Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

છ વાર ખાવું કે બે વાર?

Published : 02 August, 2023 04:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયુર્વેદ પ્રમાણે ભોજન માટે ફક્ત બે સમય આપવામાં આવ્યા છે; એક પ્રાતઃકાળ એટલે કે સૂર્યોદય પછી ૬થી ૧૦ની વચ્ચે અને બીજી સાયંકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાં બીજું ભોજન.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ- સોનલ કાંટાવાલા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


આ સવાલનો દરેક વ્યક્તિ માટે જુદો જવાબ હોઈ શકે છે. કેમ કે કોઈકને બે વાર ભરપેટ ખાઈ લેવામાં સંતોષ થાય છે તો કેટલાકને કટકે-કટકે ચાર, પાંચ કે છ વાર ખાવાનું જોઈએ. મૉડર્ન મેડિસિનની દિવસમાં પાંચથી છ વાર ખાવાની સલાહ કેમ દરેક માટે યોગ્ય નથી એનું સાયન્સ જાણીએ આપણા આયુર્વેદશાસ્ત્ર પાસેથી


ડાયટની બાબતમાં મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સમાં એટએટલી અવનવી ચીજો આવતી ગઈ છે કે ન પૂછો વાત. મોના ડાયટ, કીટો ડાયટ, જૂસ ડાયટ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને બહુ સમજીવિચારીને ફૉલો કરનારા કરે બૅલૅન્સ્ડ ડાયટ. જેમાં પાંચથી છ વાર થોડી-થોડી હેલ્ધી ચીજો ખાવાની વાત હોય. જોકે વારંવાર ખાતા રહેવાનો ટ્રેન્ડ જ્યારથી શરૂ થયો છે ત્યારથી મેટાબોલિઝમની સમસ્યા વધી છે એવું આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી માને છે. આયુર્વેદમાં હંમેશાં ભૂખ હોય એટલું જ અને ભૂખ હોય ત્યારે જ ખાવું એ એક સાદો નિયમ છે એમ જણાવતાં ડૉ. રવિ કહે છે, ‘મેકૅનિકલી તમે નક્કી કરી દો છો કે આટલા વાગ્યે નાસ્તો, આટલા વાગ્યે ડ્રાયફ્રૂટ્સ, આટલા વાગ્યે લંચ અને ડિનર લઈ જ લેવાનાં - એ આદત ખોટી છે. દરેક શરીરની જરૂરિયાત જુદી છે, દરેક શરીરની પાચનક્ષમતા જુદી હોય છે એ તો છે જ, પણ દરેક વ્યક્તિની પાચનશક્તિ દરેક ઋતુમાં એકસરખી નથી હોતી. તમે બૉડીને મશીનની જેમ ઑટોમોડ પર ન ચલાવી શકો. શરીરની ચયાપચયની ક્ષમતા ઋતુ, કાળ અને વ્યક્તિના પાચકાગ્નિ પર નિર્ભર હોય છે. તમારી બૉડીને સમજીને એ મુજબ ખાવાની આદત રાખવી જોઈએ.’



ન સાંભળો તો નુકસાન


આયુર્વેદ પ્રમાણે ભોજન માટે ફક્ત બે સમય આપવામાં આવ્યા છે; એક પ્રાતઃકાળ એટલે કે સૂર્યોદય પછી ૬થી ૧૦ની વચ્ચે અને બીજી સાયંકાળ એટલે કે સૂર્યાસ્ત પહેલાં બીજું ભોજન એમ જણાવતાં જાણીતા વૈદ્ય શ્રીકાંત સન્મુખ કહે છે, ‘વ્યક્તિની પ્રકૃતિ અને ભૂખ પ્રમાણે ભોજનની માત્રા ઓછી-વધારે કરી શકાય છે. જો કોઈને ૧૧ વાગ્યે થાળી ભરીને ભોજન કરવા જેટલી ભૂખ હોય પણ તે ફક્ત બે વાડકી ઉપમા ખાઈને ચલાવી લે અને આવું નિયમિત રીતે થતું રહે તો શરીરના બંધારણના જે ઘટકો છે જેવા કે મસલ્સ. ન્યુરૉન્સ, હાડકાં વગેરે દરેક પર એની નકારાત્મક અસર શરૂ થઈ જાય છે. જ્યાં સુધી જન્મજાત શક્તિ એટલે કે ધાતુબળ, વ્યક્તિમાં હોય ત્યાં સુધી શરીરને કોઈ બીમારી લાગતી નથી, પરંતુ વધતી ઉંમર સાથે જેમ-જેમ આ ધાતુબળ ઓછું થવા માંડે ત્યાર પછી શરીર કોઈ ને કોઈ તકલીફમાં આવવા માંડે છે. આખા જીવન દરમ્યાન આ ધાતુબળને જાળવી રાખવું જરૂરી છે. ખાવાની ખોટી આદતો, ખોટા સમયે ખાવું, તણાવ વગેરેને કારણે ધાતુબળ ઝડપથી ઓછું થાય છે અને બીમારીઓ દેખા દેવા માંડે છે. એક જ સમયે એક જ ઘરમાં એકસરખો ખોરાક લેનારને એક જ તકલીફ નથી થતી એનું કારણ એ છે કે તેમના શરીરમાં અલગ-અલગ સ્તરનું ધાતુબળ રહેલું છે.’


ભૂખ અને જઠરાગ્નિ


કેમ કોઈ વ્યક્તિને વધુ ભૂખ લાગે છે અને કોઈને ઓછી? કેમ કોઈને ઓછું ખાધા પછીયે પચતું નથી ને કોઈ વધુ ખાધા પછી બધું પચાવી જાય છે? આનું કારણ ભૂખના પ્રકાર. આયુર્વેદમાં જઠરાગ્નિ મુજબ ભૂખના પ્રકારો વૈદ્ય શ્રીકાંત સન્મુખ સમજાવે છે.
૧. મંદાગ્નિ : એટલે જેના જઠરની અગ્નિ મંદ (ઓછી) હોય તેમને એક વાર જમ્યા પછી ૮થી ૧૨ કલાક સુધી ભૂખ લાગતી નથી. 
૨. વિષમાગ્નિ : એટલે કે અનિયમિત અગ્નિ. આ તેમનો હોય જેમનો ભોજન સમય અને ભોજન કરવાની ફ્રીક્વન્સી દરરોજ અલગ હોય છે. તેમની ભૂખ વધતી-ઓછી થયા કરે છે. 
૩. તીક્ષ્ણાગ્નિ ઃ એટલે જેમને વધારે ભૂખ લાગે છે. આ લોકોને દર બે-ત્રણ કલાકે ખાવા જોઈએ અને તેમને ગળ્યું ખાવાની ખૂબ ઇચ્છા થાય.  
૪. સમાગ્નિ : એટલે જેમની ભૂખ લાગવાની તીવ્રતા અને પાચન કરવાની ક્ષમતા એકસરખી હોય. તેમને જો કાંઈ ખોટું ખાઈ પણ લીધું હોય તો તેમનું શરીર એને તરત બહાર કાઢી નાખે છે. સમાગ્નિ એ તંદુરસ્તીની નિશાની છે. આ વ્યક્તિ સ્વસ્થ ગણાય છે.

એટલે જેમનો અગ્નિ મંદ, વિષમ કે તીવ્ર હોય તેમને સમાગ્નિ તરફ લાવવાનો પ્રયાસ કરવાનો હોય છે અને પછી એ જાળવવાનો હોય છે. એટલે જેમની તીક્ષ્ણ અગ્નિ છે તેઓ દર બે કલાકે 
ખાય તો તેમને માટે બરાબર છે, પરંતુ એ જ સલાહ જો મંદાગ્નિવાળા અનુસરે તો તેને અપચો થવા માંડે અને પછી શરૂ થઈ જાય અનેક રોગોની ભરમાર. એટલે આયુર્વેદ પ્રમાણે વ્યક્તિની પ્રકૃતિ અને પાચનશક્તિ પ્રમાણે તેણે ભોજનની માત્રા અને ફ્રીક્વન્સી રાખવી જોઈએ.

બે ભોજન વચ્ચે ૮થી ૧૨ કલાકનું અંતર હોવું જોઈએ. આ બન્ને ભોજનમાં ૬ રસ હોવા જોઈએ, જેમ કે ગળ્યો, ખાટો, ખારો, તીખો, તૂરો અને કડવો. જો વ્યક્તિની પાચનશક્તિ બરાબર હોય અને તેણે યોગ્ય માત્રામાં ભોજન લીધું હોય તો તેને ભોજન પચાવતાં ૧૨ કલાક લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2023 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK