મોંમાંથી વાસ આવતી હશે તો કદાચ તમને ખબર નહીં પડે, પણ તમારી આસપાસના લોકો એનાથી તંગ આવી ચૂક્યા હશે. આ માત્ર એટિકેટ્સનો સવાલ નથી, પણ એ તમારા ખરાબ સ્વાસ્થ્યનું પણ લક્ષણ હોઈ શકે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કાનુડાએ મા જશોદાને પોતાનું મોઢું ખોલીને એમાં બ્રહ્માંડનાં દર્શન કરાવેલાં, કદાચ એવી જ રીતે આપણું મોં કેટલું સ્વસ્થ છે એ જોઈને ડૉક્ટર આપણું શરીર કેટલું સ્વસ્થ કે અસ્વસ્થ છે એ કહી આપે છે. ઓરલ હાઇજીનની અસર આપણા આખા શરીર પર પડે છે. જો પેઢામાં તકલીફ હોય, લાળગ્રંથિઓ બરાબર કામ ન કરતી હોય, દાંત દુખતા હોય કે એમાં સડો રહેતો હોય તો એ લક્ષણ માત્ર લોકલી જ અફેક્ટ કરે છે એવું નથી. આ લક્ષણ હાર્ટ ડિસીઝ, ડાયાબિટીઝ તેમ જ પેટની ગરબડનો નિર્દેશ કરે છે.
ઓરલ હાઇજીનમાં સૌથી કૉમન બાબત છે મોઢામાંથી વાસ આવવી. સમસ્યા એ છે કે વ્યક્તિને પોતાને ખબર નથી પડતી કે તેના મોંમાંથી દુર્ગંધ આવી રહી છે. મનાય છે કે લગભગ ૬૦ ટકા ઍડલ્ટ પૉપ્યુલેશનને ક્યારેક ને ક્યારેક મોંની વાસનો સામનો કરવો જ પડ્યો હોય છે. તમે જોયું હોય તો કેટલાક લોકોના મોંમાંથી હંમેશાં વાસ આવતી જ રહે છે તો કેટલાક લોકો બ્રશ કરે એ પછીના એક-બે કલાક બરાબર રહે, પણ પછી તરત વાસ આવવા માંડે. અલબત્ત, આ બધાની પાછળનાં કારણો અલગ-અલગ હોઈ શકે છે.
મોંમાંથી વાસ આવવાનાં અન્ડરકરન્ટ અનેક કારણો હોઈ શકે છે અને એનું સૌથી કૉમન કારણ છે ડીહાઇડ્રેશન. આ વિશે સમજાવતાં અંધેરીના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘મોંમાંથી વાસ આવવાનું કારણ મોં સુકાય છે એ છે. પૂરતું પાણી જ્યારે ન પીવામાં આવે ત્યારે મોંમાં રહેલા બૅક્ટેરિયાને મોકળું મેદાન મળે છે. જો તમને બીજી કોઈ ઓરલ સમસ્યા ન હોય તો તમે પૂરતું પાણી પીવાથી મોંની દુર્ગંધથી આસાનીથી બચી શકો છો. સામાન્ય રીતે ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવું. ઉનાળો છે તો થોડું વધારે પીશો તોય ચાલશે.’
જોકે મોં અને દાંતની હેલ્થ બાબતે આપણે બહુ અભાન રહ્યા છીએ, કેમ કે ભગવાને આપણને ૩૨ દાંત આપ્યા છે એમ જણાવતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘દાંત વધારે હોવાથી એકાદ દાંતને તકલીફ થાય ત્યાં સુધી આપણે જાગતા નથી. દાંતને રક્ષણ આપતું જે ઇનેમલ હોય છે એ આપણાં હાડકાં કરતાં વધુ મજબૂત હોય છે અને છતાં મોટા ભાગની સમસ્યા ઇનેમલ પાતળું અને વીક પડી જવાને કારણે થાય છે. મતલબ કે તમે દાંત પર કેટલો જુલમ કરો છો એનો કદાચ આપણને અંદાજ જ નથી.’
દુર્ગંધ આવવાનાં મુખ્ય કારણો છે મોં સુકાવું. દરેક વખતે પાણી પીવા માત્રથી એ સમસ્યા સૉલ્વ નથી થઈ જતી. એનું કારણ છે મોંમાં બીજી કોઈ તકલીફ. આ સમસ્યા શું હોઈ શકે એની વાત કરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘મોટા ભાગે ડાયાબિટીઝના પેશન્ટમાં ડ્રાય માઉથની સમસ્યા જોવા મળે છે એટલે મોં સુકાય છે અને બૅક્ટેરિયા પનપે છે. ઘણી વાર પેઢામાં ઇન્ફેક્શન થયેલું હોય એને કારણે પણ વાસ આવે છે, તો કોઈક દાંતમાં સડો થયો હોય અથવા તો બે દાંત વચ્ચે જમા થયેલો ખોરાક હોય ત્યારે પણ સ્મૅલ આવી શકે છે. ઘણી વાર માત્ર ઓરલ હાઇજીન જ નહીં, કબજિયાત પણ વાસ માટે કારણભૂત હોય છે. સિવિયર કબજિયાત હોય કે પછી લાંબા કલાકો સુધી ભૂખ્યા રહેવાનું થયું હોય કે પછી રિફ્લેક્સની સમસ્યા હોય ત્યારે પણ વાસ આવી શકે છે.’
ઉપાય શું?
ઘણા લોકો મોંમાં કંઈક ચગળ્યા કરે છે જેથી વાસ બહાર ફીલ ન થાય, પણ એ કાયમી સોલ્યુશન નથી. તાત્કાલિક નિવારણ માટે તમે શુગર-ફ્રી ચ્યુઇંગ ગમ ચગળી શકો છો જેથી તાત્કાલિક થોડો ફાયદો થાય, પણ મોં સાફ રાખવું એ લાંબા ગાળાનો ઉકેલ છે.
દિવસમાં બે વાર બ્રશ કરવું. જમ્યા પછી કોગળા કરવા.
રોજ એક વાર ફ્લોસ કરવું.
દર ૬ મહિને ડેન્ટિસ્ટને બતાવીને પેઢા કે દાંતમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એનું નિદાન કરાવી લેવું.