Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > તમે યોગા ઍપ પર જઈને યોગ કરો છો?

તમે યોગા ઍપ પર જઈને યોગ કરો છો?

Published : 10 May, 2023 04:41 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગા ઍપની દુનિયામાં થોડાક સમય પહેલાં જ પગરણ પાડનારી બે ઍપ્લિકેશન બનાવનારાઓનો આ દિશામાં શું અભિપ્રાય છે એ વિશે વાત કરીએ

ફાલ્ગુની અમિત મહેતા

રોજેરોજ યોગ

ફાલ્ગુની અમિત મહેતા


છેલ્લા થોડાક અરસામાં યોગનાં વિવિધ પાસાંઓને આવરી લેતી ઍપ્લિકેશન્સની ભરમાર મચી છે અને કોવિડે ભલભલાના મનમાંથી ટેક્નૉલૉજીને લગતા છોછનું બાષ્પીભવન કરી નાખ્યું છે ત્યારે યોગ અને ટેક્નૉલૉજીનું મધુર મિલન શું કામ ખાસ છે એ જાણીએ અને યોગા ઍપની દુનિયામાં થોડાક સમય પહેલાં જ પગરણ પાડનારી બે ઍપ્લિકેશન બનાવનારાઓનો આ દિશામાં શું અભિપ્રાય છે એ વિશે વાત કરીએ


કોવિડે સૌથી સામાન્ય વ્યક્તિના જીવનમાં સૌથી વધુ કોઈ વસ્તુને વ્યાપક બનાવી હોય તો એ છે ટેક્નૉલૉજીનો ઉપયોગ. ઘરની બહાર પગ નહીં મૂકી શકનારા લોકોએ વિડિયોના માધ્યમે સેલિબ્રેશન પણ કર્યું અને પોતાની ફિટનેસનું ધ્યાન પણ રાખ્યું. આવતી કાલે દેશભરમાં ‘નૅશનલ ટેક્નૉલૉજી ડે’ની ઉજવણી થવાની છે ત્યારે યોગ અને ટેક્નૉલૉજીનો સમન્વય કઈ રીતે એક જુદો જ અનુભવ આપી શકે છે અને આવનારા સમયમાં કેવા-કેવા નવા બદલાવો માટે આપણે તૈયાર રહેવાનું છે એ વિષય પર વાત કરીએ અને સાથે યોગને આજના પરિપ્રેક્ષ્યમાં આવરી લેતી ‘લેવલ સુપરમાઇન્ડ્સ’ અને ‘સ્પંદન’ આ બે મોબાઇલ ઍપ્લિકેશન કઈ રીતે ખાસ છે અને એને યુઝર-ફ્રેન્ડ્લી બનાવવા માટે તેમના ફાઉન્ડર્સે શું ધ્યાન રાખ્યું છે એ જાણીએ. 



હજી તો ઘણો સ્કોપ


તમારા યોગ પૉશ્ચર્સનું કરેક્શન કરતાં અને અલાઇનમેન્ટને લગતાં સિગ્નલ આપતી સેન્સરવાળી યોગ મૅટ માર્કેટમાં આવી ગઈ છે. ઍક્ટિવિટી ટ્રેકર્સ અને સ્માર્ટવૉચ હવે જૂનાં થઈ ગયાં, પરંતુ ઘરબેઠાં તમારી સ્વતંત્રતાનું ધ્યાન રાખતી ઍપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ તો દિન દોગુના અને રાત ચોગુનાની ઝડપે ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે. આંકડા પર નજર કરીએ. ગૂગલ સર્ચ એન્જિનનો ડેટા કહે છે કે છેલ્લા ૨૦૧૯-’૨૦માં ‘યોગા ઍપ્સ’, ‘યોગા ફૉર બિગિનર્સ’, ‘માઇન્ડફુલનેસ ઍપય જેવા કીવર્ડ્સ દ્વારા સર્ચ કરવાનું પ્રમાણ ૬૫ ટકા વધ્યું છે. ૨૦૨૭ સુધીમાં આ માર્કેટ વૈશ્વિક સ્તરે લગભગ સાડાસાત અબજ ડૉલરને આંબી જાય એમ છે. ૨૦૨૦ની તુલનાએ ૨૦૨૧માં આ માર્કેટમાં ૫૪ ટકાનો રેવન્યુ-વાઇઝ વધારો નોંધાયો છે. કોવિડે બચ્ચા-બૂઢા-યુવાન એમ તમામને ઑનલાઇન કલ્ચર શીખવી દીધું. આજે પણ ઘણા યોગ ટીચર્સ ઝૂમ, ગૂગલમીટ, ફેસટાઇમ વગેરે પર યોગ સેશન્સ લઈ જ રહ્યા છે. તો બીજી બાજુ વ્યાપક બની રહેલી યોગા ઍપ્સ પોતાના સમયે પર્સનલાઇઝ્ડ ટચ સાથે લોકોને યોગમાં ઍક્ટિવ થવા માટે પ્રેરિત કરી રહી છે. 

યોગ ટીચરનો અનુભવ


નિયમિત ધોરણે યોગા ઍપ્સનો ઉપયોગ કરતાં અને યુટ્યુબ પર પણ કેટલાક વિશેષ વિડિયો ફૉલો કરતાં કાંદિવલીમાં રહેતાં ફાલ્ગુની અમિત મહેતા પોતે હોમ મેકર અને યોગ શિક્ષિકા છે. પોતે શીખવે છે, પરંતુ પોતાની સેલ્ફ-પ્રૅક્ટિસમાં બ્રેક ન લાગે એ માટે તેમણે ડિજિટલ માધ્યમનું શરણું લીધું છે. પોતાનો અનુભવ શૅર કરતાં તેઓ કહે છે, ‘પરિજ્ઞાન, કલ્ટફિટ, પ્રેક્ષા મેડિટેશન જેવી ઍપ ટ્રાય કરી ચૂકી છે. યુટ્યુબ પર શ્રીમદ રાજચંદ્રના, સૌરભ બોથરા વગેરેના વિડિયોઝને ફૉલો કરું છું. મારી દૃષ્ટિએ ડિજિટાઇઝેશનને કારણે તમે ક્યાં છો કે તમારે કયા સમયે પ્રૅક્ટિસ કરવી છે એની બાઉન્ડરી નડતી નથી. પ્લસ તમે ઘણાબધા એક્સપર્ટ પાસેથી સતત કંઈક નવું-નવું શીખતા રહો છો. જો તમારામાં ડેડિકેશન હોય તો આ ડિજિટલ પ્લૅટફૉર્મમાંથી પણ તમે ઘણું શીખી શકો છો.’

ઇન્ડિયન ઓરિજિન આ બે ઍપ્લિકેશન્સ કઈ રીતે ખાસ છે?

લેવલ સુપરમાઇન્ડ

મેડિટેશનનો વ્યક્તિગત જીવનમાં ભરપૂર લાભ મેળવનારા અને તમામ લોકો સુધી એ બેનિફિટ્સ પહોંચે એ ધ્યેય સાથે હર્ષિલ કારિયા અને બિયરબાઇસેપ્સના નામે સોશ્યલ મીડિયા પર પોપ્યુલર રણવીર અલાહબાદિયા દ્વારા ગયા સપ્ટેમ્બરમાં ‘લેવલ સુપરમાઇન્ડ’ નામની ઍપ લૉન્ચ કરવામાં આવી. દરેક એજગ્રુપના લોકો જેમાં પોતાને રિલેટ કરી શકે એવી મલ્ટિપર્પઝ આ ઍપમાં તમને મેડિટેશન, યોગાસન, અફર્મેશન, સ્લીપ રિલેટેડ યોગનિદ્રા, સ્લીપ સ્ટોરી, જર્નલિંગ, માઇન્ડ ગેમ્સ, ફોકસ મ્યુઝિક, બ્રેથ વર્ક, ઑફિસ યોગા સિરીઝ જેવું ઘણુંબધુ મળશે. પ્લસ ઇંગ્લિશ, હિન્દી, બેન્ગાલી, તેલુગુ, કન્નડ, ગુજરાતી એમ ભારતની જુદી-જુદી ભાષામાં કન્ટેન્ટ અવેલેબલ હોવાથી દરેક ભાષાની વ્યક્તિ એનો હિસ્સો બની શકશે. ફાઉન્ડર હર્ષિલ કહે છે, ‘ભારતીય પરંપરાના રૂટમાં રહેલા યોગને ટેક્નૉલૉજીમાં ક્યાંક એ સ્તર પર આપણે નહોતા પ્રેઝન્ટ કરી શક્યા અને આજના યુથને મજા આવે એ રીતે એની રજૂઆત થાય એવા પ્રયાસના ભાગરૂપે આ ઍપ અમે બનાવી છે. ઇન્ટરનૅશનલ સ્તર પર જે સ્ટાન્ડર્ડની ઍપ બને છે એ સ્ટાન્ડર્ડ મેઇન્ટેઇન કરીને પણ એમાં ભારતના રૂટ્સ બરકરાર રહે એનું ધ્યાન રાખ્યું છે. એટલે જ અમે એને ટૅગલાઇન આપી છે ‘મેડ માઇન્ડફુલી ઇન ઇન્ડિયા’. બીજું, પર્સનલાઇઝ ટચ માટે તમારા મૂડ અને તમારા મેન્ટલ સ્ટેટ મુજબની પ્રૅક્ટિસિસના ઑપ્શન છે. નેક્સ્ટ લેવલમાં વધુ પર્સનલાઇઝ્ડ ટચ આપવા માટે અમે AI ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને યુઝરની પરમિશન પછી તમારી જર્નલને સ્ટડી કરીને AI ટૂલ તમને તમારે કઈ પ્રૅક્ટિસ કરવી જોઈએ એનાં સજેશન આપશે અને સાથે જ લગભગ બે હજાર યોગ અને સેલ્ફ-મોટિવેશન, મેડિટેશનનાં પુસ્તકોના ડેટાના આધારે તમને ગાઇડ કરશે.’

આ ઍપના અત્યારે ચાર લાખ યુઝર્સ છે અને લગભગ વીસેક હજાર જેટલું પેઇડ સબસ્ક્રિપ્શન છે. હર્ષિલ કહે છે, ‘ધારો કે તમે સબસ્ક્રાઇબ ન કરો તો પણ ફ્રી કન્ટેન્ટ પણ ઘણી છે. મેં મારી લાઇફમાં જોયું છે કે મેડિટેશનથી માઇન્ડની ક્ષમતા, મેમરી, પર્ફોર્મન્સની સ્પીડ એ બધું જ ઇમ્પ્રૂવ થઈ શકે છે. ઍપ એ ટીચરનું રિપ્લેસમેન્ટ નથી. એક યોગ્ય યોગ ગુરુ દરેકના જીવનમાં હોવો જોઈએ પરંતુ આપણા સમયે અને આપણી સ્પેસમાં ગાઇડ કરી શકે એ માટેનું એક શ્રેષ્ઠ ઑલ્ટરનેટિવ માધ્યમ ઍપ બની શકે છે.’ 

નિષ્પંદ

૧૦૪ વર્ષ જૂની યોગની અગ્રણી સંસ્થા ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છ મહિના પહેલાં જ ‘નિષ્પંદ’ નામની ઍપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી છે. લગભગ બે હજાર જેટલા મેડિટેશનના અભ્યાસ, વિવિધ ફ્રીક્વન્સી, મ્યુઝિક, મંત્ર ચૅન્ટિંગ જેવાં અનેક આકર્ષણો આ ઍપ્લિકેશનમાં તમને મળશે. આ ઍપના ફાઉન્ડર અને ઇન્સ્ટિટ્યૂટના અસિસ્ટન્ટ ડિરેક્ટર હૃશી જયદેવ યોગેન્દ્ર કહે છે, ‘નિષ્પંદ એટલે સતત આપણા મનમાં ચાલતા વૈચારિક સ્પંદનોને રોકવા. માનસિક પરિતાપ  જ જુદા-જુદા મેન્ટલ ડિસઑર્ડરના રૂપમાં વ્યક્તિ ભોગવે છે એમાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત બને છે આ વિચારોનો અનકન્ટ્રોલ્ડ ફ્લો. ૧૦૪ વર્ષનો નિચોડ અને જુદા-જુદા અનુભવી શિક્ષકોના અનુભવોને અમે આ ઍપના માધ્યમે દુનિયા સામે પ્રસ્તુત કર્યો છે. ક્યાંક ને ક્યાંક યોગમાં ઑથેન્ટિક કહેવાય એવી કોઈક વ્યક્તિ કે સંસ્થા દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર કંઈક આવે એની જરૂર દેખાઈ રહી હતી. એમાં આ ઍપનો વિચાર અમને આવ્યો. અત્યારે એમાં મેડિટેશન, ફ્રીક્વન્સી મ્યુઝિક, વિવિધ મંત્રોની ધૂન છે પરંતુ સપ્ટેમ્બરમાં એનું અપડેટેડ વર્ઝન લૉન્ચ કરવાની અમે તૈયારી કરી છે જેમાં અમે ૫૦૦થી વધુ યુનિક આસનોના વિડિયોઝ, પ્લસ પર્સનલ યોગિક કાઉન્સેલિંગ જેવા ઘણા નવા ફૅક્ટર ઉમેરવાના છીએ. અત્યારના સમયની જરૂરિયાત મુજબ ટેક્નૉલૉજી અને યોગનું આ ઇન્ટિગ્રેશન મહત્ત્વનું છે. તેણે ભૌગોલિક અંતરને નિવારી દીધું છે. જેઓ મુંબઈમાં નથી તેઓ પણ આ માધ્યમથી ઇન્સ્ટિટ્યૂટનો હિસ્સો બની ગયા છે. અફકોર્સ, એનાથી પર્સનલાઇઝ્ડ ઑફલાઇન ક્લાસને કોઈ અસર નથી પડી રહી એ પણ અમે જોયું છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2023 04:41 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK