વેઇટલૉસ માટે જાત-જાતનાં ડ્રિન્ક્સ બજારમાં મળે છે, પણ બે મહિનામાં ૧૭ કિલો વજન ઘટાડવા માટે ક્રિકેટર સરફરાઝ ખાને તેની ડાયટમાં ગ્રીન કૉફીનો સમાવેશ કર્યો હતો. ગ્રીન કૉફી એટલે શું અને એ વેઇટલૉસમાં કઈ રીતે મદદ કરે એ જાણીએ
સરફરાઝ ખાન
૨૭ વર્ષના યુવા ક્રિકેટર સરફરાઝ ખાને બે મહિનામાં ૧૭ કિલો વજન ઘટાડીને બધાની બોલતી બંધ કરી દીધી છે. એક સમયે તેની ખાવા-પીવાની આદતો અને વધુ પડતા વજનને લઈને સાથી ક્રિકેટર્સ તેને પાંડા નામથી બોલાવતા હતા. જોકે તે વજન ઘટાડીને વધુ ફિટ બન્યો હોવાથી હવે તેને માચો કહીને બોલાવવામાં આવે છે. તેણે તેની ડાયટમાં ગ્રીન ટી અને ગ્રીન કૉફીનો પણ સમાવેશ કર્યો હતો. આપણને બધાને જ ગ્રીન ટી ખબર છે, પણ ગ્રીન કૉફી વિશે લોકોને હજી એટલી ખબર નથી. તો ચાલો આજે ન્યુટ્રિશનિસ્ટ સકીના પાત્રાવાલા પાસેથી જાણીએ કે ગ્રીન કૉફી શું છે અને એ કઈ રીતે વેઇટલૉસ કરવામાં મદદ કરે?
ગ્રીન કૉફી એટલે શું?
ADVERTISEMENT
ગ્રીન કૉફી એટલે કે રોસ્ટ કર્યા વગરના કૉફી બીન્સ. એટલે કે રૉ અને નૅચરલ કૉફી બીન્સ. એ દેખાવમાં હળવા લીલા કે લાઇટ બ્રાઉન હોય છે. સામાન્ય રીતે આપણે જે બ્રાઉન કૉફી બીન્સ જોઈએ છે એ રોસ્ટ કરેલા હોય છે.

સામાન્ય કૉફીથી કેટલી અલગ?
ગ્રીન કૉફી રેગ્યુલર કૉફીની સરખામણીમાં થોડી ઓછી કડવી હોય છે. ગ્રીન કૉફીમાં નૅચરલ પ્લાન્ટ ઍસિડ્સ જેમ કે ક્લોરોજેનિક ઍસિડ વધુ હોય છે જે હર્બલ ફ્લેવર આપે છે. રોસ્ટિંગ વખતે આ ઍસિડ્સ ડીગ્રેડ થઈ જાય છે અને એક કડવી ફ્લેવર ડેવલપ થાય છે. એ સિવાય રેગ્યુલર કૉફીની સરખામણીમાં ગ્રીન કૉફીમાં કૅફીન પણ ઓછું હોય છે. કૉફી બીન્સ રોસ્ટ થાય છે ત્યારે એમાંથી મૉઇશ્ચર અને કેટલાંક બીજાં કમ્પાઉન્ડ નીકળી જાય છે, પણ કૅફીન સ્ટેબલ રહે છે. એટલે બ્રાઉન બીન્સની બનેલી કૉફી વધુ કડવી લાગે છે.
કઈ રીતે વજન ઘટાડે?
ગ્રીન કૉફીમાં ક્લોરોજેનિક ઍસિડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. એ ડાયજેસ્ટિવ ટ્રૅકમાં ગ્લુકોઝ અને ચરબીનું ઍબ્સૉર્પ્શન ધીમું પાડે છે. એનાથી શરીર ચરબીના રૂપમાં ઊર્જાને સ્ટોર કરવાનું ઓછું કરે છે એટલે વજન ઘટાડવામાં મદદ મળે છે. એ સિવાય ગ્રીન કૉફી પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. એનાથી શરીરમાં ચરબીને ઊર્જામાં બદલવાની પ્રક્રિયા ઝડપી બની જાય છે. એને કારણે વેઇટલૉસમાં મદદ મળે છે. કેટલાક લોકોને ગ્રીન કૉફી પીધા પછી ભૂખ ઓછી લાગે છે અને વારંવાર કંઈ ને કંઈ ખાવાની એટલી ઇચ્છા થતી નથી. એને કારણે કૅલરી પણ નિયંત્રણમાં રહે છે અને વજન ઘટે છે. ક્લોરોજેનિક ઍસિડ એક શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે શરીરમાં ઇન્ફ્લમેશન એટલે કે શરીરની અંદર થયેલો સોજો ઘટાડે છે. સાથે જ મેટોબોલિઝમ સુધારે છે, ફૅટ બર્ન વધારે છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે જેનાથી ફૅટ સ્ટોરેજની સંભાવના ઘટે છે.
બીજા હેલ્થ-બેનિફિટ્સ?
ગ્રીન કૉફી હાર્ટ-હેલ્થ માટે પણ ખૂબ સારી છે. એ ખરાબ કૉલેસ્ટરોલ ઓછું કરવામાં, બ્લડ-શુગરના લેવલને ઓછું કરવામાં તેમ જ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ ગુણો હૃદયના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સારા છે. ગ્રીન કૉફી શરીરમાંથી ઝેરી તત્ત્વો કાઢવામાં મદદ કરે છે એટલે શરીરને ડીટૉક્સ કરવાનું કામ કરતા લિવરના કામમાં સુધારો આવે છે. શરીર સરખી રીતે ડીટૉક્સ થાય તો ત્વચા ગ્લોઇંગ બને છે, પાચન સારું રહે છે, એનર્જી-લેવલ સારું થાય છે અને ઇમ્યુનિટી મજબૂત થાય છે.
કઈ રીતે બનાવશો?
ગ્રીન કૉફી બનાવવાનું ખૂબ સરળ છે. એ માટે દોઢથી બે કપ પાણી લઈને એમાં એક ટેબલસ્પૂન ગ્રીન કૉફી બીન્સ પલાળી દો. ગ્રીન કૉફી બીન્સને આઠથી દસ કલાક માટે રાત્રે પલાળીને રાખી દો. સવારે પલાળેલા બીન્સને એ જ પાણી સાથે ૧૦-૧૫ મિનિટ સુધી ઉકાળો. એ પછી કૉફીને ચાળીને થોડી ઠંડી થાય એટલે પીઓ. બીન્સ યુઝ ન કરવા હોય તો ગ્રીન કૉફી પાઉડર પણ મળે છે. તમારે બસ એક ટીસ્પૂન જેટલો પાઉડર એક કપ પાણીમાં ૧૦ મિનિટ સુધી ઉકાળવાનો છે. એ પછી કૉફીને ચાળીને ઠંડી થાય એટલે પી લેવાની છે. આમાં તમારે સાકર ઍડ કરવાની નથી. સ્વાદ માટે તમે ઇચ્છો તો થોડું મધ કે લીંબુનો રસ ઍડ કરી શકો છે. ગ્રીન કૉફીને તમે સવારે ડીટૉક્સ ડ્રિન્ક તરીકે પી શકો છો અથવા બપોરે જમવાના એક દોઢ કલાક પહેલાં લઈ શકો છો, જેથી જમતી વખતે માપસર ખાવામાં મદદ મળે છે. એ સિવાય એનર્જી-બૂસ્ટ મેળવવા માટે તમે વર્કઆઉટ કરતાં પહેલાં પણ આ ગ્રીન કૉફી પી શકો છો.
શેનું ધ્યાન રાખવું?
ગ્રીન કૉફી સ્વાસ્થ્ય માટે સારી છે એમાં કોઈ ના નથી, પણ જાળવીને એનું સેવન કરવું જોઈએ. દિવસમાં બે વારથી વધુ આ કૉફી ન પીવી જોઈએ. ઘણા લોકોને દિવસમાં ત્રણ-ચાર વાર કૉફી પીવાની આદત હોય છે. વધુપડતી ગ્રીન કૉફી પીવાથી ઍસિડિટી, ઊંઘ ન આવવી, બ્લડ-પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન જેવી સમસ્યા થઈ શકે છે.
આ કોઈ મૅજિક નથી
અહીં એ વાતનું ધ્યાન રાખવું કે ગ્રીન કૉફી કોઈ મૅજિક સૉલ્યુશન નથી કે એને પીને તમે વેઇટલૉસ કરી લેશો. એની સાથે તમારે હેલ્ધી ફૂડ, ડાયટ કન્ટ્રોલ અને ફિઝિકલ ઍક્ટિવિટી પર પણ ધ્યાન આપવું પડે. સરફરાઝ ખાને પોતે પણ રોટલી, ભાત, સાકર, મેંદો, બેકરીની આઇટમ્સ ખાવાનું ટાળ્યું હતું. એની સાથે જ ડાયટમાં ભરપૂર પ્રમાણમાં લીલી શાકભાજી અને ફળોનો સમાવેશ કર્યો હતો.


