મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બ્રેક ફેલ થયા પછી ૬ કિલોમીટર સુધી બેલગામ દોડી ટ્રક, પચીસેક વાહનોને અડફેટે લીધાં
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગઈ કાલે બપોરે જોરદાર અકસ્માત થયો હતો. પુણેથી મુંબઈ આવી રહેલી એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં એ ૬ કિલોમીટર સુધી ઢોળાવ પર બેકાબૂ દોડી હતી અને એણે ખોપોલી પાસે નવા બોગદાના બાયપાસ પાસેથી ફૂડ મૉલ સુધી પચીસેક વાહનોને અડફેટમાં લીધાં હતાં જેમાં મર્સિડીઝ અને BMW જેવી લક્ઝરી ગાડીઓનો સમાવેશ હતો. ટ્રક આખરે સાઇડની ગ્રિલ સાથે અથડાઈને અટકી ગઈ હતી. આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. અન્ય વાહનોમાં પ્રવાસ કરી રહેલા અનેક પ્રવાસીઓ ઘાયલ થયા હતા. ૩ વાહનોના તો ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં ૩૫ વર્ષની એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ૧૮ જણ ઘાયલ છે જેમાંથી બેની હાલત ગંભીર છે.
ઘટનાની જાણ થતાં હાઇવે ટ્રાફિક પોલીસ, સ્થાનિક બોરઘાટ પોલીસ અને અન્ય રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી. ઘાયલોને પહેલાં ખોપોલીની ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ નવી મુંબઈની મહાત્મા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અસ્માતને કારણે પુણેથી મુંબઈ આવતી લેન પર ટ્રાફિક જૅમ થયો હતો. ઍક્સિડન્ટમાં ટ્રકની અડફેટે ચડેલાં વાહનો બંધ થઈ જતાં એને દૂર કરવામાં સમય લાગ્યો હતો અને ત્યાં સુધી સિંગલ લેન પર વાહનોને મુંબઈ તરફ મોકલવામાં આવી રહ્યાં હતાં. ખોપોલી પોલીસે ટ્રક-ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેણે દારૂ નહોતો પીધો એવું જણાયું હતું.


