નૉર્મલ હોય કે સિઝેરિયન ડિલિવરી, આ બન્ને પરિસ્થિતિમાં સોજા આવતા હોય છે.
પ્રતીકાત્મક તસવીર
મારી બહેનની હાલમાં ડિલિવરી થઈ છે. બાળક અને બહેન બન્નેની તબિયત સારી છે. બાળકનું સ્તનપાન પણ વ્યવસ્થિત ચાલુ છે. બહેનના ખાનપાનનું પણ અમે પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ. આખી પ્રેગ્નન્સીમાં તેનું વજન ૧૫ કિલો જેવું વધ્યું છે, જે ડિલિવરી પછી ૨-૩ કિલો જ ઘટ્યું છે, પરંતુ ડિલિવરી પછી તે વધુ જાડી દેખાવા લાગી છે. તકલીફ એ છે કે તેને પગમાં ભારે સોજા આવી રહ્યા છે. તેના પગ દડા જેવા ફૂલી જાય છે. જોકે સોજામાં વધ-ઘટ થયા કરે છે. અમે તેનું બ્લડ-પ્રેશર માપ્યું તો એ ૧૨૦/૮૦ જ આવે છે. જો પ્રેશર ન વધતું હોય તો આ સોજા પાછળનું કારણ શું છે? કોઈ ખાસ ચિંતા જેવું ખરું?
ડિલિવરી પછી ઘણી સ્ત્રીઓને આ તકલીફ આવે છે. સોજાને લીધે તેને લાગે છે કે હું વધુ જાડી થઈ ગઈ, પરંતુ આ સોજા વિશે ચિંતા જેવું નથી. ડિલિવરી પછી વજનની તરત ચિંતા કરવી નહીં. જો બહેન કહેતી હોય તો તેને પણ સમજાવવી. અત્યારે તમારા બધાનું ધ્યાન વજન પર નહીં, બાળક અને મમ્મીની ખુદની હેલ્થ પર હોવી જોઈએ. રહી વાત સોજાની તો ડિલિવરી પછી શરીર પર કે ખાસ કરીને પગમાં આવતા સોજા શરીરની એક સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. નૉર્મલ હોય કે સિઝેરિયન ડિલિવરી, આ બન્ને પરિસ્થિતિમાં સોજા આવતા હોય છે. આ સમયે ઘણા લોકોને લાગે છે કે બ્લડ-પ્રેશરની તો કોઈ સમસ્યા નથી, પણ બ્લડ-પ્રેશર નૉર્મલ હોવા છતાં સોજા રહેતા હોય છે. એક વાર બાળક ગર્ભાશયમાંથી બહાર નીકળી જાય એ પછી બાળક જ્યારે હતું ત્યારે ગર્ભાશયમાં જે લોહીનો પ્રવાહ જતો હોય એ બંધ થઈ જાય છે. તો આ જે એક્સ્ટ્રા લોહી છે એ આખા શરીરમાં ફરીથી નૉર્મલ પ્રવાહ તરીકે ફેલાતો થઈ જાય ત્યાં સુધી સોજા આવી શકે છે. આ સોજા શરૂઆતનાં બે અઠવાડિયાંથી લઈને ૪૦ દિવસ સુધી રહી શકે છે. એ એની મેળે એક વાર લોહીનો પ્રવાહ વ્યવસ્થિત થઈ જાય પછી જતા રહે છે.
પરંતુ આ સમયે અમુક ઉપાયથી સોજા ઘટતા હોય છે. પહેલી વાત એ કે પગ લટકાવીને ન બેસવું. ખાસ કરીને સ્તનપાન કરાવતી વખતે. વ્યવસ્થિત ટેકો લઈને પગ ઉપર રાખીને જ બેસો. લટકાવવાથી સોજા વધશે. આ સિવાય નવી મમ્મીઓને ઊંઘ પૂરી નથી થતી હોતી એટલે પણ પગમાં સોજા આવતા હોય છે. પાણી પૂરતું પીઓ. વધુ પડતો સોડિયમ યુક્ત ખોરાક ન ખાઓ એટલે કે મીઠાનું પ્રમાણ અતિશય ન હોવું જોઈએ. માપસર પ્રમાણમાં જ ખાઓ. કપડાં એકદમ ઢીલાં પહેરો, ટાઇટ ન પહેરવાં. મસાજથી પણ થોડો ફરક પડશે.


