સોશ્યલ મીડિયા પર ઉદ્ધવને મોટા ભાઈ અને શિવસેેના પક્ષપ્રમુખ કહીને સૂચક સંકેત આપ્યો
ગઈ કાલે માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને ગુલદસ્તો આપતા અને બાળ ઠાકરેની ફોટોફ્રેમ સાથે મોટા ભાઈ ભેગો ફોટો પડાવતા રાજ ઠાકરે.
ઉદ્ધવ ઠાકરેની ગઈ કાલે ૬૫મી વર્ષગાંઠ હતી એટલે રાજ ઠાકરે તેમને શુભેચ્છા આપવા માતોશ્રી ગયા હતા. તેમની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ બાળા નાંદગાવકર અને નીતિન સરદેસાઈ પણ હતા. બન્ને ભાઈઓ વચ્ચે ૨૦ મિનિટ સુધી વાતો થઈ હતી.
રાજ ઠાકરેએ બાળા નાંદગાવકરના ફોન પરથી સંજય રાઉતને ફોન કરીને કહ્યું હતું કે હું આવી રહ્યો છું. એ મેસેજ સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને આપ્યો હતો. ત્યાર બાદ રાજ ઠાકરે તેમના શિવાજી પાર્કના શિવ તીર્થ નિવાસસ્થાનેથી નીકળીને થોડી જ મિનિટોમાં માતોશ્રી પહોંચી ગયા હતા. રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપી એ પછી બન્નેએ થોડી વાર વાતો કરી હતી. એ પછી રાજ ઠાકરે બાળાસાહેબ ઠાકરેની ખુરસી પાસે જઈને તેમના ફોટોને પગે લાગ્યા હતા.
ADVERTISEMENT
આ મુલાકાતની હાઇલાઇટ એ હતી કે ઉદ્ધવ માટે રાજ માત્ર લાલ ગુલાબનો મોટો ગુલદસ્તો લઈ ગયા હતા. એ ઉપરાંત રાજ ઠાકરેએ સોશ્યલ મીડિયા પર જે પોસ્ટ મૂકી એ પણ ઘણી સૂચક છે.
બૅકગ્રાઉન્ડમાં બાળ ઠાકરેનો ફોટો સાથેનો પોતાનો અને ઉદ્ધવનો ફોટો શૅર કરીને રાજ ઠાકરેએ મરાઠીમાં લખ્યું કે મારા મોટા ભાઈ શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે તેમને સદ્ગત માનનીય બાળાસાહેબ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી જઈને શુભેચ્છા આપી. આ પોસ્ટમાં ઉદ્ધવ ઠાકરેને રાજ ઠાકરેએ UBTનો ઉલ્લેખ કર્યા વગર શિવસેના પક્ષપ્રમુખ કહ્યા એને રાજકીય વિશ્લેષકો મહત્ત્વનું માની રહ્યા છે.
મરાઠીના મુદ્દે પાંચમી જુલાઈએ વરલીમાં આયોજિત વિજય મેળાવડામાં બન્ને ભાઈઓ વર્ષો પછી એક મંચ પર સાથે આવ્યા હતા. હવે ઉદ્ધવ ઠાકરેને શુભેચ્છા આપવા રાજ ઠાકરે તેમના ઘરે ગયા છે ત્યારે ફરી એક વાર બન્ને દ્વારા સમજૂતી થાય અને તેઓ સાથે આવે એવા અણસાર દેખાઈ રહ્યા છે.
છેલ્લે ૬ વર્ષ પહેલાં માતોશ્રીમાં આવેલા રાજ ઠાકરે -રાજ ઠાકરે ગઈ કાલ પહેલાં છેલ્લે ૨૦૧૯માં દીકરા અમિતનાં લગ્નનું આમંત્રણ આપવા માતોશ્રી ગયા હતા.


