Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નસકોરાંની આદત અનેક રીતે જોખમી

નસકોરાંની આદત અનેક રીતે જોખમી

24 May, 2023 04:16 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તાજેતરમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે દર પાંચમાંથી એક વ્યક્તિને ભયંકર કક્ષાનાં નસકોરાંની ટેવ હોય છે અને એ પણ પોતાની જાણ બહાર. સાવ સામાન્ય લાગતી આ હૅબિટ તમારા શરીરને કઈ રીતે અસર કરે છે અને યોગના માધ્યમથી એમાંથી કેમ છુટકારો મળી શકે એ વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

રોજેરોજ યોગ

પ્રતીકાત્મક તસવીર


નસકોરાંને કારણે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, સ્ટ્રોક, હૃદયરોગ જેવી અનેક  સમસ્યાઓ પણ થઈ શકે છે.

છેલ્લે ક્યારે તમે એક બાળકની જેમ સૂતા હતા? એકદમ મીઠી નીંદર કર્યા પછી ફ્રેશનેસ સાથે સવારે જાગ્યા હતા? ઓવર લિમિટ સ્ક્રીન ટાઇમ, બદલાયેલી લાઇફસ્ટાઇલ અને જુદા-જુદા હેલ્થ ઇશ્યુઝ વચ્ચે આમ પણ મોટા ભાગના લોકોની સ્લીપ ડિસ્ટર્બ્ડ હોય છે. એમાં વળી આજકાલ લોકોની ઊંઘનો સૌથી મોટો વિલન બન્યો છે નસકોરાં. યસ, ખર્રાટા લેવાની આદત પણ તમારી ઊંઘ અને એ સિવાય શરીરને પણ અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટીનીની ERJ ઓપન રિસર્ચ જર્નલમાં પબ્લિશ થયેલો એક સર્વે કહે છે કે દર પાંચમાંથી એક વ્યક્તિને નસકોરાં બોલાવવાની આદત છે અને આશ્ચર્યજનક રીતે મોટા ભાગના લોકોને એની ખબર પણ નથી. વિશ્વનું લગભગ વીસ ટકા પૉપ્યુલેશન ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆનો અનુભવ કરી રહ્યા છે. ઊંઘ ડિસ્ટર્બ્ડ હોય, ઓછી માત્રામાં ઑક્સિજન શરીરને મળતો હોય અને સાથે જ નસકોરાંને કારણે હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, સ્ટ્રોક, હૃદયરોગ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. સાવ સામાન્ય લાગતી આ સમસ્યા પાછળનાં કારણો અને એનાં યોગિક સોલ્યુશન શું હોઈ શકે એ વિષય પર વાત કરીએ. સમસ્યા જ નથી ગણતા


મોઢાની અંદરના મહત્ત્વના સ્નાયુઓ સૂવાના સમયે શિથિલ થઈ જવાને કારણે ઍરસ્પેસ માટે શ્વાસનળીમાં ઓછી જગ્યા રહેવાથી સંકોચનને કારણે શ્વાસ અંદર અને બહાર જતી વખતે ઘર્ષણ થાય છે અને પરિણામે કંપનનો અવાજ આવે છે, જેને આપણે નસકોરાં બોલાવવાં એવું કહીએ છીએ. ઘણા લોકોને સ્નોરિંગમાં સમસ્યા જ નથી દેખાતી. જોકે સામાન્ય લાગતી આ બાબત સામાન્ય નથી એમ જણાવીને ઈએનટી સ્પેશ્યલિસ્ટ, માસ્ટર્સ ઇન યોગ અને ભ્રામરીમાં પીએચડી કરનારા ડૉ. એમ. કે. તનેજા કહે છે, ‘સામાન્ય લાગતી આ બાબત મહત્ત્વપૂર્ણ એટલા માટે છે કે અલ્ટિમેટલી એનાથી બ્રેઇન પ્રભાવિત થાય છે. સામાન્ય રીતે સૂવાનું મુખ્ય કારણ છે કે તમારી નર્વસ સિસ્ટમ રિલૅક્સ મોડમાં હોય છે અને ત્યારે શરીરનું હીલિંગ પણ સરસ રીતે થતું હોય છે. પરંતુ નસકોરાં બોલાવતી વખતે જે કંપન થાય છે એનાથી બ્રેઇનમાં સતત સ્ટ્રેસનાં સિગ્નલ જાય છે, કારણ કે શ્વાસ અટકીને અંદર જઈ રહ્યો છે. પરિણામે બ્રેઇન કોર્ટિઝોલ, ઍડ્રિનલિન જેવાં હૉર્મોન્સનું સિક્રેશન વધારે છે; જે અલ્ટ‌િમેટલી આપણી સિમ્પથેટિક નર્વસ સિસ્ટમને ઍક્ટિવ કરે છે જે હકીકતમાં ઇમર્જન્સી મોડ માટે ડિઝાઇન થયેલી સિસ્ટમ છે. હવે વિચાર કરો કે સૂવાના સમયે, જ્યારે શરીર રિલૅક્સ્ડ અને રેસ્ટ મોડમાં જવું જોઈએ એને બદલે એ સ્ટ્રેસ મોડમાં અને ઇમર્જન્સી મોડમાં હોય તો એની અવળી અસર જ પડવાની. સૌથી પહેલાં તો શરીરની સંવાદિતા તૂટશે. આપણા શરીરના કોષોના સ્તર પર શરીરનું ફંક્શનિંગ ડિસ્ટર્બ થઈ જાય છે. કોષો દ્વારા એટીપી નામના એન્ઝાઇમ્સનું પ્રોડક્શન જ્યારે આપણે રિલૅક્સ હોઈએ ત્યારે થતું હોય છે એ પણ ઘટી જાય છે. બૉડીનું હીલિંગ રિવર્સ થઈ જાય છે. આ બધી જ અવસ્થા તમને આગળ જતાં ઓબેસિટી, હાઈ બ્લડ-પ્રેશર, કાર્ડિઍક ઇશ્યુઝ, નર્વસ સિસ્ટમને લગતી સમસ્યા, મસ્ક્યુલર ઇશ્યુઝ વગેરે આપશે. એટલે નસકોરાંનો જો સમયસર ઇલાજ ન થાય તો એ ઘણી રીતે નુકસાન કરી શકે છે શરીરને. બહુ જ ‌સાઇલન્ટ્લી એ અસરો દેખાવાની શરૂ થાય છે જેથી આપણે એની ગંભીરતા નથી સમજી શકતા.’

તો શું કરવું?


નસકોરાંને કારણે ઊંઘ ડિસ્ટર્બ થવી, શરીરને ઓછી માત્રામાં ઑક્સિજન મળવો અને સાથે બીજા લાઇફસ્ટાઇલ ડિસીઝને આમંત્રણ આપવું આટલું તો થાય જ છે, પરંતુ ગુડ ન્યુઝ એ છે કે આપણે થોડાક જીવનશૈલીના બદલાવ સાથે એને કન્ટ્રોલમાં પણ લાવી શકીએ છીએ. જેમનાં ૭૦થી વધુ સાયન્ટિફિક રિસર્સ પેપર મેડિકલ જર્નલમાં પ્રકાશિત થઈ ગયાં છે એવા ડૉ. તનેજા એના પ્રૅક્ટિકલ સોલ્યુશનની વાતો કરતાં કહે છે, ‘સૌથી પહેલી બાબત છે હાઇડ્રેશન. યસ, તમે પૂરતા પ્રમાણમાં પાણી પીતા હો એ નસકોરાં ન લાવવા માટે જરૂરી છે. બીજી બાબત છે તમારું નાક બ્લૉક ન રહેતું હોય એ. જો તમારું નાક સૂતા સમયે બ્લૉક થઈ જતું હશે તો નૅચરલી જ્યારે તમે શ્વાસ લેશો તો એ મોઢાથી લેવાશે અને એને કારણે ટંગ ડ્રાય થશે, ચોકિંગ સેન્સેશન બ્રેઇનને રૉન્ગ સિગ્નલ આપશે. જેમનું નાક વારે-વારે બંધ થઈ જતું હોય તેમને સાંજના સમયે હૉટ ઍન્ડ કોલ્ડ શાવર લેવાથી લાભ થશે. ઇન ફૅક્ટ, હૉટ ઍન્ડ કોલ્ડ શાવરથી તમારા નર્વના એન્ડિંગ પાર્ટ સ્ટિમ્યુલેટ થશે, છેક સુધી બ્લડ ફ્લો વધશે, જે સ્નોરિંગની સમસ્યામાંથી આરામ આપશે. એેવી જ રીતે સૂવાના છ કલાક પહેલાં તમે કાર્ડિયો જેવી એક્સરસાઇઝ કરશો તો એનાથી નાકની અંદરના ઇરેક્ટાઇલ ટિશ્યુ સંકોચાશે, જેથી તમારું શ્વસન વધુ બહેતર થશે અને નસકોરાં અટકશે. ઘણી વાર ઓવરવેઇટ લોકોને સૂવાના સમયે ડાયફ્રામનું લંગ્સ તરફ પ્રેશર વધતાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને એમાં ફૅટને કારણે નસકોરાંની સમસ્યા થઈ શકે છે. પેટની ચરબી અને ઓવરઑલ ચરબી ઘટાડવાની દિશામાં કામ કરો એ પણ નસકોરાંની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જરૂરી છે.’

યોગમાં શું કરશો?

યોગનો પણ ઊંડો અભ્યાસ કરનારા ડૉ. એમ. કે. તનેજા પાસે કેટલાક યોગિક સોલ્યુશન પણ છે નસકોરાંના, જેનાથી લાભ થયાનો તેમનો પોતાનો અનુભવ પણ છે. એ વિશેની વાતો કરતાં તેઓ કહે છે, ‘પવનમુક્તાસન, નૌકાસન, ધનુરાસન, શલભાસન જેવાં આસનો સ્નોરિંગમાં બહુ જ મૅજિકલ રિઝલ્ટ આપે છે. એનાથી તમારા પેટના મસલ્સ સ્ટ્રૉન્ગ થાય, પેલ્વિક ફ્લોરના મસલ્સ મજબૂત થાય, ઍક્સેસિવ ઍર હોય તો એ પણ નીકળી જાય. બીજું છે ઍબ્ડોમિનલ બ્રીધિંગ. અત્યારે દરેક રોગનો જવાબ છે પેટથી શ્વાસ લેવો. મોટા ભાગના લોકો પેરાડોક્સિઅલ બ્રીધિંગ કરતા હોય છે એટલે કે જે કરવાનું હોય એનાથી તદ્દન ઊંધું. નાના બાળકની જેમ પેટથી શ્વાસ લેવાની ટેવ સૌથી પહેલાં પાડવાની જરૂર છે. શ્વાસ અંદર જાય ત્યારે પેટ બહાર જવું જોઈએ અને શ્વાસ બહાર આવે ત્યારે પેટ અંદર જવું જોઈએ એ શ્વાસની સાચી પદ્ધતિ છે. ટંગ એક્સરસાઇઝ પણ નસકોરાની સમસ્યામાંથી છુટકારો લાવવા માટે ઉપયોગી નીવડી શકે છે. સૌથી વધુ પરિણામ મને મારા દરદીઓને સિંહનાદવાળું શ્વસન કરાવવામાં મળ્યું છે. જીભને બહાર કાઢીને ‌‌સિંહની જેમ ગર્જના કરતા હોઈએ એમ શ્વાસને ફોર્સ સાથે બહાર કાઢવો. શંખનાદ કરો એ પણ તમારા થ્રોટ, મોઢા અને જીભના મસલ્સની કૅપેસિટી વધારશે. બહુ જ નવું લાગશે પણ જો એક વર્ષ સુધી તમે સૂર્યાસ્ત પહેલાં જમી લો અને ભોજન અને ઊંઘવા વચ્ચે પાંચેક કલાકનો ગૅપ રાખો અને ઓવરનાઇટ ફાસ્ટિંગ કરો તો લિવરની કાર્યક્ષમતા સુધરે, ઓબેસિટી ઘટે અને એ નસકોરાંની ટેવમાં પણ રાહત આપે. ભ્રામરી પ્રાણાયામ, ‘આ’, ‘ઉ’ અને ‘મ’નું ચૅન્ટિંગ કરવાથી, એક્સટેન્ડેડ ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ અંદર લીધો હોય એના કરતાં વધુ લાંબો શ્વાસ બહાર કાઢવાની પ્રોસેસ પણ નસકોરાંમાં લાભ કરશે.’

ટ્રાય કરો આટલી પ્રૅક્ટિસ

આસન :  પવનમુક્તાસન, નૌકાસન, શલભાસન, ધનુરાસન, મત્સ્યાસન જેવાં આસનોથી અને જીભની નિયમિત કસરતથી પણ સ્નોરિંગની તકલીફમાંથી રાહત આપશે.
પ્રાણાયામ : વસિષ્ઠ પ્રાણાયામ એટલે કે પેટથી શ્વાસ લેવાનો અભ્યાસ કરો. 
ચૅન્ટિંગ : ભ્રામરી, ઓમકાર નાદ, ‘રં’ બીજ મંત્રનું ચૅન્ટિંગ વગેરેનો નિયમિત અભ્યાસ નસકોરાંની તકલીફમાં રાહત આપશે.

નસકોરાં બોલાવતી વખતે જે કંપન થાય છે એનાથી બ્રેઇનમાં સતત સ્ટ્રેસનાં સિગ્નલ જાય છે, પરિણામે બ્રેઇન કોર્ટિઝોલ, ઍડ્રિનલિન જેવાં હૉર્મોન્સનું સિક્રેશન વધારે છે. - ડૉ. એમ. કે. તનેજા

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 04:16 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK