું હતું. એ પછીથી મેં ક્યારેય ઘરે ગૂંથણકામ કર્યું નહોતું. જોકે પ્રેગ્નન્સી દરમિયાન મને ફ્રી બેઠાં-બેઠાં કંટાળો આવતો હતો એટલે મેં ફરી ગૂંથણકામ હાથમાં લીધું હતું. ગૂંથણકામ કરું તો મારું માઇન્ડ ફ્રેશ રહે છે. ઉપરથી નવરા બેઠાં બીજા કોઈ ખરાબ વિચારો ન આવે. સમય પણ આરામથી પસાર થઈ જાય.

ગૂંથણકામ કર્યા પછી મને ઊંઘ પણ સારી આવતી. મારી મમ્મી ઘણી વાર મને કહેતી કે આમ કલાકો સુધી બેઠાં-બેઠાં કામ ન કરાય, પણ હું તેમને એમ જ કહેતી કે આ કામ કરું છું એટલે મારું મન શાંત રહે છે. હું ચાર-પાંચ દિવસમાં એક મોટો રૂમાલ તો ગૂંથી જ નાખતી. મેં અલગ-અલગ શેપના ઘણા રૂમાલ બનાવ્યા છે. ગૂંથણકામ શીખ્યું એને વર્ષો થઈ ગયાં છે એટલે અત્યારે તો ફક્ત રૂમાલ જ બનાવ્યા છે. યુટ્યુબમાંથી જોઈને પર્સ બનાવવાનું શીખવાનું હતું પણ બાબો આવી ગયો એટલે હવે થોડા સમય પછી એ શીખીશ.’

એક્સપર્ટનું શું કહેવું છે?


ગૂંથણકામથી થતા ફાયદાઓ વિશે જણાવતાં સાઇકોલૉજિસ્ટ જિનિશા ભટ્ટ કહે છે, ‘ગૂંથણકામ એક એવી પ્રક્રિયા છે જેમાં તમારે તમારું પૂરેપૂરું ધ્યાન લગાવીને કામ કરવું પડે એટલે પછી આપોઆપ આપણા મગજમાં જે બીજી બધી ચિંતા હોય એ બાજુમાં રહી જાય અને આપણું મન એમાં પરોવાઈ જાય. આનાથી ફાયદો એ થાય કે કોઈ પણ કામ કરવામાં તમારું ફોકસ વધી જાય, સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી દૂર થાય. બીજું એ કે ગૂંથણકામ થોડું જટીલ કામ છે એટલે તમારું બ્રેઇન ઍક્ટિવ રહે છે, પરિણામે એ તમારા માઇન્ડને શાર્પ રાખવામાં તેમ જ વધતી ઉંમર સાથે થતી ભૂલવાની બીમારી (ડિમેન્શિયા, ઑલ્ઝાઇમર્સ)નું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ગૂંથણકામ કરતી વખતે સાંકળી બનાવવામાં એકની એક ઍક્શન રિપીટ થાય છે તો આ જે રિધમ છે એ મેડિટેશન સમાન છે, જે તમારાં માઇન્ડ અને બૉડીને એકદમ રિલૅક્સ્ડ રાખે છે. પરિણામે  સાંજના સમયે ગૂંથણકામ કરવાથી તમને રાત્રે નીંદર પણ સારી આવે છે. એ સિવાય તમે તમારી મહેનત અને આવડતથી જ્યારે ગૂંથણકામ કરીને કંઈક બનાવ્યું અને એની કોઈ પ્રશંસા કરે તો સેલ્ફ-કૉન્ફિડન્સ અને સેલ્ફ-સૅટિસ્ફૅક્શન મળે છે, જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 07:17 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK