બાળકનું હીમોગ્લોબિન ઓછામાં ઓછું બાર ગ્રામ હોવું જોઈએ.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મારો દીકરો સાડા ત્રણ વર્ષનો છે. બૉડીમાં હેલ્ધી અને ગોળમટોળ હતો, પણ દરેક સીઝનમાં તેને તાવ, શરદી અને ખાંસી થઈ જાય છે. કફ ભરાઈ જવાને કારણે નાક બંધ થઈ જાય છે.
પૅરાસિટામૉલ સાથે કફ સિરપ આપવાથી તાવ ઊતરી જાય છે અને નાકમાં ટીપાં નાખો એટલે નાક ખૂલે. તેને વારંવાર શરદી થાય છે એ માટે ડૉક્ટરનું કહેવું છે કે તેનું હીમોગ્લોબિન ઓછું હોવાથી વારંવાર ઇન્ફેક્શન થાય છે. એ માટે એક મહિનો મલ્ટિ-વિટામિન્સ અને આયર્ન સપ્લિમેન્ટ્સ પણ આપ્યા, પરંતુ હીમોગ્લોબિન દસ ગ્રામથી વધતું જ નથી. જ્યારે તાવ-શરદી થાય એટલે તેનું વજન ઘટી જાય છે. રમતાં-રમતાં ચીડચીડિયો થઈ ગયો છે. વાતે વાતે રડે છે અને હવે તો વજન પણ વધતું નથી.
ADVERTISEMENT
બાળક ગોલુમોલુ હોય તો એ હેલ્ધી જ હોય એ જરૂરી નથી. હેલ્થની સૌથી પહેલી નિશાની છે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન સામે શરીરની આંતરિક સિસ્ટમ સજ્જ હોય તો જ શરીર સ્વસ્થ રહે. તમારા ફૅમિલી ડૉક્ટરનું સાચું કહેવું છે. જો હીમોગ્લોબિન ઓછું રહેતું હોય તો સ્વાભાવિક છે કે બાળકની ઇમ્યુનિટી નબળી જ રહે. બાળકનું હીમોગ્લોબિન ઓછામાં ઓછું બાર ગ્રામ હોવું જોઈએ. જોકે વજન ઘટતું હોય અને ઇન્ફેક્શન વારંવાર થતું હોય તો માત્ર લોહીની તપાસ જ પૂરતી નથી. સાથે એક એક્સ-રે અને મૉન્ટૉક્સ ટેસ્ટ પણ કરાવી લેવી. એનાથી જો બીજું કોઈ ક્રૉનિક ઇન્ફેક્શન હશે તો એનું નિદાન થઈ જશે.
બીજું, હીમોગ્લોબિન વધે એ માટે બાળકને હેલ્ધી ફૂડ આપવાનું રાખો. વેફર, બિસ્કિટ્સ, ચૉકલેટ જેવું જન્ક-ફૂડ આપતાં હો તો સદંતર બંધ કરવું. વિવિધ ભાજીઓને બાફીને એનો સૂપ, ખીચડી, દાળ-ભાત, ચણા-ગોળની લાડુડી જેવી ઘરે બનાવેલી ચીજો જ આપવી.
હવે જો તે દિવસમાં બે વારથી વધુ દૂધ પીતો હોય તો એ બંધ કરવું. હવે ફરીથી જો તેને તાવ આવે તો શરીર ગરમ લાગતાં જ ક્રોસિન સિરપ પીવડાવીને તાવ ઉતારવા ન મથવું. પહેલાં તાવ માપવો, એની નોંધ રાખવી. ક્યારે તાવ આવે છે અને કેટલો ચડે છે એ જોઈને પછી સિરપ આપો. આ નોંધથી ડૉક્ટરને યોગ્ય નિદાન કરવામાં મદદ થશે.

