જો તમે ફિટ હશો તો તમારા આ સવાલનો જવાબ હા આવશે એવું ‘પાલમપુર’, ‘તેરી મેરી લવસ્ટોરી’, ‘અનામિકા’, ‘દેવાંશી’, ‘ઇશારોં ઇશારોં મેં’ જેવી સિરિયલો કરી ચૂકેલો અને અત્યારે સ્ટાર પ્લસની ‘કહ દૂં તુમ્હે’માં લીડ રોલ કરતા મુદિત નાયરનું કહેવું છે.
મુદિત નાયર
મારા માટે ફિટનેસ એટલે શરીર અને મનમાં હળવાશ હોવી. મારો લુક સારો હોવો અને તમારી પર્સનાલિટીમાં સ્ટ્રૉન્ગનેસનું નામ ફિટનેસ.
હા, જ્યારે પણ શરીર ભારે લાગે અથવા મનમાં હેવીનેસ લાગે ત્યારે માનજો કે બૉડીમાં કંઈક ગોટાળો શરૂ થયો છે. હળવાશનો આપણી હેલ્થ સાથે બહુ જ ઊંડો સંબંધ છે જેને મોટા ભાગના લોકો સમજી શકતા નથી. હેલ્થનું આ સૌથી અસરકારક પૅરામીટર છે. રોજ સવારે ઊઠો ત્યારે જાતને સવાલ પૂછો, ‘ઍમ આઇ ફીલિંગ લાઇટ?’
ADVERTISEMENT
જવાબ હા હોય તો તમારી લાઇફસ્ટાઇલ સાચી દિશામાં છે અધરવાઇઝ જીવનમાં બદલાવ લાવવાની તાત્કાલિક જરૂર છે.
રહો ઑલ્વેઝ ઍક્ટિવ| વીકમાં પાંચ દિવસ હું જિમમાં જાઉં છું. ખાલી પેટે સવારે એક્સરસાઇઝ કરવાનું બહુ મહત્ત્વનું છે અને આ મારો જાતઅનુભવ પણ છે. જોકે એ પછી પણ ચોવીસે કલાક તમારી સ્ફૂર્તિ અકબંધ રહેવી જોઈએ.
સવારે ઊઠીને રૂટીન પતાવી કાર્ડિયો કરવાનું અને વેઇટલિફ્ટિંગ પણ કરવાનું. બન્ને બાબતો મહત્ત્વની છે અને એના કરતાં પણ વધારે કંઈ મહત્ત્વનું હોય તો એ છે કે નિયમિતતા સાથે એ કરવામાં મોટિવેટેડ રહેવું, જે સરળ નથી.
આપણું મન આરામપ્રિય છે, એને ન કરવાનું બધું જ કરવું ગમે છે એવામાં એની પાસે ડિસિપ્લિન રખાવવી એ ખરેખર ચૅલેન્જિંગ છે એટલે જ તમારું રૂટીન અને તમારા ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જે તમારી અંદરના મોટિવેશનને જગાડેલું રાખે. આ જ કારણે આપણા વડીલોએ કહ્યું હશે એમ સંગત એવી રાખો જે તમને જરૂર પડે ત્યારે અને ત્યાં મોટિવેશન આપતી રહે.
ખાઓ, બટ બી એલર્ટ| ડાયટ પર ધ્યાન હોવું એ બહુ મહત્ત્વનું છે. એમાં તમે સહેજ પણ ગોટાળો કરશો તો એનું પરિણામ તરત તમારા શરીર અને મન પર દેખાશે. બહુ લાંબી રાહ જોવાની જરૂર નથી. માત્ર તમે એક દિવસ ખાવાપીવામાં ગોટાળો કરો, તરત તમને શરીરના કેવા હાલ થયા છે એનાં સિગ્નલ મળવા માંડશે. મારી વાત કરું તો હું કાર્બ્સ અને ગ્લુટન નથી ખાતો. ઇન્ડિયન અને જૅપનીઝ મારા ફેવરિટ ફૂડ છે. ઍક્ટિંગમાં આવ્યા પછી હેલ્થને લઈને હું વધારે સભાન બન્યો છું. નેમ, ફેમ અને મની કરતાં પણ ઍક્ટિંગે મને હેલ્થ પ્રત્યેની અવેરનેસ આપી એનો મને વધારે આનંદ છે.
હું દરેકને કહીશ કે તમારા હેલ્થ ગોલ્સ અને તમારા માટે હેલ્થમાં શું કામ કરે છે એ તમારે જાતે શોધવું પડશે. બે જુદી-જુદી વ્યક્તિને એક જ ટેક્નિક કામ લાગશે નહીં. તમારા માટે કેવા પ્રકારનું ડાયટ ઉપયોગી છે અને કયા પ્રકારના વર્કઆઉટમાં તમે કમ્ફર્ટેબલ છો એ તમારી પોતાની શોધ હોવી જોઈએ અને એના માટે શરૂઆતમાં જેટલા કરવા પડે એટલા એક્સપરિમેન્ટ કરવા જોઈએ. પરંતુ એક વાર તમને તમારી પર્સનાલિટી મુજબનાં ડાયટ અને વર્કઆઉટ મળી જાય પછી તમારે એની સાથે કાયમની દોસ્તી કરી લેવાની.
રુક જાના નહીં...
મારું આ ફેવરિટ સૉન્ગ છે. જ્યારે ડિમોટિવેટ થાઉં કે જાતને પુશ કરવાની આવે ત્યારે હું આ ગીત યાદ કરું છું. હેલ્થ હોય, કરીઅર હોય કે રિલેશનશિપ હોય; દરેકમાં કન્સિસ્ટન્સી મહત્ત્વની છે. તમે જો અટકી ગયા તો કન્સિસ્ટન્સી સમાપ્ત અને એની સાથે બધું જ ધીમે-ધીમે ખતમ. એટલે જ કહું છું, ચાહે કુછ ભી હો જાએ; રુક જાના નહીં, તૂ કહીં હાર કે...

