નવી મુંબઈની મહિલાનો જોકે ચમત્કારિક બચાવ
ખાડીમાં પડેલી કારને ક્રેનથી બહાર કાઢવામાં આવી હતી.
ક્યારેક ટેક્નૉલૉજી પરનો વધુપડતો વિશ્વાસ કેવી આફત નોતરે છે એનો અનુભવ નવી મુંબઈની એક મહિલાને શુક્રવારે મધરાતે એક વાગ્યે થયો હતો. એ મહિલા મોડી રાતે બેલાપુરથી કારમાં ઉલવે જઈ રહી હતી. તેના કહેવા મુજબ તે ગૂગલમૅપ્સને ફૉલો કરી રહી હતી. ગૂગલમૅપ્સે તેને બ્રિજ પરથી જવાને બદલે બ્રિજની નીચેનો ધ્રુવ-તારા જેટીનો રોડ દર્શાવતાં તે કાર એ રોડ પર લઈ ગઈ હતી અને એ પછી કાર સાથે તે ખાડીમાં પટકાઈ હતી.
તેના સદ્નસીબે એ જગ્યાથી થોડે દૂર મરીન સિક્યૉરિટી ફોર્સના જવાનો તહેનાત હોવાથી તેઓ તરત જ મદદે દોડી ગયા હતા. તેમણે મહિલાને ખાડીમાં તરતી જોઈને તેને બહાર કાઢી હતી. જોકે મહિલાને કશી ઈજા થઈ નહોતી. તેણે કહ્યું હતું કે ગૂગલમૅપ્સે મને રસ્તો દેખાડતાં હું એ રસ્તે ગઈ હતી. જોકે એ પછી તેઓ મહિલાને સુરક્ષિત ઘર સુધી મૂકી આવ્યા હતા. એ પછી ખાડીમાં પડેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.


