Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે પેટ અંદર જાય છે કે બહાર આવે છે?

તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે પેટ અંદર જાય છે કે બહાર આવે છે?

08 April, 2024 07:27 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

શ્વાસ લેવાની આ એક ભૂલ તમને લાંબા ગાળે માનસિક રોગી બનાવવાની સાથે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હૃદયરોગ જેવી ઢગલાબંધ બીમારીઓ આપી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ-વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


હમણાં જ ચેક કરી લો. શ્વાસ લેતી વખતે જો પેટ બહાર આવતું હોય તો માનજો કે તમને સાચી રીતે શ્વાસ લેતાં આવડે છે અને શ્વાસ લો ત્યારે પેટ અંદર જાય મતલબ કે તમારી શ્વાસોચ્છ્વાસની પૅટર્ન જ ખોટી છે. શ્વાસ લેવાની આ એક ભૂલ તમને લાંબા ગાળે માનસિક રોગી બનાવવાની સાથે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને હૃદયરોગ જેવી ઢગલાબંધ બીમારીઓ આપી શકે છે. યોગ શીખીએ કે ન શીખીએ, પણ સાચી રીતે શ્વાસ લેતાં તો શીખી જ જવું જોઈએને!

પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસનું સરવૈયું એટલે જીવન અને એટલે જ આપણા શ્વસનની ગુણવત્તા પર આપણા જીવનની ગુણવત્તા નિર્ભર કરે છે. શ્વાસની બીજી ખાસિયત એ છે કે તમે સભાનતા ન રાખો તો પણ શ્વાસ એની મેળે ચાલ્યા કરવાના. તમે ગાફેલ રહો તો પણ શ્વાસની પ્રક્રિયા અટકવાની નથી અને એટલે જ ૭૦ ટકા કરતાં વધુ લોકો ઉંમર અને જવાબદારીઓ વધતી જાય એમ સાચી રીતે શ્વાસ લેવામાં થાપ ખાઈ જાય છે, જેની આપણા શરીર પર કલ્પી ન શકાય એવી માઠી અસરો પડે છે. યોગના મહત્ત્વના ગ્રંથ એવા હઠપ્રદીપિકામાં કહેવાયું છે કે ‘ચલે વાતે, ચલમ્ ચિત્તમ’ એટલે કે જેમ શ્વાસ ચાલે એમ મન પણ ચાલે. શ્વાસ ટૂંકા તો મન ચંચળ અને શ્વાસ ઊંડા તો મન એકાગ્ર, શ્વાસમાં ઠહરાવ તો મનમાં ઠહરાવ અને શ્વાસમાં સ્થિરતા તો મનમાં સ્થિરતા અને શ્વાસમાં વિહ્વળતા તો મનમાં વિહ્વળતા. તમારા શ્વાસોચ્છ્વાસનું પ્રતિબિંબ સીધું તમારા મન પર પડશે. એ જ રીતે તમારા મનનું પ્રતિબિંબ પણ શ્વાસ પર ઝિલાય છે. જેમ કે ઘણી વાર તમે જોયું હશે કે તમે ગુસ્સામાં હો ત્યારે તમારા શ્વાસ ટૂંકા અને ઝડપી બને. ડિપ્રેસ્ડ વ્યક્તિઓના ઉચ્છ્વાસ લાંબા હોય, ઍન્ગ્ઝાયટી એટલે કે ઉચાટની અવસ્થામાં શ્વાસની રિધમ ખોરંભે ચડે. સાચું કહીએ તો શ્વાસ જ અત્યારના સમયમાં સર્વસ્વ છે અને જો તમને શ્વાસનું મૅનેજમેન્ટ આવડી જાય તો આખા જીવનનું મૅનેજમેન્ટ આવડી ગયું સમજજો. આજે જ્યારે બીમારીઓ પાછળ ૯૦ ટકા કારણો સાઇકોસોમૅટિક એટલે કે મનોદૈહિક હોવાનું મનાય છે ત્યારે મનને મૅનેજ કરવાનું કામ પણ માત્ર ને માત્ર શ્વાસથી થઈ શકે છે. આ માત્ર ને માત્ર પર વિશેષ ધ્યાન આપજો. આપણા મનની દરેક અવસ્થાનો શ્વાસ પર પ્રભાવ પડતો હોય ત્યારે શ્વાસ દ્વારા મનની દરેક અવસ્થાને ટૅકલ કરવામાં સિમ્પલ ડીપ બ્રીધિંગ પ્રૅક્ટિસ પણ જબરું પરિણામ લાવી શકે છે. શ્વાસ તમારા સ્વાસ્થ્ય માટે કઈ રીતે ગેમચેન્જર સાબિત થઈ શકે એ વિષય પર આજે આપણે વિગતવાર વાતો કરીએ તો સાથે જ ઊંડા શ્વાસ કેવી રીતે લેવાય એ પાછળનું વિજ્ઞાન પણ સમજીએ.

આ છે શ્વાસની ખોટી રીત
શું કરવું એ સમજતાં પહેલાં શું ન કરવું એ સમજવું મહત્ત્વનું છે. શ્વાસમાં શું કરવું એનો જવાબ આપતાં જાણીતા યોગનિષ્ણાત અને પ્રાણાયામમાં અઢળક રિસર્ચ કરનારા યોગ-ઇન્સ્ટ્રક્ટર અને વેલનેસ કોચ અરવિંદ પ્રસાદ કહે છે, ‘શ્વાસ લેવાની ખોટી રીતને પૅરૅડૉક્સિકલ બ્રીધિંગ તરીકે ઉલ્લેખવામાં આવે છે, જેને સમજવાનો સરળ રસ્તો એટલે તમે શ્વાસ ફેફસાંમાં ભરો અને પેટ અંદર જાય અને શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ બહાર આવે તો એ શ્વાસની તદ્દન ખોટી રીત છે અને ૮૦ ટકા લોકો આમ જ ખોટી રીતે શ્વાસ લે છે. આ દર્શાવે છે કે તમે તમારાં ફેફસાંનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા. ઘણો લોકો ફ્લૅટ સ્ટમક એટલે કે પેટ ફૂલેલું ન દેખાય એટલે કૃત્રિમ રીતે જ પેટને અંદર તરફ ખેંચીને રાખે અને એની સમયાંતરે આદત પડી જાય. ફેફસાં પૂરેપૂરાં ફુલાય જ નહીં. ફેફસાં અને પેટની વચ્ચે એક મસ્તમજાની દીવાલ જેવા સ્નાયુ છે જેને આપણે ડાયાફ્રામ મસલ્સ તરીકે ઓળખીએ છીએ, એનો પણ ઉપયોગ ન થાય. એક તો ઑક્સિજન શરીરને ન મળે અને બીજું, ફેફસાંનો અધૂરો ઉપયોગ થવાને કારણે ફેફસાંમાં એલ્વીઓલાઇ નામનું પ્લાસ્ટિકની કોથળી જેવું સ્ટ્રક્ચર છે એનો ઉપયોગ પણ ન થાય. અને આપણા શરીરનો સિમ્પલ નિયમ છે કે જેનો ઉપયોગ ન થાય એ નષ્ટ થવા માંડે. ખોટી રીતે થતું શૅલો બ્રીધિંગ એટલે ટૂંકા શ્વાસ લેવાને કારણે હાર્ટ-રેટ વધારે, ગરદન અને ખભામાં દુખાવો કરી શકે, છાતીના સ્નાયુઓને નબળા કરે, શરીરમાં નબળાઈ લાવે, સ્ટ્રેસ-હૉર્મોન્સનું પ્રમાણ વધારે, ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશન, અનિદ્રા, માથાનો દુખાવો, હાઈ બ્લડ-પ્રેશર જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવવામાં નિમિત્ત બની શકે છે. જોકે આ સમસ્યા પાછળ તમારા શ્વસનની ખોટી રીત જવાબદાર છે એવું એકેય રિપોર્ટમાં ક્યારેય સાબિત નથી થવાનું એટલે જ લોકો શ્વસન પ્રત્યે ક્યારેય ગંભીર નથી થતા. અહીં સીધી વાત છે કે તમે કોઈ છોડ રોપ્યો પણ જો એને બરાબર પાણી ન પીવડાવો અથવા તો જે વૉટરિંગ તમે પ્લાન્ટને કરો છો એ અપૂરતું છે તો ધીમે-ધીમે એ છોડવાની શું દશા થશે? તમે જ્યારે શ્વાસ દ્વારા પૂરતો ઑક્સિજન શરીરને ન આપો ત્યારે તમારા શરીરની એવી હાલત થતી હોય છે.’સાચી રીતે શ્વાસ લેવો એટલે?
ક્યારેય કોઈ બાળકને શ્વાસ લેતાં જોયું છે તમે? નાનકડા ચાર-છ મહિનાના બાળકને જોશો તો સમજાશે કે તેના શ્વાસ સાથે તેનું પેટ ઉપર-નીચે થતું હોય છે. બાળક હંમેશાં પેટથી જ શ્વાસ લે છે અને આપણે પણ બાળક હતાં ત્યારે આવી જ રીતે શ્વાસ લેતા હતા. શ્વાસ લેવાની કળા આપણે ગળથૂથીમાં શીખીને જ આવ્યા છીએ, તો પછી થયું શું? અહીં યોગ-માસ્ટર અરવિંદ પ્રસાદ કહે છે, ‘આપણી દોડ અને આપણી ચિંતાઓ વધવા માંડી અને શ્વાસ ઝડપી બન્યા અને ટૂંકા થતા ગયા. પેટથી શ્વાસ લેવાની કળા લોકો વિસરતા ગયા. શ્વાસ લેવાની સાચી રીત શીખવા માટે તમારે ફુગ્ગાને આંખ સામે રાખવાનો. ફુગ્ગો અને પેટ જાણે એકસરખા હોય એમ જ્યારે હવા અંદર જાય અને ફુગ્ગો ફુલાય એમ જ્યારે શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર આવવું જોઈએ અને ફુગ્ગામાંથી હવા બહાર નીકળે અને ફુગ્ગો સંકોચાય એમ તમે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારું પેટ પણ અંદરની તરફ સંકોચાવું જોઈએ. ધારો કે શરૂઆતમાં નૅચરલી આવું ન થાય તો તમારે પ્રયત્નપૂર્વક આમ કરવું જોઈએ અને કૃત્રિમ રીતે પણ શ્વાસ બહાર આવે ત્યારે પેટને અંદર ખેંચવું અને શ્વાસ અંદર જાય ત્યારે પેટને બહાર કાઢવું આ પ્રક્રિયા કરવી જોઈએ. પેટથી શ્વાસ લેવા એ જ ડીપ બ્રીધિંગની સામાન્ય સમજણ છે.’


થોડુંક વધુ શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ સમજવું હોય તો કહી શકાય કે ડાબા ફેફસાના બે હિસ્સા અને જમણા ફેફસામાં ત્રણ હિસ્સા છે. અહીં યોગ નિષ્ણાત અરવિંદ પ્રસાદ કહે છે, ‘મોટા ભાગના લોકો પહેલા હિસ્સા સુધી જ શ્વાસ લઈ લેતા હોય છે, પરંતુ જો સાચી રીતે શ્વાસ લો તો આ ત્રણેય હિસ્સાનો ઉપયોગ થાય અને ઑક્સિજનની માત્રા શરીરમાં વધે. આજના સમયમાં આપણી આહારપદ્ધતિ અને જીવનશૈલી જે રીતની છે એ જોતાં બૉડીમાં ઍસિડનું પ્રમાણ વધારે હોય છે. આ ઍસિડિક બૉડીમાં શરીરમાં ફ્રી રૅડિકલ્સનું પ્રમાણ વધે છે. એટલે કે કોષોના મૃત થવાની પ્રક્રિયા ઝડપી બને છે, જેને ડીજનરેશન પ્રોસેસ કહીએ છીએ. ઍસિડિક એન્વાયર્નમેન્ટમાં ટકી રહેવા માટે તમારા શરીરની ઑક્સિજનની જરૂરિયાત વધે છે અને એ ન મળે તો કોષ મરવા માંડે. આવા સમયે તમારું ડીપ બ્રીધિંગ અને સાચી રીતે થતો પ્રાણાયામનો અભ્યાસ જરૂરિયાત મુજબનો ઑક્સિજન શરીરને આપી દે છે. ડીજનરેશન ધીમું પડે છે. એટલે જ તો કહેવાય છે કે પ્રાણાયામનો નિયમિત અભ્યાસ કરનારા લોકો એવરયંગ રહે છે અથવા તો તેમની વધતી ઉંમર જાણે થંભી જાય છે.’

કૉમન મિસ્ટેક શું?
શ્વાસ અંદર ભરો એટલે પેટ બહાર અને શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ અંદર જવું જોઈએ આ કૉમન સિદ્ધાંત તો ચાલો સમજાઈ ગયો, પણ એ સિવાય એમાં કોઈ ભૂલ થવાની સંભાવના છે? એનો જવાબ આપતાં અરવિંદ પ્રસાદ કહે છે, ‘શ્વાસની શરૂઆત નાકથી થાય છે એ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. તમે શ્વાસ લો ત્યારે શ્વાસની પ્રક્રિયા નાક વાટે ધીમી ગતિએ શરૂ થાય એ પહેલી ચોકસાઈ રાખવાની. શ્વાસ લેતી વખતે તમારી સ્પાઇન એટલે કે કરોડરજ્જુ એકદમ કડક ન કરવી કે અત્યંત ઢીલી ન રાખવી, સહજ રીતે સીધી રાખવી. આ બીજી ચોકસાઈ. અને ત્રીજા નંબર પર જો જરૂર પડે તો દીવાલનો સપોર્ટ લઈને બેસો, પણ ગરદન નીચેની તરફ ઝૂકેલી ન રહે એનું પણ ધ્યાન રાખો. જ્યારે તમે પેટથી શ્વાસ લો છો ત્યારે તમે નવી મસલ-મેમરી ક્રીએટ કરી રહ્યા છો. જો એનો નિયમિત અભ્યાસ કરશો તો ધીમે-ધીમે ચોવીસ કલાકની તમારી બ્રીધિંગ પૅટર્ન પેટથી જ શ્વાસ લેવાની થશે અને એના અકલ્પનીય હેલ્થ-બેનિફિટ્સ છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2024 07:27 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK